06 February, 2025 09:54 AM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
જે લોકો કુંભમેળાની મુલાકાતે ગયા નથી કે જઈ શક્યા નથી એ લોકોને એટલું કહેવાનું કે
આપણું શરીર પણ કુંભ જ છે. કુંભ એટલે ઘડો કે ઘટ અને શરીરનો બીજો અર્થ પણ ઘટ થાય.
સ્વામીશ્રી રજનીશજીએ બહુ સરસ કહ્યું છે કે ‘પ્રયાગરાજમાં છે એવો ત્રિવેણી સંગમ આપણા ઘટ ઉર્ફે શરીરમાં પણ છે. જેમ પ્રયાગરાજમાં ગંગા અને જમનાનું મિલન થાય છે એમ આપણા તન-મનનું મિલન થઈને શરીર બને છે. પ્રયાગરાજમાં ગંગા અને જમના બે દેખાય છે એમ આપણને તન અને મન તો કળાય છે. મન ઇચ્છા કરે છે અને શરીર ઇન્દ્રિયોની મદદથી ભોગવે છે. જીભ સ્વાદ ભોગવે છે તો કાન અવાજ ભોગવે છે. નાક સુગંધ ભોગવે છે તો આંખ દૃશ્યોનો ભોગવટો કરે છે. વળી ચામડી સ્પર્શ ભોગવી તૃપ્ત થાય છે. શરીર અને મન કળાય છે બરાબર એવી જ રીતે પ્રયાગના સંગમમાં ગંગા અને જમના દેખાય છે. હવે આ સંગમમાં સરસ્વતી નદી હોવા છતાં દેખાતી નથી તો શરીરમાં પણ આત્મા હોવા છતાં દેખાતો નથી. જેમ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીએ છીએ એમ આપણે આપણી અંદર પણ ડૂબકી મારવી જોઈએ કે મારતા શીખવું જોઈએ. જેમ મરજીવા દરિયાના પેટાળમાં ડૂબકી મારે તો મોતી મળે છે એમ આપણા અંતરમાં ડૂબકી મારો તો લાભ મળે, જ્ઞાન પ્રાપ્ત થાય.
બુદ્ધ અને મહાવીરે આવી ડૂબકી મારીને જ આત્માનું જ્ઞાન મેળવ્યું હતું. આ જ્ઞાન એટલે જ સ૨સ્વતી. વસંત પંચમીના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે. જ્ઞાનનું પૂજન થાય છે. જ્ઞાન દેખાતું નથી, અનુભવાય છે એમ સરસ્વતી પણ દેખાતી નથી, માત્ર એની અનુભૂતિ થાય છે.
ગંગા, જમના અને સરસ્વતીની જેમ સનાતન ધર્મમાં ત્રણ દેવની અર્થાત ત્રિદેવની થિયરી પણ કામ કરે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.
આમાં બ્રહ્મા સરસ્વતી સાથે, શિવ ગંગા સાથે અને વિષ્ણુ જમના સાથે સંબંધ ધરાવે છે. પૃથ્વી પર શિવ અને વિષ્ણુ જ કાર્યરત દેખાય છે. બ્રહ્મા તો સૃષ્ટિના સર્જન પછી અદૃશ્ય રહે છે, દેખાતા નથી અને પૂજાતા નથી. એ જ રીતે તેમની સાથે સંબંધ ધરાવતી સરસ્વતી પણ અદૃશ્ય રહે છે. જ્યારે ગંગા અને જમના દેખાય છે.
રજનીશજી કહે છે, પ્રયાગરાજમાં ડૂબકી મારો તો ગંગા-જમના મળે, પણ સસ્સ્વતી કદાચ ન મળે. આ સંજોગોમાં કુંભમેળામાં ડૂબકી ન મારો તો ચાલશે, પણ તમારા અંતરમાં ડોકિયું કરજો. એમાં ડૂબકી લગાડજો તો સરસ્વતી રૂપી જ્ઞાન એક દિવસ અવશ્ય મળશે.
આપણે અગાઉ ઘણી વાર આંતર યાત્રાની વાત કરી. એ જ વાત રજનીશજી ત્રિવેણી સંગમની ત્રણ નદીઓને જોડીને કહે છે.
સામાન્ય માણસ ગંગા-જમના સુધી પહોંચ ધરાવે છે, પરંતુ મોક્ષની ઇચ્છાવાળાએ આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અહીં સુધી પહોંચવા સરસ્વતીની જરૂર પડે છે.
હાલ ચાલતી વસંત ઋતુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઋતુ છે. શ્રીકૃષ્ણની પણ પ્રિય ઋતુ એટલે વસંત. વસંત પંચમીએ પ્રયાગરાજમાં ડૂબકી મારી હોય કે ન હોય, પરંતુ આધ્યાત્માનું જ્ઞાન મેળવવું હોય, આત્માનો બોધ લેવો હોય, ઈશ્વરનાં દર્શન કરવા હોય તો અંદરની યાત્રા જરૂર કરજો. ક્યાંક અદૃશ્ય રહેતી સરસ્વતીની ભાળ મળી જાય.
આપણે ત્યાં શાળામાં સરસ્વતીની પૂજા કરવાનો રિવાજ છે. હકીક્ત તો એે છે કે શાળા-કૉલેજમાં જે શીખીએ છીએ એ માહિતીનો ધોધ હોય છે. રોજી-રોટી (બ્રેડબટર) કમાવા માટેની વિદ્યા હોય છે. જોકે એ પણ સારું જ છે કંઈ ખોટું નથી, પણ ખરું જ્ઞાન કે સરસ્વતી તો ત્યારે પ્રગટ થાય જ્યારે આપણી અંદર રહેલા આત્માનો પરિચય થાય. શરીરરૂપી ગંગા અને મનરૂપી જમનાને પાર કરીને આત્મારૂપી અજાણી અને અદૃશ્ય સરસ્વતીની નજીક પહોંચી શકાય. આ કામ કરવા માટે સંગમ તટે ડૂબકી મારવાની સાથે તમારી અંદર પણ ડૂબકી મારતા શીખવું પડશે, એમ સંતો-મહાત્માઓ કહે છે.
(ક્રમશ:)