03 January, 2025 12:22 PM IST | Mumbai | Mukesh Pandya
કુંભ મેળો
કુંભમેળાનો ઇતિહાસ વાગોળીએ તો ‘અમૃત’ શબ્દથી જ શરૂઆત કરવી પડે. અમૃત એટલે એવું પ્રવાહી જેને ગ્રહણ કરવાથી માનવીની નજીક બીમારી કે મૃત્યુ ફરકતાં નથી. તે અમર બની જાય અથવા દીર્ઘાયુષી બની જાય છે. કુંભસ્નાન સમયે નદીનાં પાણી અમૃત સમાન બની જાય છે અને એમાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે એવું કહેવાય છે ત્યારે એક વાત તો નક્કી છે કે માણસની શારીરિક, માનસિક અને આત્મિક શુદ્ધીકરણની પ્રક્રિયા અહીં ચોક્કસ થાય છે. આ સમયે પાણીમાં સ્નાન કરવાથી શરીરના હાનિકારક બૅક્ટેરિયા નાશ પામે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે એવું અહીં સંશોધન કરનાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે, પણ એની વાત પછી વિસ્તારથી કરીશું. હાલમાં ઇતિહાસની વાત કરીએ તો દેવ અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું હતું એની તો બધાને ખબર છે. આ મંથનમાંથી અનેક રત્નો અને કીમતી વસ્તુઓ મળી આવી એ દેવ-દાનવોએ અગાઉની સમજૂતી પ્રમાણે વહેંચી લીધી. જોકે વેલ્થથી પણ ચડી જાય એવા હેલ્ધી અમૃતનો ઘડો (કુંભ) મળ્યો ત્યારે દેવ અને દાનવ એ મેળવવા માટે ઝપાઝપી કરવા લાગ્યા. આ ઝપાઝપીમાં ચાર ટીપાં ભારતનાં ચાર પૌરાણિક શહેરોની નદીઓમાં પડ્યાં. કદાચ કુદરતનો આ સંકેત હશે કે માત્ર દેવ કે દાનવ નહીં પરંતુ માનવ પણ અમૃતમય પાણીનો લાભ લઈ વિકાસનો માર્ગ સાધી શકે.
આ ચાર ટીપાં પણ એવાં શહેરોમાં પડ્યાં જે ભારતના એ સમયના અતિ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનાં કેન્દ્ર હતાં. આ શહેરો હતાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાશિક. આ ચારેચાર સ્થળો મેદાની પ્રદેશ છે અને ઊંચાઈમાં સમુદ્રની સપાટીની ઘણી નજીક છે. એ સમયે ખેતીવાડી, વ્યવસાય અને ધર્મકાર્ય જેવી માનવપ્રવૃત્તિ માટે આ આદર્શ સ્થળો હતાં. એમ કહોને કે ભારત ખંડમાં અહીં જ વધુ માનવવસવાટ હતો.
હરિદ્વાર એ એવું શહેર છે જ્યાંથી હરિ (ઈશ્વર) સુધી પહોંચી શકાય. વાત પણ સાચી છે. ઈશ્વરના કહી શકાય એવા હિમાલયના ખોળે અને સમુદ્રની સપાટીથી ઘણી ઊંચાઈએ આવેલાં ચારધામ - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને જમનોત્રી જવું હોય તો હરિદ્વાર થઈને જ જવું પડે છે. ઉજ્જૈનમાં ભગવાન શંકર મહાકાલ બનીને બેઠા છે અને માનવવસ્તીનું નિયંત્રણ કરે છે. પીડારહિત મૃત્યુ માટે નિમિત્ત બને છે, તો નાશિકમાં માનવી મોક્ષ અર્થે શ્રાદ્ધક્રિયા કરવા જાય છે.
હવે આ વખતે જ્યાં મહાકુંભ છે એ પ્રયાગરાજ વિશે જાણીએ.
પ્રયાગ એટલે યજ્ઞો કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ (પ્ર એટલે માટે અને યાગ એટલે યજ્ઞ).
અગાઉના સમયમાં હોમ-હવન માટે આ આદર્શ શહેર હતું. કહેવાય છે કે સૃષ્ટિનો સૌપ્રથમ યજ્ઞ બ્રહ્માજીએ અહીં કર્યો હતો.
ગંગા-જમુનાના ફળદ્રુપ વિસ્તારમાં આવેલા આ શહેરમાં સમ્રાટ અશોકના સ્તંભ (ઈ. પૂ. ૨૩૨-૨૩૩) પર એની નીચેની ખાલી જગ્યામાં ચોથી સદીના સમ્રાટ સમુદ્રગુપ્તના વિજયોની માહિતી આપતો કવિ હરિષેણનો લખેલો લેખ છે. સાતમી સદીમાં પ્રયાગમાં સમ્રાટ હર્ષનું સામ્રાજ્ય હતું. આ સમ્રાટ દર પાંચ વર્ષે પ્રયાગમાં દાન-મહોત્સવ યોજતો અને એ દ્વારા ગરીબોને પોતાની સર્વ સંપત્તિનું દાન કરતો. પ્રયાગમાં ગંગા, યમુના તથા સરસ્વતી (ગુપ્ત) આ ત્રણેય પવિત્ર નદીઓનો સંગમ થાય છે, જ્યાં આ મહિને માનવમહેરામણ ઊમટશે.
ઈશ્વરની આ ભૂમિ પર મોગલોનું શાસન તો આવ્યું, પરંતુ રાજા અકબરે પણ આ શહેરની પવિત્રતા જોઈ અલાહાબાદ (ઈશ્વરનું શહેર) એવું નામ આપ્યું હતું.
જોકે આજે ફરી એને જૂનું નામ પાછું મળ્યું છે.
ઉત્તર પ્રદેશ રાજ્યની વડી અદાલતનું મથક પણ અહીં જ છે. અલાહાબાદ શહેર હિન્દી સાહિત્ય અને સંસ્કૃતિનું પિયર ગણાય છે. આ શહેરે સ્વાધીન ભારતને અત્યાર સુધી ત્રણ વડા પ્રધાનો (જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી તથા ઇન્દિરા ગાંધી) બક્ષ્યાં છે, તો હરિવંશરાય બચ્ચન અને ભારતના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મ પણ અહીં થયો છે.
આ શહેરમાં શરૂ થતા કુંભમેળાની મુલાકાતે આવનારા શ્રદ્ધાળુઓને આ વખતે નદીઓનાં પવિત્ર પાણી અને સંતોની પવિત્ર વાણીનો ભરપૂર લાભ મળશે.
(ક્રમશઃ)