30 September, 2024 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ધમણ પાસે પ્રાણવાયુ છે, પણ પ્રાણ નથી. હૉકીની સ્ટિક પાસે માથું છે, પણ વિચારો નથી. પ્લાસ્ટિકનાં ફૂલ પાસે સૌંદર્ય છે, પણ સુવાસ નથી. સાગર પાસે પાણી છે, પણ એમાં તૃષાતૃપ્તિ નથી. લોભી પાસે સંપત્તિ હોય તોયે તેની પાસે નથી સામેવાળાના દુઃખને સમજી શકતું હૃદય.’
આ વાત નીકળી એ દિવસના પ્રવચન પછી બપોરે એક ભાઈ મળવા આવ્યા, તેમને હું રોજ પ્રવચનસભામાં જોતો.
‘મહારાજસાહેબ, આજે પ્રવચન સાંભળી સીધો ઑફિસે ગયો અને ત્યાં જે સુંદર કામ કર્યું એની જાણ કરવા હું આવ્યો છું...’ ભાઈએ હર્ષ સાથે વાત માંડી, ‘મારી ઑફિસમાં કાયમી માણસો નવ અને હમાલી કામ કરતા માણસો પણ નવ. બધુંયે મળીને અઢાર જણ ઑફિસના કામમાં. આ દરેકે પગાર ઉપરાંત થોડી-ઘણી રકમ ઑફિસમાંથી વ્યાજે ઉપાડેલી. કોકના નામે ૩૦૦૦ તો કોકના નામે ૫૦૦૦ બોલે. કોકના નામે ૨૦,૦૦૦ પણ બોલે તો કોકના નામે ૫૦,૦૦૦ પણ બોલે.’
ભાઈના શબ્દોમાં ઉત્સાહ પણ હતો અને ખુશી પણ હતી.
‘તે અઢારને મેં બોલાવ્યા ઑફિસમાં અને લેણી નીકળતી તમામ રકમ મેં માફ કરી દીધી. તેમના ચહેરા પર જે ખુશી હતી એ ખુશી શબ્દોમાં વર્ણવવાની મારામાં તાકાત નથી, શું કહું હું આપને? દર મહિને પગાર ચૂકવતી વખતે તેમની પગારની ૨કમમાંથી ૨૦૦-૫૦૦ રૂપિયા જેટલી રકમ કપાતી વખતે તેમનામાં અંકાઈ જતી વેદનાની રેખા વાંચવા હું આંધળો હતો. એક બાજુ આ મોંધવારી અને બીજી બાજુ પગાર, તેમનો જીવન-નિર્વાહ થાય પણ લોભાંધતા કોનું નામ. આજ સુધીમાં એ દિશામાં વિચારવા તૈયાર નહોતો, પણ હવે સાંભળવા રહ્યાં છે પ્રભુનાં વચનો અને તેણે જ સદ્બુદ્ધિ સુઝાડી છે.’ ભાઈની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં, ‘આપ નહીં માનો, પણ માણસોની આંખોમાં એ સમયે જે પ્રેમ અને વાત્સલ્ય મેં જોયાં એ જોઈને સાચે એ સમયે હું રડ્યો છું. મને પહેલી વાર અનુભવ થયો કે પૈસા રાખવાના, માગવાના અને વધારવાના આનંદને ક્યાંય ટક્કર લગાવી દે એવો આનંદ તો પ્રસન્નતાપૂર્વક પૈસા છોડી દેવામાં અનુભવી શકાય છે. મહારાજસાહેબ, રૂપિયા કમાવવાનું પરાક્રમ તો કર્યું મેં, પણ એ છોડવાનું મહાપરાક્રમ આજે કર્યું, જેનો મારો આનંદ પરાકાષ્ઠાએ છે. એ અઢારેય જણ આપનાં દર્શન માટે આવ્યા છે, કારણ તેમની સમક્ષ મેં ખુલાસો કર્યો કે તમારી આ રકમ છોડી દેવાની મને જાગેલી સદ્બુદ્ધિ એ ગુરુદેવની પ્રેરણાને આભારી છે.’
એ અઢારેય માણસો જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તેમના એ શેઠના ભવ્ય પરાક્રમની ઝાંખી તેમની આંખોમાં નિહાળી. એ ચમક શેઠને પૈસા કમાવી આપતી વખતે પણ ક્યારેય જોવા નહીં મળી હોય.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.