15 September, 2023 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં ગુણનો ગુણાકાર થાય છે, પુણ્ય વવાય છે અને ક્ષમાપનાને શ્રેષ્ઠ બનાવી આત્માની શુદ્ધિ કરાય છે, પણ ક્ષમાપના કરવામાં વ્યક્તિને ઘણી વસ્તુઓ નડતી હોય છે જેમ કે ઈગો, ચીટિંગ, જેલસી વગેરે... એમાં એક હોય છે પઝેસિવનેસ!
પઝેસિવનેસ એટલે મારાપણું, મારો અધિકારભાવ!
પઝેસિવનેસ એટલે મારાપણું, મારો અધિકારભાવ!
આજે જેના ઉપર મારો અધિકાર છે એના ઉપર બીજા કોઈ અધિકાર કરવા જાય તો તેના પ્રત્યે ધિક્કાર આવે. તેના પ્રત્યે અણગમો થાય, દ્વેષ થાય, ગુસ્સો આવે અને એ જ અંતે ક્ષમાપનામાં સ્પીડબ્રેકર બની જાય, એ જ અંતે ક્ષમા માગતાં અને ક્ષમા આપતાં અટકાવે.
કોઈપણ સંબંધ ક્યારેય શાશ્વતતાની ડેટ લઈને નથી આવતા. એ તો એક્સપાયરી ડેટ લઈને આવે છે. લાગણીની દરેક બૉટલ ઉપર એક્સપાયરી ડેટ તો લખેલી જ હોય છે પણ મોહના કારણે દેખાતી નથી. જ્યારે સમજની ત્રીજી આંખ ખૂલે ત્યારે એ દેખાય પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે માટે જ કોઈને પોતાના માનવા, પણ કોઈને 100% પોતાના ન માનવા. કોઈને પોતાના માનવા એ પરિવારભાવના છે, કોઈને 100% પોતાના માનવાનો અધિકારભાવ પ્રૉબ્લેમનું કારણ છે.
તમે આ ભવ પૂરતા સાથે છો, ભવોભવથી હતા નહીં અને ભવોભવ હશો નહીં, તો પછી શા માટે અધિકાર રાખવાનો? આપણી પઝેસિવનેસ જ આપણી અજ્ઞાન દશા છે.
જ્ઞાનીને મન આખું વિશ્વ પોતાનું હોય, અજ્ઞાનીને મન બહુ થોડા પોતાના હોય. અજ્ઞાની 2, 4 કે 5 વ્યક્તિને પોતાના માની ફૅમિલી બનાવે, જ્યારે જ્ઞાની જગત આખાને ફૅમિલી બનાવે, બધાને પોતાના બનાવે, કોઈ માટે અધિકાર નહીં અને કોઈ પરાયું નહીં.
જ્યાં ‘મારું’ આવે ત્યાં અધિકાર આવે અને અધિકારના પર્સન્ટેજ જરાક પણ ઓછા થાય એટલે પ્રૉબ્લેમ શરૂ થઈ જાય. જ્યાં પઝેસિવનેસ હોય, ત્યાં વ્યક્તિ અગ્રેસિવ હોય. જ્યારે વ્યક્તિ જેને પોતાના માનતી હોય, પછી એ વ્યક્તિ હોય, પદાર્થ હોય, ઑફિસ હોય, ઘર હોય, જે પણ હોય એના ઉપર કોઈ અન્ય વ્યક્તિ પોતાનો અધિકાર બતાવે, એની ઇચ્છા ઉપર ક્યાંક અંતરાય આપે ત્યારે તે એકદમ અગ્રેસિવ અને ક્રોધિત થઈ જાય, અંદરથી અશાંત થઈ જાય, અંદરમાં ઉશ્કેરાટ આવી જાય.
પઝેસિવનેસને દૂર કરવાનો ઉપાય છે, તમારી અંદરમાં વિશ્વ વાત્સલ્યભાવ પ્રગટાવો.
જેમ-જેમ વિશ્વ વાત્સલ્યભાવ વધે, તેમ-તેમ તમે તમારી સંકુચિત વૃત્તિમાંથી બહાર નીકળી બ્રૉડ-માઇન્ડેડ થતા જાઓ છો, તમે બધા સાથે શૅર કરતાં શીખી જાઓ છો. મમત્વ ઘટે તો મદદ કરવાના ભાવ જાગે. જ્યારે સહાય કરવાનો ભાવ જાગે છે ત્યારે મારાપણાનો અધિકારભાવ શૂન્ય થઈ જાય છે.
પઝેસિવનેસ હોય ત્યાં ડાઉટ્સ વધારે હોય. પઝેસિવનેસના કારણે વ્યક્તિને નાની-નાની વાતમાં ડાઉટ્સ આવતા હોય અને એ ડાઉટ્સના કારણે એમનાં રિલેશન્સ ડાઉન થતાં હોય. ખબર હોય કે મારી આ વૃત્તિ, મારી આ મનોદશા મને તો દુખી કરે છે પણ મારી આસપાસનાને પણ દુખી કરે છે છતાંય છૂટતી ન હોય. કેમ કે પ્રભુનું સ્મરણ કરતાં શીખ્યા છો પણ પ્રભુના સિદ્ધાંતને સમજતા નથી શીખ્યા.
પ્રભુનો સિદ્ધાંત છે; પકડો મત, જાને દો. પણ મોટા ભાગની વ્યક્તિઓએ શું કરી નાખ્યું છે, અલ્પવિરામને આગળ કરી નાખ્યું અને પ્રભુના સિદ્ધાંતનો અર્થ જ બદલી નાખ્યો - પકડો, મત જાને દો.
જ્યાં સુધી અધિકારભાવ મુઠ્ઠીમાં બંધ છે ત્યાં સુધી મુક્તિ શક્ય નથી. કેટલાક લોકો આપવા માટે અને અધિકાર છોડવા માટે મુઠ્ઠી તો ખોલે છે, પણ કૅલ્ક્યુલેશન સાથે! જેટલું મમત્વ, જેટલો અધિકાર, જેટલો રાગ ઓછો; એટલો હાથ ખુલ્લો અને હળવો!
કોઈએ ભગવાન મહાવીરને પૂછ્યું, તમે મહાવીર કેવી રીતે બન્યા? ભગવાને કહ્યું, નયસાર સુથારના ભવમાં ભોજન આપવાના સંસ્કારે મને રાજમહેલનો ત્યાગ કરતાં શીખવાડી દીધું. આપવું એ ત્યાગનું બીજ છે અને આપી એ જ શકે છે જેનો અધિકાર અને મમત્વ ઘટે છે. પણ આપવાવાળાએ યાદ રાખવું...
આપવાવાળાએ ક્યારેય આપીને મોટા ન થઈ જવું અને જેને આપો એને ક્યારેય નાના ન બનાવી દેવા. જે પોતે નાના બનીને, બીજાને મોટા બનાવે તેને રિસ્પેક્ટનું ડોનેશન કહેવાય. જેના હૃદયમાં વિશ્વ વાત્સલ્યનો ભાવ જાગે એ જ વ્યક્તિ રિસ્પેક્ટનું ડોનેશન આપી શકે કેમ કે એના હાર્ટમાં કોઈ જાતની પઝેસિવનેસ ન હોય, કોઈ પ્રકારનું મમત્વ ન હોય.
થોડા દિવસ પહેલાં ભુજથી એક ભાઈ આવ્યા હતા. એમણે કહ્યું, હું ગાયોના વૅક્સિનેશન માટે ૯,૦૦૦નું ડોનેશન આપવા આવ્યો છું. હું ગૅસ રિપેરિંગનું કામ કરું છું અને મેં એક નિયમ બનાવ્યો છે, દર મહિને જેટલી કમાણી થાય એના ૪ ભાગ કરું, ૧ ભાગ જીવન જરૂરિયાત માટે, ૧ ભાગ પરિવારની જરૂરિયાત માટે, ૧ ભાગ સમાજની જરૂરિયાત માટે કેમ કે સમાજના કારણે કમાણી થાય છે અને ૧ ભાગ ધર્મની જરૂરિયાત માટે કેમ કે ધર્મના કારણે મને સમજ મળી છે એટલે એ સમજનો મારે ટૅક્સ આપવો જોઈએને!
અમે એને પૂછ્યું, ભવિષ્ય માટે કાંઈ સેવિંગ ન કરો? એમણે કહ્યું, એના માટે તો ઉપરવાળો બેઠો છેને, જન્મ આપ્યો છે તો જીવનની જવાબદારી રાખશે જને! આને કહેવાય વિશ્વ વાત્સલ્યનો ભાવ, સર્વ પ્રેમનો ભાવ! જ્યાં હૃદયની ઉદારતા હોય, ત્યાં મમત્વનું મૃત્યુ થઈ જાય. મમત્વનું મૃત્યુ થઈ જાય ત્યારે ઉદારતાનો જન્મ થાય. ઉદારતા જન્મે એટલે અધિકારભાવ છૂટી જાય, ત્યારે જ સાચી ક્ષમાપના સહજતાથી થઈ જાય. અધિકાર હોય ત્યાં ક્ષમાપના આપવી અને ક્ષમાપના રાખવી કઠિન થઈ જાય.
અધિકાર ઘટાડવા કરો પ્રયોગઃ
કૅપેસિટી પ્રમાણે સંપત્તિનું ડોનેશન આપો.
કોઈને રાઇટ ડિરેક્શન બતાવો.
કોઈને રાઇટ ગાઇડન્સ આપો.
તમારામાં જે સ્કિલ અને જે કળા હોય એ શીખવાડો.
બાળકોને સ્ટોરીનું ડોનેશન આપો.
કોઈને આઇડિયાનું ડોનેશન આપો.
કોઈને સુવાક્યનું ડોનેશન આપો... જેમ કે આજે પરમ ગુરુદેવે સમજાવ્યું છે, ‘પઝેસિવનેસ અગ્રેસિવ થવાનું કારણ છે.’ આ પ્રયોગ તમારા મમત્વ અને અધિકારને અવશ્ય ઘટાડશે.