06 November, 2024 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચાર દાયકાથી પૃથ્વી થિએટર ફેસ્ટિવલ નાટક, સંગીત, નૃત્ય અને રચનાત્મક સંવાદનો ઉત્સવ બની રહ્યો છે- તસવીર સૌજન્ય PR
પૃથ્વી થિએટર ફેસ્ટિવલની ઑપનિંગ નાઇટ આ વર્ષની માફક પણ 3જી નવેમ્બરે પૃથ્વીરાજ કપૂરની જન્મતિથિ નિમિત્તે યોજાઇ. 3જી નવેમ્બરે શરૂ થયેલો પૃથ્વી થિએટર ફેસ્ટિવલ 18મી નવેમ્બર સુધી ચાલશે. જુહુના આઇકોનિક પૃથ્વી થિએટર પર વાર્ષિક ફેસ્ટિવલ દરમિયાન કલાત્મક અભિવ્યક્તિના વારસાને જીવંત રાખતી ક્ષણો એક અલગ જ માહોલ સર્જશે. ચાર દાયકાથી પણ વધુ સમયથી પૃથ્વી થિએટર ફેસ્ટિવલ સર્જકોને એક મંચ પર લાવતો રહ્યો છે.અનુભવી કલાકારોની કલા ભારતીય નાટ્ય વિશ્વના વારસાને કેટલો સમૃદ્ધ બનાવે છે તેનો પુરાવો એટલે પૃથ્વી થિએટર ફેસ્ટિવલ. આ વર્ષે પણ પંદર દિવસ ચાલનારા ફેસ્ટિવલમાં મોટલી, અરણ્ય, ડી ફોર ડ્રામા, દાસ્તાનગોઈ કલેક્ટિવ, ફેટ્સ ધીઆર્ટ્સ, અક્વેરિયસ, અંશ થિએટર ગ્રૂપ, આદિશક્તિટ રેપર્ટરી, પ્લેટફોર્મ થિએટર કંપની વગેરે થિએટર ગ્રૂપ્સનાં પ્રોડક્શન્સ રજુ થશે. સિમ્ફની ઑફ ઇન્ડિયા પણ 3 અકુસ્ટિક મ્યુઝિક કોન્સર્ટ્સ રજુ કરશે તો પચંમ નિષાદના ક્લાસિકલ મોર્નિંગ રાગ અને લુઇઝ બેંક્સનું જાઝ પણ પૃથ્વી થિએટર ફેસ્ટિવલનો હિસ્સો છે.
રુક્મિણી વિજયકુમારનું ખાસ નૃત્ય પ્રદર્શન પણ યોજાશે. વળી હંમેશની માફક પૃથ્વી હાઉસ બ્લેક બોક્સમાં 16 ફ્રિન્જ શોઝ થવાના છે તો ચાઇ વિથ વાય બાય ટીઆઇએફઆર થશે તો અન્ય પાર્ટનર પ્રોગ્રામમાં મેહફિલ બાય કથા કથન યોજાશે. પ્રજ્ઞા તિવારીના ચાર સ્ટેજ ટૉક્સ હશે તો યુકેના નેશનલ થિએટર પ્રોડક્શન્સનાં લાઇવ સ્ક્રીનિંગ પણ પૃથ્વી થિએટરનો હિસ્સો છે.
ફર્તાડોસે ક્યૂરેટ કરેલા યુવાન સંગીતકારોના 12 પ્લેટફોર્મ પરફોર્મન્સ થશે અને નાટ્ય, સંગીત, વાચન અને વાદન, નૃત્યનો આ ઉત્સવ વિવિધ લોકોને એક છત નીચે લાવશે.
પૃથ્વી થિએટરમાં થનારા તમામ કાર્યક્રમોની ટિકિટ્સ તમને બૂક માય શો પરથી મળી શકશે. અભિનેતા શશી અને જેનિફર કપૂરે હિન્દુસ્તાની થિએટરના લેજેન્ડ, દંતકથા સમાન પૃથ્વીરાજ કપૂરની યાદમાં બનાવેલા પૃથ્વી થિએટરમાં દર વર્ષે આ થિએટર ફેસ્ટિવલ યોજાય છે.
આ વર્ષે સાર્નેટા, રન અવે બ્રાઇડ્ઝ, પ્યાર આદમી કો કબૂતર બના દેતા હૈ, ખિચિક, જામ, દો છોટી કહાનિયાં, દાસ્તાન-એ-રેત સમાધી, બ્રિહન્લા, એબ્ડક્ટેડ, પિયક્કડ, હિંદ, અ વંડરફૂલ લાઇફ, તબિયત જેવા પ્રોડક્શન્સ પૃથ્વી થિએટર ફેસ્ટિવલમાં નિહાળી શકાશે. સાથે નાટકને લગતા સંવાદોનું પણ આયોજન છે જેમાં દિગ્ગજોની ચર્ચાઓમાંથી ઘણું શીખવા મળશે.
અલગ અલગ કલાકારો, નવા પ્રોડક્શન્સ, નવી રચનાઓને એક મંચ પર લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સુકાન સંભાળનાર વ્યક્તિ એટલે પૃથ્વીરાજ કપૂરના પૌત્ર કુણાલ કપૂર છે. શું યોજવામાં આવશે તે નક્કી કરવું, કાર્યક્રમોને ફાઇન ટ્યુનિંગ કરવું, જરૂરી સુવિધાઓ પૂરી પાડવી, થિયેટર જૂથો, નર્તકો, સંગીતકારો, મીડિયા અને અસંખ્ય અન્ય લોકો સાથે સંકલન કરવું, સહેલું નથી પણ ચાળીસ વર્ષ પહેલાં શરૂ થયેલી પરંપરા આજે પણ યથાવત્ છે અને તેમાં કોઇ મિનમેખ ન આવે એ રીતે ફેસ્ટિવલ યોજાતો રહ્યો છે.
કલાનો વારસો એક માત્ર એવી બાબત છે જેના થકી સમાજમાં જાગૃતિ આવી શકે છે કારણકે કલા એ સમાજનું પ્રતિબિંબ છે અને તેના થકી જ લોકોને વિચારતા કરી શકાય છે, નવી દિશાઓમાં વાળી શકાય છે. આ વર્ષે ખાસ બાબત એ પણ છે કે પરંપરાગત સ્વરૂપોથી માંડીને આધુનિક રંગમંચ પૃથ્વી ફેસ્ટિવલનો હિસ્સો બને છે. આ વર્ષે તો એલિસ ઇન વન્ડર લેન્ડથી માંડીને બૂકર પ્રાઇઝ જીતનાર સર્જન રેત સમાધિ જેવી વાર્તાઓ પણ આ પ્રોડક્શન્સનો ભાગ બની છે. શ્રેષ્ઠ બાબતોને શ્રેષ્ઠીઓ અને કલા રસિકો સુધી પહોંચાડવાની આ મજલ ચાળીસ વર્ષ ચાલી છે અને ચાલતી રહેશે એ ચોક્કસ.