03 January, 2025 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હું હંમેશાં કહેતો આવ્યો છું કે જે પોતાને જ ભગવાન મનતા હોય અને પૂજાવતા હોય તેમનાથી દૂર રહેવું. આ પ્રકારના લોકો આપણે ત્યાં સૌથી વધારે જોવામાં આવતા રહ્યા છે એટલે આપણી પ્રજાએ જ સાવચેતી રાખવી પડે એમ છે. જે ચમત્કારો બતાવતા હોય અને વારંવાર દેખાડેલા પોતાના ચમત્કારોનો પ્રયત્નપૂર્વક પ્રચાર કરતા હોય તેમનાથી પણ દૂર રહેવું. આવા લોકો સાચા નથી હોતા અને જે સાચા હોય છે તેમણે ક્યારેય પ્રચાર કરવો નથી પડતો હોતો. ધાર્મિક માનસિકતા ધરાવતા લોકોને છેતરતા હોય એવા લોકોથી પણ અંતર રાખવું અને જે અતિશય કર્મકાંડો, યજ્ઞો કે હોમ-હવનમાં પ્રજાને રચ્યા-પચ્યા રહેવાનું શીખવાડતા હોય અને યજ્ઞોથી જ બધા પ્રશ્નો ઉકેલાઈ જશે એવું માનતા હોય તેમનાથી પણ દૂર રહેવું. આ લોકો, લોકોને કુમાર્ગે વાળનારા છે.
એક વાત યાદ રાખવી અને જીવનભર ગાંઠે બાંધવી કે યજ્ઞો કરવાથી જીવનનો કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. ધનનો અપવ્યય અને સમયની બરબાદી એ જ એનાં પરિણામ મળ્યાં છે. આવાં અનિષ્ટ તત્ત્વોથી પોતાની જાતને મુક્ત રાખવી એ મોટી જવાબદારી છે. જીવનનાં બીજાં ક્ષેત્રોમાં, જેમ કે સંગીત-સાહિત્ય-કલા વગેરે ક્ષેત્રોમાં પણ જ્ઞાન આપનાર ગુરુ છે. ધંધો-રોજગાર અને રાજનીતિ શીખવાડનાર પણ ગુરુ છે. તરતાં-લડતાં અને મરતાં શીખવાડનાર પણ ગુરુ છે. જે કોઈ ને કોઈ રીતે જીવનની સાચી દિશા અને સાચી દૃષ્ટિ બતાવે છે એ બધા ગુરુઓ છે.
ગુરુ-શિષ્યનો સંબંધ શ્રદ્ધાનો છે. શ્રદ્ધા અને પ્રેમ નાજુક તાંતણે બંધાયેલાં હોય છે. પ્રેમનો તંતુ વહેમ કે શંકા-કુશંકાનો હથોડો વાગતાં તૂટી જતો હોય છે, જ્યારે શ્રદ્ધાના તંતુને તોડવામાં ખોટી અથવા મોટી અપેક્ષાઓ ભાગ ભજવતી હોય છે. ગુરુ પ્રત્યે અતિશય ઊંચી અપેક્ષાઓ રાખનારી શ્રદ્ધા તૂટી જતી હોય છે.
ગુરુ કોઈ અલૌકિક દૈવી તત્ત્વ છે, તેમને કામ-ક્રોધ, લોભ વગેરે દોષો હોય જ નહીં આવી માન્યતામાં રચ્યા રહેવું કે પછી એવી અપેક્ષાઓ રાખવી એ ખોટી વાત છે. પ્રત્યેક શરીરધારીમાં આ પ્રકારના કુદરતી આવેગો રહેતા જ હોય છે એટલે ગુરુમાં પણ એ બધા હોય જ. કેટલાક આવેગો નિયંત્રિત હોય એટલે દેખાય નહીં, પણ નિયંત્રણ ઢીલું થતાં જ એ પ્રગટ થઈ જતા હોય છે. તેમને જોતાં જ શિષ્યની શ્રદ્ધાને ધક્કો લાગે છે અને પછી મારા ગુરુને આવા તો નહોતા ધાર્યા એવી માનસિકતા સાથે તેના મનમાં ઘૃણા થાય છે, પણ આવી ઘૃણા નકામી છે, કારણ કે આવી માનસિકતાનો દોષ ગુરુનો નહીં, પણ શિષ્યની ખોટી કે મોટી ધારણાનો છે.