midday

મડદાં સિવાય જગતમાં તમામ લોકોથી ભૂલ થાય તો એનો સ્વીકાર શું કામ નહીં?

08 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યાદ રાખવું, જગતમાં મડદાં સિવાય દરેકેદરેકથી ભૂલો થઈ શકે છે. આપણે જીવંત છીએ તો આપણાથી પણ ભૂલ થઈ શકે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

આજે પોતાના દોષ પણ બીજાના માથે ઓઢાડવાની વેતરણમાં ઘણા ડૂબેલા છે. આજનો નર પેલા વાનરની ઝાંખી કરાવી રહ્યો છે જે માલિકનું દહીં એકલો ઝાપટી ગયો અને ખીલે બાંધેલી બકરીના મોઢે થોડું દહીં ચોપડી દઈ બકરીને માર ખવડાવ્યો. આવી વિચિત્ર પ્રકૃતિને કારણે આજે કેટલાંય હર્યાંભર્યાં ઘરમાં માતમ છવાઈ જાય છે, વાત વટે ચડે છે. કોઈ-કોઈને નમવાનું નામ લેતું નથી. પરસ્પર ભૂલ કબૂલ ન કરવાની જાણે હરીફાઈ ચાલે છે. અંતે બચે છે સિન્થેટિક સ્નેહ, જે કંઈ જ ખપમાં નથી આવતો.

આવા સમયે બાજી સંભાળી લેવા જરૂર હોય છે સહેજ હિંમત કરીને પણ પોતાની ભૂલ સ્વીકારી લેવાની. અંગ્રેજીમાં કહે છેને, A little oil may save a deal of friction. અર્થાત્ થોડુંક જ તેલનું ઊંજણ મોટું ઘર્ષણ નિવારે છે. 

‘હા, એ મારી ભૂલ હતી.’ 
આટલું નાનું વાક્ય ઘરમાં કુરુક્ષેત્રને બદલે મધુવન સર્જી શકે છે.
અંગ્રેજીમાં એક ગાંઠે બાંધી રાખવા જેવી વાત થઈ છે.
Where there is contradiction, there is waste of energy. 

જ્યાં ઘર્ષણ છે, જ્યાં વિરોધાભાસ ત્યાં શક્તિનો વ્યય છે. આપણી શક્તિ, આપણી સંપત્તિ, આપણી શાંતિને અડફેટે ચડાવનારું એ ઘર્ષણ ઘણી વાર જન્મે છે પોતાનો કક્કો સાચો રાખવાની વૃત્તિ-પ્રવૃત્તિમાંથી.

યાદ રાખવું, જગતમાં મડદાં સિવાય દરેકેદરેકથી ભૂલો થઈ શકે છે. આપણે જીવંત છીએ તો આપણાથી પણ ભૂલ થઈ શકે, એને કેમ ન સ્વીકારીએ? અને આપણા અંગત આગળ જ સ્વીકારવામાં તે વળી આનાકાની શા માટે? આપણા જ ભાઈ, આપણા જ પતિ, આપણાં જ પત્ની, આપણા જ પુત્ર આગળ એકરારને બદલે ઇનકાર કરીને આપણે આપણી જ શાંતિને જોખમમાં મૂકી દઈએ છીએ. જ્યારે-જ્યારે આવો ઇનકાર થયો છે ત્યારે-ત્યારે એક વાતનો એ પણ એકરાર થયો છે કે આપણે સંબંધોનાં ઊંજણ કરતાં ઈગોની પરકાષ્ઠાને વધારે મહત્ત્વ આપીએ છીએ. ભૂલનો સ્વીકાર કર્યા પછી જે હળવાશ આવે છે એ હળવાશનો અનુભવ કરવાને બદલે આપણે અહમના ભારને વેંઢારવા તૈયાર રહીએ છીએ, તૈયાર પણ રહીએ છીએ અને સાથોસાથ માનસિક રીતે બધું સહન કરવા પણ સાબદા થઈએ છીએ. આ પ્રકારની તકલીફો સહન કરવા કરતાં, આ પ્રકારે સંબંધોની પરીક્ષા લેવા કરતાં માત્ર એક જ કામ કરવાનું છે, ભૂલનો એકરાર કરો અને સાથોસાથ સામેની વ્યક્તિ એવું ન કરે એની માનસિક તૈયારી રાખો.જે હળવાશનો અનુભવ થશે એ અદ્ભુત હશે.

- પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી (BAPS સ્વામીનારાયણ સંસ્થા)

life and style culture news swaminarayan sampraday columnists