આત્મનિરીક્ષણથી માણસ પોતાની ખૂબીઓ અને ખામીઓને પારખી શકે છે

05 September, 2024 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સત્સંગ દ્વારા મહાપુરુષોનાં ચરિત્રોનું અગવાહન કરવાથી આપણે તેમના સદ્ગુણો તેમ જ આપણા દુર્ગુણો વિશે જાગૃત થઈ શકીએ

પ્રતીકાત્મક તસવીર

જીવન એ ન કેવળ અંધારિયો પક્ષ છે કે ન કેવળ અજવાળિયો પક્ષ. મહર્ષિ વેદવ્યાસે આ વાત મહાભારતમાં ખૂબ જ સરળ રીતે સમજાવી છે. તેમણે પોતાનાં બધાં જ પાત્રોના ગુણદોષોની સવિસ્તર નિખાલસ ચર્ચા કરી છે. તેમણે ભીષ્મ, અર્જુન અને યુધિષ્ઠિર જેવાના પણ દોષ દેખાડ્યા છે. સામા પક્ષે દુર્યોધન કે કર્ણ જેવાના ગુણોનું પણ તેમને વિસ્મરણ થયું નથી. સારામાં સારા માણસમાં પણ કોઈ ખરાબી હોય છે તો ખરાબ માણસમાં પણ કંઈક સારું હોય જ છે.

આત્મનિરીક્ષણથી માણસ પોતાની ખૂબીઓ તેમ જ ખામીઓનો પરિચય સાધી શકે છે. ત્યાર બાદ ખૂબીઓને વધારવાનો તેમ જ ખામીઓને દૂર કરવાનો પ્રામાણિક પ્રયત્ન માણસે કરવો જોઈએ. સાવધાન રહીને માણસ ગુણસંવર્ધન કરતો રહે તો આગળ જઈને ધીરે-ધીરે બધા દોષો દૂર થઈ શકે છે.

સન્માર્ગના સત્સંગીને સુમતિ સાંપડે છે. પરિણામે તેને દુ:સંગમાં અભિરુચિ રહેતી જ નથી. કુમાર્ગે જવાની કુબુદ્ધિ તેનાથી સદા દૂર જ રહે છે.

સત્સંગ દ્વારા મહાપુરુષોનાં ચરિત્રોનું અગવાહન કરવાથી આપણે તેમના સદ્ગુણો તેમ જ આપણા દુર્ગુણો વિશે જાગૃત થઈ શકીએ. વર્ષના અંતે વેપારી જેમ સરવૈયું કાઢે છે એમ માણસે પણ સતત પોતાના જીવનનું સરવૈયું કાઢતા રહેવું જોઈએ. ક્ષણેક્ષણની જાગૃતિ વગર જીવનનો વિકાસ શક્ય જ નથી.

જોકે આપણે પારકી પંચાતમાંથી ઊંચા આવતા જ નથી. બીજાના રાઈ જેવડા દોષો પ્રત્યે આપણે સજાગ રહીએ છીએ, પણ આપણા નારિયેળ જેવડા દોષો પ્રત્યે આપણે દૃષ્ટિપાત કરતા નથી અને આંખ આડા કાન કરીએ છીએ. એટલે જ જીવનમાં કોઈ પણ સદ્ગુણ પ્રાપ્ત કર્યા સિવાય ઘણા લોકો આવ્યા એવા જ ખાલી હાથે પાછા જતા રહે છે. બીજાનાં ખિસ્સાં તપાસવા કરતાં પોતાના ખિસ્સામાં હાથ નાખીએ તો કંઈક મળે પણ ખરું. બીજા પાસેથી કંઈક શીખવું જ હોય તો કુદરત પાસેથી આપણે શીખવું જોઈએ. જોકે એ માટે અંતઃદૃષ્ટિની જરૂર છે. બીજાના દોષો કે ભૂલોનો રાઈનો પહાડ કરવાને બદલે કુદરતના નીરવ સ્વરૂપનો સત્સંગ કરવામાં આવે તો જીવન ધન્ય થઈ જાય.

સત્સંગની લગની જે જીવને લાગેલી હોય એ જીવનયાત્રીને વહેતી સરિતાગતિના પાઠ શીખવે છે તો ઘૂઘવતો સાગર તેના જીવનમાં સંગીત ભરે છે. અડગ રહેલો પહાડ તેને સ્થિરતા શીખવે છે તો વૃક્ષ તપસ્વી જીવનનું મહત્ત્વ સમજાવે છે. ચંદ્ર તેને શીતળતાની ભેટ ધરે છે, સૂર્ય તેજસ્વિતા પ્રદાન કરે છે અને પુષ્પ તેને સુગંધી જીવનનો મહિમા સમજાવે છે. જીવન તરફ જોવાની આવી અલૌકિક દૃષ્ટિ જો પ્રાપ્ત થાય તો જ સાચા અર્થમાં સત્સંગ થયો કહેવાય.

 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય  દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે.)

culture news life and style columnists