ધર્મ એક જ વ્યક્તિમાં ચાર વાતનું નિરૂપણ કરે

23 November, 2023 02:39 PM IST  |  Mumbai | Morari Bapu

મંદિરના દરવાજા શયતાનો માટે પણ ખુલ્લા રહે છે, પરંતુ મંદિરમાં ધર્મની જરૂર એટલા માટે પડે છે કે અહીં ખોટું ન વિચારાય કે ખોટું ન જોવાય

પ્રતીકાત્મક તસવીર

ધર્મની અનિવાર્યતા શું? ધર્મની જરૂર ક્યાં રહી? તમારી જરૂરિયાત માટે તમને કોઈ પૂછપરછ નથી થતી તો પછી ધર્મની આવશ્યકતા ક્યાં?

ટ્યુબ-બેબીની વાતો પણ થવા લાગી છે કે એ રીતે બાળકને જન્મ આપી શકાય છે. તો ધર્મની જરૂર ક્યાં રહી?

બાળકનો જન્મ થાય એ પછી એમ લાગે કે આ મારો પુત્ર છે. બાળકને પણ એમ લાગે છે કે આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો ભાઈ છે. આ જે એક વ્યવસ્થા સ્થાપવાની છે એ માટે ધર્મની જરૂર પડે છે. નહીં તો આ વ્યવસ્થા વગર આ સંસાર ભયંકર બની જશે.

ગંગા તમને સ્નાન કરતાં અટકાવતી નથી, પરંતુ મારા તીર્થમાં ‘હું મળત્યાગ ન કરું’ એવી દૃષ્ટિ માટે ધર્મની જરૂર પડે છે. મંદિરના દરવાજા શયતાનો માટે પણ ખુલ્લા રહે છે, પરંતુ મંદિરમાં ધર્મની જરૂર એટલા માટે પડે છે કે અહીં ખોટું ન વિચારાય કે ખોટું ન જોવાય.

વિનોબાજીએ કહ્યું છે કે ધર્મ એક એવી વસ્તુ છે જે એક જ વ્યક્તિમાં ચારેય વસ્તુઓનું નિરૂપણ કરી દે છે : ૧. બ્રાહ્મણનું જ્ઞાન. ૨. ક્ષત્રિયનું તેજ અને શૌર્ય. ૩. વૈશ્યની કાર્યકુશળતા અને દક્ષતા ૪. શૂદ્રની નમ્રતા અને સેવાભાવ.

ગીતાકાર કહે છે કે દૈવી સંપદા ધરાવનારા માણસમાં અભય, હૃદયશુદ્ધિ, જ્ઞાન, યોગ, નિષ્ઠા, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અલોલુપતા, દયા, મૃદુતા, લજજા, ચપળતા, તેજ, ક્ષમા, ધૈર્ય, શૌર્ય, અદ્રોહ અને નિરાભિમાન જેવા સદ્ગુણો સહજ રીતે પ્રગટે છે. અહીં અભયને સૌપ્રથમ સ્થાને મૂકવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ ઉપરના તમામ સદ્ગુણોમાં અભયને સૌથી મોખરે મૂકે છે. એનો અર્થ છે માનવીના જીવનમાંથી ડર દૂર થાય. જીવ ભયમુક્ત બને એવું ઈશ્વર પણ ચાહે છે એટલે એ દૃષ્ટિએ ધર્મનું પ્રથમ લક્ષણ એ છે કે એ માનવીને ભયભીત ન કરે.

જીવન એક શોધ છે - શાંતિની, શક્તિની, ભક્તિની. શોધક હશે તેને જ મળશે. કહે છેને, ‘જિન ખોજો, તીન પાઇઆ.’ જે મરજીવો છે તેને જ મોતી મળે છે. જે ડરીને કિનારે બેસી રહે છે તેને કશું હાથ લાગતું નથી. આવું જ લાગુ પડે ધર્મની વાતમાં. જ્યાં ધર્મ હોય ત્યાં નિયમ હોય છે, વ્રત હોય છે. થોડું આપણું ધર્મગૌરવ પણ છે. ધર્મ સ્થૂળ પણ હોય છે, ધર્મ સૂક્ષ્મ પણ હોય છે. જ્યારે-જ્યારે વિશ્વમાં અધર્મ ફેલાય છે, ધર્મ મ્લાન અને ગ્લાન હોય છે ત્યારે બ્રાહ્મણ, સંત, શાસ્ત્ર, સજ્જનોને ખૂબ જ દુખ થાય છે. ધર્મ ચોવીસ કલાક ચાલતી પ્રક્રિયા છે, ફક્ત અમુક જ સમયગાળા પૂરતી સીમિત ક્રિયા નથી.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

culture news life and style columnists Morari Bapu