આત્મજ્ઞાન માટે કેટલીક વાર આખી જિંદગી ટૂંકી પડે અને કેટલીક વાર ક્ષણ પણ બસ થઈ પડે

25 November, 2024 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન સમજ પડે સામાયિકમાં કે ન ખ્યાલ આવે પ્રતિક્રમણમાં, ન વિધિ આવડે ગુરુવંદનની કે ન વિધિ આવડે પ્રભુદર્શનની. ન નવકાર સાથે કંઈ લેવાદેવા કે ન દેવદર્શન સાથે કોઈ સીધો સંબંધ. ન ઉપયોગિતાનો ખ્યાલ તેને ઉપકરણનો કે ન ભયંકરતાનો ખ્યાલ અને અધિકરણનો.

તસવીર સૌજન્ય : એઆઈ

ધર્મના માર્ગે તે યુવકની પા-પા પગલી જ હતી. ન ઓળખાણ પ્રભુની કે ન કોઈ ઓળખાણ ગુરુવરની. ન સમજ પડે સામાયિકમાં કે ન ખ્યાલ આવે પ્રતિક્રમણમાં, ન વિધિ આવડે ગુરુવંદનની કે ન વિધિ આવડે પ્રભુદર્શનની. ન નવકાર સાથે કંઈ લેવાદેવા કે ન દેવદર્શન સાથે કોઈ સીધો સંબંધ. ન ઉપયોગિતાનો ખ્યાલ તેને ઉપકરણનો કે ન ભયંકરતાનો ખ્યાલ અને અધિકરણનો.

હા.

પ્રવચનશ્રવણનો રસ તેને ગજબનાક, સરળતા તેની ભારોભાર અદ્ભુત. વિસ્મયભાવ તેનો ખૂબ મસ્ત, સ્વભાવ તેનો ખૂબ જ સરસ. વાણીમાં મીઠાશ અને આંખોમાં તેનું ભોળપણ.

આવો યુવક પ્રવચન પહેલાં બેઠો હતો મારી નજીક અને હું વંદન કરવા આવનારાના મસ્તક પર નાખી રહ્યો હતો વાસક્ષેપ. એકધારું ચાલતી આ ક્રિયા જોઈને તેણે મને ધીમેકથી પૂછ્યું,

‘આ છે શું?’

‘વાસક્ષેપ...’

મેં જવાબ આપ્યો પણ એ પછી તરત જ તેણે બીજો સવાલ કર્યો,

‘એ શેનો બને?’

‘સુખડનો...’

તરત જ પ્રતિપ્રશ્ન આવ્યો તે યુવાનનો,

‘અમારા મસ્તક પર આપ શું કામ નાખો?’

‘સુખડનો સ્વભાવ જેમ શીતળતા આપવાનો છે એમ અમારા દ્વારા અપાતા આશીર્વાદથી તમારા જીવનમાં શીતળતાનો સદ્ગુણ આવે એ આશયથી અમે સૌના મસ્તક પર વાસક્ષેપ નાખીએ છીએ.’

‘ગુરુદેવ, એક વિનંતી કરું?’

‘બોલ...’

જેવું મેં કહ્યું કે તરત જ તે યુવક બોલ્યો,

‘જીવનમાં અમે પાપો એટલાં બધાં કર્યાં છે કે આપે તો અમને સળગાવી નાખવાની જરૂર છે અને એ માટે અમારા મસ્તક પર વાસક્ષેપ નાખવાની નહીં, પણ મરચાંની ભૂકી નાખવાની જરૂર છે. મરચાંની ભૂકી ભલે અમને અહીં જ સળગાવતી. પાપોનો હિસાબ અહીં ને અહીં જ ચૂકતે થઈ જાય એ સારું જ છેને?’

યુવકની આ વિનંતી સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો અને કેવું આત્મજ્ઞાન! આત્મજ્ઞાન પામવા માટે કેટલીક વાર આખી જિંદગી ટૂંકી પડે અને કેટલીક વાર એક ક્ષણ પણ આત્મજ્ઞાન આપવાનું કામ કરી જાય પણ એની માટે બારી ખુલ્લી રાખવી જરૂરી છે. જો મન અને દિલની બારી ખુલ્લી ન હોય તો આત્મજ્ઞાનનો પ્રકાશ ક્યારેય અંદર નહીં આવે માટે અંદરની બારીઓ ખુલ્લી રાખજો.  - જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

culture news religion hinduism life and style columnists