માનવ અર્થશાસ્ત્ર વિષય હવે માત્ર અર્થશાસ્ત્ર રહી ગયો છે, માનવ એમાંથી ગાયબ છે

24 September, 2024 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે માનવ ગાયબ કરીને કોરું અર્થશાસ્ત્ર ભણાવવામાં આવે છે. મૂલ્યોની શૂન્યતા એ વ્યક્તિમાં-વસ્તુમાં લાવી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

‘બેટા, સુખી થજે,’ પગે લાગતા દીકરાને આશીર્વાદ આપતાં મમ્મીએ કહ્યું. દીકરો સહેજ હસ્યો અને બોલ્યો, ‘શું મમ્મી તું પણ. આજે મારો અને તારો જન્મદિવસ છે. આજે કંઈક નવું કહેને.’
મમ્મી વિચારમાં પડી ગઈ. થોડી સેકન્ડોના મૌન પછી મમ્મી એ પૂછ્યું, ‘આજે તારો જન્મદિવસ છે એ બરાબર, પણ મારો જન્મદિવસ આજે ક્યાં છે? મારો તો નવેમ્બરમાં આવશે.’ દીકરાએ લૉજિકલી સમજાવ્યું, ‘મમ્મી, મારા જન્મ પહેલા તું મમ્મી હતી? નહીંને, હવે તું જ કહે, તું કયા દિવસે મમ્મી બની?’ બન્ને હસી પડ્યાં. દીકરાએ ફરી દોહરાવતાં કહ્યું, ‘તો મમ્મી, આજે સમથિંગ સ્પેશ્યલ.’

થોડું વિચારીને મમ્મી જે વાક્ય બોલ્યાં એ દરેક વિદ્યાર્થીએ, વેપારીએ, નોકરિયાતે, સરકારી અધિકારીએ કે ચૂંટાયેલા નેતાએ મગજમાં ઉતારવા જેવો જીવનમંત્ર છે.

ઓછું ભણેલાં પણ વધુ ગણેલાં એ મમ્મીએ દીકરાના માથે હાથ મૂકતાં કહ્યું, ‘બેટા, એટલો શ્રીમંત થજે કે દુનિયાની કોઈ પણ મોંઘી ચીજ તું ખરીદી શકે, પણ એટલો મોંઘો રહેજે કે દુનિયાનો કોઈ શ્રીમંત ક્યારેય તને ખરીદી ન શકે.’

મેસેજ બહુ સ્પષ્ટ અને સમયોચિત છે, ‘બી અ પર્સન ઍન્ડ નેવર અ પ્રોડક્ટ.’ કારણ કે જીવન કરતાં અને વસ્તુના મૂલ્ય કરતાં જીવનમૂલ્યો અમૂલ્ય છે.

મમ્મીઓ સદાચાર અને શિષ્ટાચાર શીખવતી હશે, પણ એને ઝીલી નહીં શકનારાઓનો સમાજ ઊભો થાય ત્યારે ભ્રષ્ટાચારનો ભોરિંગ સમાજ ફરતે ભરડો લે છે. કેટલાક મુદ્દા વિચારીએ જોઈએ.
નવા બનેલા રસ્તાઓ માત્ર ત્રણ મહિનામાં પહેલા વરસાદે ધોવાઈ કેમ જાય છે? જો કોઈ ટૂ-વ્હીલર લાઇનની સહેજ બહાર નીકળી જાય કે ગમે ત્યાં પાર્ક થઈ જાય તો તરત એને લૉક કરી દેવામાં આવે છે અને દંડ વસૂલાય છે, પણ આ રીતે કોઈ લક્ઝરી બસ ઉપાડી લેવાઈ હોય કે લૉક મારી દીધું હોય એવું ક્યાંય સાંભળ્યું છે ખરું? બિનગુનેગારને ઉપાડી જવાની અને કેટલાક ગુનાની ફરિયાદ પણ નહીં નોંધવાની નીતિ શું સૂચવે છે? પેપરલીકની ઘટના કેટલાકના ઍકૅડેમિક લાભમાં હોવા કરતાં કોઈના વ્યક્તિગત આર્થિક લાભમાં હોવાનું વધુ સંભવિત છે. 

ખોરાકી ભેળસેળ કરનારો વેપારી એટલું કેમ નથી સમજતો કે પોતાના મામૂલી આર્થિક લાભ ખાતર કોઈના આરોગ્ય સાથે અને ક્યારેક જીવન સાથે અને પોતાના ખુદના પરિવાર સાથે કેટલો મોટો ખેલ કરે છે. અગાઉ અર્થશાસ્ત્રને બદલે ‘માનવ અર્થશાસ્ત્ર’ એ સ્કૂલમાં શીખવવામાં આવતા વિષયનું નામ હતું. ત્યારે માનવ ઉપર હતો, અર્થ નીચે હતો. હવે માનવ ગાયબ કરીને કોરું અર્થશાસ્ત્ર ભણાવવામાં આવે છે. મૂલ્યોની શૂન્યતા એ વ્યક્તિમાં-વસ્તુમાં લાવી દીધી છે.

- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ

culture news life and style jain community