શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૨૩: સંતો ને બાવા નાગા, શોભે શરીરે વૈરાગી વાઘા

23 January, 2025 12:17 PM IST  |  Mumbai | Mukesh Pandya

સંન્યાસી બાવા સતત એ વાતનો ખ્યાલ રાખે છે કે અમારું ઘર તો હિમાલય છે અને અમારું ડેસ્ટિનેશન-અમારી મંજિલ તો મહાદેવ જ છે

કુંભ મેળો

કોઈ નારી સોળે શણગાર સજે ત્યારે પ્રિયના મિલનની અપેક્ષા હોય છે. સંસાર માણવા જેના આકર્ષણની જરૂર છે એવા શંૃગારરસ અને પ્રેમરસ આવા શણગારથી વધુ બળવત્તર બને છે. સંસારીને શણગાર હોય છે એ જ રીતે સંન્યાસીના પણ શણગાર હોય? હા, હોય છે. એ પણ સોળ નહીં, સત્તર શણગાર હોય છે એવું કહેવાય છે.

જોકે આ શણગાર વાસનાની પૂર્તિ માટે નહીં, પણ સાધનાની સતત યાદ રહે અને એમાં મદદરૂપ થાય એ માટેના હોય છે; રાગ નહીં વિરાગના હોય છે. ખાસ કરીને નાગા બાવા કે જેમના આરાધ્યદેવ ભગવાન શંકર હોય છે તે સાધુઓ શંકર જેવા જ વાઘા ધારણ કરી કુંભસ્નાન કરતા હોય છે.

લાંબી જટા, અંગે ભસ્મ, હાથ-પગમાં કડાં, ગળામાં અને બાહુ પ૨ રુદ્રાક્ષની માળા, કપાળ પર તિલક-ચંદનનો લેપ, હાથમાં ત્રિશૂળ, કમંડળ, ડમરુ વગેરે-વગેરે.

આવી ચીજોનો શણગાર સતત તેમને એ વાતની યાદ અપાવે છે કે સંસારની માયામાં મન ન પરોવતા, સત્યરૂપી શંકરને આત્મસાત કરવા તેમણે પ્રયાસ કરવાના છે.

આપણે સંસારીઓ જ્યારે પણ કોઈ મૃત સ્વજનના અગ્નિસંસ્કાર માટે સ્મશાનમાં જતા હોઈએ ત્યારે ત્યાંનું વાતાવરણ, જટાળા શંકરનું મંદિર અને દેહને ભસ્મ થતો જોઈ સંસાર પ્રત્યે વૈરાગ્યની ભાવના આવી જાય છે, પરંતુ જેવા સ્મશાનની બહાર નીકળ્યા અને ઘરે જઈને નાહી લીધું કે તરત જ પાછા માયામાં લપેટાઈ જઈએ છીએ. હાથમાં લૅપટૉપ કે મોબાઇલ લઈને કામ પર લાગી જઈએ છીએ.

બીજી બાજુ સંન્યાસી બાવા સતત એ વાતનો ખ્યાલ રાખે છે કે અમારું ઘર તો હિમાલય છે અને અમારું ડેસ્ટિનેશન-અમારી મંજિલ તો મહાદેવ જ છે. આ વાત નિરંતર યાદ રહે એ માટે તેમણે અપનાવેલા વૈરાગી વાઘા ખૂબ કામ લાગે છે. ત્યાગ અને સમર્પણના ભાવને ભૂલવા નથી દેતા. આ શણગાર એ બીજું કંઈ નહીં પણ ઈશ્વરની સાધનામાં મદદરૂપ થઈ શકે એવાં સાધનો જ છે.

સાધુમહારાજોની લાંબી વધારેલી કેશની જટાઓ જ તેમના માટે વસ્ત્રો બની જાય છે. શિવમય થવા માટે જીવને જરા પણ અહંકાર ન આવે એટલા માટે તેઓ પહેરેલાં લૂગડાંનો પણ ત્યાગ કરે છે. દિશાઓને જ વસ્ત્ર માને છે એટલે દિગમ્બર પણ કહેવાય છે. જૈન ધર્મમાં પણ વસ્ત્ર-ત્યાગનો મહિમા હોય છે. દિગમ્બર સાધુઓ હોય છે. વસ્ત્રોનો પણ પોતાનો વૈભવ હોય છે, વટ હોય છે, ચાર્મ હોય છે. પ્રસંગને અનુરૂપ વસ્ત્રો પહેરીને માણસ પોતાનું સ્ટેટસ બતાવતો હોય છે. અહમને પોષતો હોય છે. બેડોળ શરીરને છુપાવવા કે શરીર છે એના કરતાં વધુ સુંદર દેખાડવા વસ્ત્રોનું દંભી પ્રદર્શન કરતો હોય છે. સાચા સાધુની દુનિયામાં અહંકાર કે દંભને પણ કોઈ સ્થાન નથી. એટલે જન્મ સમયે જેવા હતા એવા જ રહેવાનું પસંદ કરે છે. સંસારીઓ વચ્ચે જવાનું થાય ત્યારે લંગોટ પહેરી લે છે અથવા વ્યાધ્ર ચર્મ અને રુદ્રાક્ષની અનેક માળાઓ ધારણ કરી લે છે.

વસ્ત્રોનું એક કાર્ય શરી૨ અને મસ્તકનું રક્ષણ કરવાનું હોય છે. આ કાર્ય તેમની લાંબી જટાઓ પાર પાડે છે. હિમાલયની હાડ ગાળતી ઠંડીમાં એવાં પ્રાણીઓ હોય છે જે તેમના લાંબા વાળ થકી જ ઠંડીનો સામનો કરી શકે છે.

તેઓ કદી વસ્ત્રો પહેરતાં નથી. આવાં પ્રાણીઓ ટકી શકે છે એ રીતે માનવી પણ પોતાની લાંબી જટા દ્વારા રક્ષણ મેળવી શકે છે, ઠંડીમાં ટકી શકે છે. લાંબા વાળનો અંબોડો મસ્તકનું અને મગજનું રક્ષણ કરી શકે છે. આવી રક્ષણ આપતી કેશવાળી ઉપરાંત તેઓ જે ભસ્મ (સ્મશાન કે ધૂણીની રાખ) શરીર પર ચોળે છે એ પણ ઠંડીમાં હૂંફ અને ગરમીમાં શાતા આપતી કુદરતી ઔષધિ છે. રાખને ઔષધિ એટલા માટે કહી, કારણ કે એ અનેક ક્ષારોના ઑક્સાઇડ ધરાવતો એવો પાઉડર છે જે ઍન્ટિ બૅક્ટેરિયલ, ઍન્ટિ ફંગસ અને ઍન્ટિ વાઇરલ તત્ત્વ છે. આ ભસ્મનું શરીર પર લેપન કરવાથી મોસમની કુઅસર તો ટાળી શકાય છે, ઉપરાંત સાધુબાવાઓને જમીન પર સૂઈ રહેવાનું હોવાથી આસપાસનાં કીડી-મંકોડા કે જમીનમાંથી નીકળતા અન્ય જીવજંતુઓ પણ આ રાખને કારણે દૂર રહે છે. ધ્યાન-સાધનામાં ખલેલ પહોંચતી નથી. રાખ જંતુનાશક છે એ તો આજના વિજ્ઞાને પણ શોધી કાઢ્યું છે. પશ્ચિમના દેશોમાં હવે રાખમાંથી સાબુ બની રહ્યા છે. માથા પરની લાંબી જટા અને અંગે ભસ્મ એ જ સાધુ શરીરનો નિ:શુલ્ક શણગાર અને સાથે-સાથે રક્ષણાત્મક કવચ પણ છે.

(ક્રમશઃ)

culture news life and style uttar pradesh religious places