14 January, 2020 02:50 PM IST | Kutch | Sunil Mankad
સૂર્યનું ઉત્તર તરફનું ભ્રમણ શરૂ થાય એ આમ તો એક ખગોળીય ઘટના છે, પરંતુ આપણાં શાસ્ત્રોમાં એને અનેક પરંપરાઓ સાથે વણી લેવામાં આવી છે. ખાસ કરીને ૧૪ જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનું પર્વ આપણા સમાજ અને સંસ્કૃતિ સાથે જે રીતે વણાઈ ગયું છે એ રીતે કચ્છમાં પણ આ પર્વની ઉજવણી અને પરંપરા અનોખી ભાત સાથે સંકળાયેલા છે.
આપણો દેશ કૃષિપ્રધાન સંસ્કૃતિ ધરાવે છે એટલે જો ખેતર ખેડવાનો દિવસ હોય તો એની ઉજવણી કરવામાં આવતી. વાવેતર કરવાનું હોય તો એની ઉજવણી કરાતી. ઘાસ વાઢવાનું હોય તો એની ઉજવણી કરાતી. ખેતરમાં ઊભેલા પાકની લણણીની ઉજવણી તો હજી આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે એ પોંગલ તરીકે ઓળખાય છે. કચ્છમાં પણ સદીઓથી ખેતીને, ઊગતા ધાનને ખૂબ મહત્ત્વ અપાતું, કારણ કે એક સમયે સિંધુ નદીનું વહેણ કચ્છમાં હતું ત્યારે કચ્છ ખૂબ ફળદ્રુપ પ્રદેશ મનાતો. એ પછી બીજી રીતે એટલે કે દુકાળ અને બંજર જમીનો પૈકી પણ જ્યાં-જ્યાં ધાન ઊગતું એ સોના જેવું ગણાતું. એથી જ કચ્છમાં પણ પહેલાં ઉત્તરાયણ-મકરસંક્રાંતિના દિવસે ધાન (અનાજ)નું મહત્ત્વ રહેતું. કચ્છનાં વૈષ્ણવ મંદિરોમાં બાજરો, ઘઉં, જુવાર એમ કુલ સાત ધાન સાથે શાકભાજી નાખીને ખાસ પ્રકારનો ખીચડો બનાવાતો. હજી પણ કેટલાંક મંદિરોમાં એ પરંપરા ચાલુ રાખવામાં આવી છે. આ ખીચડો પૌષ્ટિકતાનું પ્રતીક મનાતો. આમેય શિયાળો એટલે શાકભાજી અઢળક પાકે. કેટલાંક મંદિરોમાં શાકોત્સવ પણ યોજાય છે.
કચ્છમાં ઉત્તરાયણમાં એક પરંપરા એવી પણ છે કે મહિલાઓ પોતાના વિસ્તારોમાં ગલીએ-ગલીએ બાજરો ઊઘરાવે, પછી એને બાફી એમાં ગોળ નાખી ગાયોને ખવરાવે. શેરીએ-શેરીએ ચૂલો સળગે છે અને જેમને આ પુણ્યમાં ભાગ લેવાની ઇચ્છા હોય તે પોતાના ઘરેથી બાજરો લઈ આવી નાખે. હવે જોકે ફળિયા સંસ્કૃતિ રહી નથી ત્યારે વ્યક્તિગત ઘરોમાં આ પ્રથા ચાલુ છે. એ પરંપરામાં આપણી ગાયને દેવી માનવાની પરંપરા પણ સંકળાયેલી છે. આ પ્રથાને કચ્છમાં ઘૂઘરી કહેવાય છે.
જોકે ભારતના ગ્રામીણ વ્યક્તિનું જીવન ખૂબ નીચલા સ્તરે આવી ગયું છે. જૂની પરંપરાઓ સંપૂર્ણપણે અથવા તો અંશત: નાશ પામી છે. કચ્છમાં પણ પહેલાં ટ્રેક્ટરનો જમાનો નહોતો અને બળદોથી જ ખેતરો ખેડાતાં ત્યારે ખેડૂતો તેમના આખલાને સજાવતા, રંગોથી રંગતા અને ઉત્તરાયણના દિવસે ગૌરવ સાથે શેરીમાં લઈને ચાલતા.
કચ્છમાં જ્યારે રસ્તે રખડતા ભિખારીઓ ઓછા જોવા મળતા ત્યારે ભિક્ષા લેવા આવતા લોકો, સાધુઓ વગેરે માટે ઉત્તરાયણના દિવસે ભિક્ષા આપવાનો એક વિશેષ મહિમા હતો. કેટલેક અંશે કહીએ તો ભિક્ષુકો આજના સમયમાં જે રીતે ઉપેક્ષિત છે એવું નહોતું. દરેક ઘર સાથે તેમને ભિક્ષા લેવાના ચોક્કસ સંબંધો હતા. ઉત્તરાયણના દિવસે તો સવારથી જ દરેક ગલી-ફળિયામાં આવા ભિક્ષુકોની રીતસરની કતાર લાગતી અને મકરસંક્રાંતિ એ દાન-પુણ્યનું પર્વ હોવાથી દાન-ભિક્ષા આપવા માટે દરેક પરિવાર તત્પર રહેતો. આજે એ પ્રથા બિલકુલ નામશેષ થઈ ગઈ છે એમ કહીએ તો ખોટું નહીં ગણાય.
પતંગ ચગાવવાની પ્રથા તો ગુજરાતમાં જ્યારથી આવી ત્યારથી કચ્છમાં પણ એટલી જ પ્રખ્યાત છે. ભારતમાં પતંગ મુસ્લિમ વેપારીઓ કે બૌદ્ધ ધર્મી દેશોમાંથી કે ચીનમાંથી આવ્યા હોવાનું કહેવાય છે અને પતંગ ખાસ કરીને મકરસંક્રાંતિના ધાબા પર ચડીને ચગાવવાની પ્રથા ગુજરાતમાં જ વિશેષત: રહી છે ત્યારે કચ્છ પણ એમાં બાકાત નથી. કચ્છમાં પણ પતંગ ચગાવવાનું આ દિવસે વિશેષ મહત્ત્વ છે. મકરસંક્રાંતિના દિવસે આજે પણ કચ્છનો માહોલ ગઈ કાલથી જરાય જુદો નથી રહ્યો.
૧૯૮૯થી ગુજરાત ટૂરિઝમે તો મકરસંક્રાંતિના દિવસોની આસપાસ પતંગોત્સવની ઉજવણી રાજ્યસ્તરે વ્યાપક બનાવી દીધી છે. એમાં ય વિશેષ મહત્ત્વ કચ્છનું રહ્યું છે. કચ્છમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની દૃષ્ટિ કચ્છના સફેદ રણ પર પડી ત્યારથી કચ્છનું પ્રવાસન પરીકથા જેમ વિકસવા માંડ્યું છે. એમાં પણ કચ્છના સફેદ રણમાં પતંગોત્સવ સ્પર્ધા શરૂ થઈ જતાં હવે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગબાજો કચ્છના સફેદ રણમાં આવે છે અને કચ્છના સફેદ રણ પરનું આકાશ વિવિધ આકારના પતંગો સાથે કલર કેલિડોસ્કોપમાં ફેરવાઈ જાય છે. સાતે સમુદ્ર તરફથી આવતા પવનો જાણે કચ્છના સફેદ રણમાં યોજાતા પતંગોત્સવને વધુ લોકપ્રિય બનાવે છે. આ વર્ષે પણ ૧૧થી ૧૩ જાન્યુઆરીના યોજાયેલા પતંગોત્સવે કચ્છમાં ઉત્તરાયણ ઊજવવાના આકર્ષણને ઓર વધારી દીધું છે. હા, ઉત્તરાયણની ધાર્મિક કે સામાજિક પરંપરાઓ કચ્છની લોકસંસ્કૃતિ સાથે હજી જકડાયેલી રહી છે, પરંતુ એમાં પરિવર્તનના પવનો આવ્યા છે અને આધુનિક પરંપરાના પતંગોએ પણ એની ઉજવણી હજી બરકરાર રાખી છે.