06 July, 2024 08:20 AM IST | Mumbai | Rupali Shah
વિદ્યાર્થીઓ અને શિક્ષકો
આપણે સમુદ્રને સપાટી પર જોઈએ તો ઉન્મત્ત ઊછળતાં મોજાં દેખાય છે, પણ અંદર ડૂબકી લગાવીએ તો નીરવ શાંતિનો એહસાસ થાય છે. પ્રકૃતિ પાસે આવું જ કોઈ અદૃશ્ય ખેંચાણ છે. પ્રકૃતિ પાસે આપણી પ્રકૃતિને બદલવાની, જીવનનો નજરિયો બદલી નાખવાની પરમ શક્તિ છે. એની પાસે જઈએ તો આપણો અહંકાર ઓગાળવાની, આપણી અંદર થીજેલી ચેતનાને પ્રગટાવવાની એક અનોખી તાકાત ભરી પડી છે. બસ, શરત માત્ર છે એની નિકટ જવાની. એની પાસે પહોંચો કે ભીતર સાથે સંવાદિતા સાધતી એક અનોખી યાત્રાનો આરંભ શરૂ થઈ જતો હોય છે. ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (KES)ના યુવા વિદ્યાર્થીઓએ આવા જ અનુભવો તાજેતરના તેમના પ્રવાસ દ્વારા મેળવ્યા.
સંસ્કાર + સંસ્કૃતિ
જીવનમાં ભણતરનું મહત્ત્વ તો ખરું જ, પણ એની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો સરવાળો પણ વિદ્યાર્થીઓના જીવનમાં થતો રહેવો જોઈએ એવી વિચારધારા સાથે KES સતત પ્રયત્નશીલ રહે છે. આવા જ એક પ્રયાસરૂપે તાજેતરમાં KES દ્વારા એની શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ અૅન્ડ કૉમર્સના વિદ્યાર્થીઓ માટે ઉત્તરાખંડના આદિ કૈલાશ, ઓમ પર્વત અને નારાયણ આશ્રમની ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉલેજની ટ્રિપ મોટા ભાગે કેવી હોય? ધમાલ, મસ્તી, આરામદાયી અને સુવિધાઓથી સભર; પણ અહીંના મૅનેજમેન્ટે યુથના ટ્રાન્સફૉર્મેશન માટે પ્રવાસનો એક અનોખો પ્રયોગ કર્યો. મોટા ભાગે હિમાલયની આધ્યાત્મિક પ્રકારની ટૂરની વાત આવે એટલે એ તો પ્રૌઢ કે સિનિયર સિટિઝન માટેની જ હોય છે એવું સહેજ જ માની લેવાય છે. જોકે શ્રોફ કૉલેજના મૅનેજમેન્ટે ખાસ ટીનેજનું કવચ તોડીને બહાર નીકળનારા યંગસ્ટર્સ માટે આ ટૂરનું આયોજન કર્યું હતું. ૨૧ સ્ટુડન્ટ્સ અને પાંચ ટીચર્સની સહિયારી આ ઑર્ગેનાઇઝ્ડ ટૂર સાધારણ નહોતી. એમાં વિદ્યાર્થીઓને દિલ્હીનો કુતુબ મિનાર કે આગરાનો તાજમહલ જોવા નહોતા લઈ જવાયા. શું અલગ હતું એમાં?
પ્રકૃતિ તરફ પ્રયાણ
૧૮થી ૨૨ વર્ષનું વયજૂથ એવું છે કે એને બળપૂર્વક કે દબાણથી બદલી નથી શકાતું એમ જણાવીને KESના પ્રેસિડન્ટ મહેશ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘પ્રકૃતિનો એક મોટો ગુણ છે. એ તમારા સ્વભાવને વાળવામાં, બદલવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા રોપવી હોય તો તેમને પ્રકૃતિ તરફ વાળવા પડે. આ જ વિચારે યંગ જનરેશન પ્રકૃતિ તરફ વળે એ માટે અમે આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાનું આયોજન કર્યું. કુદરત સાથે તાદાત્મ્ય કેળવીએ તો એની અસર ક્યાંક તો થવાની જ. ધીરગંભીર, શ્વેત હિમાલયની વિરાટતામાં અદ્ભુત શાંતિનો અનુભવ મળવાનો જ. કુદરતના સાંનિધ્યમાં ગાળેલી પળોમાં આત્મીયતાનું એક બીજ રોપાવાનું જ છે, જે આજે નહીં તો કાલે જીવનમાં વટવૃક્ષ બનીને ફાલશે એવા આશય સાથે અમે અમારા વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસનું આયોજન કર્યું હતું. એને અત્યંત પૉઝિટિવ રિસ્પૉન્સ પણ મળ્યો છે અને મૅનેજમેન્ટે એવું નક્કી કર્યું છે કે આવો બીજો બૅચ પણ તૈયાર થતાં જ આ પ્રકારની બીજી ટૂરનું આયોજન કરવામાં આવશે અને આ સિલસિલો ચાલુ રાખવામાં આવશે.’
લીડરશીપ, ટીમસ્પિરિટ, બૉન્ડિંગ, હેલ્પિંગ હૅન્ડ જેવાં મૂલ્યો આવા પ્રવાસમાં પ્રત્યક્ષ જીવાય છે એમ જણાવીને ટૂરની આગેવાની લેનારા પ્રોફેસર સમ્રાટ શ્રીવાસ્તવ કહે છે, ‘અમારી સંસ્થાના પ્રેસિડન્ટ મહેશ શાહ બે વર્ષ પહેલાં આદિ કૈલાશની યાત્રા કરી આવ્યા હતા. તેમણે જ વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની સાહસિક અને આધ્યાત્મિક ટૂરનો પ્રસ્તાવ મૂક્યો, જે મૅનેજમેન્ટ દ્વારા વધાવી લેવાયો.’
પ્રવાસમાં આવતા અવરોધો જીવનમાં આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો એ શીખવતા હોય છે એમ જણાવીને ટીચર બીના શાહ કહે છે, ‘આપણી ઇકો-સિસ્ટમમાં તમે કેવી રીતે જીવી શકો, એકબીજા સાથે સુમેળ સાધીને કેવી રીતે રહેવાય અને જાતમહેનત ઝિંદાબાદ જેવી જવાબદારીઓ આત્મીયતા સાથે સ્વીકારવાની સભાનતા એ બધું આવા પ્રયાસ શીખવે છે. જીવનને સાહસ તરીકે સ્વીકારીએ તો કશુંક હાંસલ કરવાનો આનંદ અનુભવાય. અમે આ ટૂરમાં ન ગયાં હોત તો અવર્ણનીય અનુભવોનું ભાથું બંધાયું જ ન હોત, પણ આ ટૂર પર જઈ આવ્યા પછી એટલી ખાતરી છે કે હવે અમે આ પ્રકારની ટૂર ભવિષ્યમાં પણ કરતા રહીશું જે અમારા જીવનમાં લાંબા ગાળાની પૉઝિટિવ અસર લઈને આવે.’
ઉત્તરાખંડના બે ભાગ
આદિ કૈલાશ અને ઓમ પર્વતનું ભૌગોલિક વર્ણન કરીએ તો ઉત્તરાંચલ વિસ્તારના બે વિભાગ છે : એક કુમાઉ અને બીજો ગઢવાલ. ચારધામનો આખો વિસ્તાર ‘ગઢવાલ’ અને નૈનીતાલ તરફનો વિસ્તાર ‘કુમાઉ’ કહેવાય છે. ૧૯૬૨ પહેલાં કૈલાશની જે પદયાત્રા થતી હતી એ આ જ રસ્તેથી થતી હતી. પિથોરાગઢ, ધારચૂલા રસ્તેથી આદિ કૈલાશ જવાનો ઓરિજિનિલ રસ્તો હતો. શ્રોફ કૉલેજના ૨૧ વિદ્યાર્થીઓ અને જુનિયર કૉલેજના પાંચ શિક્ષક એમ ૨૬ જણનો કાફલો મુંબઈથી દિલ્હી ટ્રેનમાં અને ત્યાંથી બસ દ્વારા ધારચૂલા પહોંચ્યો. નેપાલની બૉર્ડર પરનું આ ગામ છે. અહીં કાલી નદી છે. એનો પુલ ક્રૉસ કરો તો નેપાલ પહોંચી જવાય. અહીંથી આ કાફલો નારાયણ આશ્રમ પહોંચ્યો.
અદ્ભુત નારાયણ આશ્રમ
હિમાલયની પર્વતમાળાથી ઘેરાયેલો નારાયણ આશ્રમ સમુદ્રની સપાટીથી ૯૦૦૦ ફુટની ઊંચાઈ પર આવેલો છે. વ્યવસાયે એન્જિનિયર અને સ્વામીનારાયણ સંપ્રદાયના નારાયણસ્વામીએ કૈલાશ પદયાત્રા વખતે અનુભવ્યું કે અહીંના લોકો પાસે કોઈ સુવિધાઓ અને રોટલો રળવાનું સાધન નથી. વળી અહીં આવનારા યાત્રિકો માટે કોઈ પણ પ્રકારની સગવડ નથી. એટલે અનેક જગ્યાની રઝળપાટ કરનારા સ્વામીજી આ સ્થળે રોકાઈ ગયા. કૈલાશ-માનસરોવરની યાત્રા કરનારાઓ માટે અહીં રહેવાની વ્યવસ્થા સાથે તેમણે આ આશ્રમની સ્થાપના કરી. આશ્રમમાં વિશાળ મંદિર છે, જેમાં સ્થાપિત વિષ્ણુની પ્રતિમા મફતલાલ ગ્રુપ દ્વારા ભેટ કરવામાં આવી છે. અહીં ઘણાં વર્ષોથી સ્વામી તન્મયાનંદજી તેમ જ માતાજી શિબિર લે છે. તેમના ગુરુ સ્વામી તદ્રુપાનંદજી હતા.
નારાયણ આશ્રમ પહોંચવાની અમારી જર્ની થોડી ટફ કહી શકાય, પણ નારાયણ આશ્રમ પહોંચતાં સુધીમાં સંઘર્ષની એ અનુભૂતિ ઓગળતી રહી એમ જણાવીને ટીચર ટીના રાવલ કહે છે, ‘ત્યાંનું સૌંદર્ય મંત્રમુગ્ધ કરતું ગયું. ધારચૂલાને ડિવાઇડ કરતી કાલી નદી, ઊંચા બર્ફીલા પહાડો, એના પર ઝળૂંબતાં વાદળો, વરસતો વરસાદ, એક બાજુ ધવલ-આચ્છાદિત ચાદર પથરાયેલી તો બીજી તરફ હરિયાળી, અહાહાહા... તાજગી અને સુકૂનનું અનોખું તાદાત્મ્ય આધ્યાત્મિકતાનો અનુભવ કરાવતું હતું. આપણે ચિત્રમાં જોયેલા આશ્રમ કરતાં સાવ અલગ, વિશાળ અને તમામ પ્રકારની સુવિધાસભર નારાયણ આશ્રમ હતો. સૌથી ખાસ વાત અહીંના સ્ટાફની વિનમ્રતા અને સેવા માટેની તત્પરતા મુંબઈમાં ભાગ્યે જ જોવા મળે. ખરેખર ગામડાંના લોકો સરળ, પ્રેમાળ અને સરભરા કરનારા હોય છે એ વાત બિલકુલ સાચી છે.’
આશ્રમમાં રહેવાનું, એસટી બસમાં જવાનું, વાસણ માંજવાનાં અને ખાસ તો મોબાઇલનું નેટવર્ક ન મળે એવી લાઇફસ્ટાઇલ આ જમાનામાં કોને પરવડે? જોકે ટૂર પર ગયેલા દરેકેદરેકનો જે પ્રકારનો રિસ્પૉન્સ સાંભળ્યો એ આનાથી સાવ વિપરીત હતો. ટીચર દર્શિત કાનાબાર કહે છે, ‘ખરેખર ગામડાનાં આ સરળ લોકો સાથે અમારા સ્ટુડન્ટ્સ ખૂબ સરસ રીતે હળી ગયા. આત્મીયતા સાથે આવતી જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકાય છે એની ખાતરી થઈ. કોઈએ સ્વેચ્છાએ વાસણ માંજ્યાં, કોઈએ ખાવાનું બનાવ્યું તો કોઈએ પીરસ્યું. અહીંના સ્ટાફમાં ૯૨ વર્ષના એક વયોવૃદ્ધ કાકા હતા. ઓહ માય ગૉડ, તેમની સ્ફૂર્તિ અને કામ કરવાની શક્તિ જોઈને ભલભલા શરમાઈ જાય. નારાયણ આશ્રમમાં આશ્રમ પૂરતી શાકભાજીની ખેતી થાય છે એટલે ત્યાં બધું જ ઑર્ગેનિક હતું. બીજો અવર્ણનીય નજારો પણ અહીં જોવા મળ્યો. અહીં દિવસ દરમ્યાન વાદળો હોય, પણ વહેલી સવારે ચાર-પાંચ વાગ્યે ખુલ્લા આકાશ વચ્ચે હિમાલયની હારમાળા જોવા મળે. અડધી રાત્રે ખરતા તારા, આકાશગંગાનો અવર્ણનીય નજારો સુધ્ધાં સ્ટુડન્ટ્સે માણ્યો.’
નારાયણ આશ્રમમાં જવાનો અમારો ઉદ્દેશ સ્વામીજી તેમ જ માતાજીના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓમાં કૅરૅક્ટર-બિલ્ડિંગ જેવાં મૂલ્યો વધારવાનો હતો એમ જણાવીને ટીચર અમી પટેલ કહે છે, ‘સ્વામીજી તેમ જ માતાજીએ રોજબરોજની તાણગ્રસ્ત પરિસ્થિતિઓની ચર્ચા કરીને એના સરળ ઉકેલો આપ્યા. નારાયણ આશ્રમમાંથી અમે બે ટ્રેક કર્યા. ઘોર જંગલનો ટ્રેક ૧૦૦૦ ફુટની ઊંચાઈએ હતો અને બીજો ટ્રેક લગભગ ૨૫૦૦ ફુટ ઊંચો હતો. એ આશ્રમના સંસ્થાપકનું ગુરુકુળ હતું. તેઓ બાળકોને ત્યાં શીખવતા.’
એક પળે ચળકતો સૂર્ય હોય, બીજી પળે ગોરંભાયેલાં વાદળો અને ત્રીજી પળે વરસાદ વરસતો હોય. એમાં અચાનક બરફ પડે. આવા અનપ્રિડિક્ટેબલ ક્લાઇમેટમાં અનુકૂળ હવામાન મળ્યું. ટ્રેક અઘરા હોવા છતાં નારાયણ આશ્રમના લોકોના માર્ગદર્શનને લીધે એ આરામથી પૂરા થઈ શક્યા. આધ્યાત્મિકતાની સાથે સાહસિકતાનો પણ અનુભવ રહ્યો.
નારાયણ આશ્રમથી નીકળીને કાફલો નાબી વિલેજના બેઝ કૅમ્પમાં પહોંચ્યો. અહીં તેઓ હોમ-સ્ટેમાં રહ્યા. આ વિસ્તારની સંભાળ આર્મી દ્વારા લેવામાં આવે છે એટલે ઠેર-ઠેર આર્મી નજરે ચડતી હતી. અહીંથી તેઓ એક દિવસ આદિ કૈલાશ અને એક દિવસ ઓમ પર્વત ગયા. સ્ટુડન્ટ્સ ખૂબ જ એનર્જેટિક હતા. આદિ કૈલાશ જવાના રસ્તાઓ અત્યંત સાંકડા પણ સારી કન્ડિશનમાં હતા. જોકે સપાટી પરથી સીધા ૧૬,૦૦૦ ફુટની ઊંચાઈએ અને આકરા ચડાણ સાથે શારીરિક અને માનસિક અનુકૂલન સાધવું પડે જે નારાયણ આશ્રમમાં કરેલા બે ટ્રેકને લીધે સરળતાથી શક્ય બન્યું.
પહાડો પ્રત્યે દૈવી આકર્ષણ
તાજેતરમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જેની મુલાકાત લીધી હતી એ આદિ કૈલાશ છોટા કૈલાશ તરીકે પણ ઓળખાય છે એમ જણાવીને ટીચર બીના શાહ કહે છે, ‘હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે પંચ કૈલાશમાંનું આદિ કૈલાશ શિવજીનાં પાંચ ઘરોમાંનું એક ગણાય છે. અહીંથી શિવજી માતા પાર્વતી સાથે લગ્ન કરવા નીકળ્યા હતા. આદિ કૈલાશ અને ઓમ પર્વતનાં દર્શન દુર્લભ અનુભવ છે. અહીં પહોંચતાં જ શિવમય થઈ જવાય છે. આ પ્રકારનો પ્રવાસ દરેક યંગસ્ટરે કરવો જોઈએ. અમારી આ ટૂર બિંદુમાંથી વર્તુળ તરફ નહીં પણ બાહ્ય પરિઘમાંથી આંતરિક ખોજ તરફ લઈ જનારી યાત્રા સાબિત થઈ.’
ઓમ પર્વતની દાસ્તાન પણ અનોખી છે, આપણી અંદર જે હોય છે એ તમને અનુભવાય એવું જણાવીને ટીના ટીચર અને અમી ટીચર કહે છે, ‘કોઈને પાર્વતી, કોઈને ઓમનો આકાર, કોઈને શિવની મૂર્તિ, કોઈને નંદી બૈલ દેખાતાં હતાં. બીના ટીચરને બધે ગણપતિ દેખાતા હતા. ઓમ પર્વતની બાજુમાં આવેલા પર્વત પર પણ ત્રિશૂળ, નંદી, શિવનો ચહેરો, ગણપતિનો આકાર દેખાતાં હતાં. તમારી શ્રદ્ધા જ તમને એ આભાસ કરાવે છે. ઓમ પર્વત અને આદિ કૈલાશ આ બન્ને નેપાલ, ભારત અને તિબેટની સરહદ પર આવેલા છે એટલે ત્રણ દિશાએથી એ દેખાય છે.’
અહીં કાલી માતાનું મંદિર છે, જે પવિત્ર કાલી નદીનું ઉદ્ગમસ્થાન ગણાય છે. પીગળેલા ગ્લૅસિયર્સ એમાં ભળે છે. કાલી મંદિર આગળ વ્યાસ ગુફા છે જ્યાં વ્યાસજીએ મહાભારત લખાવતાં પહેલાં ઊંડી સાધના કરી હતી. પાર્વતી સરોવર, ભીમ ખેતી જેવી બધી જ સિમ્બૉલિક જગ્યાઓની આગવી કથા છે. ગૌરી કુંડ અહીંથી બીજા ત્રણ કિલોમીટર દૂર આવેલો છે. આ બધી જગ્યાએ વહેલી સવારે ઊઠીને જવું પડે અને બપોરે બાર પછી તો તમારે પાછા આવવા માટે નીકળી જવું પડે.
રોમેરોમને સ્પર્શતી પ્રકૃતિ
પિથોરાગઢથી કુદરતના નજારાનો ખુલ્લો પટારો ગજબની શાશ્વત અનુભૂતિ જગાડતો હતો એમ જણાવતાં વિદ્યાર્થી રૂષભગિરી ગોસ્વામી કહે છે, ‘અહીંનો રસ્તો અઘરો હતો, પણ સંઘર્ષ અને હાડમારી પછીનું વળતર હંમેશાં આત્મસંતોષ આપનારું જ હોય છે. અમારી સાથે અમને ગાઇડ કરનારા છોકરાએ જ્યારે કહ્યું કે આપકી યાત્રા સમાપ્ત હુઈ ત્યારે જાણે અમે કશુંક પ્રાપ્ત કરી લીધું હોય એવી અનુભૂતિ થઈ. તે છોકરાને જોઈને અમને એમ પણ લાગ્યું કે લીડર બનવા માટેની કોઈ ઉંમર નથી. શહેરમાં આપણે માત્ર દોડાદોડી કરીએ છીએ, પણ હૃદયનું સુકૂન મેળવવું હોય તઆવી જગ્યાએ જવું જ રહ્યું.’
હિમાલય પૂર્વના દેશની આધ્યાત્મિક શિખરમાળા છે અને એનાં અમને સાક્ષાત્ દર્શન થયાં એમ જણાવીને સ્ટુડન્ટ રોનક મહેતા કહે છે, ‘આ પ્રદેશમાં ગયા તો અમે જાણ્યું કે અહીંના લોકો આવા વાતાવરણ અને પ્રકૃતિ સાથે કેવી રીતે અનુકૂલન સાધીને રહે છે. ટ્રેકિંગમાં સર્વાઇવલ ટ્રિક્સ અને ટેક્નિક્સ ખૂબ જ હોય છે. એ પણ અમને શીખવા મળી. આવી ટૂર કરવા બદલ અમે ખુદને ખુશનસીબ માનીએ છીએ અને મૅનેજમેન્ટના આભારી છીએ.’
અનએક્સપ્લોર્ડ પ્લેસ અને અનટચ્ડ બ્યુટી
આજે બધું કમર્શિયલ થતું જાય છે ત્યારે આ જગ્યા અનએક્સપ્લોર્ડ અને અનટચ્ડ બ્યુટી તરીકે અદ્ભુત છે એમ જણાવીને વિદ્યાર્થી ધ્રુવ શાહ કહે છે, ‘આ હિલ-સ્ટેશન નથી. આવું શાંત, સૌમ્ય વાતાવરણ ભાગ્યે જ મળે. અહીં તમે ઝરણાનો ખળખળ અવાજ, પવનનો અવાજ બધું જ સાંભળી શકો. નીરવ શાંત વાતાવરણ પણ કેટલું બોલકું હોય છે એ ત્યાં જઈને સમજાયું. અહીંના મસાલા વગરના ભોજનમાં પણ મીઠાશ હતી. મુંબઈ શહેરમાં જેની કલ્પના થઈ જ ન શકે એવું ઇન્ટરનેટ અને પૉલ્યુશન વગરનું જીવન અમે માણ્યું.’ વિદ્યાર્થી નિસર્ગ સાળવીને અહીંની સાદગી સ્પર્શી ગઈ. તે કહે છે, ‘નાબી વિલેજના લોકો સંતોષી હતા. અમે ત્યાં તેમનો નેપાલી ડ્રેસ પહેરીને રંગા કલ્ચર ઊજવ્યો. અમે ત્યાંનાં પ્રધાન મિસિસ સનમ નાબિયા સાથે પણ વાતચીત કરી.’
પ્રકૃતિ એટલે PEACE
ઑક્સિજન ઓછો અને પાતળી હવાને લીધે થોડાં ચક્કર પણ આવી જતાં, પણ એકબીજાને પ્રોત્સાહિત કરતાં-કરતાં દરેક ટ્રેક પૂરા થયા અને આખી ટૂર સફળ રહી. વિદ્યાર્થી મીત પંડ્યા કહે છે, ‘નારાયણ આશ્રમમાં સ્કૂલ, લાઇબ્રેરી, મેડિટેશન હૉલ બધું જ છે. જરૂરી નથી કે તમે મુંબઈ શહેરમાં જ ભણી શકો. જેને ભણવું હોય તે ૯૦૦૦ ફુટની ઊંચાઈએ કડકડતી ઠંડીમાં પણ ભણે છે.’
આ આખો અનુભવ હું અંગ્રેજીના માત્ર પાંચ જ આલ્ફાબેટમાં કહી શકું - ‘PEACE’ એમ જણાવીને વિદ્યાર્થિની ખુશી તન્ના કહે છે, ‘પાર્વતી સરોવર મને ખૂબ આકર્ષી ગયું. કહેવાય છે કે માતા પાર્વતી શિવજીને મેળવવા માટે તપ-આરાધના કરતાં પહેલાં અહીં આવીને સ્નાન કરી ગયાં હતાં અને તેમના નામ પરથી પાર્વતી સરોવર બન્યું છે. આવા ઠંડા પ્રદેશમાં ભીમ કી ખેતી નામની જગ્યાએ આજે પણ અનાજ ઊગે છે એટલે કેટલી ફળદ્રુપ એ જમીન છે. આ પણ એક ચમત્કાર જ છે.’
નીરવ શાંતિ અને છતાં બોલકી
પ્રકૃતિ સાવ નીરવ હોવા છતાં સતત બોલકી હતી એમ જણાવીને વિદ્યાર્થી ગણેશ કાબરા કહે છે કે અમુક ખૂણેથી આદિ કૈલાશ અદ્ભુત લાગતો હતો. તેણે ત્યાં ગુરુજીને પૂછેલા પ્રશ્ન સૌથી ઉત્તમ ધર્મ કયોના જવાબમાં તેમણે કહેલો ‘માનવતા’નો જવાબ તેને અત્યંત સ્પર્શી ગયો. સ્ટુડન્ટ માનવ પરમારને આદિ કૈલાશથી પાછા ફરતી વખતે પડેલો બરફ જોવાનો અનુભવ મેસ્મેરાઇઝિંગ લાગ્યો. સ્ટુડન્ટ રીતેશ સાઠલિયા કહે છે કે ઈશ્વર સાથે સીધો સંવાદ સાધવો હોય તો આ જ એક જગ્યા છે જ્યાં તમે સ્વર્ગનો અનુભવ કરી શકો, આ યાત્રાએ મારા આત્માની શુદ્ધિ કરી. વિદ્યાર્થી આકાશના મતે આદિ કૈલાશમાં આધ્યાત્મિકતા સાથે જોડાણ સાધી શકાય છે અને તમારી અંદર એક ચેતના પ્રગટે છે. વિદ્યાર્થિની દિશા ગાગ કહે છે કે કદાચ ઈશ્વરમાં ન માનનારાને પણ અહીં આવીને ઈશ્વર જેવી કોઈ શક્તિ છે એવી ચોક્કસ અનુભૂતિ થાય. દેવ પારેખ કહે છે, ‘કરોડો લોકો હિન્દુસ્તાનમાં રહે છે, પણ એમાંથી કેટલાને આટલી પવિત્ર જગ્યાએ આવવા મળ્યું છે? મારાં સદ્નસીબ છે કે હું અહીં આવ્યો.’