16 January, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આ જગતમાં જે પદ પર આપણે બિરાજિત છીએ કે જે સ્થાને આપણે બેઠા છીએ; પછી એ કુટુંબ હોય, સમાજ હોય, રાષ્ટ્ર હોય કે વ્યક્તિગત પોતાના મનમાં પોતાની છબિ હોય ત્યાંથી અગર માણસ ભ્રષ્ટ થઈ જાય એટલે કે પડી જાય પછી તેની કોઈ શોભા નથી રહેતી.
પડવાનાં ઘણાં બધાં કારણો છે અને એમાંય વિશેષ કારણ છે વિચાર. જે માણસ વિચારથી જ્યારે નિમ્ન થઈ જાય, કર્મથી જ્યારે માણસ ભ્રષ્ટ થઈ જાય અથવા તો વાણીથી જ્યારે માણસ ભ્રષ્ટ થઈ જાય ત્યારે એ માણસની કોઈ શોભા નથી, પછી લોકાચાર માટે કદાચ તેમને લોકો બોલાવે, પરંતુ એ વ્યક્તિનું માન-સન્માન અને સ્વાભિમાન ત્રણેય હણાઈ જાય છે.
આપણાં સુભાષિતોમાં આ જ વાતને બહુ સરળતાથી કહેવામાં આવી છે..
સ્થાન ભ્રષ્ટા ન શોભન્તે
દંતા કેશા નખા નરા.
દંત એટલે દાંત.
દાંત જ્યાં સુધી એના સ્થાને છે ત્યાં સુધી એની માવજત થાય, એની કૅર લેવાય, એની સાથે પ્રેમ થાય, પરંતુ એક વાર પડી ગયા પછી કોઈ એને સાચવી રાખતું નથી.
કેશા એટલે કે કેશ, વાળ.
વાળ જ્યાં સુધી એના સ્થાને છે ત્યાં સુધી આપણે કેટલી માવજત કરીએ. શૅમ્પૂ કરીએ, કન્ડિશનર કરીએ, પરંતુ જ્યારે વાળ એના સ્થાનેથી ઊતરી જાય અથવા આપણે વાળ કપાવી નાખીએ એ પછી એ વાળની કોઈ શોભા નથી, કોઈ સ્થાન નથી, કોઈ સન્માન નથી.
નખા એટલે કે નખ. નખ જ્યાં સુધી આંગળીમાં છે ત્યાં સુધી એની કેટલી બધી શોભા છે? હમણાં તો બહેનો, માતાઓ, દીકરીઓ નખની શોભાઓને ઘણી રીતે શણગારી રહી છે. પરંતુ એક વાર એ નખ ત્યાંથી કપાઈ ગયો અથવા તૂટી ગયો પછી એ નખની કોઈ શોભા નથી.
નરા એટલે કે માણસ. જ્યાં સુધી માણસ તેના સ્થાને છે ત્યાં સુધી જ તેની શોભા છે. એક વાર સ્થાનભ્રષ્ટ થયો એ પછી તેની કોઈ શોભા નથી. એટલા માટે પરમાત્માએ આપણને જ્યાં રાખ્યા છે એની કદર કરવી. કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં કે રાષ્ટ્રમાં જે પદ પર આપણને રાખ્યા છે એ પદને લાયક વિચારો, એ પદને લાયક કાર્યો અને એ પદને લાયક વક્તૃત્વ હોવું જોઈએ, નહીં તો પદભ્રષ્ટ થતાં વાર નહીં લાગે અને આ કર્તૃત્વ-વક્તૃત્વ અને વિચાર એ ત્રણે પ્રબળ થાય છે, માત્ર સત્સંગથી સત્સંગનો અર્થ છે સારાના સંગમાં રહેવું, સત્યના સંગમાં રહેવું. -આશિષ વ્યાસ