19 January, 2025 11:05 AM IST | Chennai | Alpa Nirmal
સૌભાગ્યવતી દક્ષિણ ભારતીય સ્ત્રી પીળા રંગના સૂતરના દોરામાં થાલી (ખાસ પ્રકારનું પેન્ડન્ટ) પરોવીને પહેરે છે. મહા મહિનાના ગુરુવારે અલંગુડીના ગુરુમંદિરમાં હજારો પરિણીત સ્ત્રીઓ દોરો બદલવાની વિધિ કરવા આવે છે. કહેવાય છે કે અહીં આ વિધિ કરવાથી સુહાગનું સુખ ચિરંજીવ રહે છે.
જો તમે પોષ કે મહા મહિનામાં નવગ્રહ મંદિરની યાત્રા કરવા જવાના હો તો આ મહિનાના ખાસ-ખાસ દિવસોએ તમે વિધવિધ દેવોનાં જાતજાતનાં વાહનોમાં નીકળતા રથ ઉત્સવમાં સામેલ થઈ શકો. યસ, નવગ્રહના દરેક મંદિરના પ્રદક્ષિણા પથ પર જાતજાતના આકારના રંગબેરંગી કે સોનેરી-રૂપેરી પતરાથી જડેલી અનેકાનેક પાલખીઓ હોય છે, જેમાં ઉત્સવમ્ દરમ્યાન પૂજામૂર્તિને બેસાડાય છે અને ભારે તામજામથી રથયાત્રા કઢાય છે.
ગુરુમંદિરની જ વાત કરોને, આ પોષી પૂર્ણિમાએ તેમની ભવ્ય રથયાત્રા નીકળશે અને મહા મહિનાના વિશિષ્ટ દિવસે શંખ વડે ૧૦૦૮ અભિષેકમ્ પણ થશે.
વેલ, વેલ, વેલ, તામિલનાડુના નવગ્રહ મંદિરની સર્કિટના લાસ્ટ સેગમેન્ટમાં આજે આપણે બુધનદેવ અને ગુરુગ્રહના મંદિરે જઈશું અને પ્રાર્થના કરીશું કે આ બેઉ આપણું મંગળ કરે.
ગુરુમંદિર
એક કથા અનુસાર ગુરુતીર્થમનું શહેર અલંગુડી એ જ સ્થળ છે જ્યાં શિવજીએ પેલું હળાહળ વિષ પીધું હતું (જોકે અન્ય કથા મુજબ એ સિદ્ધપીઠ હૃષીકેશની બાજુમાં છે). ખેર, એ જે હોય તે પણ અલંગુડીના ગુરુમંદિરની એક ખાસ વિશેષતા તો છે જ. નવગ્રહના આઠેઆઠ ગ્રહોની અલાયદી મૂર્તિ છે અને તેઓ એ જ સ્વરૂપે પૂજાય છે. ઈવન ભારતનાં અન્ય સ્થળોએ આવેલા ગુરુમંદિરમાં પણ ગુરુદેવની પ્રતિમા હોય છે. તો ક્યાંક તેઓ સપત્ની પણ બિરાજમાન રહે છે. અરે, આ નવગ્રહ સર્કિટના સૂર્યનાર કોવિલમાં પણ ગુરુ દક્ષિણામૂર્તિ સ્વરૂપે છે. દક્ષિણામાં મૂર્તિ મીન્સ શિક્ષક મીન્સ ગુરુ. જે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી અજવાશમાં લઈ જાય. વળી વિશેષ વાત એ પણ ખરી કે અહીંની નીલકંઠ આપત સહાયેશ્વર તરીકે ઓળખાય છે. આપત્તિમાં સહાય કરનારાઓ માટે જ વર્ષના બારેય મહિના ગુરુદેવનું મંદિર ભક્તોથી ભરેલું રહે છે. હા, ગુરુવારે થોડી વધુ ભીડ રહે છે. એ ઉપરાંત ગુરુ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રયાણ કરે ત્યારે તો ગુરુમંદિરનું બે એકરનું પરિસર પણ નાનું પડે છે. કહેવાય છે કે દેવતાઓના ગુરુ કહેવાતા બ્રહસ્પતિદેવે આ પાવન સ્થળે ભગવાન શિવની વિશેષ ઉપાસના કરી હતી અને એથી જ તેને નવેનવ ગ્રહોમાં સર્વશ્રેષ્ઠ ગ્રહ હોવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. સ્થાનિક લોકોની એક કથા મુજબ સેંકડો વર્ષ પહેલાં અહીંના રાજાને સાત પુત્રો હતા. જેમણે એક વખત એક બ્રાહ્મણનું અપમાન કર્યું. અપમાન થતાં બ્રાહ્મણે રાજ્યવંશને નિર્ધનતાનો શ્રાપ આપ્યો અને રાજાનું રાજપાટ છીનવાઈ ગયું. અનેક વર્ષોની રઝળપાટને અંતે એ રાજાના સાતમા પુત્ર અને પુત્રવધૂએ અહીં આવીને દેવગુરુની ઉપાસના કરી જેના પરિણામે તેમનું સામ્રાજ્ય તેમને પાછું મળ્યું. આથી માન્યતા છે કે અહીં ભક્તિભાવથી પૂજા કરવાથી અને ૨૪ પ્રદક્ષિણા કરવાથી ૨૧ પેઢીનું દુર્ભાગ્ય સમાપ્ત થઈ જાય છે.
બુધમંદિરમાં નવી પેન સાથે લઈને જજો. અહીં પેન ચડાવવાથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ થવાય છે એવી માન્યતા છે.
અન્ય દક્ષિણ ભારતીય મંદિરોની જેમ પાંચસ્તરીય સુંદર ગોપુરમ ધરાવતા આ મંદિરમાં સ્વયંભૂ ભોલેનાથ, દક્ષિણામૂર્તિ (ગુરુ), ગણપતિ, કાર્તિક સ્વામી, લક્ષ્મીજી તેમ જ પાર્વતીમાતા પણ શોભે છે. દક્ષિણ પુરાણ અનુસાર માતા પાર્વતીએ શિવજી સાથે લગ્ન કરવા અહીં તપોસાધના કરી હતી. અહીં દક્ષ રાજાની બકરાના માથાવાળી મૂર્તિ પણ છે. દક્ષિણામૂર્તિ, શંકર ભગવાન સાથે અહીંના શુક્રવરા અંબિકા (લક્ષ્મીજી)માતા પણ ખાસ્સાં લોકપ્રિય છે. શુક્રવારે આવતા માઈભક્તો પહેલાં માતાને મથ્થા ટેકે છે અને ત્યાર બાદ નીલકંઠ તેમ જ ગુરુદેવને પગે લાગે છે. એ જ રીતે ગણપતિબાપ્પા અહીં કલંગમલ કથા વિનાયક નામે ઓળખાય છે. કહેવાય છે કે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ સંત સુંદરર અલંગુડી આવી રહ્યા હતા ત્યારે તેમની નાવ પૂરમાં ફસાઈ ગઈ અને કૈલાશવાસી ખુદ તેમની નાવમાં બેસી ગયા હતા અને ગણેશજીએ નાવને પલટતી રોકી હતી. સર્પગ્રહની દૃષ્ટિથી પીડિત, ભય, ભ્રમથી ગ્રસ્ત લોકો શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પામવા ઇચ્છુક અને લગ્નમાં બાધા આવતી હોય એવી વ્યક્તિઓ પણ આ વિનાયકને પૂજે છે.
અલંગુડી કુંભકોણમથી ૧૬ કિલોમીટર છેટું છે એથી અન્ય નવગ્રહ મંદિરોની સરખામણીએ આપત સહાયેશ્વરના મંદિરે ભક્તોનું આવન-જાવન વધુ છે.
બુધમંદિર
કુંભકોણમથી ૬૦ કિલોમીટરની દૂરી પર આવેલું થિરુવેકાંડુ અને બુધગ્રહનું નિવાસસ્થાન છે. આ સાથે એ અઘોરી શિવનું પણ સમરાંગણ છે. પુરાણકથા કહે છે કે થિરુવેંગડુમાં મારુથાવાસુરન નામે એક રાક્ષસ હતો. તેણે વિશેષ શક્તિ પ્રાપ્ત કરવા બ્રહ્માજીની તપસ્યા કરી. વિશિષ્ટ બળ મેળવી પેલો અસુર બેફામ થઈ ગયો અને સંતો, નિર્દોષ લોકોને રંજાડવા લાગ્યો. મારુથાવાસુરનથી પીડિત પ્રજાજનો અને સાધુ-સંતોએ શંભુનાથને પ્રાર્થના કરી અને આશુતોષે અઘોરી રૂપ ધારણ કરી મારુથાવાસુરનનો વધ કર્યો. એ ઉપરાંત ખુદ ઇન્દ્રદેવ પણ પોતાના સફેદ ઐરાવત પર બેસીને અહીં પધાર્યા છે. તો બુધ સહિત સૂર્ય તેમ જ ચંદ્રદેવે પણ આ શ્વેતનારણ્યેશ્વરની અર્ચના કરી છે.
આ મંદિર ઑલમોસ્ટ ૨૦૦૦ વર્ષ જૂનું છે. આદિત્ય ચોલ, રાજરાજા ચોલ દ્વારા નિર્મિત આ દેવળનું આર્કિટેક્ચર તો અનન્ય છે, પણ અહીં અનુભવાતી શાંતિ અનન્ય છે. કદાચ એટલે આ જ પરિસરમાં ત્રણ મોટાં તળાવ છે. બે એકરમાં વિસ્તરેલા આ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે અહીં બુધન મંદિર સાથે શ્વેતનારણ્યેશ્વર, અઘોરી મંદિર તેમ જ પાર્વતીપતિના નટરાજ રૂપનું અલાયદું મંદિર છે જેને આદિનટરાજન કહે છે. માન્યતા છે કે શિવશંભુએ ચિદમ્બરમ્ પૂર્વે અહીં નૃત્ય કર્યું હતું અને એમાંથી નટરાજ સ્વરૂપનો પ્રારંભ થયો હતો. મંદિરમાં અગિયારમી શતાબ્દીમાં નિર્મિત અર્ધનારીશ્વરની ઊભી મૂર્તિ છે. આ કાંસ્ય મૂર્તિના અડધા હિસ્સામાં શંકર અને અડધા ભાગમાં પાર્વતીજી કંડારાયેલાં છે. ૪૦ ઇંચની આ પ્રતિમા જોવાનું ચુકાય નહીં.
હાલ બુધ મંદિરમાં મોટા પાયે રિસ્ટોરેશનનું કાર્ય ચાલી રહ્યું છે છતાં દરેક સમયનાં અનુષ્ઠાનો થાય છે અને બુધદેવને બુધવારે સાંજે ૬થી ૮ વાગ્યા દરમ્યાન થતો અભિષેક જોવો એ જીવનનો એક લહાવો છે.
મુંબઈથી કુંભકોણમ કે થાંજાવુર જવાનાં માધ્યમોની તમને જાણ છે જ એ જ રીતે કઈ જગ્યાએ રહેવું એનો પણ ખ્યાલ છે, પણ એક વાત ખાસ યાદ રાખજો કે બુધ મંદિરમાં ૧૭ પ્રદક્ષિણા અને ૧૭ દીવા બુદ્ધિશક્તિ, કમ્યુનિકેશન સ્કિલ અને થોડી પ્રોસેસ ખીલવે છે અને એક્સપાન્ડ કરે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
દરેક નવગ્રહ મંદિરની જેમ આ મંદિરનું ઓપનિંગ સવારે ૬ વાગ્યે થાય છે અને બપોરે ૧૨થી ૪ બંધ રહી ફરી સાંજે ખૂલે છે. જોકે ગુરુ મંદિરનું સમયપત્રક થોડું લિબરલ છે. એક તો એ ઇમ્પોર્ટન્ટ હોવાથી તેમ જ કુંભકોણમ શહેરની નજીક હોવાથી અહીં ભક્તોનું આવાગમન વધુ છે. કુંભકોણમની વિઝિટે આવતા અને નવગ્રહ મંદિરની સર્કિટ ન કરનારા શ્રદ્ધાળુઓ પણ અલંગુડી અચૂક આવે છે.
દક્ષિણામૂર્તિને તેમ જ બુધન ગ્રહને ચડતાં વસ્ત્રો, પ્રસાદ, ફૂલ વગેરે પૂજાપો મંદિરની બહારથી જ મળી રહે છે.
બુધન સ્થળ કાશી સમકક્ષ પવિત્ર ગણાય છે છતાં અહીં ભાવિકોની એન્ટ્રી અપેક્ષાએ ઓછી છે.