રાજસ્થાનરો વૃન્દાવનમેં પધારો સા...

10 August, 2023 02:56 PM IST  |  Mumbai | Alpa Nirmal

આજે અધિક શ્રાવણ માસનો અંતિમ ગુરુવાર છે ત્યારે વાચક રાજ્જા માટે પુરુષોત્તમ મહિનાનો ડબલ પ્રસાદ, આજે એકસાથે બે કૃષ્ણમંદિરની માનસયાત્રા કરી પાવન થઈએ

ગોવિંદદેવજી મંદિરનું પ્રાંગણ

હાથમાં ઘડિયાળ પહેરવા પાછળ ગોપીનાથજીની કથા એમ છે કે એક અંગ્રેજ ટૂરિસ્ટને કહેવામાં આવ્યું કે આ પ્રભુ સાક્ષાત છે, જીવંત છે એટલે તેણે ચૅલેન્જના રૂપે પોતાની હાર્ટબીટ વૉચ ભગવાનને પહેરાવવા કહ્યું ઍન્ડ... મિરૅકલ... એ ઘડિયાળ ચાલવા લાગી.

તમને પાવર્ડ બાય હાર્ટબીટ વૉચ વિશે ખ્યાલ છે? એવી કાંડા ઘડિયાળ જે કોઈ બૅટરી (સેલ) કે સોલર ઊર્જા પર નહીં પણ આપણી હૃદયની ધડકન કે હાથ તથા બૉડીની મૂવમેન્ટમાંથી પાવર મેળવીને ચાલે અને સાચો સમય બતાવે.

વેલ, આવી વૉચ એક અંગ્રેજ ટૂરિસ્ટે ૫૦ વર્ષ પહેલાં જયપુરસ્થિત શ્રી ગોપીનાથજીના ચરણે ધરાવી અને ત્યાંના પૂજારીએ શણગારમાં ગોપીનાથના કાંડે પહેરાવી. ઍન્ડ ગેસ વૉટ? એ ચાલવા લાગી! ફક્ત ત્યારે જ નહીં, આજે પણ જ્યારે-જ્યારે કૃષ્ણના કાંડે આ ઘડિયાળ બંધાય છે ત્યારે-ત્યારે એની ટક-ટક ચાલુ થઈ જાય છે. આ જ પુરાવો છે કે ૫૦૦ વર્ષ પહેલાં વૃન્દાવનથી અહીં બિરાજમાન થયેલા જયપુરવાસીઓના દિલોદિમાગમાં ગોપીનાથજી જીવંત છે.

આપણે રાજસ્થાની પિન્ક સિટીને રાજમંદિર થિયેટર ને સિટી પૅલેસ તેમ જ હવામહેલ, શીશમહેલ જેવાં રાજવી સ્થાપત્યો તથા અન્ય રાજસી ઠાઠ માટે જાણીએ છીએ; પણ જયપુરવાસીઓ માટે તો શહેરના રાજા છે શ્રી ગોવિંદનાથજી અને શ્રી ગોપીનાથજી. જયપુરિયન્સ કોઈ પણ શુભ કાર્ય કરવા પહેલાં મોહનનાં એ બે સ્વરૂપનાં દર્શન અચૂક કરે છે. તો આજે ઊપડીએ જયપુરના રાજાના દેવાલયે જેમણે વર્લ્ડ ફેમસ ગુલાબી શહેરને રાજસ્થાનના વૃન્દાવનનો ખિતાબ અપાવ્યો છે.

પાંચ હજાર વર્ષ પૂર્વેની વાત છે. ૧૩-૧૪ વર્ષનો કિશોર શ્રીકૃષ્ણનો પ્રપૌત્ર વજ્રનાભ એક દિવસ તેનાં દાદી રૂકમાવતીને કહે છે, ‘દાદી, મારા પરદાદા શ્રીકૃષ્ણની શૌર્યની, કૌવતની, જ્ઞાનની વાતો તો મેં સાંભળી છે પણ મને કહોને, દ્વારકાધીશ તરીકે પુજાતા મારા પિતામહ કેવા દેખાતા હતા? એ સાંભળી, પ્રદ્યુમ્નનાં પત્ની અને અનિરુદ્ધનાં માતાએ પૌત્રને શ્રીકૃષ્ણના મુખારવિંદ, વક્ષઃસ્થળ, ચરણાર્વિંદનું વિસ્તૃત વર્ણન કર્યું. આ વખતે મહાન દેવતા વિશ્વકર્મા પણ ત્યાં વૃન્દાવનમાં હાજર હતા. રૂકમાવતીનું મોહક વર્ણન સાંભળી વજ્રનાભે શ્રીકૃષ્ણ બાળપણમાં જે શ્યામ પથ્થર પર બેસી નહાતા હતા એ પથ્થરમાંથી વિશ્વકર્માને મૂર્તિ બનાવવાનું કહ્યું અને યુનિવર્સના મહાન આર્કિટેક્ટ વિશ્વકર્માએ એ શિલામાંથી ત્રણ પ્રતિમા બનાવી, જેમાં એક મૂર્તિનો ચહેરો આબેહૂબ નટવર જેવો હતો, બીજી મૂર્તિનો ખભાથી કમર સુધીનો ભાગ અદ્દલ દેવકીનંદન જેવો બન્યો અને ત્રીજી મૂર્તિનાં ચરણ જગદ્ગુરુ કૃષ્ણ જેવાં જ બન્યાં. દાદી રૂકમાવતીની આંખોમાંથી એ સ્વરૂપો દેખી હર્ષાશ્રુ વહેવા લાગ્યાં અને વજ્રનાભ રણછોડરાયનાં આ ત્રણેય સ્વરૂપને જોઈ ખુશખુશાલ થઈ ગયો. તે વૃન્દાવનમાં આ ત્રણેય મૂર્તિને એક મંદિરમાં સ્થાપી પૂજા કરવા લાગ્યો.’

સદીઓ વીતતી ગઈ. ૧૦૦, ૨૦૦, ૫૦૦, હજારો વર્ષોનાં વહાણાં વહી ગયાં. એ મંદિર કાળની ગર્તામાં ધરબાઈ ગયું, વિસરાઈ ગયું. એકસાથે રહેલી ત્રણ મૂર્તિ પણ અલગ-અલગ થઈ ગઈ અને ભુલાઈ ગઈ. નાઉ કટ ટુ પંદરમી સદી. એક દિવસ કૃષ્ણનું મુખ ધરાવતા અને હાલે ગોવિંદદેવજી તરીકે જાણીતા પ્રભુ કોઈ મહંતને સાંપડ્યા. તેમણે જયપુરના રાજા માનસિંહને કહેણ મોકલ્યું કે આપ વૃન્દાવનમાં ગોવાળોના રાજા ગોવિંદદેવનું ભવ્ય મંદિર બનાવડાવો અને પ્રભુને એમાં સ્થાપિત કરો. કૃષ્ણપ્રેમી રાજા માનસિંહે બંસીધરની રાસલીલા ભૂમિમાં ઇમ્પ્રેસિવ આર્કિટેક્ચર ધરાવતું સાત મજલી મંદિર બનાવડાવ્યું. ઇતિહાસકાર જેમ્સ ફર્ગ્યુસન નોંધે છે કે એ વખતે આ વૈભવશાળી મંદિર ૧ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું હતું. રાજાએ એ મંદિરમાં પ્રભુનાં ત્રણેય સ્વરૂપને સ્થાપિત કર્યાં. (અહીં જોકે શ્રીકૃષ્ણના વક્ષઃસ્થળના સ્વરૂપ સમી મૂર્તિની સ્ટોરીમાં બે મત છે, જેની વાત આપણે આગળ કરીશું) થોડાં વર્ષ તો અહીં સુંદર પૂજા-દર્શન થયાં, પણ એ સમયે મુગલો ભારતમાં આવી ગયા હતા અને તેમની હકૂમત સ્થાપવા તેઓ આપણાં ઐતિહાસિક સ્મારકો, પ્રાચીન ધર્મસ્થાનો, પ્રભાવી મૂર્તિઓનું વિચ્છેદન કરી રહ્યા હતા, લૂંટફાટ અને અધમ મચાવી રહ્યા હતા. અત્યંત ક્રૂર મુગલ બાદશાહ ઔરંગઝેબ દિલ્હીથી કૃષ્ણ નગરી વૃન્દાવન પહોંચ્યો અને રાજા માનસિંહે અમૂલ્ય આભૂષણ સમ બનાવેલા દેવાલયના ત્રણ માળ તોડી નાખ્યા. ત્યારે ત્યાંના મહંત, પૂજારીને ડર લાગ્યો અને તેમણે ભગવાનની મૂર્તિઓ જમીનમાં દાટી દીધી અને રાજા માનસિંહને સંદેશો કહેવડાવી દીધો કે આ મૂર્તિઓ આપ તમારા રાજ્યમાં લઈ જાઓ. માનસિંહે ચતુરાઈ અને હિંમતથી એ ત્રણે મૂર્તિઓને પોતાની પાસે મંગાવી લીધી.

એ સમયે તેઓ જયપુર નગર વસાવી રહ્યા હતા અને પ્લાનિંગ વાઇઝ હાલ જ્યાં મંદિર છે ત્યાં સિટી પૅલેસ એટલે તેમનું નિવાસસ્થાન બનાવવાના હતા પરંતુ કૃષ્ણ પ્રતિમા આવતાં શહેરના મધ્યમાં એટલે પૅલેસની જગ્યાએ તેમણે પ્રભુનું નિવાસસ્થાન બનાવડાવ્યું. પાંચ વર્ષના ગાળામાં રાજાએ લાલ પથ્થર તેમ જ અંદરથી આરસપહાણ અને સોના-ચાંદીના નકશીકામની સુંદર હવેલી નિર્માણ કરાવડાવી અને હાલમાં ત્યાં મુખારવિંદ સ્વરૂપના ગોવિંદદેવ બિરાજે છે. ઍન્ડ તેની બે કિલોમીટર દૂર ચાંદપોલમાં કૃષ્ણના વક્ષઃસ્થળના સ્વરૂપના ગોપીનાથજીનાં બેસણાં છે.

હવે ગોપીનાથ મંદિર કોણે બનાવ્યું, ગોપીનાથજીને વૃન્દાવનથી કેવી રીતે, કોણ લાવ્યા, વૃન્દાવનમાં એ ક્યાંથી પ્રગટ થયા, કોને મળ્યા એ વિશે ભિન્ન-ભિન્ન મત છે. એક પૉપ્યુલર સ્ટોરી મુજબ મહાન ભક્ત પરમાનંદ ભટ્ટાચાર્યને એક રાત્રિએ ગોપીનાથ સ્વામી સપનામાં આવ્યા અને  વ્રજ ભૂમિના એક ગામનાં વામસીવટ વૃક્ષની નીચેથી આ સ્વરૂપ મળ્યું. બીજી કથા મુજબ આચાર્ય મધુ પંડિતને ઈશ્વરનું આ સ્વરૂપ સાંપડ્યું તો અન્ય એક સંપ્રદાયના મતે ચૈતન્ય મહાપ્રભુને ગોપીનાથ સ્વરૂપ પ્રાપ્ત થયું. હવે આમાંથી સત્યકથા શું છે એ તો સ્વયં ગોપીનાથજી જ જાણે પણ એક વાત પાકી છે કે આ મંદિરમાં શ્રીકૃષ્ણની બેઉ બાજુ રાધારાણીની મૂર્તિ છે, એક થોડી નાની અને એક ઠાકુરજી સાથે જોડીમાં શોભે એવી, જે અગેઇન એક યુનિક વિશેષતા છે. બે રાધારાણી હોવાની સ્ટોરી એ છે કે જ્યારે ગોકુલ-મથુરા વિસ્તારમાં આવેલા ખેતુરીગ્રામમાં ઠાકુરજીનું આ સ્વરૂપ બિરાજતું હતું ત્યારે ઓડિશાના પ્રખર ભક્તાણી જ્હાન્વા દેવી અહીં પૂજા અર્થે આવ્યાં હતાં. એ સમયે તેમને મનમાં  વિચાર આવ્યો કે ઠાકુરજી સાથે જે રાધાજી બિરાજે છે તે બહુ નાનાં છે. થોડાં મોટાં હોય તો ઠાકુરજીની સુંદરતા પણ વધી જાય. જોકે એ ખ્યાલ આવ્યા બાદ તેમને અફસોસ પણ થયો કે હું આવું વિચારવાવાળી કોણ? ભગવાનને જેમ યોગ્ય લાગે તેમ. પરંતુ મનમોહનની પદવી પામેલા પ્રભુને તો ભક્તના ભાવનો ખ્યાલ આવી જ જાયને. એ રાત્રે જ જ્હાન્વાદેવીને કાળિયા ઠાકરે સપનામાં દર્શન દીધાં અને રાધાજીની મોટી મૂર્તિ બનાવડાવી બાજુમાં સ્થાપિત કરાવવાનો આદેશ કર્યો. જ્હાન્વાદેવીને તો દોડવું’તું ને ઢાળ મળ્યો. તેમણે ખૂબ પ્રેમથી રાધાજીની મૂર્તિ અને અન્ય શણગાર બનાવડાવ્યા અને ગોપીનાથના મંદિરમાં ભેટ કર્યા. જયપુરમાં એ ગોપીનાથજી પધાર્યા સાથે બે રાધાજી પણ પધાર્યાં અને અહીં પણ તેમની બેઉ પડખે એક નાનાં, એક એનાથી મોટાં રાધા બિરાજે છે.

હવે બેઉ મંદિરનું મૅનેજમેન્ટ ભિન્ન છે, પરંતુ બેઉ જગ્યાએ ગૌડીય પરંપરા મુજબ ઠાકોરજીની પૂજા થાય છે. મંગળાથી લઈ સાંજના શયન સુધીના ૭ ડિફરન્ટ શણગાર, ભોગ, પદો ગવાય છે અને સ્થાનિકો એ દર્શનની ઝાંખી લેવા એ સમયે મંદિરમાં પહોંચી જાય છે.

સુદામાના સખાનાં બે સ્વરૂપ તો અહીં છે તો ચરણકમળનું સ્વરૂપ ક્યાં છે? એ પ્રશ્નનો જવાબ પણ જાણીએ. જ્યારે ત્રણેય સ્વરૂપ જયપુર આવ્યાં ત્યારે રાજા માનસિંહના બનેવી શ્રી ગોપાલસિંહજી, જેઓ પણ કૃષ્ણના ડાઇ હાર્ડ ભક્ત હતા, તેમને મદનમોહન સ્વરૂપ એટલે ચરણકમળનું રૂપ પોતાના રાજ્ય કરોલીમાં પધરાવવાની ખૂબ ઇચ્છા હતી. તેમણે સાળાસાહેબને વાત કરી. ત્યારે રાજા માનસિંહે શરત મૂકી કે જો તમે આંખે પાટા બાંધીને આ મૂર્તિઓમાંથી મદનમોહનનું સ્વરૂપ ઓળખી બતાવશો તો તમે એમને સાથે લઈ જઈ શકો છો. ગોપાલસિંહજી માટે તો અવઢવ થઈ ગઈ. દરેક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ કદ-કાઠીમાં લગભગ સરખાં હતાં. તેમણે તેમના આરાધ્યદેવ મદનમોહનને ખૂબ પ્રાર્થના કરી અને એ રાતે પ્રભુ ખુદ ભક્તના શમણામાં આવીને કહી ગયા કે ગોપાલસિંહ જ્યારે તેમને સ્પર્શ કરશે ત્યારે તેઓ તેમનો એક હાથ નીચો કરી દેશે અને ગોપાલસિંહની પરીક્ષા વખતે પ્રભુએ કહ્યું એમ કર્યું પણ ખરું ને મદનમોહન બિરાજ્યા આઇઆઇટી ટાઉન કોટાની નજીક આવેલા કરોલીમાં. આ સ્વરૂપનો એક હાથ આજે પણ નીચો છે. ૧૬મી સદીમાં બનેલું આ મંદિર પણ સુંદર છે અને નાનકડા ટાઉન કરોલીનાં ચાર મુખ્ય ધામોનું એક ધામ ગણાય છે.

ભક્તગણ માને છે કે શ્રીકૃષ્ણનાં આ ત્રણે સ્વરૂપની ઝાંકી કરવાથી પૂર્ણ પુરુષોત્તમનાં દર્શન થાય છે અને માન્યતા છે કે એક જ દિવસમાં જે ગોવિંદદેવ, ગોપીનાથ તેમ જ મદનમોહનનાં સ્વરૂપનાં દર્શન કરે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી દરરોજ જયપુરથી મોટી સંખ્યામાં ભાવિકો જયપુરના રાજાનાં દર્શન કરી ૧૬૦ કિલોમીટર દૂર કરોલી જઈ મદનમોહનના આશીર્વાદ લે છે અને મોક્ષપ્રાપ્તિનું પુણ્ય અંકે કરે છે.

મુંબઈથી જયપુર જવાના, ત્યાં રહેવા, જમવાના કોઈ ઑપ્શન જણાવવાની વાચકોને જરૂર નથી; કારણ કે રાજસ્થાનની રાજધાનીથી દરેક ભારતીય સુપેરે પરિચિત છે.

પૉઇન્ટ બ્લૅન્ક

જયપુરનો શાહી પરિવાર જેમને જયપુરના રાજા અને પોતાને રાજ્ય કારભાર ચલાવનાર દીવાન માને છે એ ગોવિંદદેવજી શહેરની મધ્યમાં જયનિવાસ ઉદ્યાનસ્થિત સૂર્ય મહેલમાં પ્રતિષ્ઠિત છે. અહીં તેમની એક બાજુ રાધાજી છે, બીજી બાજુ લલિતા સખી છે.

પ્રાંગણમાં શાહી હવેલી જેવા શિખર વગરના મંદિરની આજુબાજુ ટ્રિમ્ડ લૉન, કોતરણી અને ભીંતચિત્રોયુક્ત દીવાલો, સ્તંભો પરિસરને જોવાલાયક સ્થળની યાદીમાં મૂકે છે.

આ મંદિરમાં મોટો હૉલ છે, જેનો ઉલ્લેખ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નો પિર્લસ લાર્જેસ્ટ હૉલ તરીકે નોંધાયો છે. આ હૉલની છતોમાં ગુલાબી પથ્થરનું જે અનન્ય કામ છે એ અદ્ભુત વાસ્તુકલાનો પરિચય કરાવે છે.

કહેવાય છે કે જયપુરના મહારાજા સવાઈ માધોસિંહ (દ્વિતીય) આ ગોવિંદદેવજીની દરરોજ પૂજા કરતા હતા. તેઓ ક્યાંય બહારગામ જાય તો પણ આ પ્રતિમા અને ગંગાજળ સાથે લઈ જાય. ઈ. સ. ૧૯૦૨માં જ્યારે તેઓ એડવર્ડ સેવન્થના રાજતિલક સમારોહ માટે બ્રિટન ગયા ત્યારે સુધ્ધાં ગોવિંદદેવ અને રાધારાણીને સાથે લઈ ગયા હતા.

અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ જયપુરના ગોવિંદદેવ માટે દરરોજ હરદ્વારથી બે ચાંદીના વિશાળ કળશોમાં ગંગાજળ મંગાવાતું. આજે આ ચાંદીના કળશો મ્યુઝિયમમાં છે પણ હરદ્વારથી ગંગાજળ લાવવાની પરંપરા હજી યથાવત્ છે. દરરોજ તાજું અને શુદ્ધ ગંગાજળ આવે છે, જે ભક્તોને પ્રસાદરૂપે વહેંચાય છે.

culture news columnists life and style travel news alpa nirmal