31 October, 2024 08:00 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
આજે વર્ષનો છેલ્લો દિવસ અને દેશનો મોટામાં મોટો તહેવાર દિવાળી છે. આ દિવસે લક્ષ્મીપૂજન થાય છે ત્યારે ઘણાને સુવર્ણમુદ્રાઓ હાથમાંથી સરકતી હોય એવી લક્ષ્મીદેવી જ યાદ આવે, પણ એટલું યાદ રાખજો કે પૈસા અને લક્ષ્મી વચ્ચે ઘણો તફાવત છે. કુલ ૮ પ્રકારની લક્ષ્મી છે અને પૈસો તો એમાંનો એક પ્રકાર છે જેને આપણે ધનલક્ષ્મી કહીએ છીએ. પૈસાથી સાધન કે સગવડ ખરીદી શકાય પણ સુખ, શાંતિ, આરોગ્ય, સંતાન, યશ, કીર્તિ કે સદ્ગુણો નથી મળી શકતાં.
સાચા અર્થમાં લક્ષ્મીવાન થવું હોય તો આ આઠ લક્ષ્મીની આરાધના કરવી જોઈએ ઃ
૧. આદ્યલક્ષ્મી - આ દેવી લક્ષ્મીનું પ્રાથમિક સ્વરૂપ છે. સંસ્કૃતમાં ‘આદ્ય’નો અર્થ પ્રથમ થાય છે. એથી આદ્યલક્ષ્મીને લક્ષ્મીનું મૂળ અથવા પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. એને ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ સહિત તમામ પ્રકારની સંપત્તિનો સ્રોત માનવામાં આવે છે. આ અભિવ્યક્તિમાં દેવી સાધકને તેમના સ્રોત સુધી પહોંચવા માટે ટેકો આપે છે.
૨. ધાન્યલક્ષ્મી - ધાન્યલક્ષ્મી ખેતી ઉત્પાદનરૂપી સંપત્તિની દેવી તરીકે પૂજાય છે. એ તમામ અનાજ, શાકભાજી અને અન્ય ખાદ્ય સ્રોતો મનુષ્યને પૂરા પાડે છે. ધન્યલક્ષ્મીને લીલાં વસ્ત્રો સાથે ચાર હાથ સાથે દર્શાવવામાં આવી છે જેમાં મુખ્યત્વે ડાંગર, શેરડી જેવાં ધાન્ય હોય છે.
૩. ધૈર્યલક્ષ્મી - ધૈર્યલક્ષ્મી ધીરજ અને આત્મવિશ્વાસ વધારતી દેવી તરીકે પૂજાય છે. આજના જેટ યુગમાં પણ ધીરજનો ગુણ અપનાવવા જેવો છે. ધીરજનાં ફળ હંમેશાં મીઠાં હોય છે. ઉતાવળા સો બાવરા,
ધીરા સો ગંભીર.
૪. ગજલક્ષ્મી – ગજલક્ષ્મીની પૂજા પાળેલાં પશુ સંબંધિત ધનની દેવી તરીકે કરવામાં આવે છે. સંસ્કૃતમાં ગજ એટલે હાથી. જૂના સમયમાં ગાય, ઘોડા, ઘેટાં કે હાથી જેવાં પ્રાણીઓ માનવજીવનનો ભાગ હતાં. ગાયોના ટોળાને ધણ કહેવામાં આવતું. આ ‘ધણ’ શબ્દ અપભ્રંશ થઈને ‘ધન’ બન્યો હોય તો નવાઈ નહીં. દૂધાળાં અને ખેતીવાડીમાં મદદ કરતાં પશુઓ જ ગ્રામજનોની અસલી સંપત્તિ હતી, છે અને રહેશે.
૫. સંતાનલક્ષ્મી - સંતાનલક્ષ્મી એટલે સંતાનપ્રાપ્તિના આશીર્વાદ આપતી દેવી. સંતાનલક્ષ્મી ભક્તને બાળકોની ભેટ સાથે તેમની સુખાકારી સુનિશ્ચિત કરે છે. તેના ખોળામાં એક હસતું બાળક પણ છે.
૬. વિજયલક્ષ્મી - વિજયલક્ષ્મી જીવનમાં દુખો સામે વિજય અપાવતી દેવી તરીકે પૂજવામાં આવે છે. વિજયલક્ષ્મી આપણને આપણા પ્રયત્નોમાં વિજયના આશિષ આપે છે. સફળતા મેળવવા માટે મુશ્કેલીઓ પર વિજય મેળવવો જરૂરી છે. માત્ર પૈસાથી જ કોઈ પણ ક્ષેત્રમાં વિજય નથી મળતો. એને માટે કુનેહ, સાહસ અને હિંમત પણ જરૂરી છે. આવા ગુણો મેળવવા વિજયલક્ષ્મીની પૂજા શ્રદ્ધાથી કરવી જોઈએ.
૭. વિદ્યાલક્ષ્મી - વિદ્યાલક્ષ્મી એટલે સરસ્વતી. જ્ઞાન અને બુદ્ધિની આ દેવીનું પૂજન અચૂક કરવું. વિદ્યાલક્ષ્મી સંગીત, સાહિત્ય, કળા સર્જનાત્મકતા જેવી અનેક પ્રતિભા સાથે પણ સંકળાયેલી છે. કોઈ પણ શૈક્ષણિક કાર્યમાં સફળતા મેળવવા માટે વિદ્યાલક્ષ્મીના આશીર્વાદ હોવા જરૂરી છે.
૮. ધનલક્ષ્મી - ધનલક્ષ્મી ભૌતિક સંપત્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજાય છે. એ દેવી નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિ આપે છે. સંપત્તિ જેવી કે ચલણ, સોનું, ચાંદી, જમીન, માલમિલકત કે અન્ય કોઈ પણ ભૌતિક સંપત્તિ મેળવવા માટે ધનલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
જીવનમાં માત્ર પૈસો મેળવવાથી સર્વસ્વ પ્રાપ્ત નથી થતું. જો તમારે માત્ર ધનવાન બનવું હોય તો ધનલક્ષ્મીની પૂજા કરજો અને સર્વગુણ સંપન્ન થવું હોય તો અષ્ટલક્ષ્મીની છબિ સામે રાખી ‘અષ્ટલક્ષ્મી સ્તોત્રમ’ વાંચીને શ્રદ્ધાપૂર્વક પૂજા અને આચરણ કરજો. આ કાર્ય માટે દિવાળીની રાત શ્રેષ્ઠ રાત છે.