10 January, 2025 08:15 AM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
ગઈ કાલે આપણે જોયું કે માત્ર જ્ઞાન મેળવવાથી પરમની સમીપે નથી પહોંચી શકાતું. ધ્યાનસાધના પણ કરવી પડે છે. જો તમારે કુંભમેળામાં જઈ જ્ઞાન સાથે ધ્યાનસાધના પણ કરવી હોય તો કુંભમેળાની પૂર્વસંધ્યા (૧૨ જાન્યુઆરી)એ જેમની જન્મજયંતી ઊજવાશે એ વિવેકાનંદે કરેલા ધ્યાન વિશેના ઉપદેશો પર અવશ્ય નજર ફેરવી લેજો. વેદ ઉપનિષદોમાં આપેલી ધ્યાન પદ્ધતિઓમાં કદાચ આપણા જેવા સંસારીઓની ચાંચ ડૂબે કે ન ડૂબે, વિવેકાનંદના ઉપદેશ આપણા ગળામાં શીરાની જેમ ઊતરી જાય એવા હોય છે. આ જ કારણે વિવેકાનંદ, અભણ અને શિક્ષિત તેમ જ પૂર્વ અને પશ્ચિમની પ્રજામાં પણ અતિ લોકપ્રિયતા પામ્યા હતા. તેમણે વેદ ઉપનિષદો પચાવી સામાન્ય જણ પણ સાધી શકે એવી ધ્યાનની પદ્ધતિ સમજાવી હતી.
પશ્ચિમી દેશોમાં તેમને ધ્યાનના પરિચાયક તરીકે ગણવામાં આવે છે. તેમના નીચે મુજબના ઉપદેશને આત્મસાત કરવા જેવા છે...
તેઓ કહે છે કે એકાગ્રતા એ તમામ જ્ઞાનનો સાર છે અને ધ્યાન વ્યક્તિની એકાગ્રતાને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ‘માનવ નિર્માણ’ તેમનું મિશન છે અને તેમને લાગ્યું કે માનવીને જ્ઞાન, કાર્ય, પ્રેમ અને મનનની સંયુક્ત સંસ્કૃતિની
જરૂર છે.
તેમણે નિયમિત ધોરણે ધ્યાનની પ્રૅક્ટિસ કરવા પર ભાર મૂક્યો હતો.
વિવેકાનંદે કહ્યું, ધ્યાન માત્ર વ્યક્તિની એકાગ્રતામાં સુધારો કરતું નથી, પરંતુ તેના વર્તન નિયંત્રણમાં પણ સુધારો કરે છે.
વિવેકાનંદ માટે ધ્યાન એ એક સેતુ હતો જે માનવઆત્માને પરમાત્મા સાથે જોડતો હતો.
તેમણે ધ્યાનની વ્યાખ્યા આ રીતે કરી...
‘જ્યારે મનને કોઈ ચોક્કસ આંતરિક અથવા બાહ્ય સ્થાન પર સ્થિર રહેવાની તાલીમ આપવામાં આવે છે ત્યારે એનામાં એ બિંદુ તરફ અખંડ પ્રવાહમાં વહેવાની શક્તિ આવે છે. આ અવસ્થાને ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિ ધ્યાનની શક્તિને એટલી તીવ્ર બનાવી દે છે કે તે અનુભૂતિના બાહ્ય ભાગને નકારી શકે અને માત્ર આંતરિક ભાગ, અર્થ પર જ ધ્યાન કરી શકે, એ સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.’
પોતાનાં વ્યાખ્યાનોમાં વિવેકાનંદે ધ્યાનની પ્રક્રિયા પણ સૂચવી હતી જે નીચે મુજબ છે...
પ્રથમ, એવી મુદ્રામાં બેસવું જેમાં તમે લાંબા સમય સુધી સ્થિર બેસી શકો. કામ કરતાં તમામ ચેતા પ્રવાહો કરોડરજ્જુ સાથે પસાર થાય છે. કરોડરજ્જુનો હેતુ શરીરના વજનને ટેકો આપવાનો નથી, એથી આસન એવું હોવું જોઈએ કે શરીરનો ભાર કરોડરજ્જુ પર ન હોય. એને તમામ દબાણથી મુક્ત થવા દો.
વિવેકાનંદે કુર્મપુરાણમાંથી રાજયોગનો સારાંશ પ્રકાશિત કર્યો સારાંશમાં તેમણે ધ્યાનના અર્થ, હેતુ અને પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરી.
ધ્યાનની પ્રક્રિયાઓ માટે સીધા બેસો અને ભ્રમરની વચ્ચેના દિવ્ય પ્રકાશ પર ધ્યાન કેન્દ્રિત કરો, જેનો અર્થ તેમણે સંપ્રકેશ નાસિકગ્રામ એટલે કે તમારી ભ્રમરની વચ્ચે રાખો, તમારા નાકની ટોચ પર નહીં એવો કર્યો છે. દિવ્ય ધ્યાનની આ આખી પ્રક્રિયા માત્ર એક પ્રબુદ્ધ ગુરુ દ્વારા જ શરૂ કરી શકાય છે. જેણે પોતે ભગવાનને જોયા છે અને તે તમને દીક્ષા સમયે એ અધિકારનાં દર્શન કરાવી શકે છે. પછીથી, આપણે આપણું મન એ દિવ્ય પ્રકાશ (દીવો, ગુરુ કે તમારા ઈષ્ટ દેવની મૂર્તિનું તેજ) પર કેન્દ્રિત કરવું પડશે અને દરરોજ પ્રૅક્ટિસ કર્યા પછી તમે ભગવાન સાથે એકતા પ્રાપ્ત કરી શકો છો. જેણે દરેક પ્રકારની આસક્તિ, ભય અને ક્રોધનો ત્યાગ કર્યો છે, જેનો સમગ્ર આત્મા પ્રભુ પાસે ગયો છે, જેણે પ્રભુનો આશરો લીધો છે, જેનું હૃદય શુદ્ધ થયું છે, જે ઇચ્છા સાથે તે પ્રભુ પાસે આવે છે, તે તેને એ આપશે. એથી જ્ઞાન અને ધ્યાન તેમ જ ત્યાગ દ્વારા તેમની પૂજા કરો.
જ્ઞાન અને ધ્યાનની વાતો પછી આપણે સ્નાન, સ્નાનના ફાયદા, સ્નાનની પદ્ધતિ વિશે પણ જાણીશું, કારણ કે હવે કુંભમેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થતા આ ભવ્ય ઉત્સવનું પ્રથમ દિવ્ય (શાહી) સ્નાન ૧૩ જાન્યુઆરીને પોષ સુદ પૂનમને દિવસે છે.
(ક્રમશઃ)