શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૧૯: મૈં ભીતર ગયા મૈં ભી તર ગયા

19 January, 2025 12:32 PM IST  |  Mumbai | Mukesh Pandya

કલ્પવાસ સમયે પાળવાના ઘણા નિયમો છે, એમાંથી એક છે કે વ્યક્તિએ અંતર્મુખ રહેવું જોઈએ. આંતર જગતની યાત્રા કરવી જોઈએ.

ફાઇલ તસવીર

હાલ કુંભમેળો ચાલી રહ્યો છે એમાં અગ્નિ-અખાડાના એક વિદ્વાન સાધુએ પત્રકાર સાથેની વાતચીતમાં ખૂબ સરસ વાત કરી. પત્રકારે ઔપચારિક વાતો બાદ બાબાને કહ્યું, ‘બાબા, કોઈ ઉપદેશ આપો.’

ત્યારે બાબાએ કહ્યું...

‘મૈં ભીતર ગયા,

મૈં ભી ‘તર’ ગયા.’

આ બે વાક્યના ઉપદેશમાં જ સમગ્ર જીવનનો સાર-સંદેશ આપી દીધો.

કલ્પવાસ સમયે પાળવાના ઘણા નિયમો છે, એમાંથી એક છે કે વ્યક્તિએ અંતર્મુખ રહેવું જોઈએ. આંતર જગતની યાત્રા કરવી જોઈએ. ઈશ્વરનાં દર્શન બહાર ભટકવાથી નથી થતાં. એનાં દર્શન કરવા આપણા શરીર અને મને એક જગ્યાએ સ્થિર થવું પડે છે. ધ્યાન ધરવું પડે છે, આંતર યાત્રા કરવી પડે છે, મનની ભીતર (અંદર) પ્રવેશવું પડે છે.

આવી ભીતર યાત્રા કરવી હોય તો કલ્પવાસનો સમય ઉત્તમ સમય છે. આવી ભીતરના વિશ્વની અર્થાત્ આંતર જગતની યાત્રા એટલે શું એ જાણવું હોય તો સૌપ્રથમ બાહ્ય જગત વિશે જાણીએ. બાહ્ય અને આંત૨ જગતની સરખામણી કરીએ. આંતર જગત તરફ વળવા આ પ્રક્રિયા ઉપયોગી બની રહેશે.

પ્રથમ બાહ્ય જગત વિશે જાણીએ.

ઘણા લોકોએ કુંભસ્નાન સાથે આજુબાજુનાં તીર્થોનો પ્રવાસ પણ ગોઠવ્યો છે. ઘણા ટૂરવાળા પ્રયાગના કુંભસ્નાન સાથે અયોધ્યા, વારાણસી, મથુરા, વુંદાવન, હરિદ્વાર, હૃષીકેશ જેવાં તીર્થસ્થળોની મુલાકાત ગોઠવી આપે છે. આ એક પ્રકારની બાહ્ય જગતની યાત્રા છે. આપણને આ બધાં સ્થળે રામ, કૃષ્ણ કે શિવરૂપી ઈશ્વરની વિવિધ મૂર્તિઓનાં વિવિધ સ્વરૂપનાં દર્શન થાય છે. આસપાસની નદીઓ, વન પ્રદેશ અને કુદરતી દૃશ્યોનો નઝારો જોવા મળે છે. આવી ટૂરમાં દર્શન અને એની સાથે મૂર્તિપૂજા પણ થાય છે. આ બાહ્ય જગત છે. આ જગતનો પ્રવાસ કરી આવી ફરી પાછા આપણે રૂટીન કામમાં જોતરાઈ જઈએ છીએ. અભ્યાસમાં, નોકરી વ્યવસાયમાં અને સંસારમાં પાછા ખોવાઈ જઈએ છીએ.

પરંતુ જે સાધુ, સંન્યાસી કે માણસો મોક્ષના ઇચ્છુકો છે તે લોકોએ બાહ્ય નહીં, પણ આંતર જગતની યાત્રા કરવી હિતાવહ છે. આવા લોકો માટે કલ્પવાસ એક શાળા સમાન છે જ્યાં તેમને આંતર જગત તરફ જવાના અર્થાત્ આંતરવાસ કરવા માટે શું કરવું જોઈએ એના પાઠ શીખવા મળે છે. બાહ્ય જગતના પ્રવાસમાં મંદિરોમાં દર્શન અને મૂર્તિપૂજા કરાય છે. સંસારીઓ માટે આ ઉત્તમ છે, પણ મોક્ષની ઇચ્છાવાળા સંન્યાસી મૂર્તિપૂજાને આધાર બનાવીને શરૂઆત કરે છે પછી એને પણ છોડે છે અને પછી ધ્યાનમાં મન પરોવે છે. અર્થાત્ મૂર્તિપૂજાનું અવલંબન છોડી ધીરે-ધીરે ધ્યાનપૂજા -ધ્યાનસાધના તરફ આગળ વધે છે. સફળતાપૂર્વક ધ્યાન ધરવા અંતર્મુખી બનવું જરૂરી છે. આંતર જગતની યાત્રા કરવી જરૂરી છે. બન્ને યાત્રાનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે.

બાહ્ય જગત પાંચ તત્ત્વો- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું બનેલું છે. તો આંતર જગત તરફ જવાના સાધનરૂપ આપણું શરી૨ પણ આ જ પાંચ તત્ત્વોનું બનેલું છે. તીર્થયાત્રારૂપે બાહ્ય યાત્રા કરીએ ત્યારે પ્રવાસમાં આપણને કુદરતનાં આ પાંચે તત્ત્વોનાં દર્શન થાય છે કે અનુભવ થાય છે. પહાડ (પૃથ્વી તત્ત્વ), નદી (જળ તત્ત્વ), સૂર્ય (અગ્નિ તત્ત્વ), પવન (વાયુ) અને વ્યોમ (આકાશ તત્ત્વ)નાં દર્શન થાય છે. આવાં તત્ત્વોનાં દર્શનથી મન ઘડીભર પ્રફુલ્લિત થાય છે.

સંસારી આટાપાટા કે નોકરી-ધંધાની ખટપટથી થોડો સમય દૂર થાય છે, પરંતુ ઘરે આવ્યા બાદ હતા એના એ જ, સંસારની પળોજણમાં પાછા ડૂબી જઈએ છીએ, પણ જો ભવસાગર તરી જવો હોય તો મનની ભીતર જવું પડે. આ ભીતર જગત અર્થાત્ આંતર જગતની યાત્રા કરવા આ જ પંચતત્ત્વોથી બનેલા શરીરને સાક્ષી રાખી ધ્યાનમાં ગરકાવ થવું પડે છે. એકાગ્રતા કેળવવી પડે છે. બાહ્ય યાત્રા સહેલી છે. મૂર્તિનાં દર્શન કરવા સરળ છે.

આંતર યાત્રા અઘરી છે. ઈશ્વરનાં જીવંત દર્શન કરવાં એટલાં સરળ નથી. કલ્પવાસ એને સરળ બનાવવા માટેનું વાતાવરણ ઊભું કરી આપે છે.

(ક્રમશ:)

culture news life and style religion religious places prayagraj uttar pradesh columnists gujarati mid-day kumbh mela