20 January, 2025 08:34 AM IST | Mumbai | Mukesh Pandya
ફાઇલ તસવીર
ગઈ કાલથી આપણે બાહ્ય યાત્રા અને ભીતરની યાત્રાની સરખામણી શરૂ કરી એ આજે આગળ વધારીએ.
ઘણા સંસારી લોકો એમ કહેતા હોય છે કે સંસાર ચલાવવો અઘરો છે. આના કરતાં તો બાવા બની જવું વધુ સારું, પરંતુ પાખંડીઓને છોડી દઈએ તો ભીતરમાં રહેલા ઈશ્વરની શોધમાં સાચા સાધુસંતો જે ઘોર તપસ્યા કરતા હોય છે એ ખરેખર સાંસારિક તપસ્યા કરતાં અતિ મુશ્કેલ હોય છે. કલ્પવાસમાં તમે ૩ દિવસ કે વધુમાં વધુ ૩૦ દિવસ ગાળો છો એવી કઠિન જીવનચર્યા એ લોકો જીવનભર પાળતા હોય છે.
સંસારમાં રહીને તમે પૂજાપાઠ અને મંદિરમાં દર્શન કર્યા બાદ તમારા અભ્યાસ કે વ્યવસાયમાં જોડાઈ જાઓ છો. અહીં તમારી સફળતા આડે હરીફો કે દુશ્મનો હોય છે. તેમનો સામનો કરવો અઘરો તો છે, પરંતુ કરી શકો છો. થોડી બાંધછોડ કરીને પણ સફળતા મેળવી શકો છો. મહાભારતના યુદ્ધમાં પાંડવોને જિતાડવા શ્રીકૃષ્ણએ પણ ઘણી વાર બાંધછોડ કરી હતી. મૅનિપ્યુલેટ અર્થાત્ ચાલાકી કરી હતી. તેમણે તો ધર્મની સ્થાપના માટે આમ કર્યું હતું, પરંતુ આજના સમયમાં આપણે જોઈએ છીએ કે અયોગ્ય માણસ પણ જૂઠ આચરીને કે ચાલાકી કરીને સફળતા પ્રાપ્ત કરતો હોય છે. આ માયાવી જગતમાં બધું શક્ય છે, પરંતુ જો તમારે આંતરજગતની યાત્રા કરવી હોય તો ત્યાં મૅનિપ્યુલેશન કામ આવતું નથી. બાંધછોડ થઈ શકતી નથી. માયા પ્રપંચ રચી શકાતા નથી. ફક્ત ને ફક્ત સત્યની બેધારી તલવાર પર ચાલવું પડે છે. કલ્પવાસનો પ્રથમ નિયમ જ એ છે કે
સત્યના માર્ગે ચાલવું. આ યાત્રામાં કોઈ માણસ હરીફ કે દુશ્મન નથી હોતો, પણ આપણી અંદર રહેલા ૬ દુર્ગુણો જ આપણા દુશ્મન હોય છે. આ ૬ દુશ્મનો અર્થાત્ ષડરિપુ એટલે કામ, ક્રોધ, મોહ, અદેખાઈ, આળસ અને અહંકાર. આ છએછ દુશ્મનો પર વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભીતર બેઠેલા ઈશ્વરનાં દર્શન થતાં નથી. આ ૬માંથી કોઈ એક દુર્ગુણ પણ તમારી આંતરજગતની યાત્રાની અસફળતા પાછળ કારણભૂત હોઈ શકે છે. જીવતા-જાગતા માણસને હરાવવા કરતાં આપણી અંદર રહેલા આ દુર્ગુણોને હરાવવા અતિ કઠિન છે. અહીં કોઈ લાંચરુશવત ચાલતી નથી. સત્ય (ઈશ્વર)ની પ્રાપ્તિ માટે તો સત્યનો માર્ગ જ કામ લાગે છે.
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો.
અગર તમે તમારી અંદર રહેલા આ ૬ દુશ્મનોને હરાવીને આગળ વધી શકો તોય ઈશ્વરની કસોટી તો હજી ચાલુ જ રહે છે. પ્રભુ મળતાં પહેલાં અનેક સિદ્ધિઓની લાલચ મળવાનું શરૂ થઈ જાય છે. તમે ત્રિકાળજ્ઞાની બની શકો છો. તમે કોઈના મસ્તક પર હાથ મૂકીને તેનાં દુઃખદર્દ હરી શકો છો. તમે પવનવેગે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકો છો. તમે વામનમાંથી વિરાટ કે વિરાટમાંથી વામન પણ બની શકો છો. તમે કોઈને વશ કરી શકો છો. તમે કોઈને માત્ર ઇચ્છાશક્તિથી માત પણ કરી શકો છો, પરંતુ સત્યના માર્ગે ચાલનારને આ સિદ્ધિઓ પણ ચલિત કરી શકતી નથી. તેઓ વળી પાછા આ સિદ્ધિને પ્રસિદ્ધ કરવામાં રહી ગયા તો અત્યાર સુધીની બધી મહેનત પર પાણી ફરી વળે છે. સિદ્ધિ અને પ્રસિદ્ધિથી અંજાઈને લાખો લોકો દંડવત્ પ્રણામ કરતા દેખાય, પણ આ સમયે જો જાગ્રત ન રહ્યા તો વળી પાછા તેઓ અહંકાર, મોહમાયામાં પડી શકે છે. કિનારે આવેલું વહાણ અર્થાત્ ઈશ્વરની સમીપ આવેલું જહાજ ફરી પાછું ડૂબી શકે છે. ઈશ્વર પણ આવા યાત્રાળુઓની સતત પરીક્ષા લઈ રહ્યો હોય છે. તે જોતો હોય છે કે આ વ્યક્તિ સિદ્ધિ મેળવીને રોકાઈ જાય છે કે મારા તરફની યાત્રા ચાલુ રાખે છે. જે વ્યક્તિ ૬ જાતના દુશ્મનોને હરાવી શકે અને પછી મળેલી સિદ્ધિ કે પ્રસિદ્ધિમાં પણ ફસાતી નથી. વળી પાછી કોઈ અહંકાર, લાલચ કે મોહને વશ થતી નથી, દરેક પ્રકારની ઈશ્વરીય પરીક્ષામાંથી સફળતાપૂર્વક પાસ થાય છે એ ભીતરમાં રહેલા ઈશ્વરનાં દર્શન કરી શકે છે. સાધુ બનવું કે ઈશ્વરીય સાધના કરવી સહેલી નથી. આ સાધનાની પ્રૅક્ટિસ માટે કલ્પવાસ યોગ્ય પ્લૅટફૉર્મ છે. ઈશ્વરના અંતરમાં વાસ કરવો કલ્પવાસ કરવાથી પણ અઘરો ટાસ્ક છે, પણ કલ્પવાસમાં લીધેલી તાલીમ વ્યક્તિ માટે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ સરળ કરી શકે છે.
(ક્રમશ:)