થૅન્ક યુ, પાંડુપુત્ર ભીમ

16 June, 2024 07:44 AM IST  |  Mumbai | Alpa Nirmal

આપણે જઈએ ગોરખપુરના ભીમ મંદિરે જ્યાં વર્લ્ડની એકમાત્ર ‘લેટે હુએ ભીમ’ની પ્રતિમા છે

ગુરુ ગોરખનાથ મંદિરમાં ભીમનું અલગ મંદિર છે

જેઠ સુદ અગિયારસે નિર્જળો ઉપવાસ રાખવાથી આખા વર્ષની એકાદશી કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. લાખો ભક્તો આ મંગળવારે નકોરડો ઉપવાસ રાખશે. આ દિવસને ભીમ અગિયારસ પણ કહેવાય છે ત્યારે આપણે જઈએ ગોરખપુરના ભીમ મંદિરે જ્યાં વર્લ્ડની એકમાત્ર ‘લેટે હુએ ભીમ’ની પ્રતિમા છે

વૈદિક ધર્મમાં એકાદશી તિથિને બહુ મહત્ત્વની ગણવામાં આવી છે. બ્રહ્મપુરાણમાં લખ્યું છે કે અગિયારસનું વ્રત કરવાથી ધન, ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, સુખ, સંપત્તિ સહિત આરોગ્યની પ્રાપ્તિ થાય છે તો પદ્‍મપુરાણમાં કહ્યું છે કે એકાદશીનો ઉપવાસ પાપનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.

મહર્ષિ વેદવ્યાસે પાંડવોને કહ્યું હતું કે એકાદશીનું વ્રત તમને યુદ્ધમાં વિજય અપાવવાની સાથે યુદ્ધમાં થયેલા સંહારના પાપથી મુક્તિ અપાવશે. ત્યારથી ચારેય પાંડવો દરેક મહિનાની બેઉ અગિયારસનું વ્રત કરતા, પરંતુ દ્વિતીય પાંડવ ભીમના ઉદરમાં વૃક નામનો અગ્નિ પ્રજ્વલિત હોવાથી તેના માટે અન્નનો ત્યાગ કરવો સંભવ નહોતો. આથી તેણે વેદવ્યાસને એ સમસ્યાનો હલ આપવા કહ્યું. ત્યારે વ્યાસજીએ સૂચવ્યું કે જેઠ મહિનાની શુક્લ એકાદશીએ અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ કરવાથી આખા વર્ષની અગિયારસ કરવાથી જે ફળ મળે એટલું ફળ આ એકાદશી નિર્જળા કરવાથી મળે છે. ભીમે એ નિર્જળા એકાદશી વ્રત કર્યું અને કૌરવો સામે જીત પણ મેળવી.

વ્રકાદર (ભીમ)ને કારણે સામાન્ય ભૂલોકના માનવોને પણ નિર્જળા એકાદશીનું વ્રત મળ્યું અને એક નકોરડો - નિર્જળો ઉપવાસ કરીને ૨૪ અગિયારસ કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું. એ માટે થૅન્ક યુ પાંડુપુત્ર ભીમ.

આ કારણસર જેઠ મહિનાની સુદ એકાદશીને ભીમ અગિયારસ પણ કહે છે. એ અન્વયે આજે જઈએ ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિરે જ્યાં ગોરખબાબા તેમ જ ભીમ પુરાણકાળથી બિરાજમાન છે.

ભીમ... મહાભારતકાળનું અતિ બળવાન પાત્ર. યુધિષ્ઠિરના ગુણો અને અર્જુનની કાબેલિયતની જેટલી વાતો વિદિત છે એટલું ભીમ વિશે, તેનાં પરાક્રમો, તેની વિશેષતાઓનું નિરૂપણ બહુ પ્રચલિત નથી. જોકે ઇતિહાસ કહે છે કે દુર્યોધન ઍન્ડ અધર કૌરવ બ્રધર્સને પાંડવોની એટલા માટે ઈર્ષ્યા થતી કે પાંડવો પાસે અપાર શક્તિશાળી ભીમ ભાઈ હતો. ૧૦૦ કૌરવો મળીને પણ ભીમની તાકાતનો મુકાબલો કરવા સક્ષમ નહોતા અને એ માટે જ બાળપણમાં દુર્યોધને ભીમને મારવાનો કારસો રચ્યો. ગાંધારી પુત્રે ભીમના ભોજનમાં ઝેર ભેળવ્યું અને ભીમે એ ભોજન ખાધું. ત્યાર બાદ દુર્યોધને ભીમને ગંગા નદીમાં ડુબાડી દીધો. ત્યારે પવિત્ર ગંગામાં વાસ કરતા નાગરાજા વાસુકિએ ભીમને બચાવ્યો અને તેને દુર્યોધનની તેના પ્રત્યેની નફરતથી અવગત કરાવ્યો. એ સાથે વાસુકિએ ભીમને એવું શક્તિશાળી ઝેર પીવડાવ્યું જેથી તેનું શરીર પોલાદી બની ગયું.

વાયુદેવ અને કુંતીમાતાનો પુત્ર ભીમ બળવાન હોવાની સાથે ધર્મ, વિજ્ઞાન, પ્રશાસન અને યુદ્ધકળાઓમાં પણ માહિર હતો. મહાભારત મહાકાવ્યમાં લાક્ષાગૃહનો પ્રસંગ, બકાસુરનો વધ ભીમની બાહોશતા દર્શાવે છે તો દ્રૌપદી માટે સૌગંધિકા પુષ્પની ખોજ, વનવાસના અંતિમ વર્ષમાં વિરાટ રાજ્યમાં રસોઇયાનો વેશ ધારણ કરીને રહેવું ભીમનાં ઋજુ તથા માનવીય પાસાં દર્શાવે છે.

આ ગદાધારી તેમ જ સમજદાર ભીમને જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થના સમ્રાટ બન્યા બાદ યોગેશ્વર ગોરખનાથને રાજ્યમાં યોજેલા રાજસૂય યજ્ઞમાં નિમંત્રવા પૂર્વ ભારત મોકલ્યો. ભીમ ગોરખબાબા પાસે પહોંચ્યો ત્યારે બાબા ધ્યાનમાં લીન હતા. ગોરખનાથની સાધનામાં વિક્ષેપ નથી કરવો એમ વિચારીને શિવજીના ૧૧ રુદ્ર અવતારમાંનો એક કહેવાતો ભીમ તેમની રાહ જોતાં-જોતાં ત્યાં સૂઈ ગયો અને તેના વિરાટ તેમ જ વજનદાર શરીરને કારણે ભૂમિના એ ભાગ પર ખાડો થઈ ગયો જે આજે તળાવમાં તબદીલ થઈ ગયો છે. ત્યાં જ આજે ‘લેટે હુએ ભીમ’ની પ્રતિમા છે. જોકે એ અર્વાચીન છે અને દર્શનીય છે. જોકે ગોરખનાથ મંદિરના બાવન એકરના વિશાળ પરિસરમાં ભીમનું અલાયદું મંદિર છે અને ઉત્તર-પૂર્વ ભારતીયો માટે અહીં ભીમદેવ વન ઑફ ધ મોસ્ટ ફેવરિટ ગૉડ છે.

‘લેટે હુએ ભીમ’ની મૂર્તિ

હવે વાત કરીએ ગોરખનાથ બાબાની તો નાથ સંપ્રદાયના સ્થાપક ગુરુ ગોરખને કેટલાક ભક્તો શ્રી રામનો અવતાર કહે છે તો કેટલાક પંથ તેમને શિવજીનો અવતાર કહે છે. એ સાથે એમ પણ કહેવાય છે કે ત્રેતાયુગમાં પણ ગુરુ ગોરખનાથે અવતાર લીધો હતો અને રામના રાજ્યાભિષેકમાં હાજર રહ્યા હતા અને દ્વાપર યુગમાં પણ તેમનું અવતરણ થયું હતું. એ જ વખતે ગિરનાર પર્વતની ટોચે તેમણે તપ કર્યું હતું અને ભીમ સાથેનો મેળાપ પણ આ જ કાળખંડમાં થયો હતો. ત્યાર બાદ કળિયુગમાં પહેલી શતાબ્દીમાં પણ તેજસ્વી સાધુ સ્વરૂપે તેમણે અખંડ ભારતમાં પરિભ્રમણ કર્યું હતું અને ફરતાં-ફરતાં હાલના ઉત્તર પ્રદેશમાં જ્યાં તેઓ બિરાજમાન છે ત્યાં પધાર્યા હતા. આ ભૂમિ સાથે પૂર્વકાળનું કનેક્શન હોવાથી તેમણે અહીં રહીને સાધના કરી હતી.

હાલમાં અહીં જે મંદિર છે એ સ્થળે નવમી સદીથી મંદિર હોવાનું મનાય છે, પરંતુ સમયે-સમયે એમાં મૂર્તિથી લઈને બાંધકામમાં જંગી ફેરફારો થયા છે. વર્તમાનમાં ઊભેલો અહીંનો ટેમ્પલ-સમૂહ તો ગોરખપુરની શાન બની ગયો છે, કારણ કે આ માધ્યમે ભારતને યોગી આદિત્યનાથ જેવા બાહોશ પ્રધાન મળ્યા છે. યસ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીજી આ મંદિરના મહંત છે.

દેવાલયનો પરિસર આકર્ષક વૃક્ષો, ફૂલો અને કૂણા ઘાસનાં સુંદર મેદાનોથી ઓપે છે. શ્રી ગોરખનાથ મંદિરમાં ગોરખનાથ બાબા, હનુમાનજી, શિવજી, માતાજીઓ, ભીમ, કૃષ્ણ, રામ સહિત અનેક દેવી-દેવતાઓને સર્મપિત મંદિરો છે. મંદિરના પૂર્વ પીઠાધિપતિઓની સમાધિ, સંસ્કૃત પાઠશાળા અને ધર્મશાળા પણ અહીં છે. ગોરખનાથ મંદિર ફક્ત આ શહેરના જ નહીં, આજુબાજુના અનેક વિસ્તારોના રહેવાસીઓ માટે મસ્ટ વિઝિટ પ્લેસ છે. અહીંનું માનસરોવર ભાવિકોની આસ્થાને ભીની-ભીની રાખે છે તો અખંડ અન્નક્ષેત્ર મુલાકાતીઓની ભૂખ-તૃષા સંતોષે છે. એ સાથે જ કથામંડપ, યજ્ઞશાળામાં યોજાતાં અવનવાં નાનાં-મોટાં અનુષ્ઠાનોનો વર્ષેદહાડે લાખો ભાવિકો લાભ લે છે અને અહીંની સત્ત્વશાળી ગૌશાળા સાથે ભાવનાત્મક સંબંધ બાંધે છે.

ભીમ જ્યાં સૂઈ ગયા ત્યાં રચાયેલું ભીમ સરોવર તળાવ સહેલાણીઓનું આકર્ષણ બની ગયું છે

મંદિરની નિર્માણશૈલી ભલે આકર્ષક નથી, પરંતુ અહીંની ચોખ્ખાઈ ચોક્કસપણે ઊડીને આંખે વળગે એવી છે. અહીં ચાલતી યોગ શિબિરો તન-મનને તંદુરસ્ત કરે છે તેમ જ નજીક આવેલી રા​પ્તી નદીના રિવરફ્રન્ટ પર ચાલતી ભાતીગળ એન્ટરટેઇનમેન્ટની પ્રવૃ​ત્તિઓ તો નાના-મોટા, જુવાનિયાઓને મોજ કરાવી દે એવી ઢાસું છે.

મુંબઈથી ગોરખપુર જવા નૉન-સ્ટૉપ ફ્લાઇટ્સ છે તેમ જ ડાયરેક્ટ ટ્રેનો પણ છે. ૩૧થી ૩૮ કલાકની લાંબી ટ્રેન-જર્ની રિયલ ભારતનાં દર્શન કરાવે છે અને ભુલાય નહીં એવા અનુભવોનું ભાથું આપે છે. રાજ્યના પાટનગર લખનઉથી પણ અનેક બસ અને ટ્રેન અહીં પહોંચાડે છે. રહેવા માટે ગોરખપુરમાં દરેક પૉકેટને પરવડે એવી સુવિધાઓ છે. ઇન ફૅક્ટ, પૂર્વાંચલના આ મુખ્ય શહેરના વિકાસની ગતિ ‘બહુત તેજ હૈ’ ભૈયા. આથી હવે અહીં ઇન્ટરનૅશનલ લેવલનું બોર્ડિંગ-લૉજિંગ (જમવાનું) મળી રહે છે. જોકે અહીંની ચાટ આઇટમ્સ સામે આંતરરાષ્ટ્રીય ક્વિઝિન પાણી ભરે. ઉત્તર પ્રદેશની ભેળપૂરી, સમોસા, આલૂ-ચાટ, મટર-ચાટ, ટિક્કી-ચાટ કા તો ક્યા હી કહે. ઉનકા કૌનુ મુકાબલા નહીં સાહેબ.

ભીમમાં ૧૦,૦૦૦ ગજરાજ જેટલી શક્તિ હતી. મહાભારતના યુદ્ધમાં સોએ સો કૌરવોને તેણે એકલા હાથે નાથ્યા હતા.

હાઉ કૅન વી ​મિસ ગીતા ગોરખપુર પ્રેસ

સનાતન ધર્મના મુખ્ય સિદ્ધાંતો-ગ્રંથોના પ્રસારણ અર્થે ૧૯૨૩માં સ્થપાયેલું ગીતા પ્રેસ કોઈ પણ મંદિરથી ઓછું પૂજનીય નથી. આ પ્રેસે ભગવદ્ગીતા, રામાયણ, ઉપનિષદો, પુરાણો તેમ જ અનેક ધાર્મિક વ્યક્તિઓનાં જીવનચરિત્રોની કરોડો કૉપીઓ ભારતની અને વિશ્વની અનેક ભાષામાં છાપી છે. ૪૧ કરોડ ૭૧ લાખ ધાર્મિક પુસ્તકો છાપનારું ગીતા પ્રકાશન હિન્દુ ધર્મના સાહિત્યનું મોસ્ટ ઑથેન્ટિક પ્રકાશક ગણાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

- નાથ સંપ્રદાયના સ્થાપક બાબા ગોરખનાથે ભારતની યોગ સંસ્કૃતિના વિકાસમાં બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે. હઠયોગ પરંપરા અહીંથી શરૂ થઈ હોવાનું કહેવાય છે.

- મકરસંક્રાન્તિના દિવસોમાં અહીં ખૂબ મોટો મેળો ભરાય છે અને ગુરુ ગોરખનાથને ભોગરૂપે ખીચડી ચડાવવામાં આવે છે. હજારો ભાવિકો દાળ અને ચોખા પણ ચડાવે છે અને પ્રસાદરૂપે ખીચડી ગ્રહણ કરે છે.

- શ્રી ગોરખનાથ મંદિર સાથે ગોરખપુર સિટીમાં વિષ્ણુ મંદિર, દૌડપુર કાલી મંદિર, સંકટમોચન, ગોપાલ મંદિર, ગાયત્રી શક્તિપીઠ જેવાં મંદિરો અને ચૌરી ચૌરાહા શહીદ સ્મારક પણ દર્શનીય છે.

gorakhpur uttar pradesh culture news life and style columnists alpa nirmal