midday

આપણી ગેરહાજરીમાં પણ કોઈ યાદ કરે, પ્રેમ કરે એનાથી મોટો કોઈ આનંદ નથી

13 January, 2025 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહત્ત્વના બનવું, માનવંતા બનવું એ માણસની સહજ સ્વભાવિક માનસિકતા છે. અચરજ પમાડે તેવા વેશ-કેશ કે અભિભૂત કરી દે એવાં કળા-કૌશલ્યથી અન્યના નોંધપાત્ર થવું એ માણસમાત્રને ગમે છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

અંગ્રેજીમાં કહેવાયું છે, ‘It’s nice to be important, but it’s more important to be Nice.’ બહુ સરસ અર્થ છે આ વાક્યનો.

‘મહત્ત્વના બનવું સારું છે, પરંતુ સારા બનવું એ વધારે મહત્ત્વનું છે.’

મહત્ત્વના બનવું, માનવંતા બનવું એ માણસની સહજ સ્વભાવિક માનસિકતા છે. અચરજ પમાડે તેવા વેશ-કેશ કે અભિભૂત કરી દે એવાં કળા-કૌશલ્યથી અન્યના નોંધપાત્ર થવું એ માણસમાત્રને ગમે છે. એમાં એક મજા છે. વાસ્તવમાં આ મજા, આ આનંદ અવધિમાં ટૂંકો અને પ્રમાણમાં ટાંચો છે, જે આવતાંની સાથે જ જવાની ઘડીઓ ગણે છે.

એક ચિંતકનું વાક્ય યાદ આવે છે.

‘The Greatest Happiness on this earth is Conviction that we are Loved.’ અર્થાત્ ‘આ પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ એ છે કે અન્યના હૃદયમાં આપણા માટે સાચા અર્થમાં પ્રેમ હોય અને એની આપણને ખાતરી હોય.’

કેટલી સરસ વાત, કેટલો સરસ ભાવ.

આપણી ગેરહાજરીમાં આપણને કોઈ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના યાદ કરે, આપણી ઉપસ્થિતિની ઝંખના કરે અને વિશેષ તો આપણા પ્રત્યેક પ્રસ્તાવને બહુધા સકારાત્મક પ્રતિભાવ સાંપડે ત્યારે સમજવું કે ખરા અર્થમાં અન્યનો પ્રેમ સંપાદિત કરી શકાયો છે જેના આનંદની અવધિ આંકી શકાતી નથી.

અન્યના અને ખાસ કરીને તો સમાજનાં જે માનવવર્તુળ વચ્ચે આપણે વધુ રહેતા હોઈએ તેમના હૃદયમાં આપણા માટે જન્મેલો એક શાશ્વત અને સીમારહિત પ્રેમ અને આદર એ ચારિત્ર્યયુક્ત સદ્ગુણી જીવનની અપેક્ષા રાખે છે.

સદ્ગુણોમાં શિરમોર છે નમ્રતા. મહાભારતના શાંતિ પર્વમાં પરાશર ઋષિ જનક રાજાને કહે છે,

‘પ્રજ્ઞાનાત્મબુદ્ધાઃ સમ્બુદ્ધાનામમાનિનઃ।’

અર્થાત્ ‘બુદ્ધિશાળીમાં આત્મજ્ઞાની શ્રેષ્ઠ છે અને એમાં પણ જે અહંકારરહિત છે, તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.’

મહાનપુરુષોની મહાનતા એ તેમની ‘નમ્રતા’નો જ પર્યાય છે. બુદ્ધિબળથી પ્રાપ્ત થતી મોટપના ભભકાથી અન્યને ભારોભાર આંજી દેવાનું તેમને પસંદ નથી. તેમની નમ્રતાનું આંજણ આપોઆપ લોકનજરે અંજાય છે અને એટલે જ તેઓ લોકહૃદયે અંકાય છે. આ જ તેમની ખરેખરી મોટપ છે, મહાનતા છે.   -પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

culture news life and style mahabharat mental health columnists gujarati mid-day