21 April, 2024 01:32 PM IST | Mumbai | Alpa Nirmal
કેસરીનંદનનું પંચમુખી સ્વરૂપ
હનુમાનજીનું નામ લઈએ એટલે આપણા મનમાં અદ્વિતીય શારીરિક તેમ જ માનસિક શક્તિનો સ્રોત અને તાકાત ધરાવતી મૂર્તિ ખડી થઈ જાય, બજરંગબલી વિશે વિચારીએ એટલે રામ, લક્ષ્મણ, સીતામાતાના રક્ષક અને પાલનહારની છબિ મનમાં ઊપજે. મારુતિની કલ્પના કરીએ એટલે જ નકારાત્મક ઊર્જાનો સંહાર થઈ પૉઝિટિવ વાઇબ્સની અનુભૂતિ થવા માંડે. એવા આ મહાવીર વાયુપુત્રનો આવતા બુધવારે જન્મદિવસ છે એ આલંબને આજનું તીર્થાટન રામેશ્વરમના પંચમુખી હનુમાન મંદિરનું.
આમ તો સમસ્ત દેશમાં હનુમાનજીનાં લાખો નાનાં-મોટાં મંદિરો છે, જેમાં સેંકડો ભવ્યતમ મંદિરો પણ છે અને હજારો મંદિર દેરીરૂપે પણ છે. કેટલાંક બાલાજી ટેમ્પલ પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવે છે, તો કેટલાંક સ્થળોએ મહાબલ અવનવા રૂપે પુજાય છે. મન્કી-ગૉડ તરીકે જાણીતા આ પ્રભુને ક્યાંક મહિલાનો શણગાર પણ થાય છે, તો ક્યાંક તે ડૉક્ટર બનીને ભક્તોની સારવાર કરે છે. ક્યાંક તો વળી આ બ્રહ્મચારી દેવ પોતાના પુત્ર સાથે ઉપસ્થિત છે તો ક્યાંક તે પંચમુખી રૂપે પણ છે. આજે આપણે એવા જ પંચમુખી મંદિરનાં દર્શન કરવાના છીએ જે ચારધામમાંના એક ધામ રામેશ્વરમમાં આવેલું છે, પણ જાણકારીના અભાવે અથવા એમ કહો કે સમયના અભાવે આ યુનિક મંદિર આપણી આઇટનરીમાંથી સ્કિપ થઈ જાય છે.
રામેશ્વરમ્ ભલે શિવજીની નગરી કહેવાય, પરંતુ અહીંના શાશ્વત શિવલિંગનું કનેક્શન વિષ્ણુના સાતમા અવતાર પ્રભુ રામ સાથે છે. ભારતની મેઇન લૅન્ડની નજીક આવેલા પામ્બન દ્વીપ પરથી જ શ્રી રામ તેમની ભાર્યાને અપહરણકર્તાની ચુંગાલમાંથી છોડાવવા લંકા ગયા હતા. એ પછીની કથા તો સર્વવિદિત છે છતાં બહુ શૉર્ટમાં જણાવીએ તો રાવણ સાથેના યુદ્ધમાં વિજયી થઈને સીતા, રામ, લક્ષ્મણ, હનુમાન તેમ જ વાનરસેના ભારત પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે બ્રહ્મવધના પાપથી મુક્ત થવા ભગવાન શ્રી રામે આ ટાપુ પર દરિયાઈ રેતીમાંથી શિવલિંગ બનાવીને એની પૂજા કરી જે આજે પણ અડીખમ છે અને દરેક સનાતનીઓનું શ્રદ્ધેય સ્થાન છે. જોકે અન્ય મત પ્રમાણે રામજીએ લંકા જતાં પૂર્વે આ શિવલિંગનું નિર્માણ કર્યું હતું અને મહાદેવની પૂજા તેમ જ સ્થાપના કરાવવા જન્મે બ્રાહ્મણ રાવણ ખુદ અહીં પધાર્યા હતા અને દશરથપુત્રને વિજયી થવાના આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસિદ્ધ રામનાથનસ્વામી મંદિરમાં પ્રભુ રામે નિર્માણ કરેલું શિવલિંગ તો છે જ, એની બાજુના ગર્ભગૃહમાં પ્રભુએ હનુમાન પાસેથી કૈલાસથી મગાવેલું શિવલિંગ છે અને એ પણ ખૂબ પાવરફુલ તેમ જ પૂજનીય છે. આ તો થઈ રામેશ્વરમના મુખ્ય મંદિરની વાત, પણ આજે આપણે રામેશ્વરમના મુખ્ય મંદિરથી ૩ કિલોમીટરના અંતરે આવેલા પંચમુખી હનુમાનની જાત્રા કરવાના છીએ.
હનુમાનજીનો પંચમુખી અવતાર અતિપવિત્ર અને શુભ મનાય છે. ભગવાનના પાંચ ચહેરામાં મધ્યમાં હનુમાનજી, તેમની બાજુમાં નરસિંહ, ગરુડ, વરાહ અને હયગ્રીવનું મુખ છે. દરેક ચહેરાની ભિન્ન મહત્તા છે તથા અલગ વિશેષતા છે.
બજરંગબલીના આ વિશિષ્ટ રૂપની જેમ તેના પ્રાગટ્યની કથા પણ અનેરી છે. કહેવાય છે કે રામાયણના યુદ્ધ દરમ્યાન જ્યારે લક્ષ્મણે લંકાધિપતિના પુત્ર ઇન્દ્રજિતનો વધ કર્યો ત્યારે લંકાનરેશ મદદ મેળવવા તેના ભાઈ અહિરાવણ પાસે ગયા. અહિરાવણ પાતાળલોકના રાજા હતા. રાવણના અન્ય ભાઈ વિભીષણને આ વાતની જાણ થતાં તેઓ રામ-લક્ષ્મણને ચેતવવા ગયા. અહિરાવણના બળ અને પરાક્રમી સ્વભાવથી રામસેના પરિચિત હતી જ એથી પાતાળલોકનો સ્વામી અહિરાવણ કોઈ પણ રીતે વાનરસેના પાસે કે રામ-લક્ષ્મણ પાસે ન પહોંચે એ માટે હનુમાનજી સતર્ક થઈ પહેરો લગાવી રહ્યા હતા એથી અહિરાવણની રામ-લક્ષ્મણ જ્યાં રહેતા હતાં ત્યાં ઘૂસવાની કોશિશો નાકામ રહી. આખરે અહિરાવણે માયાથી વિભીષણનું રૂપ ધારણ કર્યું અને તે રામ પાસે પહોંચી ગયો. તે રામ-લક્ષ્મણનું અપહરણ કરીને પોતાની સાથે તેમને પાતાળલોક લઈ ગયો. જ્યારે હનુમાનને અહિરાવણના આ છળની જાણ થઈ ત્યારે તેઓ તેના સ્વામીને છોડાવવા પાતાળલોક પહોંચી ગયા. પાતાળમાં પહોચતાં જ દ્વાર પર તેમને મકરધ્વજ નામના વિચિત્ર પ્રાણીએ રોકી લીધા. અડધું વાનર અને અડધું મગરનું શરીર ધરાવતા આ પ્રાણીને જ્યારે હનુમાનજીએ પૂછ્યું કે તું કોણ છે ત્યારે મકરધ્વજે કહ્યું કે હું હનુમાનજીનો પુત્ર છું.
હવે, હનુમાનજી તો બાલબ્રહ્મચારી, તેમનું સંતાન કઈ રીતે હોઈ શકે? ત્યારે મકરધ્વજે જણાવ્યું કે તેઓ જ્યારે લંકા જવા દરિયા પરથી છલાંગ મારી રહ્યા હતા ત્યારે તેમના પરસેવાનાં થોડાં ટીપાં સાગરમાં પડ્યાં હતાં જે એમાં રહેતા મગરે પોતાના મુખમાં ઝીલી લીધાં અને આ સંયોગથી મકરધ્વજનો જન્મ થયો હતો.
પિતા જેવું જ અજેય બળ ધરાવતા મકરધ્વજને અહિરાવણે પોતાના રાજ્યનો દરવાન બનાવી દીધો હતો. ત્યારે રામશિષ્ય હનુમાનજી પોતાના આરાધ્યદેવને છોડાવવા પુત્ર મકરધ્વજ સામે લડાઈ લડ્યા અને તેને પરાસ્ત કરીને પાતાળલોકમાં પ્રવેશ કર્યો. અહિરાવણની બળવાન સેનાને હરાવી, પણ અહિરાવણ ખૂબ શક્તિશાળી હતો. તેને મારવો શક્ય નહોતો. વળી તે મા ભવાનીનો પરમ ભક્ત હતો. માતાની વિશેષ કૃપા ધરાવતો હતો. માતાજીને પ્રસન્ન કરવા અહિરાવણે પાંચ દિશાઓમાં દીવા પ્રગટાવી રાખ્યા હતા અને વિભીષણે હનુમાનજીને જણાવ્યું હતું કે જો એ પાંચેપાંચ દીવા એકસાથે ઓલવાય તો જ અહિરાવણનો પરાજય થાય.
હનુમાનભક્તો, એ પાંચેપાંચ દીવા ઓલવવા હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું અને ફૂંક મારીને અલગ દિશાઓમાં રહેલા પાંચેપાંચ દીવા એકસાથે બુઝાવી દીધા. ત્યાર બાદ અહિરાવણનો વધ કરીને તેઓ રામ-લક્ષ્મણને પાછા પૃથ્વીલોક લઈ આવ્યા અને લંકાના યુદ્ધમેદાનમાં પહોંચી ગયા. કહેવાય છે કે રામેશ્વરમનું આ સ્થળ એ જ સ્થાન છે જ્યાં હનુમાનજીનાં પાંચ સ્વરૂપ પ્રગટ થયાં હતાં. જોકે એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ ભક્તોની આસ્થા એટલી પ્રબળ છે કે તેમને ખાતરી છે કે હનુમાનજીએ જેમ રામ-લક્ષ્મણના જીવનમાંથી સંકટ-વિઘ્નો દૂર કર્યાં એમ તેમના જીવનમાંથી પણ દરેક પ્રકારનાં ભય અને તકલીફો દૂર કરશે.
આ મંદિર બહુ પ્રાચીન નથી, પરંતુ દક્ષિણ ભારતીય શૈલીના સાદા મકાન જેવું, અંદરથી રંગબેરંગી પિલર્સ અને ભીંતચિત્રો તેમ જ રામેશ્વરમના જૂના ફોટો ધરાવતું નાજુક અને નાનું દેવાલય છે. મંદિરના ગર્ભગૃહમાં પિંડીરૂપે સિંદૂરવર્ણા પંચરૂપી હનુમાનજી બિરાજે છે, જે પ્રાચીન હોવાને કારણે મોટા ભાગે જાળીમાં બંધ રહે છે. હા, ભક્તો એમાંથી દર્શન કરી શકે છે. આ મંદિરની ખુલ્લી પરસાળમાં કાળા ચમકદાર પથ્થરમાંથી બનેલી પંચમુખી હનુમાનની વિરાટ પ્રતિમા છે અને એની આજુબાજુ પાણીમાં તરતા પથ્થરોના કુંડ છે. કેટલાક પથ્થર પણ જાળીદાર કુંડમાં પૅક રખાયા છે. કહેવાય છે કે આ શિલાઓ ઓરિજિનલ રામસેતુના નિર્માણમાં વપરાઈ હતી એ જ છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને હનુમાનજી કરતાં પાણી પર તરતા પથ્થરોમાં વધુ રસ પડે છે એટલે કોઈ પ્રાચીન હનુમાનજીનાં દર્શન કરવાનું વીસરીને એ શિલાઓની પૂજા-અર્ચનામાં વ્યસ્ત થઈ જાય છે.
એક સમયે દુર્લભ ગણાતી રામેશ્વરમ્ નગરીએ જવું હવે સાવ સરળ છે. મુંબઈથી હવાઈ અને રેલવેમાર્ગે અહીં પહોંચી શકાય છે. હા, પામ્બનની પેલી આઇકૉનિક રેલવે-જર્ની હાલમાં બંધ છે જે વધુ અદ્યતન, સેફ અને રીસ્ટોર થઈને ખૂબ ટૂંક સમયમાં શરૂ થશે. બાકી રોડ-બ્રિજ તો ચાલુ જ છે. રામેશ્વરમમાં રહેવા માટેના પણ બજેટ અનુસાર અનેક ઑપ્શન છે એ જ રીતે ઇડલી, વડાસાંભારથી લઈને પંજાબી સબ્ઝી અને ગુજરાતી, રાજસ્થાની થાળી પણ અવેલેબલ છે.