તમે જૅપનીઝ છો કે ઇન્ડિયન?

05 July, 2024 08:02 AM IST  |  Mumbai | Ruchita Shah

ઇન્ડો-જપાન કલ્ચરલ એક્સચેન્જમાં જબરું કામ કરી રહેલાં મહેશભાઈ અને તેમની દીકરીએ અઢળક કૉર્પોરેટ કંપનીઓથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ઇન્ટરપ્રિટર તરીકે કામ કર્યું છે. જેટલો જોરદાર તેમનો વર્તમાન છે એટલો જ ભવ્ય તેમનો ભૂતકાળ હતો

આ તસવીરમાં જપાનની ટેનરી યુનિવર્સિટીમાંથી મળેલા મેડલ અને જૅપનીઝ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મળેલા મોટર મેકૅનિકલ લાઇસન્સ સાથે ડાબેથી મહેશ જોશી, તેમની મોટી દીકરી એમી અને નાની દીકરી રુમી સાથે.

વાતની શરૂઆત કરીએ ૧૯૭૯થી. એ જમાનામાં મોબાઇલ કે પેજર નહોતાં એટલે ઇમર્જન્સી કમ્યુનિકેશન માટે ટેલિગ્રામ એટલે કે તારનો ઉપયોગ થતો. તારમાં નામમાં થયેલો એક ગોટાળો એક વ્યક્તિ અને એ વ્યક્તિ થકી આખા પરિવારની દિશા અને દશા કેવી ૩૬૦ ડિગ્રી ફેરવી શકે છે એના બહેતરીન ઉદાહરણ વિશે આપણે વાત કરવાના છીએ. ગોંડલમાં જન્મેલા અને અત્યારે ૭૦ વર્ષની ઉંમરે પણ ભારત અને જપાન વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનનાં કાર્યોમાં દીકરી સાથે સતત સક્રિય રહેલા મહેશ જોશી એક જમાનામાં સાબરમતીમાં રેલવેમાં નોકરી કરતા. રેલવેના બુકિંગ-ક્લર્કમાંથી જૅપનીઝ કંપનીમાં ઇન્ટરપ્રિટરની ભૂમિકામાં કેવી રીતે આવ્યા એની દાસ્તાન રસપ્રદ છે.

ક્રિશ્ચિયન મૅરેજની જેમ જ જૅપનીઝ વેડિંગ પદ્ધતિમાં વાઇન પીને લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે. તસવીરમાં પોતાનાં લગ્ન વખતે મહેશ જોશી છે અને નીલમબહેને ટ્રેડિશનલ જૅપનીઝ ડ્રેસ કિમોનો અને જૅપનીઝ વિગ પહેરી છે.

રમેશ કે મહેશ?

‘મારા પિતાજી રેલવેમાં મોટી પોઝિશન પર કામ કરતા અને ઇમર્જન્સી પછી તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમના બદલે પરિવારમાંથી મને નોકરીએ રાખ્યો,’ શ્વાસની બીમારી વચ્ચે ચડતી હાંફ પછીયે એક અનેરા રોમાંચ સાથે પોતાના ભૂતકાળને ઉલેચતા મહેશભાઈ વાતચીતના પ્રવાહને આગળ વધારતાં કહે છે, ‘હું મેટ્રિક પાસ કરીને નોકરીએ લાગી ગયો. રેલવેમાં એ સમયે બુકિંગ-ક્લર્ક તરીકેની નોકરી મળવી એ સારી વાત ગણાતી. જોકે મારા મોટાભાઈ રમેશ પાસે નોકરી નહોતી. તેમનો અભ્યાસ પણ મારા કરતાં વધારે હતો એટલે અમારા મુંબઈમાં રહેતાં ફઈબાએ મોટા ભાઈને ૧૯૭૯ના ગાળામાં જપાનના ટેનરી ધર્મના પ્રચાર માટે ચાલતા કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે મોકલવા માટેની તૈયારીઓ કરી. એ સમયે એવું હતું કે જપાનની ધર્મસંસ્થા ભારતીય સ્ટુડન્ટને બે વર્ષ માટે જૅપનીઝ ભાષા અને તેમની ધર્મપરંપરા શીખવવા માટે સ્પૉન્સર કરે અને તેમની આવવા-જવાની ટિકિટથી લઈને રહેવા-ખાવાની વ્યવસ્થા પણ તેઓ જ કરે. એ જ રીતે જપાનથી પણ ત્યાંના સ્થાનિક લોકો અહીં આવે. એ સમયે તેમણે ભારતમાં પોતાનું પહેલું સેન્ટર શરૂ કર્યું હતું. એના માટે જવા ઇચ્છુક હોય એવા લોકોનાં મુંબઈ જઈને ફૉર્મ ભરવાનાં હતાં. મારી પાસે તો નોકરી હતી, પણ મારા ભાઈ પાસે નહોતી એટલે ફઈબાએ તેમને ત્યાં મોકલવાનું નક્કી કર્યું અને એ માટે એક લાઇનનો તાર તેમણે અમને અમદાવાદ મોકલ્યો. જોકે એક બહુ જ મોટો ગોટાળો એમાં થયો. ‘રમેશ, તું તાત્કાલિક મુંબઈ આવી જા’ એવું લખવાનું હતું એને બદલે નામમાં ભૂલ ગઈ અને તેમણે રમેશને બદલે મહેશ એટલે કે મારું નામ લખ્યું. એ સમયે તારમાં શબ્દ પ્રમાણે પૈસા લાગતા એટલે બીજી તો કોઈ વિગતો નહોતી. ફઈબા કયા કારણથી બોલાવે છે એની ખબર ન પડી, પણ તારના શબ્દોમાં અર્જન્સી દેખાઈ એટલે હું તો તરત જ નીકળી ગયો. ત્યાં પહોંચ્યો તો મને જોઈને ફઈબા ચોંકી ગયાં અને પછી તેમને પોતાની ભૂલ સમજાઈ કે તેમણે જ નામમાં ગોટાળો કર્યો છે.’

જોકે આ ગોટાળો મહેશભાઈના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ બની ગયો. મુંબઈ પહોંચી જ ગયા હતા એટલે તેમણે માત્ર ચાન્સ લેવા ખાતર ફૉર્મ ભરી દીધું. ડૉક્યુમેન્ટ્સને લગતાં તમામ કામ પતાવી દીધાં અને પાછા અમદાવાદ પહોંચી ગયા.

જૅપનીઝ પદ્ધતિથી લગ્ન

મહેશભાઈનું સિલેક્શન થઈ ગયું અને તેઓ જપાન પહોંચી પણ ગયા. બે વર્ષમાં જૅપનીઝ ભાષા અને તેમનો ધર્મ અને ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો હતો. તેમનો ગ્રાસ્પિંગ પાવર સારો હતો એટલે ભાષા પરનું પ્રભુત્વ વધી રહ્યું હતું. તેઓ કહે છે, ‘એક વર્ષનો અભ્યાસ પૂરો થયો ત્યાં સુધીમાં મને સારીએવી ફાવટ આવી ગઈ હતી. એ દરમ્યાન જ મને મારી જીવનસાથી મળી. એમાં બન્યું એવું કે આ યુનિવર્સિટીમાં કલ્ચરલ પ્રોગ્રામના ભાગરૂપે બે ભારતીય છોકરીઓ મારા કોર્સના બીજા વર્ષે આવેલી. એમાંની એક હતી નીલમ, જે આગળ જતાં મારી ધર્મપત્ની બની. હું તેમનો સિનિયર હતો અને ભારતીય યુવતીઓ આવા પ્રોગ્રામ માટે છેક અહીં સુધી આવી હતી અને એમાં પણ એક ગુજરાતી હોય એ બહુ મોટી વાત ગણાય એટલે હું તેમની મદદ કરતો. તેઓ ક્યાંય પણ અટકે નહીં એની ચોકસાઈ રાખતો. એ જ ગાળામાં મારા અને નીલમ વચ્ચે પ્રેમના અંકુરો રોપાવા માંડ્યા. નીલમને હું ગમી ગયો અને મને નીલમ ગમી ગઈ. અમે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. ઘરે ફોન દ્વારા જાણકારી આપી તો નીલમના ઘરવાળાએ પહેલાં અમદાવાદમાં મારા પરિવારની તપાસ કરી અને બધું ઓકે લાગ્યું તો તેમણે રજામંદી પર આપી દીધી.’
અહીં એક બીજી આશ્ચર્ય પમાડે એવી વાત એટલે મહેશભાઈ અને નીલમબહેન પહેલું એવું ભારતીય કપલ હતું જેમણે જૅપનીઝ રીતભાત સાથે લગ્ન કર્યાં હોય. જી, તેમણે ક્યારેય ભારતીય પદ્ધતિથી સાત ફેરા ફર્યા જ નહીં એટલું જ નહીં, તેમનાં લગ્નનું આખું આયોજન જપાનની ટેનરી યુનિવર્સિટીએ જ કર્યું હતું. જૅપનીઝ ભાષામાં લગ્નને સાન સાન ખુદો કહેવાય જેમાં તેમનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખ્રિસ્તી અને મુસ્લિમ પરંપરાની જેમ જાહેરમાં બન્ને એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકારે છે, કબૂલે છે એની રજૂઆત કરે અને પછી વાઇફ જપાનનો ટ્રેડિશનલ વાઇન તેમનાં અમુક ખાસ પરંપરાગત વાસણોમાં ભરીને પીએ. મહેશભાઈ કહે છે, ‘તમને જાણીને નવાઈ લાગશે, પણ અમારાં લગ્નમાં અમારા બન્નેના પરિવારમાંથી કોઈ જ હાજર નહોતું અને લગ્નનાં ચાર વર્ષ પછી અમે ભારત પરિવારને મળવા આવ્યાં ત્યારે મારી પત્ની પ્રેગ્નન્ટ હતી. મારી મોટી દીકરી એમી અને નાની દીકરી રુમીનો જન્મ પણ જપાનમાં જ થયો છે.’

૨૦૧૦માં મહેશભાઈનાં પત્ની લિવરની બીમારીને કારણે ગુજરી ગયાં પણ આ યુગલે સાથે મળીને જપાનમાં પોતાની દુનિયાને એકબીજાના સહકારથી જે રીતે વિકસાવી એની વાતો પ્રેરણાદાયી છે.

૨૦૧૭માં તેમની કંપનીએ યોજેલી જપાન કલ્ચરલ ઍન્ડ એજ્યુકેશનલ ટૂર દરમિયાન ટ્રેડિશનલ જૅપનીઝ ડ્રેસ યુકાતામાં તેમના સ્ટુડન્ટ સાથે મહેશ જોશી (એકદમ જમણે) અને તેમની દીકરી રુમી (વચ્ચે)

જપાનથી મુંબઈ

જપાનના ઓસાકા શહેરમાં અને દીકરીના જન્મ પછી દીકરીઓને અંગ્રેજીનું શિક્ષણ મળી રહે એટલે કોબે શહેરમાં શિફ્ટ થયેલા આ કપલનું જીવન મસ્ત ચાલી રહ્યું હતું. મહેશભાઈ એક જૅપનીઝ કંપનીમાં અંગ્રેજી, હિન્દી અને જૅપનીઝ પરના પ્રભુત્વને કારણે ઇન્ટરપ્રિટર, બિઝનેસ નેગોશિયેટર જેવા મલ્ટિપલ રોલ અદા કરી રહ્યા હતા અને તેમનાં પત્ની ત્યાં રહેતાં જૅપનીઝ બાળકોને અંગ્રેજી શીખવી રહ્યાં હતાં. જોકે એક ઘટના એવી ઘટી કે તેમનાં ઘરબાર વિંખાઈ ગયાં. અહીં વાતચીતનો દોર પોતાના હાથમાં લઈને મહેશભાઈની નાની દીકરી રુમી કહે છે, ‘૧૯૯૫માં કોબેમાં એક બહુ જ મોટો ધરતીકંપ આવ્યો અને એ ભૂકંપમાં અમારા ઘરને બહુ જ નુકસાન થયું હતું. એ સમયે એવું પણ હતું કે ઇંગ્લિશ એજ્યુકેશનમાં ટ્વેલ્થ પછી જપાનમાં ખાસ યુનિવર્સિટીઝ નહોતી એટલે અમે મુંબઈ શિફ્ટ થવાનો નિર્ણય લીધો. મુંબઈમાં એક ઘર અમે પહેલેથી જ લઈ રાખ્યું હતું. અમે બન્ને બહેનો મુંબઈ આવી પણ મારા પપ્પા જપાનની જ કંપનીમાં કામ કરતા હતા. પરિવારથી દૂર રહેવું પડતું હતું એટલે વચ્ચે બે વર્ષનો બ્રેક લઈને મુંબઈમાં તેમણે કામ કર્યું, પણ પાછા જૅપનીઝ કંપનીએ બોલાવી લીધા. એ પછી લગભગ ૧૩ વર્ષ અમે અને પપ્પા જપાન-મુંબઈ વચ્ચે અવરજવર કરતાં રહ્યાં.’

ફુજીવારા કંપનીની શરૂઆત

હવે મુંબઈમાં જ સ્થાયી થયેલા આ પરિવારે જોકે જપાન અને જૅપનીઝ કલ્ચર સાથે નાતો તોડ્યો કે છોડ્યો નથી. જપાનમાં હતા ત્યારે જે ફુજીવારા પરિવારે તેમને ખૂબ મદદ કરી હતી તેમના જ નામ પર તેમણે જૅપનીઝ ભાષા શીખવતી કંપની શરૂ કરી છે અને છેલ્લાં ૧૦ વર્ષમાં સાડાચાર હજાર સ્ટુડન્ટ્સને આ પરિવાર જૅપનીઝ ભાષા શીખવી ચૂક્યો છે. રુમી કહે છે, ‘અમે માત્ર ભાષા નથી શીખવતાં, એ દેશની સંસ્કૃતિ અને તેમની વિશેષતાઓ પણ શીખવીએ છીએ. સુઝુકી, હૉન્ડા, હિતાચી જેવી ઘણી જૅપનીઝ કંપનીઓ માટે અમે ભાષા અને કલ્ચરલ એક્સચેન્જની સેંકડો વર્કશૉપ કરી ચૂક્યાં છીએ. કૉર્પોરેટ કંપનીઓ માટે જૅપનીઝ ઇન્ટરપ્રિટર તરીકે પુષ્કળ કામ કરીએ છીએ. મારા પપ્પા ૩૩ વર્ષ જપાનમાં રહ્યા છે અને એમાં તેમને ફૉર્મલ જૅપનીઝ ભાષાની સાથે જૅપનીઝ સ્લૅન્ગ પણ આવડે છે. મારાં મમ્મીએ આટલાં વર્ષોમાં જૅપનીઝ લોકોની રીતભાતને બહુ નજીકથી જોઈ પણ છે, અડૉપ્ટ પણ કરી છે. એ બધું જ આજે ખૂબ કામ લાગે છે. અમારા માટે ગુજરાતીની જેમ જ જૅપનીઝ પણ મધરટંગ છે અને વાતચીતમાં, બોલચાલમાં બહુ જ સહજ રીતે વણાઈ ગઈ છે એટલે ઘણી વાર લોકો મને પૂછે છે કે ખરેખર તમે ભારતીય જ છોને?’

શીખવા જેવું ઘણું, શીખવવા જેવું ઘણું

ભારતીય અને જૅપનીઝ એમ બન્ને કલ્ચરને સરખા પ્રમાણમાં જીવતી રુમી જોશી અને તેના પરિવારને બન્નેની વિશેષતાઓ પણ ખબર છે અને બન્નેની નબળાઈઓ પણ. રુમી કહે છે, ‘જૅપનીઝ લોકો સ્વચ્છતાના આગ્રહી છે અને નાનાં બાળકોને ફોર્થ સ્ટૅન્ડર્ડ સુધી એક્ઝામ નથી હોતી પણ ત્યાંથી જ તેમને પોતાની સ્કૂલ, કૅમ્પસ વગેરે ક્લીન રાખવાની ટ્રેઇનિંગ અપાય છે. એવી જ રીતે તેઓ મહેનતુ અને સિસ્ટમૅટિક હોય છે. દેશને સ્વચ્છ રાખવો, પ્રામાણિકતાપૂર્ણ વ્યવહાર કરવો અને નિષ્ઠાપૂર્વક કામ કરવું એને દરેક જણ પોતાની જવાબદારી સમજે છે અને યુનિટી સાથે 
કામ કરે છે. જૅપનીઝ લોકો બહુ ધાર્મિક નથી. તો સામે ભારતમાં ધાર્મિકતા પ્રાઇમ છે. અહીંના આયુર્વેદ અને યોગ જપાનના લોકોમાં ખૂબ જ પ્રિય છે. બન્ને કલ્ચર પોતાની રીતે જુદાં છે અને બન્નેની પોતાની વિશેષતાઓ ગમે એવી છે.’

culture news japan gujaratis of mumbai gujarati community news ruchita shah