એક કિલકારી હો જાએ બાબા ભૈરોંનાથ

24 November, 2024 02:31 PM IST  |  New Delhi | Alpa Nirmal

પાંડવો ઇન્દ્રપ્રસ્થના તખ્તા પર ગાદીનશીન થયા ત્યારે ભૈરવનાથે એક કિલકારી લગાવી અને તેમને રંજાડનાર અસુરો અને દુષ્ટો ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા

પાંડવકાલીન ભૈરવ મંદિર

પાંડવો ઇન્દ્રપ્રસ્થના તખ્તા પર ગાદીનશીન થયા ત્યારે ભૈરવનાથે એક કિલકારી લગાવી અને તેમને રંજાડનાર અસુરો અને દુષ્ટો ઊભી પૂંછડીએ ભાગી ગયા હતા. પૌરાણિક યુગના એ દૈત્યો, રાક્ષસો કળિયુગમાં બળાત્કારીઓ, દેશદ્રોહીઓ, કૌભાંડી રૂપે અવતર્યા છે તો બાબા ભૈરોંનાથ, ભક્તો ભૈરવ અષ્ટમીના સપરમા દિને તમને આજીજી કરે છે કે એ કાળની જેમ તમારે પાછી કિલકારી કરવી પડશે

ગઈ કાલે ભૈરવ કાલ અષ્ટમી હતી. એ નિમિત્તે સમસ્ત દેશના સનાતનીઓએ ભૈરવજી (શિવજીના રૌદ્ર સ્વરૂપ)ની પૂજાઅર્ચના કરી હશે. સાથે કામના પણ કરી હશે કે તેમના જીવનમાં રહેલાં દૂષણો દૂર થાય તેમ જ તકલીફોનું નિવારણ પણ થાય.

સનાતન ધર્મમાં ભૈરવને ભોળાનાથનો પાંચમો અવતાર ગણાવ્યો છે. તેઓ દેખાવમાં ભયંકર છે પણ ભયજનક પરિસ્થિતિમાં ભક્તોની રક્ષા કરે છે. આ ભૈરવજીની ઉત્પત્તિ ક્યારે થઈ, શા માટે થઈ એની વિવિધ કહાનીઓ પ્રચિલત છે. શિવપુરાણ કહે છે કે અંધકાસુર નામક રાક્ષસે જ્યારે કૈલાશપતિ પર આક્રમણ કરવાનું દુઃસાહસ કર્યું ત્યારે શિવજીના રક્તમાંથી જ એક રૌદ્ર સ્વરૂપની ઉત્પત્તિ થઈ, જે કહેવાયા ભૈરવ.

તો અન્ય પુરાણના મતે ભગવાન શંકરનાં રંગ, રૂપ તેમ જ અઘોરી વેશભૂષા તથા તેમના ગણોની પણ વિચિત્ર રૂપસજ્જા જોઈ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ પાર્વતીપતિનો ઉપહાસ કર્યો. આથી આશુતોષ કોપાયમાન થઈ ઊઠ્યા અને તેમના શરીરમાંથી એક વિશાળ દંડકારી કાયા પ્રગટ થઈ. એ ભયાવહ સ્વરૂપ બ્રહ્માનો સંહાર કરવા તત્પર બન્યું, જેનાથી બ્રહ્માજી ડરી ગયા ને એ રૂપને નામ મળ્યું મહાભૈરવ.

હજી એક કથા, જે વધુ પૉપ્યુલર છે, એ જણાવે છે કે એક દિવસ બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે સંવાદ થયો કે એ બેઉમાં શ્રેષ્ઠ કોણ? આ સંવાદ ધીમે-ધીમે વિવાદ અને ત્યાર પછી વિખવાદમાં પરિણ્મ્યો. બ્રહ્માંડના બે મુખ્ય ભગવાન વચ્ચે વધતી જતી આ હુંસાતુંસીએ ઉગ્ર રૂપ પકડી લીધું જેથી સૃષ્ટિના અન્ય દેવો ભયભીત થઈ ગયા અને તેમણે દેવોં કે દેવ મહાદેવને આ સમસ્યાનો અંત લાવવાનું કહ્યું. શંકર ભગવાને જ્યારે જોયું કે એ શાબ્દિક યુદ્ધ હવે દારૂણ યુદ્ધમાં પરાવર્તિત થવાની તૈયારીમાં છે ત્યારે તેઓ વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે એક થાંભલો બની પ્રગટ થયા. અચાનક દિવ્ય તેજોમય સ્તંભ ઉત્પન્ન થતાં બ્રહ્માજી અને વિષ્ણુજી અચંબિત થઈ ગયા અને યુદ્ધ કરવાનું મુલતવી રાખી પહેલાં એ સ્તંભનું પગેરું મેળવવાનું વિચાર્યું. બ્રહ્માજી બન્યા હંસ અને વિષ્ણુએ મગરમચ્છનો અવતાર ધારણ કર્યો. એ મગરમચ્છ સ્તંભના નીચેના ભાગમાં ગયો. અંદર, અંદર, અંદર ભૂતળમાં ઊતરતો જ ગયો પણ ક્યાંય એને થાંભલાનો અંત ન દેખાયો. એ જ રીતે હંસ સ્વરૂપ બ્રહ્માજી આકાશમાં ઊંચે-ઊંચે ઊડતા જ ગયા પણ સ્તંભનું ઉદ્ગમ સ્થળ જડ્યું જ નહીં. દિવ્ય સ્તંભની આવી શક્તિને નમન કરી વિષ્ણુજીએ તો શિવની સર્વોપરીતા સ્વીકારી લીધી અને શ્રેષ્ઠતાની કૉમ્પિટિશનમાંથી બહાર નીકળી ગયા. પરંતુ બ્રહ્માજીએ છળ કર્યું ને મહાદેવનો પિત્તો ગયો. તેમના રૌદ્ર રૂપે કાળ બની બ્રહ્માજીનાં પાંચ મુખમાંથી એક મુખનું છેદન કરી નાખ્યું. એ દિવસ હતો ગુજરાતી કૅલેન્ડર અનુસાર કારતક મહિનાની અંધારી અષ્ટમીનો.

અહીં એક આડવાત. ભૈરવે બ્રહ્માજીના એક માથાનું છેદન તો કરી નાખ્યું પણ એ મસ્તક ભૈરવજીની ડાબી હથેળી ઉપર ચીપકી ગયું, કારણ કે તેમણે સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણની હત્યા કરી હતી. આ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે એ ખોપરીને ભિક્ષાપાત્ર બનાવી પોતાના હાથમાં જ રાખી આખી દુનિયાનું ભ્રમણ કર્યું (ને આમ કપાલી પરંપરા શરૂ થઈ). વિશ્વમાં ફરતાં-ફરતાં અંતે તેઓ કાશી પહોંચ્યા અને પવિત્ર ગંગામાં પાપનું પ્રક્ષાલન કરી વારાણસીના કોટવાલ બનીને રહ્યા. આજે પણ એ કાશીના કોટવાલ, મનુષ્યો અને સમસ્ત જીવસૃષ્ટિ વચ્ચે અનુશાસન બનાવીને રાખે છે. અને ભાવિકો વિશ્વનાથજીનાં દર્શન પૂર્વે કાલભૈરવને પગે લાગવા જાય છે. દેવ દીપાવલી બાદ આવતી ભૈરવ અષ્ટમીએ પણ બનારસમાં ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

જોકે આજે આપણે શિવની નગરી કાશી નહીં, મોદીની નગરી દિલ્હી જવાનું છે. દિલ્હીના પ્રગતિ મેદાન નજીક એક અનોખું પાંડવકાલીન ભૈરવ મંદિર છે. આ મંદિરની કથા પણ રોચક છે.

‘ખબર નહીં આ દિલવાલોં કી દિલ્હીની કુંડલીમાં જ કાંઈક લોચા લાગે છે. જે અહીંની ગાદીએ બેસે છે તેને ક્યારેય જંપ જ નથી મળતો. અને આ પરંપરા આજથી નહીં, છેક પાંડવોના સમયથી ચાલી આવે છે.’

lll

કુરુક્ષેત્રનાં મેદાનોમાં પાંડવો અને કૌરવો વચ્ચે સત્તા માટે ભીષણ યુદ્ધ થયું. ૧૮ દિવસ ચાલેલા આ મહાસંગ્રામમાં કરોડો પ્રાણીઓ તો ખરાં જ, પણ ૧૬૬ કરોડથી વધુ માણસો પણ મર્યા,  કુરુવંશ તો સંપૂર્ણ નાશ પામ્યો. પાંડુપુત્રોએ રાજ્યની ધુરા સંભાળી. આમ તો કૌરવ લૅન્ડની રાજધાની હાલના મેરઠ નજીક આવેલા હસ્તિનાપુરમાં હતી, પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિરે હાલના દિલ્હીની ભૂમિ પર નવું કૅપિટલ ઇન્દ્રપ્રસ્થ (ઇન્દ્રનું નગર) નામે વસાવવાનું નક્કી કર્યું. નવું શહેર વસાવવું હોય એટલે રાજવીઓ સારુ નવા મહેલો, કિલ્લાઓ પણ બનાવવા પડે. પાંડવો એનું નિર્માણ કરાવતા હતા. એ દરમિયાન તેમનો કિલ્લો પૂર્ણ થતો જ નહોતો. કોઈ આસુરી શક્તિ એમાં અડચણ ઊભી કરી રહી હતી. ઍન્ડ નાઓ એન્ટ્રી થાય છે ઑલ માઇટી ભૈરવજીની.

અહીં અન્ય મત  કહે છે કે પાંડવોની રાજધાની તો નિર્માણ થઈ ગઈ પણ એ તૈયાર થયા બાદ પાંડવોને અહીં અશ્વમેધ યજ્ઞ કરાવવો હતો અને આ પવિત્ર કાર્યમાં કોઈ અસુર તત્ત્વો બાધા ન લાવે એ માટે શ્રીકૃષ્ણએ ભીમને પવિત્ર કાશી નગરીથી ભૈરવજીને ઇન્દ્રપ્રસ્થ લાવવા કહ્યું. પ્રભુનો આદેશ માની ગદાધારી તો ઊપડ્યા કાશી અને કાશીના કોટવાલ કાળભૈરવને પ્રાર્થના કરી પોતાની સાથે આવવા કહ્યું. ત્યારે કાળભૈરવે કહ્યું, ‘મારો અંશ ચોક્કસ તમારી સાથે આવશે, પણ એક શરતે. તમારે એ ભૈરવજીને ખભા પર ઊંચકવાના. ક્યાંય નીચે મૂક્યા તો  તેઓ ત્યાં જ સ્થિર થઈ જશે, પછી હલશે નહીં. ભીમભાઈએ શરત મંજૂર રાખી અને ભૈરવને પોતાના મજબૂત ખભા પર ઉપાડીને લઈ આવતા હતા ત્યારે હાલના પુરાના કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકની ભૂમિ ઉપર ભૈરવજીએ કોઈ લીલા કરી અને ભીમે ભૈરવજીને ખભાથી નીચે ઉતાર્યા. બસ, ભૈરવજી તો ત્યાં જ જડાઈ ગયા. કુંતીપુત્રે તેમને ખૂબ આજીજી કરી, તપસ્યા કરી પણ ભૈરવબાબા ન હટ્યા તે ન જ હટ્યા. પરંતુ ભીમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમણે વચન આપ્યું કે તમારી ઉપર જ્યારે-જ્યારે કોઈ નકારાત્મક શક્તિનો ઓછાયો આવશે કે રાક્ષસો આક્રમણ કરશે ત્યારે હું અહીંથી કિલકારી કરીશ, જેના અવાજથી તેઓ ભાગી જશે. એ સાથે ભૈરવનાથ બાબાએ ભીમજીને પાંચેય પાંડવોના રક્ષણાર્થે પોતાના વાળની એક લટ આપી ને એને તેમના કિલ્લામાં રાખવાનું કહ્યું.

શુભ મુરતે પાંડવોએ અશ્વમેધ યજ્ઞ શરૂ કર્યો અને ઍઝ પર રાક્ષસોના વિકેડ નેચર, હવનમાં હાડકાં નાખવા તેઓ હાજર થઈ ગયા. ને... યજ્ઞસ્થળથી આઘા બેઠા હોવાં છતાં ભૈરવજીએ એવી કિલકારી (ત્રાડ) લગાવી કે પેલા દુષ્ટો ઊભી પૂંછડીએ ભાગ્યા. આથી આ બાબા  કિલકારી ભૈરવ નામે ઓળખાયા.

ઓ દેશના કેન્દ્રમાં બિરાજમાન પાવરફુલ દેવ, દિન-બ-દિન તમારી ધરતીની હાલત બગડી રહી છે. સ્ત્રીવર્ગ પર અત્યાચાર વધી રહ્યા છે, દરરોજ જાતજાતનાં કૌભાંડો થઈ રહ્યાં છે અને એ દેશદ્રોહીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે કિલકારી ભૈરવજી, ફરી એવી કિલકારી લગાવોને જે પાંડવબંધુઓના બચાવમાં લગાવી હતી.

lll

 કિલકારી ભૈરવનું મંદિર દિલ્હીનાં સ્થાનિકોમાં તો પ્રખ્યાત અને પૂજનીય છે જ પણ પાંચ હજાર વર્ષ પૂર્વેનું હોવાથી દેશ-વિદેશના પર્યટકો પણ પાટનગર આવે ત્યારે બાબાને પાય લાગવા આવે છે. સ્ટોન ઇમેજ રૂપે બિરાજતા કિલકારી બાબાનું મંદિર હવે આરસપહાણનું બની ગયું છે અને ઉત્તર ભારતીય શૈલીનું સાદું શિખર ધરાવે છે. આ દેવાલય પ્રમાણમાં નાનું છે, પરંતુ એનો પરિસર બહુ મોટો છે. ભાવિકોના ભારી આવાગમનને કારણે કતારની વ્યવસ્થા કરવામાં આવી છે ને એ બૅરિકેડ્સને કારણે થોડું ફરી-ફરીને ભૈરવનાથ સુધી પહોંચાય છે. આ ફરવામાં ગૌશાળા, દુધિયા ભૈરવ, શિવ-પાર્વતીનાં દર્શન થઈ જાય છે. સવારે ૬થી બપોરે ૧૨ અને પછી ૩થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા મંદિરની બહાર પુજાપો અને પ્રસાદ વેચતી અનેક હાટડીઓ છે. બીજી આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે પરિસરમાં સો મૅની કૂતરા છે. કૂતરાને ભૈરવબાબાનું વાહન ગણાતું હોવાથી ભક્તો એને પણ ભોગ ધરે છે. આથી પરિસરમાં ગંદકી પણ બહુ થાય છે. એ સાથે પૅકેજિંગ મટીરિયલ, એઠાં પતરાળાં, માગવાવાળાઓ મંદિરની પવિત્રતાને હાનિ પહોંચાડે છે. પણ ‘યે દિલ્હી હૈ મેરે યાર’ (અહીં કોઈને કાંઈ કહેવાય નહીં કારણ કે દરેક જણ તેમના તાઉ, ચાચુ, મામુ, ફુફાના છેડા સરકારમાં અડતા હોવાની ધોંસ બતાવે છે).

ખેર, આવી વાતો અહીં અસ્થાને છે. આપણે તો કિલકારી બાબાની વાત કરવાની છે અને ખરેખર તેમનાં દર્શન કરતાં ભાવિકોને પૉઝિટિવિટીનો સાક્ષાત્કાર થાય છે.

ભારતની રાજધાની દેશના દરેક શહેરથી દરેક માધ્યમે જોડાયેલી છે. અહીં રહેવાના હજારો  ઑપ્શનની સાથે ખાવા-પીવાના ઑપ્શન દસ હજાર છે. હા, મંદિરના પરિસરમાં સો વર્ષ જૂની કચોડીની દુકાન છે. યુ કૅન ટ્રાય.  

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

દિલ્હીમાં હરવાફરવાનાં અઢળક સ્થળો છે એમ સેકંડો મંદિરો પણ છે પણ જો પ્રાચીન અને પૌરાણિક મંદિરોની જ વાત કરીએ તો પ્રથમ પાંડવે સ્થાપેલું નીલી છત્રી શિવાલય, કૃષ્ણ ભગવાનનાં બહેન યોગમાયાદેવીનું મંદિર,. કાલકાજી મંદિર, જે મનોકામના સિદ્ધપીઠ તરીકે જાણીતું છે, કૉનોટ પ્લેસ પાસે આવેલું ભીમ અને હનુમાનને સમર્પિત મંદિર, ત્રેતાયુગનું હિરણ્યગર્ભ જ્યોતિર્લિંગ ધરાવતો દુધેશ્વરનાથ મહાદેવ મઠ, ભગવાન વિશ્વકર્મા મંદિર, દુધિયા બાબા ભૈરવનાથજી, બટુક ભૈરવ મંદિર મસ્ટ-મસ્ટ વિઝિટ ટેમ્પલ છે અને ખૂબ પ્રાચીન છે.

કિલકારી ભૈરવ મંદિરની પછીતે પુરાના કિલ્લાની અંદર કુંતીદેવી મંદિર છે. ત્યાં બહુ દર્શનાર્થી જતા નથી છતાં પાંચ હજાર વર્ષો પછી પણ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે, જે ચમત્કારથી કમ નથી. એ જ રીતે પુરાની દિલ્હીસ્થિત દીગમ્બર જૈન લાલ મંદિર અને એનાથી નજીક કિનારી બજાર સ્થિત નૌધરા જૈન મંદિર અવિશ્વનીય રૂપે સુંદર છે.

મંદિરના પરિસરમાં શ્વાનોની સાથે શરાબીઓ પણ ઠેરઠેર મળશે. યસ, અહીં પ્રસાદમાં મદિરા મળે છે, કારણ કે કિલકારી ભૈરોંનાથને ભોગરૂપે સોમરસ ચડે છે. પ્રસાદરૂપે મફતનો દારૂ પીવા પિયક્કડો અહીં ઘૂમતા જ રહે છે.

આપણા પૌરાણિક ગ્રંથોમાં આઠ ભૈરવોનો ઉલ્લેખ છે. દરેક ભૈરવોની ઉત્પત્તિ ચોક્કસ કારણોસર થઈ છે. આથી તેમના ભિન્ન-ભિન્ન પ્રાગટ્ય દિવસ છે. કારતક વદ અષ્ટમી કાળ ભૈરવ જયંતી છે.

culture news life and style hinduism religion religious places new delhi indian mythology columnists alpa nirmal gujarati mid-day