ગેરસમજ ન થાય એ માટે તમારી સમજને પ્રભુની સમજ સાથે એક કરી દો

18 September, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી ક્ષમાપનામાં સ્પીડબ્રેકર : મિસઅન્ડરસ્ટૅન્ડિંગ

પ્રતીકાત્મક તસવીર

પ્રભુની સમજ આપણા વ્યવહાર અને આપણી સાધનામાં સહાયક બને છે, સમભાવમાં રહેતાં શીખવે છે. જ્યાં સમજ છે ત્યાં સાવધાની છે, જ્યાં સાવધાની છે ત્યાં ભવિષ્ય શ્રેષ્ઠ છે

 

પર્વાધિરાજ પર્યુષણ પધારે છે ત્યારે સદ્ગુણો રીચાર્જ થાય છે.

સદ્ગુણો જ્યારે સુષુપ્ત થઈ જાય છે ત્યારે અવગુણો પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે.

સદ્ગુણોમાં સમાધિ છે, અવગુણોમાં અશાંતિ છે.

પર્યુષણ એટલે ક્ષમાપનાનો ઉત્સવ! ક્ષમાપના અવગુણોને વિશુદ્ધ કરે છે.

ક્ષમાપનામાં નડતું તત્ત્વ છે – મિસઅન્ડરસ્ટૅન્ડિંગ

મિસઅન્ડરસ્ટૅન્ડિંગ એટલે ગેરસમજ!

તમે કહ્યું હોય કંઈક અને સામેવાળાએ સાંભળ્યું હોય કંઈક. તમારો કહેવાનો હેતુ અલગ હોય અને સામેવાળા સમજ્યા અલગ હોય, એનું કારણ હોય ગેરસમજ!

ઘણી વાર આવી ગેરસમજને કારણે સંબંધો પણ ડિસ્ટર્બ થતા હોય છે.

સમજુને ક્યારેય ગેરસમજ ન થાય.

અણસમજુને ગેરસમજ થાય.

સમજદાર વ્યક્તિ સામેવાળાની બધી સિચુએશનને સમજવાનો પ્રયત્ન કરે, તેની પાસે સામેવાળાને દરેક ઍન્ગલથી જાણવાની, ઓળખવાની અને સમજવાની પૂર્ણ તૈયારી હોય.

ગેરસમજ ત્યારે જ થાય જ્યારે સમજવાની ક્ષમતા ઓછી હોય.

જો આપણે સામેવાળી વ્યક્તિની સ્થિતિ અને સંજોગોને સમજી શકીએ તો ક્યારેય તેમના પ્રત્યે નેગેટિવ ભાવ ન આવે.

લાઇફમાં મોટા ભાગના પ્રૉબ્લેમ્સ થાય છે, ગેરસમજને કારણે! અને ગેરસમજથી સમજની યાત્રા પૂરી થાય ત્યાં સુધી તો વ્યક્તિ અને વાતાવરણ બન્ને અશાંત થઈ જાય અને કેટલાય પ્રકારની અસમાધિ આવી જાય. અત્યારે પ્રાજ્ઞ ઓછા અને ગેરસમજુ વધારે હોય છે.

પરિવારમાં પણ જો શાંતિ અને સમાધિ રાખવી હોય, પરિવારમાં પ્રસન્નતા લાવવી હોય તો જ્યાં જરા પણ એવું ફીલ થાય કે, અહીં કંઈક મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થઈ લાગે છે, અહીં કંઈક સમજફેર થઈ લાગે છે તો ત્યાં ને ત્યાં, ત્યારે જ સામસામે બેસીને ખુલાસો કરી લેવો જોઈએ, એકબીજા સાથે ઓપન થઈ જવું સારું.

ઘણી વાર એવું બને કે જે વ્યક્તિનો રેગ્યુલર ફોન આવતો હોય એ વ્યક્તિના થોડા દિવસ ફોન ન આવે તો વ્યક્તિ પોતે જ માની લે કે અમારી સાથે કંઈક પ્રૉબ્લેમ થયો લાગે છે, કોઈએ અમારી વિરુદ્ધ કંઈ કહ્યું લાગે છે એટલે જ ફોન નથી આવતો અને એના જ વિચારોમાં બેચેન રહ્યા કરે. મનને ખોટા વિચારોથી અશાંત કરવાને બદલે સામેથી ફોન કરીને વાત કરવી એ જ્ઞાનીનો સિદ્ધાંત હોય છે. બની શકે છે એના સંયોગો એવા હોય, એ કોઈ અગત્યના કામમાં બિઝી હોય, તેની સ્થિતિ કંઈક અલગ હોય! માટે જ સંબંધોને વધારવા કરતાં સંબંધોને સુધારવા સારા!

ગેરસમજ ક્યારે ઊભી થાય?

જ્યારે તમે તમારી વાત એકબીજાને કહી સમાધાન કરવાને બદલે ત્રીજી વ્યક્તિને કહો છો, એકબીજાના પ્રૉબ્લેમ્સ, એકબીજાની સાથે ઓપન થઈ, એકબીજાની સ્થિતિને સમજીને સમાધાન કરવું શ્રેષ્ઠ હોય છે.

એકબીજાની વાત જ્યારે ત્રીજી વ્યક્તિ પાસે જાય છે ત્યારે બે વસ્તુ બને છે; ત્રીજી વ્યક્તિ જો જ્ઞાની હશે, સમજુ હશે અને તમારી હિતેચ્છુ હશે તો એ તમારા સમસ્યાના દીપકમાં સમજનું ઘી પૂરશે અને ત્રીજી વ્યક્તિ જો અણસમજુ હશે તો એ તમારા સમસ્યાના દીપકમાં ગેરસમજનું કેરોસીન રેડીને ભડકો કરશે.

મિસઅન્ડરસ્ટૅન્ડિંગને કારણે વ્યક્તિ ફાસ્ટ રીઍક્શન આપે છે. જ્યારે જ્યાં અન્ડરસ્ટૅન્ડિંગ હોય ત્યાં વ્યક્તિ તરત જ રીઍક્શન ન આપે, તે પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે, રીઍક્શન આપવામાં સમય લે અને ક્યારેક એ સમયમાં સામેવાળી વ્યક્તિને પણ પોતાની મિસ્ટેક રિયલાઇઝ થઈ જાય અને તે શાંત થઈ જાય.

મિસઅન્ડરસ્ટૅન્ડિંગને કારણે ફાસ્ટ રીઍક્શન્સ મોટા ભાગે જે ઘરમાં વડીલ-મોટા હોય તેઓ આપતા હોય છે, કેમ કે તેમનામાં ક્યાંક ને ક્યાંક ઈગો હોય છે કે અમે મોટા છીએ, અમારી પાસે વધારે અનુભવ છે અને અમે જે કહીએ એ યોગ્ય જ હોય, જ્યારે નાના હોય તેઓ પોતાની રીતે સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે.

જ્યાં રીઍક્શન્સ ફાસ્ટ હોય ત્યાં પ્રૉબ્લેમ્સ પણ ફાસ્ટ હોય.

પરિવારમાં જો વડીલોને મૌન રહેતાં આવડી જાય તો નાનાઓને માન મળ્યા વિના રહે નહીં. જે ઘરમાં વડીલો વધારે બોલતા હોય એ ઘરમાં નાનાઓ તેમનું અપમાન વધારે કરતા હોય.

વડીલોએ જ્યાં ત્રણ વાક્ય બોલવાનાં હોય ત્યાં એક જ વાક્ય બોલવું જોઈએ.

યાદ રાખજો કે તમારો પરિવાર જ તમારું ફર્સ્ટ સર્ટિફિકેટ હોય છે, જેનો પરિવાર તેમના સારા વડીલ હોવાનું સર્ટિફિકેટ આપે છે, પરમાત્મા તેમની એક પણ પરીક્ષા લીધા વિના ‘સારા’નું સર્ટિફિકેટ આપે છે. જેમને પોતાના પરિવારમાં પ્રૉપર રહેતાં આવડે તેને પ્રભુના દરબારમાં, ધર્મસ્થાનકમાં પણ પ્રૉપર રહેતાં આવડે.

ઘણી વાર મોટા ભાગનાં ઘરોમાં મિસઅન્ડરસ્ટૅન્ડિંગને કારણે ક્યાંક ને ક્યાંક અશાંતિ હોય, ક્યાંક ને ક્યાંક એકબીજા પર આક્ષેપ થતા હોય, અણગમો હોય અને આવાં બધાં કારણોને કારણે ઘરનું વાતાવરણ સ્મશાન જેવું થઈ જતું હોય. સ્મશાનમાં મૃતદેહ બળતા હોય અને ઘરમાં બધાનાં મન બળતાં હોય.

જેનો અંત સુધરે, તેના અનંત સુધરે!

ગેરસમજ ન થાય એ માટે તમારી સમજને પ્રભુની સમજ સાથે એક કરી દો. પ્રભુની સમજ આપણા વ્યવહાર અને આપણી સાધનામાં સહાયક

બને છે, સમભાવમાં રહેતાં શીખવે છે.

જ્યાં સમજ છે ત્યાં સાવધાની છે.

જ્યાં સાવધાની છે ત્યાં ભવિષ્ય શ્રેષ્ઠ છે.

જેની સમજમાં શુદ્ધિ આવી જાય તેના મોહની કર્મોનો ક્ષય થવા માંડે છે. મોહનીય કર્મ આપણી સમજને ભ્રમિત કરે છે, જેને કારણે ગેરસમજ ઊભી થાય છે.

જ્યાં સમજ છે ત્યાં ક્ષમાપના સહજ થાય છે. જ્યાં ગેરસમજ છે ત્યાં ક્ષમાપના થતી નથી.

ક્ષમાપના ન થાય તો આત્માની શુદ્ધિ ન થાય અને શુદ્ધિ વિના સિદ્ધિ ન થાય.

પ્રસન્ન વાતાવરણ માટે કરો પ્રયોગ

પરિવારમાં પ્રસન્નતા વધારવા માટે...

૫૦ વર્ષ થાય એટલે ૫૦ ટકા મૌન રહેવાનું, ૫૦ ટકા બોલવાનું!

૬૦ વર્ષ થાય એટલે ૬૦ મૌન રહેવાનું, ૪૦ ટકા બોલવાનું!

૭૦ વર્ષ થાય એટલે ૭૦ ટકા મૌન રહેવાનું, ૩૦ ટકા બોલવાનું!

શાંતિ અને સમાધિ સાથે માન-સન્માન પણ મળશે અને અંત પણ સુધરી જશે.

ચિંતન અને મનન કરવા જેવા મુદ્દાઓ

jain community culture news life and style columnists