20 July, 2024 10:33 AM IST | Mumbai | Darshini Vashi
આ મંદિરનું મુખ્ય દ્વાર છે જેની બન્ને તરફ વિશાળ હાથી બનાવવામાં આવ્યા છે. જાણે ભગવાનને પોતાના પગથી નમન કરી રહ્યા હોય એ રીતે હાથીને બનાવવામાં આવ્યા છે.
મુંબઈમાં જુહુના ઇસ્કૉન મંદિરનું નામ પ્રસિદ્ધ અને લોકપ્રિય મંદિરોની યાદીમાં આવે છે, પણ એની બરોબર સામેની તરફ આવેલું શ્રી મુક્તેશ્વર દેવાલય જે પોતે એક અજાયબીથી ઓછું નથી એના વિશે ઘણા ઓછા લોકોને જાણ છે. જોકે હકીકતમાં મુક્તેશ્વર દેવાલય તો ઇસ્કૉન મંદિર કરતાં પણ જૂનો ઇતિહાસ ધરાવે છે. લગભગ ૪૦૦ વર્ષ જૂના અને ૭ માળના આ મંદિરમાં અનેક દેવી-દેવતા, ઋષિ-મુનિ, નવગ્રહ સહિત લગભગ દરેક ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. બહારથી સામાન્ય લાગતા આ મંદિરમાં પ્રવેશ્યા બાદ જ એના વૈભવ અને ભવ્યતાના સાક્ષી બની શકાય છે. ૭ માળના આ મંદિરના દરેક ફ્લોર પર સનાતન સંસ્કૃતિનાં દર્શન થાય છે. દેશનું તો ખબર નથી, પણ મહારાષ્ટ્રનું આ એકમાત્ર વિશાળ મંદિર છે જ્યાં દરેક પૂજનીય અને અલૌકિક મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે.
મંદિરની પ્રાચીનતા
મુક્તેશ્વર નામ પરથી અંદાજ આવી જાય કે આ મંદિર શિવજીને સમર્પિત છે. વર્તમાન સમયમાં જે મંદિર દૃશ્યમાન થાય છે એ જીર્ણોદ્વાર કરેલું છે, પણ અસ્સલ મંદિર તો ૪૦૦ વર્ષ કરતાં જૂનું છે જ્યારે જુહુ માત્ર એક દરિયાકિનારો જ હતો. એ સમયે અહીં રહેતા કેટલાક બ્રાહ્મણો, વાડવલ (વાડી સંભાળનાર) સમાજ અને કોળી સમાજ મળીને ત્રણ સમુદાયના લોકોએ અહીં મુખ્ય મંદિરની સ્થાપના કરી હતી. મંદિરની અંદર મુક્તેશ્વર શિવલિંગ, માતાજીની મૂર્તિ અને હનુમાનજીની મૂર્તિ બિરાજમાન કરી હતી. આજે પણ આ ૪૦૦ વર્ષ જૂની મૂર્તિ મંદિરમાં છે. મુંબઈમાં શિવજી માટે ત્રણ સ્થાન ખૂબ મહત્ત્વપૂર્ણ છે; એક છે મલાડના મઢમાં આવેલું કિલ્લેશ્વર મહાદેવ, બીજું છે જુહુમાં આવેલું શ્રી મુક્તેશ્વર દેવાલય અને ત્રીજું છે બાબુલનાથ મંદિર. આ ત્રણેય મંદિરના સ્થાનને જોશો તો જણાશે કે આ ત્રણેય મંદિર ચન્દ્રકોરનો આકાર બનાવે છે જે ભગવાન શંકરના મસ્તિષ્ક પર બિરાજેલા ચન્દ્રકોર જેવી જ સમાનતા ધરાવે છે. આ ત્રણેય શિવલિંગ મુંબઈના મૂળ નિવાસી કહેવાય એવા સમુદાયના લોકોના કુળદેવ ગણાતા હતા અને તેઓ જ આ મંદિરનું ધ્યાન રાખતા હતા.
આ અસ્સલ શિવલિંગ છે જેના ગર્ભગૃહમાં બધાને પ્રવેશવા દેવામાં આવતા નથી.
મંદિરનો જીર્ણોદ્ધાર
સમય આગળ વધતો ગયો એમ સત્તાધીશો બદલાતા ગયા. પછી ગવર્નમેન્ટ રૂલ્સ મુજબ ટ્રસ્ટ બનાવવાનું ફરજિયાત બન્યું. રાનીસાહેબ, અને માહિમકર પરિવારના સ્થાનિકોએ આ મંદિરનો કાર્યભાર સંભાળ્યો. ત્યાર બાદ ૧૯૮૬માં મંદિરનો કારભાર પુષ્પકાંત મ્હાત્રેજીના હાથમાં આવ્યો હતો જેઓ ત્યાંના નગરસેવક હતા. તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અગાઉ આ મંદિર જૂની ગૌલોક શૈલીમાં બંધાયેલું હતું જેને જીર્ણોદ્ધાર વખતે હેમાડપંથી સ્થાપત્ય શૈલીમાં બનાવાયું હતું. મંદિરના નવીનીકરણમાં પુષ્પકાંત મ્હાત્રેનો અમૂલ્ય ફાળો હોવાનું અહીંના લોકોનું કહેવું છે. વર્તમાનમાં મંદિરનો કારભાર અને દેખરેખ મંદિરનું ટ્રસ્ટ અને ભૂતપૂર્વ નગરસેવક પુષ્પકાંત મ્હાત્રેના દીકરા મનીષ મ્હાત્રે સંભાળી રહ્યા છે. તેઓ મંદિરના મૅનેજિંગ ટ્રસ્ટી પણ છે. મંદિરના બાંધકામની વાત કરીએ તો જેમ બાંધકામ કરવાની અલગ-અલગ શૈલી હોય છે એમ એક હેમાડપંથી સ્થાપત્ય શૈલી પણ છે. આ એક પરંપરાગત મરાઠી સ્થાપત્ય શૈલી છે જે આજે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. ૧૯૮૬ના સમયગાળા દરમ્યાન જ મંદિરમાં રામદરબાર અને લક્ષ્મી-નારાયણના દરબારની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ એ જ અરસામાં મુખ્ય મંદિરની પાછળ અડીને આવેલા ૭ માળના સનાતન સંસ્કૃતિ મંદિરની સ્થાપના કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને ૨૦૦૧થી દરેક ફ્લોર પર અલગ-અલગ દેવી-દેવતાઓ અને ઋષિ-મુનિઓની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવાની શરૂઆત કરી હતી.
સાત માળનું ભવ્ય મંદિર
મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર ખૂબ ઍટ્રૅક્ટિવ બનાવેલું છે. આજુબાજુ બે ભવ્ય હાથી અને વચ્ચેથી મંદિરમાં પ્રવેશ કરવાનો હોય છે. મંદિરના ચોગાનમાં પ્રવેશતાંની સાથે એક તરફ વિશાળ વડનું ઝાડ જોવા મળશે અને બીજી તરફ મંદિરની ઑફિસ અને એની બાજુમાં જૂતાં-ચંપલ મૂકવાનું સ્ટૅન્ડ છે. મંદિરના ચોગાનમાં થોડા આગળ આવશો ત્યાં નંદીજી બિરાજમાન છે જેની સામે મુખ્ય મંદિરની અંદર ગર્ભગૃહમાં મુક્તેશ્વર શિવલિંગ છે. મંદિરની બહારની તરફ શનિદેવ અને નવગ્રહ સ્થાપિત કર્યા છે. મંદિરને અડીને પાછળની તરફ ૭ માળનું મંદિર પણ બાંધવામાં આવ્યું છે. આ મંદિરની ખાસિયત વિશે જણાવતાં મંદિરના પૂજારી અતુલ મહાજન કહે છે, ‘સાત માળનું જે સનાતન સંસ્કૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે એ ધાર્મિક રીતે વિચારીને બનાવવામાં આવ્યું છે. એમાં સૌથી ઉપરના ફ્લોર પર એટલે કે સાતમા માળે ૧૨ જ્યોતિર્લિંગની અને એનાં મંદિરોની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. શિવજીની ઉપર કોઈ હોતું નથી એટલે સૌથી ટોચનું સ્થાન તેમને આપવામાં આવ્યું છે. એની નીચેના ફ્લોર એટલે કે છઠ્ઠા માળે સદ્ગુરુઓની પ્રતિમા મૂકવામાં આવી છે, કેમ કે ભગવાન પછી આપણે કોઈ જીવનમાં રાહ બતાવે તો તે સદ્ગુરુ જ હોય છે એટલે તેમને અહીં બીજું સ્થાન આપવામાં આવ્યું છે. આ ફ્લોર પર સાંઈબાબા સહિતના સદ્ગુરુઓ બિરાજમાન છે. સદ્ગુરુ પછી સંતો આવે છે એટલે પાંચમા માળે ઇતિહાસમાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ૧૭ સંતોની પ્રતિમા મૂકવામાં આવી છે. એવી રીતે ચોથા માળે અષ્ટદેવી એટલે કે માતૃવંદના એટલે માતાનાં અલગ-અલગ રૂપ અહીં બિરાજમાન છે. સાથે ૧૮ ભુજાવાળી માતાની મોટી મૂર્તિ પણ છે. ત્રીજા માળે ૧૧મુખી શ્રીગણેશની મૂર્તિ સાથે ગણપતિનાં અષ્ટવિનાયક રૂપનાં દર્શન પણ થઈ શકશે જે ઉત્પત્તિના દેવ છે. બીજા માળે વિષ્ણુના દશાવતાર છે, સાથે તિરુપતિ બાલાજીની વિશાળ મૂર્તિ પણ છે અને પહેલા માળે અન્નપૂર્ણા અનંત મ્હાત્રે સભાગૃહ બનાવવામાં આવ્યું છે. આમ આખા મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા સીક્વન્સ પ્રમાણે જ કરવામાં આવી છે. આખા મંદિરમાં કુલ ૧૦૮ મૂર્તિઓ છે. ભગવાનની જે નાની-નાની મૂર્તિઓ છે એ પંચધાતુની બનાવવામાં આવી છે ત્યારે મોટી મૂર્તિઓ માર્બલની બનાવવામાં આવી છે. મંદિરમાં સવારે સાડાચાર વાગ્યાથી અભિષેક, આરતી વગેરે શરૂ થઈ જાય છે. મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવે છે. પૂજામાં વપરાતી દરેક વસ્તુ સાત્ત્વિક હોય છે. અહીં સુધી પૂજામાં વપરાતું પાણી પણ મંદિરમાં આવેલા કૂવામાંથી જ વાપરવામાં આવે છે. શિવલિંગ પર અભિષેક પણ આ જ કૂવાના પાણીથી કરવામાં આવે છે. ગર્ભગૃહની પવિત્રતા અને પૉઝિટિવ એનર્જીને જાળવી રાખવા અમે અહીં દરેકને પ્રવેશ આપતા નથી. કેમ કે આજે ઘણા લોકો ગમેતેવાં કપડાં પહેરીને મંદિરમાં આવે છે. અહીં સુધી કેટલાક લોકો તો સીધા બીચ પરથી માટીવાળાં કપડાંમાં જ આવી પહોંચે છે. તો બસ અમારો હેતુ માત્ર સાત્ત્વિકતા જાળવી રાખવાનો છે. મંદિર સવારે ૫.૩૦થી લઈને રાતે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. બપોરે ૧થી ૪ વાગ્યા દરમ્યાન બંધ રાખવામાં આવે છે. બુધવાર અને શનિવારે મંદિર બંધ કરવાનો સમય અલગ હોય છે.’
અદ્ભુત, અતુલ્ય ને અપ્રતિમ મંદિર
શ્રી મુક્તેશ્વર દેવાલયની વર્ષોથી નિયમિત મુલાકાતે આવતાં જિશા પંડ્યા કહે છે, ‘આટલો મોટો વિસ્તાર અને વહીવટ હોવા છતાં મંદિરનો કારભાર એકદમ સુવ્યવસ્થિત રીતે ચાલે છે. ક્યારેય અહીં ખોટી દોડધામ કે ધક્કામુક્કીનું વાતાવરણ જોવા નથી મળતું. મંદિરનું કામકાજ નહીં પણ ચોખ્ખાઈ અને સુઘડતા માટે પણ મંદિરને ફુલ માર્ક આપવા જોઈએ. દર શનિવારે અહીં હજારોની સંખ્યામાં નાળિયેર ફૂટતાં હોય છે, પણ જો તમે બીજા દિવસે વહેલી સવારે મંદિરમાં જશો તો તમને દાણા સરખોય કચરો જોવા મળશે નહીં. જુહુ બીચની બાજુમાં જ અને વ્યસ્ત રહેતા રોડ પર જ મંદિર હોવાને લીધે અહીં ઘણી ધૂળ-માટી ખૂબ આવે છે એટલે રોજ સાંજે મંદિરને ધોવામાં આવે છે એટલે સ્વચ્છતા પ્રત્યે ચીવટતા જોવા મળે છે. એટલું જ નહીં, શિવલિંગની પવિત્રતા અને ચોખ્ખાઈ જળવાઈ રહે એ માટે મંદિરના ગર્ભગૃહમાં પણ દરેકને પ્રવેશ આપવામાં આવતો નથી જે વાત મને ગમે છે. બીજું એ કે અહીં નવગ્રહ સ્થાપિત છે જે બહુ ઓછી જગ્યાએ છે એટલે જેને પૂજા કરવી હોય તે અહીં આવી શકે છે. એ સિવાય અહીં ઘીનો તૈયાર કરેલો દીવો પણ આપવામાં આવે છે. માટીના કોડિયામાં આ દીવો આપવામાં આવે છે અને પછી આ વપરાયેલા દીવાને પાણીમાં પધરાવી દેવામાં આવે છે. ઘીના દીવા સહિત અહીં ચડાવવા માટે તેલ, દૂધ, નારિયેળ પણ આપવામાં આવે છે. વિવિધ પૂજા, શનિની પૂજા વગેરે બધું અહીં થાય છે. પાછળ જે ૭ માળનું મંદિર છે ત્યાં લિફ્ટની વ્યવસ્થા પણ છે એટલે ટૂંકમાં કહીએ તો દરેક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખીને આ મંદિર બનાવવામાં આવ્યું છે.’