17 April, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજા દશરથ
વાલ્મીકિ રામાયણમાં જણાવ્યા અનુસાર અયોધ્યાના રાજા દશરથ ઘરડા થયા ત્યાં સુધી તેમના ઘરે કોઈ સંતાન નહોતું. આથી તેઓ દુખી અને ચિંતિત રહેવા લાગ્યા. એ સમયે તેમના કુળગુરુ મહર્ષિ વશિષ્ઠે તેમને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાની સલાહ આપી. તેમના કહેવાથી આ માટે ઋષિ શ્રૃંગીને આ યજ્ઞ કરવા આમંત્રણ આપવામાં આવ્યું. રામાયણમાં જણાવેલી કથા અનુસાર યજ્ઞ પૂરો થયા બાદ ખુદ અગ્નિદેવ એમાંથી પ્રગટ થયા અને તેમણે ખીર ભરેલો એક કટોરો રાજા દશરથને આપ્યો અને આ ખીરનો પ્રસાદ તેમની રાણીઓને લેવા માટે કહ્યું. આ ખીર રાજાએ રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને આપી અને એક વર્ષ બાદ ચૈત્ર સુદ નવમીએ બપોરે ૧૨ વાગ્યે કૌશલ્યાએ રામને જન્મ આપ્યો. કૈકેયીને ભરત તથા સુમિત્રાને જોડિયા પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્ન થયા.
ભગવાન વિષ્ણુના સાતમા અવતાર એવા રામ આ વિશ્વમાં મર્યાદાપુરુષોત્તમના નામથી ઓળખાયા. તેઓ સત્ય અને પ્રામાણિકતાને વરેલા હતા. તેઓ પોતાના ધર્મને અનુસરતા હતા અને સદ્ગુણથી વર્તન કરતા હતા. આ દુનિયામાં કેવી રીતે મર્યાદાથી જીવન જીવવું જોઈએ એનો ઉપદેશ ભગવાન રામે તેમના જીવન પરથી આપ્યો. દેશમાં રામનવમીના રોજ ઘણા લોકો આખા દિવસનો ઉપવાસ રાખે છે અને ઘરમાં રહેલા પવિત્ર રામાયણ ગ્રંથની પૂજા પણ કરે છે. આ દિવસે ભગવાન રામની સાથે માતા સીતા, ભ્રાતા લક્ષ્મણ અને રામભક્ત હનુમાનની પણ પૂજા કરવામાં આવે છે.