શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો

13 October, 2024 12:09 PM IST  |  Mathura | Alpa Nirmal

મુંબઈમાં નવરાત્રિ ધામધૂમથી મનાવાય છે પરંતુ શરદપૂર્ણિમાએ રાસ રમવાનું ઝાઝું પ્રચલિત નથી. હા, ક્યાંક છૂટાછવાયા રાસ-ગરબાનાં આયોજન થાય, બાકી આપણે ત્યાં માત્ર દૂધ-પૌંઆ ખાઈને શરદપૂર્ણિમા ઊજવી લઈએ છીએ.

સનાતન ગોસ્વામી જેવો ભોગ મદનમોહનજીને ધરાવતા હતા એવી જ (જેને અહીં અંગ કઢી કહે છે) ઢોકળી આજે પણ અહીં ભગવાનને ધરાવાય છે.

મુંબઈમાં નવરાત્રિ ધામધૂમથી મનાવાય છે પરંતુ શરદપૂર્ણિમાએ રાસ રમવાનું ઝાઝું પ્રચલિત નથી. હા, ક્યાંક છૂટાછવાયા રાસ-ગરબાનાં આયોજન થાય, બાકી આપણે ત્યાં માત્ર દૂધ-પૌંઆ ખાઈને શરદપૂર્ણિમા ઊજવી લઈએ છીએ. પ્રાચીન શાસ્ત્રોની વાત કરીએ તો આસો સુદ પૂર્ણિમાએ ચંદ્રમા સોળે કળાએ ખીલેલો હોય છે. કહે છે કે એ રાત્રિએ ચંદ્રનાં કિરણોમાંથી અમૃત ઝરે છે અને એ અમીના પાનની શારીરિક, માનસિક અસરોથી આપણે વિદિત છીએ. સો, આજે એના વિશે આપણે વધુ વાતો નથી કરતા. આ સપરમે પર્વે આપણે તો જઈએ  છીએ વ્રજ વિસ્તારના ઓલ્ડેસ્ટ રાધા-કૃષ્ણના મંદિરે, કેમ કે આસો પૂનમે જ આપણા નટખટ નંદકુંવરે મહારાસની લીલા કરી હતી

મથુરા-વૃન્દાવન ધર્મનગરી છે. અહીં દરેક ગલીએ, ચોરાહે મંદિરો છે. ભક્તો માટે એ દરેક દેવાલયે જવાનું શક્ય નથી બનતું આથી તેઓ અહીં આવી પોતાનાં સાંપ્રદાયિક મંદિરોએ જાય છે અને કનૈયાનાં દર્શન કરી પાવન થાય છે.

 વેલ, વેલ, વેલ આ કારણે જ વૃન્દાવનના કાલિયા દાહ ટીલાની નજીક આવેલા વ્રજ વિસ્તારના  સૌથી પ્રાચીન કૃષ્ણ મંદિરથી આપણે પરિચિત નથી.

પંદરમી સદીની મધ્યમાં બનેલા આ મંદિરની બાંધણી અને કલાકારીગીરી જેટલી રોચક છે એટલી જ એની કથા રોમાંચક છે. દ્વારકાધીશના પ્રપૌત્ર વ્રજનાભજીએ દાદી રુક્મિણીજીને પૂછ્યું કે સમસ્ત વિશ્વ જેને ચાહે છે, હજારો ગોપીઓ જેના પ્રેમમાં રંગાયેલી હતી એવા શ્રીકૃષ્ણ મારા દાદા કેવા દેખાતા હતા? અને રુક્મિણીજીએ જે પ્રમાણે માધવનું વર્ણન કર્યું એ જ પ્રમાણે ખુદ વિશ્વકર્માએ એક પથ્થરમાંથી નટવરની ૩ મૂર્તિઓ ઘડી. એમાંની બે મૂર્તિઓ જયપુર અને કરૌલી (રાજસ્થાન)માં છે. અને જયપુરના એ ગોવિંદ દેવજીનાં દર્શન પણ આપણે કર્યાં છે. વળી એ મૂર્તિ વૃન્દાવનથી જયપુર કઈ રીતે આવી એ સ્ટોરીનો ખ્યાલ પણ દરેકને છે. આપણે આજે એના જયપુર પ્રસ્થાન પહેલાંની વાત કરવાની છે.

હા, તો વજ્રનાભ તેમના પરદાદાની એ પ્રતિમાઓની પૂજાઅર્ચના કરતા હતા અને વૃદ્ધ થતાં તેમણે એ મદનમોહન પુરુષોત્તમ ચૌબેને સોંપ્યા. અહીં એક સંપ્રદાયના મતે એ મૂર્તિઓ ચૈતન્ય મહાપ્રભુના સાથી અદ્વૈત આચાર્યને આ મદનમોહન સ્વરૂપ, અન્ય મૂર્તિઓ સાથે એક પીપળાના ઝાડ નીચેથી મળી હતી અને તેમણે ચૌબેને આપી હતી. ખેર, ચૌબેજીનાં પત્ની મદનમોહનની પોતાના ૬ વરસના બાળકની જેમ સંભાળ રાખતાં અને પૂજતાં. ચૌબેયનને સમય મળે એ પ્રમાણે મદનમોહનને સ્નાન કરાવતાં. જે રસોઈ બને, જેવું બન્યું હોય એવું ખાવાનું ભોગ તરીકે આપતાં, લાડ લડાવતાં અને ક્યારેક ટપારતાં પણ ખરાં. એક દિવસ ત્યાંથી પસાર થતાં સનાતન ગોસ્વામીએ ચૌબેનાં પત્નીની કૃષ્ણ સાથેની રકઝક જોઈ લીધી અને તેમણે એ બહેનને પ્રભુની ભક્તિ, પૂજા, ભોગ, શણગાર કઈ રીતે કરવાં એનું જ્ઞાન આપ્યું. પછી તો ચૌબે દંપતી એ જ પ્રમાણે મદનમોહનની સેવા કરવા લાગ્યું.

કાળક્રમે ચૌબેજી વૃદ્ધ થતાં તેમણે એ મૂર્તિ સનાતન ગોસ્વામીને સોંપી દીધી. અહીં અગેઇન, એક સંપ્રદાયના મતે પુરુષોત્તમ ચૌબે અને પત્નીની કોઈ કથા જ નથી. તેઓ માને છે કે સનાતન ગોસ્વામીને જ એક રાત્રે કૃષ્ણ સપનામાં આવ્યા અને કહ્યું કે વ્રજમાંથી તેમને ગયે હજારો વર્ષો થઈ ચૂક્યાં છે. લોકો ભક્તિથી વિમુખ થઈ ગયા છે. આથી તેઓ ત્યાં જાય અને વૃક્ષની નીચેથી તેમની દટાયેલી મૂર્તિ કાઢી સેવા કરે અને સ્થાનિક લોકોમાં ફરીથી કૃષ્ણપ્રેમ જગાડે. એ ન્યાયે એ સમયના બંગાળના ઠાકુર અને મુરારિના પરમ ભક્ત સનાતન ગોસ્વામી વ્રજમાં આવ્યા અને યમુના નદીના કિનારે એક ટીલા (ટેકરી) પર જ્યાંથી આ મૂર્તિ સાંપડી ત્યાં ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા અને કૃષ્ણની સેવા કરવા લાગ્યા. તેઓ ઝાડ-પાનથી બનાવેલી કાચી ઝૂંપડીમાં રહેતા, પ્રભુને પણ ત્યાં રાખતા. ગોસ્વામીજી દરરોજ મથુરા જઈ ભિક્ષા લઈ આવતા અને ભિક્ષામાં પ્રાપ્ત ચણા તથા ઘઉંના એ લોટમાંથી ઢોકળી વાળી રાબ બનાવી મદનમોહનને ભોગ ધરાવતા. લાંબો સમય આ સિલસિલો ચાલ્યો. વૃન્દાવન એ સમયે જંગલ હતું ને ગોસ્વામીજી અકિંચન.

અગેઇન, બાળ કનુડો એક દિવસ સનાતનજીને સપનામાં આવ્યો અને કહેવા લાગ્યો કે તું દરરોજ મને આવી લુખ્ખી ઘઉં અને ચણાના લોટની પાણીમાં પકવેલી ઢોકળી ધરાવે છે તો કદી સાથે મીઠું તો આપ ત્યારે ગોસ્વામીજીએ બાળગોપાળને કહ્યું કે આજે તું નમક માગે છે, કાલે માખણ-મિસરી માગીશ. એ હું ક્યાંથી લાવું? એવો મેવાભોગ આરોગવો હતો તો હું જ્યારે ઠાકુર હતો ત્યારે પ્રગટ થવું હતુંને!

ખેર, ફરી થોડો સમય વીતી ગયો. ત્યાં એક દિવસ એક વેપારી જેવી દેખાતી વ્યક્તિ વનવગડામાં રહેતા એ ગોસ્વામીજીની ઝૂંપડીમાં આવ્યા અને બાબાને વિનંતી કરી કે મારું વહાણ અહીં નદીમાં ફસાઈ ગયું છે. કેટલાય દિવસો થયા હાલતું-ચાલતું નથી. એમાં રાખેલો સામાન બગડી રહ્યો છે તો તમારા કાનુડાને કહો કે કૃપા કરે અને ફસાયેલું વહાણ બહાર કાઢે. ગોસ્વામીજીએ તેમને પૂછ્યું કે વહાણમાં શું છે? ત્યારે વેપારીએ જવાબ આપ્યો, ‘મીઠું અને ફળો.’ સ્વામીજી સમજી ગયા કે આ તો મારા કાનુડાની જ લીલા. થોડા દિવસ પહેલાં તે મારી પાસેથી મીઠું માગતો હતોને!

સનાતનજીએ મુલતાની સોદાગર રામદાસ ખત્રીને કહ્યું, મારો કાનુડો દયાવાન છે. એ તારું કામ કરી આપશે. બસ, એને રહેવા તું પાકું મકાન બનાવી આપજે. વેપારીએ વાત માની અને તેની યમુનાના વહેણમાં ફસાયેલી નાવ નીકળી ગઈ. કહે છે કે કાનજીએ એવી મહેર કરી કે વહાણમાં રહેલું મીઠું સોનું, રૂપું, હીરા-માણેકમાં રૂપાંતર થઈ ગયું અને ફળો કપુરમાં પરિવર્તિત થઈ ગયાં ને ત્યારથી રામદાસ શેઠ કપુર તરીકે ઓળખાવા લાગ્યા.

શ્રીજીની કૃપા થતાં રામદાસે પંદરમી સદીની મધ્યમાં દ્વાદશ આદિત્ય ટીલા પર કળા-કારીગીરીયુક્ત લાલ બલુઆ પથ્થરનું વિશાળ મંદિર બનાવ્યું અને મદનમોહનજીને એમાં સ્થાપિત કર્યા. ૬૦-૭૦ વર્ષનો ગાળો વીત્યો હશે ત્યાં તો મુગલ શાસક ઔરંગઝેબે સનાતન ધરોહરનાં મંદિરો તોડવાનું શરૂ કર્યું અને ૧૬૭૦ની સાલમાં એ ઓરિજિનલ મદનમોહનજીના સ્વરૂપને સીક્રેટલી ત્યાંથી રાજસ્થાનના કરૌલી શિફ્ટ કરાયા. આજે પણ એ મદનમોહનજી કરૌલીના મંદિરમાં બિરાજમાન છે. ત્યાર બાદ વૃન્દાવનના આ મંદિરમાં ઈ. સ. ૧૮૧૯માં બાહરૂ (પશ્ચિમ બંગાળ)ના જમીનદાર નંદકુમાર બાસુએ ઓરિજિનલ મદનમોહનજીના સ્વરૂપ જેવી જ બીજી મૂર્તિ અહીં સ્થાપિત કરાવી અને એ પછી રાધાજી અને સખી લલિતાજીની મૂર્તિ પણ અહીં પ્રતિષ્ઠિત થઈ અને મંદિરનું નૂતન નામકરણ થયું, રાધા મદનમોહનજી મંદિર.

નાગર શૈલીમાં બંધાયેલા આ કૃષ્ણ દેવાલયનું શિખર શંકુ આકાર જેવું છે અને ૨૦ મીટર ઊંચું છે. ઓરિજિનલ ભવ્ય મંદિર તો ઔરંગઝેબના આક્રમણ અને કાળની થપાટે ક્ષતિગ્રસ્ત થયું હતું એથી એનો પ્લાન થોડો બદલાયો છે પરંતુ સ્થાપકો, અહીંના સ્વામીઓ અને સરકારની માવજતથી આ પવિત્ર સ્થળ અડીખમ રહ્યું છે.

શિયાળામાં સવારે ૭થી ૧૨ અને સાંજે ૪થી ૮ દરમિયાન તેમ જ ગરમીના દિવસોમાં સવારે ૬થી ૧૧ અને સાંજે પાંચથી સાડાનવ દરમિયાન ખુલ્લા રહેતા આ મંદિરમાં વિરક્ત પરંપરા અનુસાર સેવા કરવામાં આવે છે. ટ્રિમ્ડ લોન ધરાવતા ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં જ સનાતન ગોસ્વામીની ભજન કુટિર છે અને પાછળની બાજુએ તેમની સમાધિ છે. મંદિરમાં જ પાંડુ લિપિમાં લિખિત કેટલાક પ્રાચીન ગ્રંથો પણ રખાયા છે. એક સમયે સાવ સમીપે વહેતાં યમુનાજી હવે તો મંદિરથી એક-દોઢ કિલોમીટર દૂર વહે છે, પણ મંદિર વૃન્દાવનની બાંકેબિહારી કૉલોનીમાં પરિક્રમા માર્ગ પર જ આવેલું છે એટલે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હો, આ વિસ્તારના મોસ્ટ ઓલ્ડેસ્ટ મંદિરમાં જરૂર જજો, કારણ કે હજી અહીંના વાતાવરણમાં મદનમોહનજીના બાળ સ્વરૂપની કિલકારીઓ ગુંજે છે.

વૃન્દાવન-મથુરા વૈષ્ણવોનું ફેવરિટ શ્રદ્ધેય સ્થાન છે. દેશના દરેક છેડાથી એ ટ્રાન્સપોર્ટનાં વિવિધ માધ્યમોથી સુપેરે જોડાયેલું છે. મથુરાનો મિજાજ અને વૃન્દાવનનું વહાલ એવું વર્લ્ડ ફેમસ છે કે હવે અહીં રહેવા માટે લક્ઝુરિયસ મઠ, સાદી-સસ્તી ધર્મશાળા, જ્ઞાતિભવનો, હોટેલ્સથી લઈ ફાઇવસ્ટાર રિસૉર્ટ જેવા મબલક ઑપ્શન છે. એ જ પ્રમાણે બ્રજ કા ભોજન પણ ૫૬ ભોગ સમાન છે. દેશી-વિદેશી બધી જ ફૂડ-આઇટમ્સ અવેલેબલ છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

ભારત પણ કમાલનો દેશ છે. અહીં એક જ તહેવાર  પ્રદેશ, સમુદાય અનુસાર ભિન્ન-ભિન્ન રીતે મનાવાય છે. આપણે ગુજરાતીઓ શરદ પૂનમે દૂધ-પૌંઆ ખાઈએ છીએ એમાં સુરતીઓ તો ઘારી ને ચવાણું ખાઈ ચાંદની પડવો મનાવે છે. તો ઉત્તર પ્રદેશ તેમ જ અન્ય ઉત્તરીય રાજ્યોમાં આ પૂનમે લક્ષ્મીજીનો બર્થ-ડે મનાવે છે. ભાવિકો તેમની પૂજા, અર્ચના, ઉપવાસ કરી રાત્રિ જાગરણ કરે છે. કહેવાય છે કે એ રાત્રિએ લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જ્યાં દીવા બળતા હોય, લોકો જાગતા હોય તેમને ત્યાં જાય છે આથી એ પ્રદેશોમાં એને કોજાગરી પૂર્ણિમા કહે છે. બુંદેલખંડમાં લોકો એ દિવસે ઉપવાસ રાખી શરીરે ચંદનલેપ કરે છે. સ્ત્રીઓ માવા અને મિસરીમાંથી ૬ લાડુ બનાવે છે અને લક્ષ્મી માતાને ધર્યા બાદ એક પોતે ખાય છે, એક પોતાની સખીને, એક બાળકને, એક ગર્ભવતી સ્ત્રીને અને એક તુલસીક્યારામાં ધરે છે. એ દિવસે સ્ત્રીઓ ભેગી થઈ સાત વખત સત્યનારાયણની કથા કહે છે તેમ જ આરતી પણ કરે છે.

આસો સુદ પૂર્ણિમા વાલ્મીકિજીનો જન્મદિવસ પણ છે એટલે અમુક વર્ગ તેમની પણ પૂજા કરે છે. કહેવાય છે કે રાજા રાવણ દર્પણના માધ્યમથી પોતાની નાભિ પર આ રાતના ચંદ્રમાની રોશની ગ્રહણ કરતા જેથી ચિરયૌવન પામી શક્યા હતા. જ્યોતિષ, આયુર્વેદ અને અન્ય પૌરાણિક શાસ્ત્રોમાં પણ એ રાત્રિએ ચન્દ્ર દેવની ઉપાસના કરવાનું તેમ જ ૧૬ કળાથી પરિપૂર્ણ ચંદ્રની ચાંદનીને ગ્રહણ કરવાનું વિધાન છે.

જેટલી ગોપીઓ એટલાં રૂપ ધરીને રમ્યા મહારાસ

કૃષ્ણ-ગોપીઓના મહારાસની વાત શી રીતે ભુલાય? મનમોહને આસો પૂનમની ચાંદની રાતે પોતાની વાંસળીઓના મીઠા સૂર રેલાવ્યા અને વ્રજની હજારો ગોપીઓ લોકલાજ મૂકી બાંસુરીના નાદે મોહન પાસે પહોંચી ગઈ ત્યારે જશોદાનંદને ગોપીઓને ટપારી કે અહધી રાત્રે ચારિત્રવાન સ્ત્રીઓ ઘરસંસાર મૂકી પરપુરુષ પાસે કેમ આવી? ત્યારે ગોપીઓએ કહ્યું તેઓ કૃષ્ણપ્રેમમાં મસ્ત છે અને હવે પાછી નહીં જાય. ગોપીઓના આવા અવિચલ પ્રેમથી પ્રસન્ન થઈ કાનુડાએ જેટલી ગોપીઓ હતી એટલાં રૂપ ધારણ કરી દરેકની સાથે મહારાસ આદર્યો અને એ રાસમાં જોડાવા ખુદ કૈલાસપતિ મહાદેવ ગોપીના વેશમાં મથુરા આવ્યા હતા (એ ગોપેશ્વર મહાદેવની યાત્રા પણ આપણે કરી છે). એ રાત્રિ હતી શરદપૂનમની. એ નિશાએ ચન્દ્ર પણ રણછોડરાયની આવી અદ્ભુત લીલા જોઈ વધુ તેજોમય અને પ્રકાશવાન થયો અને કવિએ ગીત રચ્યું, શરદપૂનમની રાતડી, રંગ ડોલરિયો (ડોલરના પુષ્પ જેવું ધવલ).

culture news life and style religious places mathura vaishnav community