11 January, 2025 04:54 PM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
કુંભસ્નાનની ઘડીઓ ગણાઈ રહી છે. પરમ દિવસે સવારે પ્રથમ શાહી સ્નાન યોજાશે.
તમે અત્યાર સુધીમાં ઘણા લેખ, જાહેરાતો કે ગ્રંથોમાં વાંચી ચૂક્યા હશો કે કુંભસ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જોકે આધુનિક શિક્ષણના હાલના દોરમાં યુવાવર્ગમાં તર્કબદ્ધ રીતે આ વાત ગળે ઉતારવી હોય તો એમ કહી શકાય કે આ સ્નાનથી તન, મન અને આત્માના શુદ્ધીકરણની એવી પ્રક્રિયા તો જરૂર શરૂ થઈ જાય છે જે પાપકર્મ કરાવતાં પરિબળો પર ઠંડું પાણી અવશ્ય રેડી દે છે.
હિન્દુ ધર્મમાં સ્નાનનો ખૂબ મહિમા છે. લગ્ન હોય કે મરણ, પૂજા હોય કે હવન, શ્રાદ્ધ હોય કે તર્પણ સ્નાન તો કરવું જ પડે. દેવતાઓના પૂજનની પદ્ધતિમાં પણ તેમના અભિષેક સ્નાનનો અનેરો મહિમા છે. પશ્ચિમના દેશો પણ સ્નાનને મહત્ત્વ આપે જ છે. આજનું વિજ્ઞાન પણ શરીરને સ્વચ્છ અને શુદ્ધ રાખવામાં સ્નાનનો મહત્ત્વનો ફાળો છે એવું સમજે જ છે. જોકે સનાતન ધર્મ એનાથી પણ એક ડગલું આગળ વધીને કહે છે કે સ્નાનથી માત્ર તન જ નહીં મન અને આત્મા પણ સ્વચ્છ બને છે, શુદ્ધ બને છે, નિષ્પાપ બને છે.
આજે આપણે સ્નાનથી શરીરને થતા ફાયદાથી સ્નાનમહિમાની શરૂઆત કરીએ. નાહતી વખતે પાણી વડે ચામડીને ઘસી-ઘસીને નાહીએ તો શરીરનાં છિદ્રો ખૂલે છે અને એ વાટે વિષ દ્રવ્યો બહાર નીકળી જતાં શરીર હળવાશ, તાજગી અને સ્ફૂર્તિ અનુભવે છે. સ્નાનથી શરી૨માં લોહીનું પરિભ્રમણ વધુ ઝડપી બને છે અને થાક દૂર થાય છે. ખળખળતાં ઝરણાં કે નદીમાં નાહવાથી
કુદરતી ઘર્ષણ સ્નાનનો લાભ મળે છે એટલે જ આપણે ત્યાં નદીના સ્નાનનું મહત્ત્વ અનેરું છે.
શીતળ પાણીના સ્નાનથી ચામડીની નીચે આવેલા જ્ઞાનતંતુઓ સંકોચાય છે અને પરિણામે આખું શરીર મસાજ (માલિશ) થતો હોય એવો અનુભવ કરે છે. એને કારણે રુધિરાભિસરણની ઝડપ ઑર વધી જાય છે જેનાથી શરીર ચુસ્ત, સ્ફૂર્તિલું અને શક્તિવાન બની જાય છે. વધુપડતા ગરમ પાણીના માથાબોળ સ્નાનથી વાળનાં મૂળિયાં ઢીલાં પડે છે અને વાળ ખરવાની શરૂઆત થઈ શકે છે. આપણી અનેક વ્રતકથાઓમાં સ્ત્રીઓને ઠંડા પાણીમાં માથાબોળ સ્નાન કરવાનું કહેવામાં આવ્યું છે એનાં અનેક કારણોમાં આ પણ એક કારણ હશે.
નદીના શીતળ અને ગતિમાન પાણીથી શરીરને ઉત્તમ ઘર્ષણસ્નાન મળે છે. શરીરની ત્વચા સાબુ વગર પણ સ્વચ્છ, શુદ્ધ અને સુંદર બને છે. વળી ખુલ્લી જગ્યામાં આકાશની નીચે સ્નાન કરવાથી શરીરનાં ખુલ્લાં છિદ્રો વાટે વાયુમાં રહેલો પ્રાણવાયુ પૂરા શરીરમાં પ્રવેશી તન-મનને ઊર્જા, ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે.
ઠંડા પાણીના સ્નાનથી શરદી-ઉધરસ થાય કે અન્ય બીમારીઓને પ્રવેશ મળે છે એ વાત પણ સત્યથી વેગળી છે. આપણા ઋષિમુનિઓ રોજ પરોઢિયે નદીમાં ઘર્ષણસ્નાન કરતા અને સ્વસ્થ શરીર તેમ જ લાંબું આયુષ્ય ભોગવતા. આપણાં મોટા ભાગનાં તીર્થક્ષેત્રો નદીકિનારે જ વિકસ્યાં છે. પછી એ ગંગા નદીને કિનારે આવેલાં હરિદ્વાર-હૃષીકેશ હોય કે યમુના કિનારે આવેલાં ગોકુળ-મથુરા. ક્ષિપ્રા નદીને કિનારે આવેલું ઉજ્જૈન હોય કે ગોદાવરી નદીના કિનારે આવેલું નાશિક - ર્યંબક હોય.
હાલનું કુંભસ્નાન તો વળી ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ એેવા પ્રયાગરાજમાં યોજાયું છે જેના સ્નાનનો લાભ લેવો સારો મોકો બની રહેશે.
નદીઓના સ્નાનથી શરીર તો સ્વચ્છ બને છે. સાથોસાથ મનનું પણ શુદ્ધીકરણ થાય છે અને આત્માની મોક્ષ તરફની ગતિ બની રહે છે એ પણ આગળ આપણે જાણીશું. ઉપરાંત ખુલ્લામાં સમૂહસ્નાન કરવાથી વાયુસ્નાન અને સૂર્યસ્નાનના લાભ પણ મળે છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે એ વિશે પણ આપણે વિગતવાર જાણીશું.
(કમશઃ)