શાકોત્સવની સોડમ

05 February, 2023 01:34 PM IST  |  Mumbai | Shailesh Nayak

સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં સ્વામીનારાયણ મંદિર છે ત્યાં-ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જાણીએ આ પરંપરાગત ઉત્સવમાં રીંગણના શાકનું..

શાકોત્સવની સોડમ

 

શિયાળાની સીઝન એટલે જાણે અવનવી વરાઇટી બનાવવાની મોસમ. ઠંડીમાં એટલી બધી જાતનાં શાક અને ભાજી માર્કેટમાં જોવા મળે છે ત્યારે આજકાલ શાકોત્સવની પણ મોસમ આવી છે. જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામીનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે. 
લોકવાયકા મુજબ ૨૦૦ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયાગામે સ્વામીનારાયણ ભગવાને જાતે ૧૮ મણ ઘી અને ૬૦ મણ રીંગણનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઑર બની રહે છે.

શાકોત્સવ અને એની પરંપરા કેવી રીતે શરૂ થઈ એ વિશે વાત કરતાં અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના ગુરુપ્રિયસ્વામી કહે છે કે ‘શાકોત્સવનો પ્રારંભ સ્વામીનારાયણ ભગવાનના સમયથી સંવત ૧૮૭૭થી સૌરાષ્ટ્રમાં આવેલા લોયાગામથી શરૂ થયો છે. પ્રસંગ એવો હતો કે લોયાગામમાં દરબાર સુરા ખાચર રહે. ભગવાનની કૃપાથી સુખી હતા. એ સમયે લોકો તેમના ઘરમાં મોટા પટારા જેવી ટ્રંક રાખતા એમાં દરદાગીના અને બીજી વસ્તુઓ રાખતા. સુરા ખાચરના ઘરે પણ એક ટ્રંક હતી. એક દિવસ તેમના ઘરે ચોર આવ્યા અને બાકોરું પાડીને ટ્રંક લઈને જતા રહ્યા. બીજા દિવસે ગામના માણસો સવારે જંગલ જવા નીકળ્યા ત્યારે પટારો જોયો અને એ દરબારનો પટારો હોવાથી તેમને જાણ કરી. સુરા ખાચરે જંગલમાં જઈને જોયું તો પટારો પડ્યો હતો. આ પટારો તૂટ્યો નહોતો. ચોરે પટારો ખોલવાના બહુ પ્રયત્ન કર્યા, પણ પટારો ખૂલ્યો નહીં. ભગવાન રક્ષણ કરનારા હતા એટલે પટારાનું તાળું તૂટ્યું નહીં. સુરા ખાચર તેમનો પટારો લઈને ઘરે આવ્યા. પટારામાં બધી વસ્તુઓ હેમખેમ હતી એટલે તેમના મનમાં વિચાર આવ્યો કે ભગવાને મારા પટારાનું રક્ષણ કર્યું છે તો હું પટારાનો અડધો ભાગ ભગવાનને અર્પણ કરું. તેમણે પત્ની શાંતાબહેનને વાત કરી, તો શાંતાબહેને કહ્યું કે ‘ભગવાને રક્ષા કરી છે તો આપણે આપણા માટે નહીં, પણ બધું ભગવાન માટે વાપરીએ. જો ચોર લઈ ગયા હોત તો અડધું થોડું પાછું મૂકીને જવાના હતા?’ એટલે સુરા ખાચરે બધું જ ભગવાનને અર્પણ કરી દીધું. ભગવાન ત્યાં પધાર્યા એ સમયે શિયાળાની સીઝન હતી. હરિભક્તો રીંગણ લાવ્યા. એ વખતે મહાસુદ સાતમે ભગવાન સ્વામીનારાયણે ૧૮ મણ ઘી અને ૬૦ મણ રીંગણના શાકથી શાકોત્સવ કર્યો હતો. પ્રભુએ તેમના હાથે મસાલા નાખીને શાકનો વઘાર કર્યો હતો. પ્રભુએ ઘીમાં વઘાર એટલે કર્યો કે વઘાર ઘીનો થાય તો બહુ સ્વાદિષ્ટ શાક બને. એ સમયથી શાકોત્સવની શરૂઆત થઈ અને આજે ૨૦૨ વર્ષ પછી પણ સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા ચાલુ રહી છે. ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને પીરસ્યું હતું. પ્રભુએ એ સમયે નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.’  

૨૦૦થી વધુ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, કલોલ, પંચમહાલ સહિત ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, માઉન્ટ આબુ તેમ જ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકા, દુબઈ સહિતનાં સ્થળોએ આવેલાં મંદિરોમાં શાકોત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાય છે. આ વખતે મંદિરમાં રીંગણ ઉપરાંત બટાટા, રતાળુ અને સુરણ સહિત ૩૯ પ્રકારનાં શાકભાજીથી શાકોત્સવ ઊજવાયો હતો. શાકોત્સવમાં હવે લાડુ, મોહનથાળ જેવી મીઠાઈ તેમ જ બાજરી, મકાઈના રોટલા સાથે માખણ, ઘી, ગોળ પણ પીરસાય છે.’ 

શાકોત્સવનું શાક કેવી રીતે બનાવવું એની રેસિપી જણાવતાં તેઓ કહે છે, ‘રીંગણના શાકનો ઘીમાં વઘાર કરવાનો હોય છે. જેટલા માણસોની રસોઈ કરવાની હોય એ મુજબ રીંગણનું શાક સમારી લેવાનું, તેલના સ્થાને ઘી ગરમ કરવાનું, ઘી ગરમ થઈ જાય એટલે રાઈ-મેથી નાખીને એમાં સમારેલાં રીંગણ નાખીને જરૂરિયાત મુજબ મસાલો નાખીને શાકને તાવેથાથી હલાવતા રહેવાનું. શાક ચડી જાય એટલે એને નીચે ઉતારી લઈને પીરસવાનું.’ 

શાકોત્સવ સંતો અને હરિભક્તોનો પ્રિય ઉત્સવ હોવાથી શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન ઉપરાંત બીએપીએસ સંસ્થા, સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, વડતાલ સંસ્થા, કાળુપુર સ્વામીનારાયણ મંદિર સહિત સ્વામીનારાયણ સંપ્રદાયની અલગ-અલગ સંસ્થાઓમાં ઉત્સાહભેર ઊજવાય છે. આ વર્ષે સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ધામધૂમથી શાકોત્સવની ઉજવણી થઈ હતી અને હજારો હરિભક્તોએ પ્રસાદી લઈને સંતૃપ્તિનો ઓડકાર લીધો હતો. 

culture news life and style shailesh nayak gujarati mid-day