શુદ્ધ અને સાત્ત્વિક આહાર જ શરીરને સ્વસ્થ અને મનને શાંત બનાવે છે

18 October, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુભવના આધારે એમ કહી શકાય કે આહારમાં ન કેવળ રક્ત-માંસ નિર્માણ કરવાની ક્ષમતા છે, બલકે એ આપણા ચિંતનના સ્તરને પણ પ્રભાવિત કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘જેવું ખાઓ અન્ન, એવું થશે મન’વાળી કહેવત ખૂબ જ સારગર્ભિત છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રકારો અને ઉપનિષદકારોના મતાનુસાર મનને સાત્ત્વિક બનાવવું આત્મઉત્કર્ષની દૃષ્ટિએ નિતાંત આવશ્યક છે અને એ માટે આહારશુદ્ધિને પ્રથમ પગલું માનવામાં આવે છે. આ એક એવી વાસ્તવિકતા છે જેનો અનુભવ આપણા ઋષિઓ, શરીરશાસ્ત્રીઓની સાથે-સાથે આપણે સહુએ પણ પોતાના જીવનમાં અનેક વખત કર્યો છે અને આજે પણ કરી રહ્યા છીએ અને આ જ અનુભવના આધારે એમ કહી શકાય કે આહારમાં ન કેવળ રક્ત-માંસ નિર્માણ કરવાની ક્ષમતા છે, બલકે એ આપણા ચિંતનના સ્તરને પણ પ્રભાવિત કરે છે. અને એટલે જ વિદ્વાનો તેમ જ ડૉક્ટરો દ્વારા સાત્ત્વિક આહાર લેવા ઉપર સદૈવ જોર આપવામાં આવે છે; કારણ કે શુદ્ધ, સાત્ત્વિક અને પ્રાકૃતિક આહાર કેવળ શરીરને જ સ્વસ્થ નથી રાખતો પરંતુ મનને પણ શાંત અને સ્થિર બનાવે છે તેમ જ અંતઃકરણને પવિત્ર બનાવે છે.   

મોટા ભાગે આહારને સામાન્ય રીતે સતોગુણી, રજોગુણી અને તમોગુણી એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે પદાર્થ ઉત્તેજક, કૅફીનયુક્ત, અતિશય ભારે એટલે કે ખૂબ જ ધીરે-ધીરે પચતો હોય અથવા ઊંઘ કે આળસ વગેરેનું કારણ બને છે એને તમોગુણી ગણવામાં આવે છે. દારૂ, બીડી, સિગારેટ આ બધા તમોગુણી પદાર્થ જ છે અને મનુષ્ય આત્માના પતન માટેના નિમિત્ત છે. અતઃ મનુષ્યનું ભલું એમાં જ છે કે તે એનો ત્યાગ કરે. એવી જ રીતે સ્વાદને પ્રધાનતા આપનારા, ઇન્દ્રિયોને વશ થઈને ખાવામાં આવતા અને જીવનમાં ભોગવિલાસની ભાવના પેદા કરનારા પદાર્થોને રજોગુણી શ્રેણીના માનવામાં આવે છે. જ્યારે કે ફળ, શાકભાજી તેમ જ હકારાત્મક વિચારો સાથે રાંધવામાં આવલો ખોરાક વગેરેને સતોગુણી આહાર માનવામાં આવે છે.

શુદ્ધ અને સાત્ત્વિક આહારના વ્યાપક પ્રભાવ વિષે છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે ‘આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ સત્ત્વશુદ્ધૌ ધૃવા સ્મૃતિઃ। સ્મૃતિલંભે સર્વગ્રન્થિનાં વિપ્રમોક્ષઃ॥’ અર્થાત્ આહાર શુદ્ધ હોવાથી અંતઃકરણ શુદ્ધ રહે છે અને એનાથી ઈશ્વરમાં સ્મૃતિ દૃઢ રહે છે. સ્મૃતિ પ્રાપ્ત થવાથી હૃદયમાં અજ્ઞાનતા ઉત્પન્ન કરનારી બધી જ ગાંઠો ખૂલી જાય છે. અતઃ જ્યારે આપણે મહાન અથવા સતોગુણી સ્વભાવના બનવાનું જ છે તો પછી આપણે સતોગુણી આહાર જ ગ્રહણ કરવો જોઈએ.

 

- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી 

culture news life and style columnists