કહો જોઈએ, સાચો અને શ્રેષ્ઠ ધર્મ કયો?

29 November, 2023 04:00 PM IST  |  Mumbai | Morari Bapu

તમે કમાલ કરો છો? આટલી નાની નદી પાર કરવી છે, તો એમાં આટલી પસંદગી શું કરવાની? કોઈ પણ નૌકામાં બેસી જાઓ, કામ બની જશે.’

પ્રતીકાત્મક તસવીર

એક બહુ મોટો શાસક, તેણે ઘણા પંડિતોને બોલાવીને પૂછ્યું, 

‘દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો? એ ધર્મનું મારે અનુસરણ કરવું છે. મારા રાજ્યને એ ધર્મના આશ્રયમાં લાવવું છે. સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો એ મને કહો.’કોઈ ધર્મનિષ્ઠ તો નહીં મળ્યું, સંપ્રદાયનિષ્ઠ આવી ગયા હતા તેમની પાસે. કોઈએ કહ્યું કે આ સંપ્રદાય શ્રેષ્ઠ તો કોઈએ કહ્યું કે આ સંપ્રદાય શ્રેષ્ઠ છે. રાજાને ગળે વાત ન ઊતરી. સારા-સારા સાધુઓ પણ આવ્યા, પણ એ નિર્ણય ન કરી શક્યા. એક વર્ષ સુધી આ મૂંઝવણમાં રહ્યા. કહેવાય છે કે એક વખત કોઈ સંત, પહોંચેલો-અનુમતિથી ભરેલો મહાપુરુષ તેમના દરબારમાં આવે છે અને રાજાને કહે છે, ‘તું જરા મુશ્કેલીમાં છે, તું શ્રેષ્ઠ ધર્મની શોધમાં છે અને ઘણા ધર્મો અને સંપ્રદાયોની વાતો તે સાંભળી, પણ તને પસંદ પડતી નથી. હું તને બતાવી શકું છું, જો મારું એક કામ કર તો. મારી સાથે તું ચાલ.’ 

‘ક્યાં જવાનું છે?’ 

સંત કહે, ‘તારા નગરની બહાર જે નદી વહે છે એ નદીને સામે તટ પર આપણે જઈએ.’ રાજાએ કહ્યું, ‘ત્યાં જઈને શું કરીશું?’ સંત કહે, ‘ત્યાં જઈને હું તારો જવાબ આપીશ.’ રાજા કહે, ‘મતલબ? અહીં આપી દોને?’ સંત કહે, ‘નહીં, મેં સાંભળ્યું છે કે આ નદીનો તટ જ્યાં તારા રાજ્યનું વિભાજન થાય ત્યાં છે. આ બાજુનો તટ તારા રાજ્યમાં અને સામેનો તટ બીજા રાજ્યમાં. બીજા રાજ્યની સીમામાં આપણે જઈશું તો તું ત્યાં રાજા નહીં હોય ને હું તારી પ્રજા નહીં હોઉં, જેથી કઠિનમાં કઠિન વાત હું તને કોઈ પણ પ્રકારના ડર વગર કહી શકીશ. જ્ઞાન જોઈએ, ઉપદેશ જોઈએ તો આ ભૂમિકા પર જવું જ પડશે.’ ‘ઠીક છે, કેવી રીતે જઈશું?’ ‘નૌકા મગાવ, કોઈ નાવ હશે તો સામે પાર ચાલી જઈએ.’ પ્રશ્નનો ઉત્તર મળવાનો હતો, રાજા ખૂબ જિજ્ઞાસુ હતો. તેણે નૌકા મગાવી. નૌકા ઘાટ પર આવી. રાજાએ સંતને કહ્યું, ‘બાબા, બેસી જાઓ આમાં.’ નૌકા જોઈને સંતે કહ્યું કે ‘આની રસ્સી ખૂબ કમજોર છે, આ નૌકા નહીં ચાલે.’ બીજી નૌકા મગાવી. સંત કહે, ‘આનો લાકડાનો ભાગ બરાબર નથી, સડી ગયો છે.’ ત્રીજી નૌકા આવી અને એમ કરતાં-કરતાં ૨૦૦ નૌકા આવી. સંતે દરેકમાં કોઈ ને કોઈ દોષ કાઢ્યો. રાજાએ કહ્યું, ‘તમે કમાલ કરો છો? આટલી નાની નદી પાર કરવી છે, તો એમાં આટલી પસંદગી શું કરવાની? કોઈ પણ નૌકામાં બેસી જાઓ, કામ બની જશે.’

‘બસ, આ જ જવાબ છે. એક નાની જિંદગી પૂરી કરવા આટલી પસંદગી શું? જ્યાં સત્ય, કરુણા, અહિંસા અને પ્રેમ હોય એ ધર્મ પ્રભુપ્રેરિત છે.’

culture news religious places Morari Bapu columnists