ભારતીય ઇતિહાસમાં જબરદસ્ત દબદબો હતો શીશમહલનો

12 January, 2025 01:29 PM IST  |  Mumbai | Laxmi Vanita

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કમેન્ટ પછી રાજકારણમાં ‘શીશમહલ’ શબ્દ ભારે ચર્ચામાં છે ત્યારે એના સુવર્ણ ઇતિહાસને જાણીએ : આજે ભારતના કેટલાક પ્રચલિત શીશમહલોની મુલાકાત લઈએ

શીશમહલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કમેન્ટ પછી રાજકારણમાં ‘શીશમહલ’ શબ્દ ભારે ચર્ચામાં છે ત્યારે એના સુવર્ણ ઇતિહાસને જાણીએ. શીશમહલની શરૂઆત ક્યારે થઈ એ કહેવું તો મુશ્કેલ છે, કારણ કે ઇતિહાસમાં કોઈ સચોટ સમયરેખા નથી. પહેલા શીશમહલની નોંધ ૧૭મી સદીમાં મળે છે. આ શીશમહલ બનાવવાનાં કારણો બહુ જ રોમૅન્ટિક અને રોચક છે. આજે ભારતના કેટલાક પ્રચલિત શીશમહલોની મુલાકાત લઈએ...

શીશમહલ એટલે કાચનો મહેલ, જેમાં આખો મહલ કાચનો ન બનેલો હોય પરંતુ મહેલના એક ખાસ ભાગમાં કે ઓરડાની બનાવટમાં વિવિધ રંગીન કાચનો ઉપયોગ થયો હોય. ભારતીય આર્કિટેક્ચર સાથે જોડાયેલો હોવા છતાં શીશમહલ સામાન્ય મહેલની જેમ લોકોની જિહ‍્વા પર નહોતો. અત્યારે એની ચર્ચા નીકળી છે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે શીશમહલના સંદર્ભ સાથે થઈ રહેલી હુંસાતુંસીને કારણે. શીશમહલની ચર્ચા એની ગ્રેટનેસને પુરવાર કરે છે ત્યારે જાણીએ કે આપણે ત્યાં શીશમહલનો કેવો ઇતિહાસ જોડાયેલો છે.

૧૯૬૦માં ફિલ્મ-ડિરેક્ટર કે. આસિફે ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મ બનાવી ત્યારે લોકો શીશમહલની સુંદરતાથી અંજાઈ ગયા હતા. આજ સુધી આ શીશમહલને ભવ્ય અને અદ્ભુત સુંદરતા સાથે સરખાવવામાં આવે છે. આજના સમયમાં શીશમહલ બનાવવો એટલે બૅન્ક ખાલી થઈ જાય એટલો ખર્ચ લાગી શકે છે. શીશમહલને સાચવવામાં પણ અધધધ ખર્ચ લાગી જતો હોય છે. આજે ભારતમાં કેટલાય શીશમહલ માત્ર નામથી જાણીતા છે, પરંતુ બહારથી ખંડેર બનીને રહી ગયા છે. એમને રીસ્ટોર કરવામાં કદાચ સરકારી ખજાનાઓ ખાલી થઈ જાય. આજે ભારતમાં નામ ખાતર ઘણા શીશમહલ છે, પરંતુ મુલાકાત લઈને એની સુંદરતાને માણી શકો એવા શીશમહલ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. એમાં રાજસ્થાનનો આમેર ફોર્ટ, ગુજરાતનો આયના મહલ, પંજાબનો પટિયાલા શીશમહલ અને આગરાનો શીશમહલ ખૂબ જ જાણીતા છે. એમના વિશે જાણીને કદાચ તમે ઐતિહાસિક ટૂર કરવા નીકળી પડશો.

સંજય લીલા ભણસાલીનો શીશમહલ ૪૦ દિવસમાં બન્યો હતો

સંજય લીલા ભણસાલી તેમની ફિલ્મોમાં ભવ્ય સેટ બનાવવા માટે જાણીતા છે. ‘બાજીરાવ મસ્તાની’નું ફિલ્મમેકિંગ કે. આસિફની ‘મુગલ-એ-આઝમ’થી પ્રભાવિત છે. તેમણે ‘બાજીરાવ મસ્તાની’માં મસ્તાનીની અદ્ભુત સુંદરતાની શીશમહલ સાથે સરખામણી કરવી હતી. ‘મૈં દીવાની હો ગઈ’ ગીતનું શૂટિંગ જે શીશમહલમાં કરવામાં આવ્યું એનો ભવ્ય સેટ ફિલ્મસિટીમાં બનાવવામાં આવ્યો હતો. એની ડિઝાઇન પાકિસ્તાનના લાહોર ફોર્ટના શીશમહલથી પ્રેરિત હતી. એમ છતાં કહાની મરાઠી પેશવા બાજીરાવની હોવાથી મરાઠા આર્કિટેક્ચરનો ઉપયોગ થયો હતો. આ મહલને સંજય લીલા ભણસાલીએ ‘આયના મહલ’ નામ આપ્યું હતું. આ ફિલ્મસેટમાં ૨૦,૦૦૦ કરતાં વધારે કાચ વપરાયા હતા. એમાં મીણબત્તીથી પ્રકાશિત થાય એવાં ૧૩ શેન્ડેલિયરનો ઉપયોગ થયો હતો. કલાકારો અને કારીગરો આ સેટને શીશમહલનું રૂપ આપવા ખાસ જયપુરથી મુંબઈ આવ્યા હતા. રાત-દિવસ કામ કર્યા બાદ ૪૦ દિવસનો સમય લાગ્યો હતો. એટલે આજે જો કલાકારે પણ શીશમહલ ઊભો કરવો હોય તો રાતની ઊંઘ ઊડી જાય.

શા માટે બન્યો આમેર ફોર્ટનો શીશમહલ?

જયપુરના રાજા જયસિંહે પોતાની રાણી સૂએ ત્યારે ઓરડામાં હજારો કાચ મીણબતી કે દીવાના પ્રકાશમાં આકાશના તારાઓનો ભાસ કરાવે એ માટે શીશમહલ બનાવડાવ્યો હતો, કારણ કે એ સમયમાં રાણીઓને આકાશ નીચે કે છત વગરની રૂમમાં સૂવાની પરવાનગી નહોતી.

રાજસ્થાનને મહેલ અને કિલ્લાઓનું રાજ્ય માનવામાં આવે છે. એમાં પણ અહીંના જયપુર શહેરની મુલાકાત લેતા ટૂરિસ્ટોનું મુખ્ય આકર્ષણ આમેર ફોર્ટ હોય છે. ફિલ્મ ‘જોધા અકબર’ના અમુક સીનનું શૂટિંગ આ ફોર્ટમાં થયું છે. આમ તો આખો ફોર્ટ ઇતિહાસની કડીઓથી ભરેલો છે. આમેર ફોર્ટ બનાવવાની શરૂઆત રાજા માનસિંહે કરી હતી અને રાજા જયસિંહ પહેલાએ ૧૮મી સદીની શરૂઆતમાં આ ફોર્ટનો વિસ્તાર વધાર્યો હતો.

આમેર ફોર્ટ રાજપૂત આર્કિટેક્ચરનું ઉદાહરણ છે અને એનાં અમુક બિલ્ડિંગમાં મુગલ આર્કિટેક્ચરની ઝલક પણ જોવા મળે છે. એટલે શીશમહલનો ઉમેરો આ ફોર્ટમાં ૧૮મી સદીમાં થયો હતો. એવું કહેવાય છે કે એ સમયે રાણીને છત વગરની રૂમમાં કે બહાર આકાશ નીચે સૂવાની પરવાનગી નહોતી. તેથી રાજા જયસિંહે રાણી માટે આ શીશમહલ બનાવડાવ્યો હતો જેથી રાણી સૂએ ત્યારે તેમના ઓરડાના હજારો કાચ મીણબત્તી કે ત્યારના દીવાના પ્રકાશમાં આકાશના તારાઓનો ભાસ કરાવે. શીશમહલ માટે કાચ ખાસ બેલ્જિયમથી મગાવવામાં આવ્યા હતા.

આમેર ફોર્ટની મુલાકાત લેતા લોકો શીશમહલની ભવ્યતા સમજી શકે એ માટે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ યોજવામાં આવે છે. રાતના પ્રકાશમાં પણ મિરર ઑફ પૅલેસ એટલે કે શીશમહલની ભવ્યતા આંખો આંજી નાખે એવી થઈ જાય છે.

પટિયાલા શીશમહલ - નામ સાંભળીને જ નવાઈ લાગશે

પટિયાલા શીશમહલની દીવાલો પર ડિઝાઇન કરવા માટે પેઇન્ટરોને ખાસ રાજસ્થાન અને હિમાચલના કાંગરા શહેરથી બોલાવવામાં આવ્યા હતા. એટલે દીવાલ પરની કારીગરીમાં રાજસ્થાની રંગ સાથે કાંગરા શૈલીમાં જાણીતા કવિ જયદેવની ગીત ગોવિંદની કૃતિઓ ચીતરેલી જોવા મળશે.

‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘સન ઑફ સરદાર’ જેવી ફિલ્મોનું શૂટિંગ પંજાબના પટિયાલા શીશમહલમાં થયું છે. જો ઐતિહાસિક સાઇટ્સ કે આર્કિટેક્ચરમાં રસ ન હોય તો પંજાબમાં શીશમહલનું અસ્તિત્વ જાણીને નવાઈ જ લાગે. પટિયાલા શીશમહલ બહુ જ જાણીતું ટૂરિસ્ટ-સ્પૉટ છે. ૧૮૪૫થી ૧૮૬૨ના સમયગાળામાં મહારાજા નરીન્દર સિંહે મોતીબાગ મહલની પાછળ શીશમહલ બનાવ્યો હતો. આ શીશમહલ મુગલ અને યુરોપિયન આર્કિટેક્ચરનો સંગમ છે.

મહારાજાએ આ મહલ રહેણાક હેતુથી જંગલની વચ્ચે બનાવ્યો હતો. શીશમહલની દીવાલો પર ડિઝાઇન કરવા માટે પેઇન્ટરોને ખાસ રાજસ્થાન અને હિમાચલના કાંગરા શહેરથી બોલાવવામાં આવ્યા હતા. એટલે દીવાલ પરની કારીગરીમાં રાજસ્થાની રંગ સાથે કાંગરા શૈલીમાં જાણીતા કવિ જયદેવની ગીત ગોવિંદની કૃત્રિઓ ચીતરેલી છે. શીશમહલની ફરતે કૃત્રિમ તળાવ, ફુવારા, બગીચાઓ અને કૃત્રિમ બ્રિજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કૃત્રિમ બ્રિજની ડિઝાઇન હૃષીકેશના લક્ષ્મણઝૂલાથી પ્રેરિત છે. આજે આ શીશમહલ મ્યુઝિયમ બની ગયું છે જે માત્ર ભારતીયોનું જ નહીં, વિદેશીઓ માટે પણ ખાસ આકર્ષણ છે. વિશ્વભરની કલાનો સંગ્રહ અહીં કરેલો છે. બહુ જ રૅર કહી શકાય એવી પ્રાચીન જૈન હસ્તપ્રતોનો સંગ્રહ પણ મ્યુઝિયમમાં જોઈ શકાય છે.

આગરાના સ્નાનકક્ષને કેમ શીશમહલ કહેવો?

આગરાના નામથી લોકોના મનમાં સૌથી પહેલાં તાજમહલની છબિ આવે, પરંતુ આગરા ફોર્ટના શીશમહલની વાત બહુ જ ઓછા લોકો કરતા હોય છે. મુગલ બાદશાહ શાહજહાં દ્વારા ૧૭મી સદીમાં અહીં શીશમહલનો ઉમેરો કરવામાં આવ્યો હતો.

આગરાનો શીશમહલ બધા મુલાકાતીઓ માટે ખુલ્લો નથી, પરંતુ ક્યારેક એને ખાસ લોકો માટે ખોલવામાં આવે છે.

આગરા ફોર્ટમાં શીશમહલની ભૂમિકા અન્ય ફોર્ટ કરતાં એકદમ જ અલગ હતી. અહીં શીશમહલનો ઉપયોગ શાહી સ્નાનકક્ષ તરીકે થતો હતો. આ શીશમહલની દીવાલ જાડી રાખવામાં આવતી હતી અને રૂમનું તાપમાન જાળવી રાખવા માટે દીવાલ પર કાચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો સવાલ એમ થાય કે સ્નાનકક્ષને શીશમહલ શા માટે કહી રહ્યા છીએ? તો એટલા માટે કે આ ઓરડાની દીવાલ અને છત પર મોટી સંખ્યામાં કાચનો ઉપયોગ થયો છે અને જ્યારે પ્રકાશ પાડવામાં આવે ત્યારે એનું રિફ્લેક્શન આખા મહલ પર થતું હતું. આ શીશમહલ માટે કાચ ખાસ સિરિયાના હાલેબ શહેરમાંથી લાવવામાં આવ્યા હતા. આજે આગરાનો આ શીશમહલ બહુ જ ઓછા લોકો માટે ખોલવામાં આવે છે.

જ્યારે કે. આસિફને શીશમહલ બનાવવામાં બે વર્ષ લાગ્યાં હતાં

૧૯૬૦માં રિલીઝ થયેલી ભારતીય સિનેમાની આઇકૉનિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ બ્લૅક ઍન્ડ વાઇટમાં રિલીઝ થઈ હતી, પરંતુ ૨૦૦૪માં એને કલરમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ દ્વારા શીશમહલને ઘર-ઘરમાં જાણીતો બનાવવાનું શ્રેય ડિરેક્ટર કે. આસિફને જ જાય છે. ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત માટે કે. આસિફે ખાસ શીશમહલ બનાવડાવ્યો હતો. આગરાના શીશમહલનો અભ્યાસ કરીને આ ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો. એમાં લાખોની સંખ્યામાં કાચનો ઉપયોગ થયો હતો. આ સેટને બનતાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ઉપરાંત શીશમહલના સેટની કિંમત આખી ફિલ્મના બજેટ કરતાં વધી ગઈ હતી. એ સમયે અંદાજે ૧૫ લાખ રૂપિયાનો આ સેટ બન્યો હતો. સેટ પૂરો થયા બાદ કે. આસિફને સંતોષ નહોતો અને તેઓ આખો સેટ નષ્ટ કરીને નવો સેટ બનાવવાનો વિચાર કરી રહ્યા હતા. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે મરાઠા મંદિરમાં શીશમહલ જેવો એક ઢાંચો લાવવામાં આવ્યો હતો જેથી ફિલ્મ જોનારાઓને પણ ઇતિહાસનો ભાગ હોવાનો અનુભવ થાય. આ જ શીશમહલની ભવ્યતાથી અંજાઈ ગયેલા સંજય લીલા ભણસાલીએ ૨૦૧૫માં ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મ બનાવી જે કે. આસિફને અર્પિત કરી હતી. એટલે ફિલ્મ-ડિરેક્ટર માટે પણ શીશમહલનો સેટ ઊભો કરવો એક મોટી ચૅલેન્જ છે. તો પણ સુંદરતાની સરખામણી કરવા કે કટાક્ષ કરવા શીશમહલથી ઉત્તમ ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

કાચની કલાનો ઉપયોગ આજે પણ થાય છે

૧૯૦૩માં શેઠ હસમુખચંદ જૈન દ્વારા મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં બનાવવામાં આવેલું કાચનું જૈન મંદિર.

ભારતમાં ઘણા જાણીતા શીશમહલ હતા, પરંતુ આજે રાજા-રજવાડાની સંસ્કૃતિનું અસ્તિત્વ નથી એટલે મોટા ભાગના પ્રાચીન મૂલ્ય ધરાવતા શીશમહલ હોટેલ કે રેસ્ટોરાંમાં બદલાઈ ચૂક્યા છે. કાચનો ઉપયોગ બાંધકામમાં ઓછો થઈ ગયો અને વસ્ત્રોમાં થવા લાગ્યો. કપડા પર આભલાંવર્ક કે કાચવર્કના ઇતિહાસનું મૂળ ગુજરાત અને રાજસ્થાનમાં જાય છે. સામાન્ય લોકો શીશમહલ ન બનાવી શકે તો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા મહિલાઓ પોતાનાં વસ્ત્રોમાં કાચ લગાવતી. આ કાચમાં પોતાના પ્રિયતમની છબિનું રિફ્લેક્શન થાય એવી ડિઝાઇનનું ભરત કરતી હતી. કાચનો ઉપયોગ સોળમી સદીથી થવા લાગ્યો હતો અને એનો મુખ્ય હેતુ રિફ્લેક્શનનો હતો જેથી મીણબત્તીનો પ્રકાશ બેવડાય અને સર્વત્ર પ્રકાશ ફેલાય. મોટા મહેલોમાં કાચનો ઉપયોગ બહુ જ વાસ્તવિક હતો, પરંતુ સામાન્ય લોકો મંદિરના બાંધકામમાં પણ એનો ઉપયોગ કરવા લાગ્યો. તેમનો હેતુ ભગવાનનો વાસ દરેક કણમાં હોવો જોઈએ અને તેમનું રિફ્લેકશન મંદિરના દરેક ખૂણામાં થવું જોઈએ એવો હતો. શીશમહલના કાચવર્કની કલા વીસમી સદીની શરૂઆતમાં બનેલા ઇન્દોરના જૈન કાચ મંદિરમાં પણ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશના ઇન્દોરસ્થિત જૈન કાચ મંદિરના કાચ પણ બેલ્જિયમથી લાવવામાં આવ્યા હતા. કદાચ આજે આ રસપ્રદ માહિતી જાણીને તમને પણ શીશમહલ જોવાનું મન થઈ જશે.

વિશ્વના જાણીતા શીશમહલ

હોલ ઑફ મિરર્સ, પૅલેસ ઑફ મિરર્સ, ક્રિસ્ટલ પૅલેસ આ બધા શીશમહલના સમાનાર્થી છે. સત્તરમી સદીની શરૂઆતમાં મોગલ બાદશાહ શાહજહાંએ પોતાના પરિવાર માટે વિશ્વનો સૌથી પહેલો શીશમહેલ લાહોર ફોર્ટમાં બનાવ્યો હતો.

સત્તરમી સદીના અંતમાં ફ્રાન્સના વર્સેઈ (Versaille) મહલમાં શીશમહલ એટલે કે પૅલેસ ઑફ મિરર્સ બનાવવામાં આવ્યો હતો.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ ઈરાનનો તહેરાન શહેરમાં આવેલો ગોલ્સ્તાન મહલ સોળમી સદીથી અઢારમી સદી સુધીમાં બન્યો. એમાં સામેલ આજનો શીશમહલ કે તેમની ભાષામાં તલાર-એ-આયના ૧૯મી સદીમાં બન્યો જે આજે ગોલ્સતાન પૅલેસ મ્યુઝિયમનો ભાગ છે. ઈરાનિયન અને યુરોપિયન આર્કિટેક્ચર ધરાવતા આ શીશમહલનો ઉપયોગ દેશ-વિદેશમાંથી આવતા મહાનુભાવોની આગતા-સ્વાગતા કરવા માટે થતો હતો.

તુર્કીના ઇસ્તાંબુલમાં આવેલો આયનાલિકાવાક પૅલેસ એટલે પૅલેસ ઑફ મિરર્સ અઢારમી સદીમાં બનાવવામાં આવ્યો હતો જેને ૨૦૦ વર્ષ સુધી ધ્યાનમાં નહોતો લેવામાં આવ્યો. ૨૦૦૦ પછી એને ભવ્ય રીતે રીસ્ટોર કરવામાં આવ્યો અને ટૂરિસ્ટો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

એ સિવાય વિશ્વમાં ઉઝબેકિસ્તાન, સ્પેન, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ જાણીતા શીશમહલ છે.

કચ્છનો આયના મહલ

આયના મહલને જોતાં જ યુરોપનો મહલ લાગે, કારણ કે આ મહલના જાણીતા આર્કિટેક્ટ રામસિંહ માલમ ૧૮ વર્ષ યુરોપમાં રહ્યા હતા અને ભુજ આવીને તેમણે પોતાની કલા આ મહલ ડિઝાઇન કરવામાં ઉપયોગ કરી.

કચ્છના આયના મહલનું નામ જ કાફી છે. ૧૮મી સદીમાં કચ્છના શાસક રાવ લખપતજીએ આ મહેલ બનાવડાવ્યો હતો. આ મહેલ એના આર્કિટેક્ટ અને આર્કિટેક્ચર માટે જાણીતો છે. આર્કિટેક્ટ રામસિંહ માલમ જે કલાજગતમાં તેમની કલા માટે ફોક હીરો એટલે કે લોકનાયક તરીકે જાણીતા છે તેમણે આ મહેલનું આર્કિટેક્ચર કર્યું છે. રામસિંહ માલમ નાવિક, આર્કિટેક્ટ અને શિલ્પકાર હતા. તેમનું જહાજ તૂટી પડવાથી તેઓ યુરોપના નેધરલૅન્ડ્સના હોલૅન્ડ શહેરમાં પહોંચી ગયા જ્યાં ડચ લોકોએ તેમનો જીવ બચાવ્યો. એને કારણે તેમણે ૧૮ વર્ષ સુધી યુરોપમાં રહીને ત્યાંનું આર્કિટેક્ચર અને કલા શીખી. ત્યાર બાદ ભુજ આવીને એ કલાનો આયના મહલ બનાવવામાં ઉપયોગ કર્યો.

રાજા લખપતજીનો બેડરૂમ હીરા મહલ તરીકે ઓળખાય છે અને આજે પણ અહીં મહારાજાનો બેડ મૂકેલો છે.

આયના મહલના આર્કિટેક્ચરમાં કચ્છનો લોકલ રંગ અને મુખ્યત્વે યુરોપિયન સ્ટાઇલ છે. એ સમયે માત્ર બાંધકામનો ખર્ચ ૮૦ લાખ રૂપિયા જેટલો થયો હતો. આ મહેલમાં રાવ લખપતજીના બેડરૂમને હીરા મહલ કહેવાતો હતો અને આજે પણ એ કક્ષમાં બેડ મૂકેલો છે. આ મહેલને ૧૯૭૭માં મ્યુઝિયમમાં બદલવામાં આવ્યો હતો. ૨૦૦૧માં ભુજમાં થયેલા ભૂકંપને કારણે મહેલને ઘણું નુકસાન થયું હતું. એમ છતાં આયના મહલનું ઍસેન્સ જળવાયેલું છે અને આજે પણ આ શીશમહલને જોવા ટૂરિસ્ટોનો ધસારો હોય છે.

ઉદયપુરનો સિટી પૅલેસ શીશમહલ

‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મને કારણે એક વાર તો ઉદયપુર જવાનું મન થાય જ. લોકો ઉદયપુરના સિટી પૅલેસને અઢળક હિન્દી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે; પરંતુ સિટી પૅલેસના શીશમહલને બહુ જ ઓછી ફિલ્મોમાં જોયો હશે, કારણ કે એમાં અંદર જવાની પરવાનગી નથી. એટલે તમે બહારથી જ આ શીશમહલની ઝાંખી કરી શકો છો. કાચના આ મહલની આસપાસ પણ કાચનાં એવાં બેનમૂન સ્ટ્રક્ચર્સ છે જેમને શીશમહલથી ઓછાં ન આંકી શકાય.

ઉદયપુરના સિટી પૅલેસના શીશમહલની અંદર જવાની પરવાનગી નથી, પરંતુ એની સુંદરતાને બહારથી માણી શકાય છે.

સિટી પૅલેસનો શીશમહલ ઉદયપુરના મહારાજા મહારાણા પ્રતાપે તેમનાં પત્ની મહારાણી અજબદે પોતાના રિફ્લેક્શનને કાચમાં માણી શકે એ હેતુસર બનાવડાવ્યો હતો. સિટી પૅલેસનો સૌથી અદ્ભુત કહી શકાય એવો આ હિસ્સો છે. એની દીવાલ પરનાં મ્યુરલ્સ એટલે કે ભીંતચિત્રોને સંરક્ષિત કરવા માટે કાચ દ્વારા કવર કરવામાં આવ્યાં છે. શીશમહલની અંદર ચળકતા સિલ્વર, ગોલ્ડન, લાલ, લીલા અને ભૂરા કાચનો ઉપયોગ થયો છે. આ કલરના કાચનું આર્કિટેક્ચર તમને ચાઇનીઝ કલ્ચરનો ભાસ કરાવશે. આ શીશમહલ યુરોપિયન અને ચાઇનીઝ આર્કિટેક્ચરનો સંગમ ધરાવે છે.

bharatiya janata party aam aadmi party udaipur sanjay leela bhansali rajasthan jaipur son of sardaar agra gujarat mughal-e-azam punjab columnists gujarati mid-day culture news life and style indian films