17 October, 2024 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : AI
હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? શા માટે આવ્યો છું? શું કરી રહ્યો છું? શું કરવાનું છે? મારું અહીં કોણ છે? પહેલાં કોણ હતું? હવે પછી મારું કોણ હશે? મારું સ્વરૂપ કેવું? દેહ, ઇન્દ્રિયો, બુદ્ધિ, પ્રાણ વગેરેનો સંબંધ ક્યાં સુધી? કોની સાથે? આ બધા પ્રશ્નોનું સાચું સમાધાન ન થાય ત્યાં સુધી વિચાર કરીને પાકો નિર્ણય કરી લેવો એ પુષ્ટિમાર્ગીય જીવનું ઉચ્ચતમ કર્તવ્ય છે.
જીવનો સાચો સંબંધ તો માત્ર એક પ્રભુ-ભગવાન સાથે છે, કારણ કે એ તેમનો અંશ છે અને એ રીતે આ દુનિયામાં જન્મ ધારણ કરીને જેની સાથે નિત્યનો, કાયમનો સંબંધ છે તેનો સંબંધ તાજો કરી, સ્મરણમાં રાખી, સંબંધને જાળવી રાખવો અને એનું ભાન સતત રાખવું એ પુષ્ટિમાર્ગસ્થ જીવે પ્રથમ વિચારવાનું છે. આથી જ પુષ્ટિમાર્ગીય જીવે બ્રહ્મસંબંધની દીક્ષા લેવી પડે છે. બ્રહ્મસંબંધ એટલે ભગવાન સાથેનો સંબંધ, બીજા કોઈ સાથેનો નહીં.
જીવ એવો અભાગી છે કે એ પોતાનો સંબંધ જેની સાથે બિલકુલ છે જ નહીં એની સાથે બાંધી રહ્યો છે. અનેક યોનિઓમાં સુખ-દુઃખનાં વમળમાં તણાતો રહી અહીંથી તહીં પવનમાં તણખલાની માફક અથડાયા કરે છે. અનેક પ્રકારના ત્રિવિધ તાપથી તપ્ત થયેલો જીવ આ બધા ખોટા પોતાના માની લીધેલા સંબંધીઓથી છૂટો થાય ત્યારે એ બ્રહ્મસંબંધ લેવાને લાયક બને છે. બ્રહ્મસંબંધી જીવ ફરીથી આ સંસારના કોઈ પણ પદાર્થ, ક્રિયા કે ભાવ સાથે સંબંધ જોડતો નથી.
સમજવાનું એ છે કે લૌકિક સંબંધ ખોટા છે એવું માનીને વર્તનાર કયા પ્રકારનું જીવન જીવે? લૌકિકની કોઈ પણ વસ્તુ પ્રત્યે એનું આકર્ષણ હોય નહીં. લૌકિક અને વૈદિક પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય હોય, કંચન, કામિની અને કીર્તિને એ હૃદયથી વળગે નહીં. જેના હૃદયમાં આ ત્રણ પ્રત્યે રાગ હોય તેનામાં હરિ વસે જ નહીં. આપણે તો હરિ સાથેનો સંબંધ સ્થાપિત કર્યો છે તો હરિ તો લોકમાં અને વેદમાં આપણી નિષ્ઠા બાંધવા દેતા જ નથી; માટે લૌકિક માન અને લૌકિક રીતે સાચા બ્રહ્મસંબંધને લગીરેય આકર્ષે નહીં અને એથી એ પ્રત્યે એ હંમેશાં બેપરવા રહે છે.
લૌકિક વાતોમાં રસ લેવો એટલે પ્રેમપૂર્વક સાંભળવામાં રસ લેવો અને મન દ્વારા સતત એનું ચિંતન કરવું, આ ત્રણે મહાન બાધક છે. માટે જ વાણીને નિરોધ મૌન, જેમ બને એમ નછૂટકે જ લૌકિક વાતોનું કથન કરવું, નછૂટકે જ લૌકિક વાતો સાંભળવી, નછૂટકે જ લૌકિક વિષયો અને વાતોનું ચિંતન હૃદયમાં કરવું. લૌકિકમાં જેનું મન થોડીક વાર માટે પણ જો આસક્ત થઈ જાય તો એમાંથી કામ, ક્રોધ વગેરે મહાઅંધકાર તરફ લઈ જનારા પાપી શત્રુઓ ઉત્પન્ન થાય છે.
-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી