બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ

19 May, 2024 10:44 AM IST  |  Mumbai | Alpa Nirmal

બુદ્ધને સમજવા સ્વયં બુદ્ધ બનવું પડે. અન્યથા સર્વે સુખોમાં રાચતા સિદ્ધાર્થે સંસારની સાવ સહજ ઘટનાઓ જ જોઈ હતી અને એથી વ્યથિત થઈને કોઈ રાજમહેલની વિલાસિતા છોડીને વૈરાગ્ય-વાસિત થાય?

સારનાથના વટ થાઈ મંદિરમાં આવેલી ૮૦ ફુટ ઊંચી બુદ્ધની મૂર્તિ

આજથી અઢી હજાર વર્ષ પહેલાં હાલના ભારતનાં ઉત્તરપૂર્વીય રાજ્યો અને નેપાલનો કેટલોક પ્રદેશ સાકેત નામનો દેશ કહેવાતો અને કપિલવસ્તુ એનું પાટનગર. શુદ્ધોદન રાજા અને મહામાયા રાણી સુપેરે પોતાનું રાજ્ય ચલાવી રહ્યાં હતાં. રાજ્યની તિજોરી ભરેલી હતી. ધરતી ધાન્ય-જળ અને ખનિજોથી સમૃદ્ધ હતી. પ્રજાજનો ખુશ અને સુખી હતા. એવામાં એક રાતે સાલસ સ્વભાવનાં મહારાણીએ સપનું જોયું. તેમણે જોયું કે પોતે કમળથી ભરેલા શુદ્ધ સરોવરના જળમાં સ્નાન કરી રહ્યાં છે અને સામેથી એક સફેદ હાથી આવ્યો, ગજરાજે રાણીને નમસ્કાર કર્યા અને ત્યાર બાદ એ શુભ્ર હાથી તેમના ગર્ભમાં સમાઈ ગયો.

રાજરાણી આવું સપનું જોઈને જાગી ગયાં અને મહારાજાને એના વિશે વાત કરી. રાજ્યના રિવાજ મુજબ રાજવીએ જ્યોતિષીઓને તેડાવ્યા અને રાણીએ જોયેલા સપનાનું ફળકથન કરવાનું કહ્યું. જ્યોતિષીએ આ સ્વપ્નને પવિત્ર ગણાવીને કહ્યું કે આ સમણું અતિ શુભ પ્રમાણ આપે છે, રાણીને અવતરનાર શિશુ વિશ્વગુરુ બનશે.

પ્રસવકાળ પૂરો કરીને માયાદેવીએ સુંદર પુત્રરત્નને જન્મ આપ્યો અને અગેઇન રાજાએ દીકરાની જન્મકુંડળી બનાવવા જ્યોતિષીઓને બોલાવ્યા. ગ્રહોની સ્થિતિની ગણતરી કરીને એ ભવિષ્યવેત્તાઓએ ભાખ્યું કે દીકરાની કુંડળીમાં રાજયોગ નથી, તે રાજ્યની ધુરા નહીં સંભાળે, તે તેના જીવનમાં એવી કોઈ દુખદ ઘટના જોશે કે તેને આ માયાવી સંસારમાંથી રસ ઊઠી જશે અને તે સંન્યાસી બની જશે. એ સાથે ઍસ્ટ્રોલૉજર્સે એમ પણ કહ્યું કે આ બાળક એવું તેજસ્વી છે કે તે સમસ્ત વિશ્વ માટે પથદર્શક બનશે.

ખેર... દરેક પિતાને કામના હોય કે તેમનો પુત્ર વારસો સંભાળે એમ રાજા શુદ્ધોદનને પણ ઇચ્છા ખરી. એમાંય તે તો તેમની સલ્તનતનો વારિસ. સંતાનની ભવિષ્યવાણી જાણીને રાજા વ્યથિત થઈ ગયા અને તેમણે નક્કી કર્યું કે હું સિદ્ધાર્થને સંસારનું એક પણ દુખ નહીં જોવા દઉં. રાજાએ ચાર ઋતુ અનુસાર ચાર મહેલ બનાવ્યા જ્યાં સુખ-સુવિધાઓની ભરમાર તો હતી, ઉપરાંત ક્રીડાઓ કરવા ભાત-ભાતની ચીજો પણ હતી જેથી રાજકુમારને મહેલની બહાર જ ન જવું પડે. કિશોરાવસ્થાએ પહોંચતાં પિતાએ સુલક્ષણા અને સુંદર રાજકુમારી યશોધરા સાથે તેમના વિવાહ સંપન્ન કરાવ્યા અને સિદ્ધાર્થને રાહુલ નામે પુત્ર પણ થયો.

આખી કથાનો રોમાંચક ટ્વિસ્ટ હવે આવે છે. એક દિવસ યુવાન સિદ્ધાર્થ પોતાના સાર​થિ સાથે રાજમહેલની બહાર નીકળ્યા. તેમણે એક બીમાર વ્યક્તિ જોઈ. પીડામાં કણસતો તે મનુષ્ય જોઈને સિદ્ધાર્થ સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. તેમણે સારથિને એ વિશે પૂછ્યું. સારથિએ સમજાવ્યું કે કોઈ પણ જીવિત જીવને બીમારી આવે એટલે પીડા થવી સ્વાભાવિક છે. એ રીતે રાજકુંવરે એક વયસ્ક આદમી અને શબયાત્રા પણ જોયાં. રાજમહેલના વૈભવ સિવાય બીજા કશાનો અનુભવ ન કરનારા સિદ્ધાર્થને આ બધું જોઈને ખૂબ અચરજ થયું અને સારથિને પૂછતાં એ કુદરતી ક્રમ વિશે જાણીને ક્યારેય ન અનુભવી હોય એવી ગ્લાનિ અને બેચેનીની પણ અનુભૂતિ થઈ. એ પછી રાજકુમાર સિદ્ધાર્થે એક સંન્યાસીને ભાળ્યા. તે સાધુના મુખ પર એવી પ્રસન્નતા હતી કે એ જોતાં જ સિદ્ધાર્થ અભિભૂત થઈ ગયા. કુંવરે પોતાની આટલી ઉંમરમાં શ્રમણ પણ નહોતા જોયા. એથી એ વિશે પણ તેમણે રથચાલકને પૂછ્યું. ત્યારે સારથિએ જણાવ્યું કે સંન્યાસીઓ પોતાના ધન, ઘર, પરિવારનો ત્યાગ કરીને સ્વની શોધમાં, સત્યની ખોજમાં નીકળે છે; તેમની પાસે કોઈ દુન્યવી સંપત્તિ ન હોવા છતાં તેઓ હંમેશાં ખુશ અને સુખમાં રહે છે.

સાધુને જોઈને સિદ્ધાર્થનું મનોમંથન ચાલુ થઈ ગયું હતું અને નિયતિએ તો લેખ લખ્યા જ હતા. આથી એક અડધી રાત્રે સિદ્ધાર્થ રાજમહેલ, માતા-પિતા, પત્ની-પુત્ર સહિત સર્વે ઐશ્વર્યનો ત્યાગ કરીને આત્મખોજમાં નીકળી પડ્યા. અડવાણે પગે પહાડો, નદીઓ, જંગલ અને રણપ્રદેશમાં વિચરતા જાય. નહીં કોઈ નોકર-ચાકર કે નહીં રહેવાને છત. અરે, અન્ય શારીરિક સુખ તો છોડો, રાજમહેલમાં રોજ ૫૬ ભોગ આરોગતો આ રાજકુમાર એવો તપસ્વી બની ગયો કે આખા દિવસમાં ભિક્ષામાં માગીને ફક્ત ચોખાના છ દાણા ખાતો અને ગંગા-સિંધુ નદીના તટના પ્રદેશોમાં માઇલોના માઇલો વિહાર કરતો રહ્યો. તેમણે એવી કઠિન સાધના અને તપસ્યા કરી કે તેમનું રાજવી શરીર ફક્ત હાડકાં અને ચામડીનું માળખું બનીને રહી ગયું. તમે કહો, આવો પરિસહ સહન કરવા કયો રાજકુમાર સંન્યાસીનો ભેખ ધરે અને તેય સાવ સામાન્ય તેમ જ રો​જિંદી ઘટનાઓને જોઈને. એટલે જ કહેવાય છે કે બુદ્ધને સમજવા બુદ્ધ બનવું પડે.

ભિન્ન-ભિન્ન ધર્મશાસ્ત્રોનું વાંચન, ધર્મગુરુઓનો ઉપદેશ, ક્રિયા, કર્મકાંડો કરતાં-કરતાં, એ વિશે જાણતાં-સમજતાં સિદ્ધાર્થે નક્કી કર્યું કે જ્યાં સુધી તેને આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તે એક વૃક્ષની નીચેથી ઊભા નહીં થાય. પૂરા ૪૮ દિવસ બાદ તેમનું મન વિશુદ્ધ થઈ ગયું, તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને રાજકુમાર સિદ્ધાર્થ બુદ્ધ ત્યાર બાદ ૬ વર્ષના અભ્યાસ પછી પ્રબુદ્ધ બની ગયા.
વેલ, વેલ, વેલ... વિષ્ણુનો નવમો અવતાર કહેવાતા બુદ્ધની આ કથા આમ તો બહુ જાણીતી છે અને તેમની આગળની કહાની પણ વિદિત છે, પરંતુ આ ગુરુવારે બુદ્ધ ભગવાનની જન્મજયંતી છે એ નિમિત્તે આપણે કરીએ બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ અને જઈએ સારનાથની જાત્રાએ જ્યાં બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ બાદ પહેલી વાચના આપી હતી તેમ જ જગતને ચાર આર્ય સત્ય તેમ જ આર્ય અષ્ટાં​ગિક માર્ગ વિશે શીખવ્યું હતું.

૨૯ વર્ષની યુવાનવયે રાજ્ય છોડ્યા પછી ૬ વર્ષે, ૩૫ વર્ષની ઉંમરમાં ગૌતમ બુદ્ધ ગંગા અને વરુણા નદીના સંગમ પાસેના પ્રદેશમાં પધાર્યા અને અહીં તેમણે તેમના પાંચ શિષ્યોને પહેલો ઉપદેશ આપ્યો. આથી વિશ્વભરના બૌદ્ધધર્મીઓ માટે સારનાથ ચારધામમાંનું એક મુખ્ય યાત્રાધામ છે. મહાદેવની નગરી કાશીની પાડોશમાં આવેલા આ બૌદ્ધ તીર્થનો સ્તૂપ અત્યંત પાવન અને પ્રભાવશાળી છે. ૩૯ મીટર ઊંચો અને ૨૮ મીટરનો આ પહોળો સ્તૂપ જીર્ણોદ્ધાર બાદ હવે વધુ સુંદર અને સુદૃઢ બની ગયો છે. આમ તો આખું નગર ચોથી સદીથી ૧૮મી સદી સુધી બન્યું છે, વિલુપ્ત થયું છે અને ફરી બન્યું છે; પણ અત્યારે ૨૧મી સદીમાં આ તીર્થસ્થળે જબરદસ્ત વિકાસ કર્યો છે. વિદેશી યાત્રાળુઓના આવાગમનને કારણે સારનાથ હવે દરેક ધર્મના લોકો માટે બનારસની મસ્ટ વિઝિટેબલ પ્લેસની યાદીમાં આવી ગયું છે.

સમ્રાટ અશોક દ્વારા ઈસવી સન ૨૪૯માં નિર્મિત આ ધમેક સ્તૂપની સાથે આપણી રાજમુદ્રા એવો અશોક સ્તંભ જોવાનો છે જ, પણ અન્ય ધર્મરાજિક સ્તૂપના અવશેષો જોવા પુરાતત્ત્વ મ્યુઝિયમની વિઝિટ ટિકિટ ખરીદીને પણ કરજો જ. આ સંગ્રહાલય એવું દિલચસ્પ છે કે તમે બોર નહીં થાઓ. આ ઉપરાંત શ્રીલંકા મહાબોધિ સોસાયટી દ્વારા નિર્મિત મૂલગંધ કુ​ટિવિહાર પણ બ્યુટિફુલ છે. ચૌખંડી સ્તૂપ જ્યાં બુદ્ધે તેમના પાંચ શિષ્યોને બોધ આપ્યો એ પ્લેસ પણ દર્શનીય છે. એની સાથે બાજુમાં આવેલા ડીઅર પાર્કમાં ઊછળતાં-કૂદતાં હરણાંઓ જોઈને દિલ જવાન થઈ જાય છે.

જોકે સારનાથનું લેટેસ્ટ આર્કષણ છે અહીંનું થાઈ મંદિર. થાઇલૅન્ડના બૌદ્ધધર્મીઓ લૉર્ડ બુદ્ધની વિશાળ પ્રતિમાઓ બનાવવા માટે પ્રસિદ્ધ છે. અહીં સારનાથમાં પણ તેમણે ૮૦ ફુટ ઊંચી બુદ્ધની મૂર્તિ બનાવી છે જે ઇન્ડિયાની ટૉલેસ્ટ બુદ્ધ-પ્રતિમા છે. ૧૯૯૭થી ૨૦૧૧ દરમ્યાન ૧૪ વર્ષમાં નિર્માણ થયેલી આ મૂર્તિ મુખ્ય મંદિરના પરિસરના અઢી એકર વિસ્તારમાં આવેલી છે. અફઘાનિસ્તાનના બામિયાં વિસ્તારમાં આવેલી ૧૧૫ અને ૧૭૪ ફુટ ઊંચી બુદ્ધ-મૂર્તિઓ જે તાલિબાનોએ નષ્ટ કરી દીધી એ જ રાજવી સ્વરૂપે બુદ્ધ અહીં બિરાજે છે. એ સાથે ટ્રિમ્ડ લૉન, સેંકડો વૃક્ષો, સોનેરી બુદ્ધનું મંદિર, ધવલ તથાગત મંદિર, બોધિવૃક્ષની રેપ્લિકા, વિશાળ ઘંટ, પ્રાચીન પેઇન્ટિંગ્સ, ભિક્ષુક વિહાર, મગરમચ્છો અને માછલીઓ ધરાવતાં નાનાં પૉન્ડ, ઓપન ગ્રાઉન્ડમાં તથાગતની કાળા પથ્થરની વિશાળ મૂર્તિ, અશોક સ્તંભની રેપ્લિકા, પ્રેયર હૉલ્સ અને ઢગલાબંધ શાંતિ સારનાથને ​સ્પિરિચ્યુઅલ હેવન બનાવે છે.

સારનાથ વારાણસી જંક્શનથી ૧૦ ​કિલોમીટરના અંતરે છે, પરંતુ છેલ્લા બે દસકામાં બનારસ એવું ફૂલ્યુંફાલ્યું છે કે હવે સારનાથ બનારસનો એક ભાગ જ થઈ ગયું છે. આથી કાશી જતી કોઈ પણ ટ્રેન કે ફ્લાઇટ દ્વારા સારનાથ જઈ શકાય છે. સ્ટેશન અને ઍરપોર્ટથી સારનાથ જવા ઢગલાબંધ ​રિક્ષા અને ટૅક્સી મળી રહે છે. મંદિરના પરિસરમાં બૌદ્ધ ભિક્ષુકના પરિજનો માટે રહેવા-જમવાની સુવિધાઓ છે, પણ આપણા જેવા તીર્થાટન-પ્રેમીઓને કાશીની ગોદમાં રહેવું અને જમવું વધુ મજાનું રહે છે. ધર્મનગરી વારાણસીનું હૃદય એટલું વિશાળ છે કે આવડું નગર એકસાથે એકથી સવા લાખ યાત્રાળુઓને ઉતારો આપી શકે છે અને ભોજન કરાવી શકે છે.

life and style varanasi uttarakhand religious places culture news nepal