યસ, જૈનોના આ જ્ઞાનભંડારને આઠમી અજાયબી જ કહેવી પડે!

16 September, 2023 12:50 PM IST  |  Ahmedabad | Ruchita Shah

ગયા અઠવાડિયે ૪૫૦ વર્ષ જૂની ઋગ્વેદની હસ્તપ્રતને G20 મીટિંગમાં પ્રદર્શિત કરવામાં આવી ત્યારથી ભારતના આ અમૂલ્ય વારસાના સંવર્ધન વિશે બદલાયેલા દૃષ્ટિકોણ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે તમને ખબર છે કે આખી દુનિયામાં હાઇએસ્ટ હસ્તપ્રતો અમદાવાદના કોબા જ્ઞાન...

જૈનોના આ જ્ઞાનભંડારને આઠમી અજાયબી જ કહેવી પડે!

‘તમારા હાથમાં હસ્તપ્રત આવે અને જાણે કે એ તમારી સાથે વાત કરતી હોય એવું લાગે. એના અક્ષરો, લખવાની ઢબ, કાગળ, એમાં વપરાયેલી ઇન્ક, અંદર વપરાયેલાં વિવિધ ચિત્રો એમ સેંકડો એવી બાબતો હોય જેને જોઈને નિષ્ણાતોને લાગે કે હસ્તપ્રત પોતાની ઓળખાણ આપી રહી છે.’

આટલું કહેતાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજયસાગરસૂરિ મહારાજની આંખોમાં ચમકારો દેખાઈ આવે છે. પોતાનું આખું જીવન આ મહાત્માએ જ્ઞાનના સંવર્ધનમાં લગાવી દીધું. જોકે તેમના પ્રેરણા સ્રોત તેમના ગુરુદેવ પૂજ્ય શ્રી પદ્મસાગરસૂરિજીની જ્ઞાનની ઉપાસનાને તો શબ્દોથી વર્ણવી ન શકાય એવી ગહન અને વ્યાપક છે. ભારતના ગામેગામ ફરીને લોકો પાસેથી પ્રાચીન હસ્તપ્રતોનો ખજાનો તેમણે એકઠો કર્યો. અલભ્ય કહી શકાય એવા અઢળક ગ્રંથો હસ્તપ્રતોના ફૉર્મમાં અમદાવાદની લાઇબ્રેરીમાં સુરક્ષિત છે, જેનું નામ છે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર. જે કોબા જ્ઞાન મંદિર તરીકે પણ પ્રચલિત છે. અનેક રીતે આ જ્ઞાન ભંડાર તમને અજાયબી સમાન લાગશે. આખા વિશ્વનો આ એકમાત્ર જ્ઞાન ભંડાર છે જ્યાં ભારતીય ઉપખંડના મૂળની ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો વાંચી શકાય એવી કન્ડિશનમાં સંગ્રહિત થયેલી છે. યસ, તમે એક જુઓ અને એક ભૂલો એવી વિશેષતાવાળી આ હસ્તપ્રતોનાં જ્યારે લાઇવ દર્શન કરવાની તક મળી ત્યારે અમારા માટે પણ હૃદય ધબકારા ચૂકી જાય એવો અનુભવ હતો. તો ચાલો આજે અમદાવાદ શહેરથી દૂર ગાંધીનગર હાઇવે પાસે કુદરતી સૌંદર્ય વચ્ચે નિતાંત શાંતિમાં પ્રાચીન ધરોહરનું અનોખુ સરંક્ષણ કરી રહેલા એક અનોખા જ્ઞાન ભંડારની મુલાકાત લઈએ. 

શુભ શરૂઆત
‘જૈનો જ્ઞાનની વિશિષ્ટ પૂજા કરનારી પ્રજા છે. જૈન પરંપરામાં જ્ઞાન પાંચમ જેવું આગવું પર્વ છે. જૈન ગ્રંથોને જીવની જેમ સાચવતા હોય છે અને પેપરને કે અક્ષરને પગ પણ ન લાગે અને જ્ઞાનનું અપમાન ન થાય એની સંભાળ તેઓ રાખતા હોય છે કદાચ એટલે જ હજારો વર્ષ જૂનું સાહિત્ય પણ પરંપરા સાથે આગળ વધી શક્યું છે.’
અમદાવાદના પ્રહલાદ નગરમાં ચાતુર્માસ કરી રહેલા અને કોબા જ્ઞાન ભંડાર માટે છેલ્લાં ૩૫ વર્ષથી સંપૂર્ણ સમર્પિત થયેલા પૂજ્ય અજયસાગરજીસૂરિજીમહારાજ સાહેબ આ કહી રહ્યા છે ત્યારે તેમની આંખો સામેથી અગાધ અતીતનાં પૃષ્ઠો પસાર થઈ રહ્યાં હોય એવું દેખાઈ રહ્યું હતું. વાતને તેઓ આગળ વધારે છે, ‘મારા સૌથી મોટા ગુરુદેવ પૂજ્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજનો તેમની ગહન યોગસાધના સમયે આશરે સવાસો વર્ષ પૂર્વે પ્રગટ થયેલો એક સંકલ્પ હતો કે આપણા જ્ઞાનવારસાનું સંવર્ધન થાય અને વિદ્વાનો અને મહાત્માઓને એક જ જગ્યાએથી પોતાના જ્ઞાનની પ્યાસ છીપાવવાની સગવડ મળે એવું કંઈક થાય. એ દિશામાં મારા ગુરુદેવ રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાએ કામ શરૂ કર્યું જે આગળ જતાં તેમનું જીવનકાર્ય બની ગયું. તેઓ જ્યારે રાજસ્થાનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે જીર્ણશીર્ણ હાલતમાં હસ્તપ્રતો તેમને મળી. એ સમયે આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ પ્રાચીન હસ્તપ્રતોનું શુદ્ધિકરણનું કામ કરતા તો તેમને એ હસ્તપ્રતો ગુરુદેવ મોકલી આપતા. ત્યારે તેમને થયું કે આવો તો ઘણો ખજાનો છે જે ગામડાંઓમાં જીર્ણ અને ઉપેક્ષિત હાલતમાં છે. ગામડાંઓ નષ્ટ થઈ રહ્યાં છે, સમયના પ્રવાહમાં ધીમે ધીમે બધું છિન્નભિન્ન થઈ રહ્યું છે ત્યારે જ્ઞાનના વારસાને બચાવી લેવો જોઈએ. ધીમે ધીમે તેમણે ગામડાંઓમાં વિહારો કરીને ગામના લોકોને તેમની પાસે આવું કોઈ સાહિત્ય હોય અને તેઓ સંભાળ ન રાખી શકતા હોય તો આપવાની પ્રેરણા કરી. જીવનના પચાસ કરતાં વધુ વર્ષોમાં તેમણે કરેલા લગભગ બે લાખ કિલોમીટરના પગપાળા વિહાર દરમ્યાન ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સેલમ અને નેપાલ સુધીના દેશમાં જ્યાંથી જે મળ્યું એ રાખી લીધું. એની સાથે જ કેટલાક શ્રેષ્ઠીઓએ દાનની ધારા વહાવી અને ૧૯૮૦માં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર નામનું ટ્રસ્ટ બન્યું અને કોબા જ્ઞાન ભંડારનો પાયો નંખાયો. ૧૯૮૭માં ફુલ ફ્લેજ્ડ કામ શરૂ થયું. શરૂઆતમાં એક નાનકડી ઓરડીમાં કામ થતું, પછી ધીમે ધીમે વિસ્તાર વધતો ગયો. ગુરુદેવના પચાસ કરતાં વધુ વર્ષોના વિહાર દરમ્યાન ભેગી કરેલી હસ્તપ્રતો સંગ્રહિત છે અહીં. જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ લોકો પણ હસ્તપ્રતો ગુરુદેવ સુધી પહોંચાડવા માંડ્યા. કોઈકે આદરથી અર્પણ કરી તો કોઈ પાસેથી શ્રાવકો દ્વારા રૂપિયા આપીને પણ હસ્તપ્રતો ખરીદવામાં આવી. વેરવિખેર થઈ રહેલા જ્ઞાનવારસાને બચાવવાની દિશામાં પગલારૂપે આ જ્ઞાન ભંડારની સ્થાપના થઈ હતી અને ઘણા અંશે એ દિશામાં અમે કામ કરી શક્યા એનો સંતોષ છે. દુનિયાના ટૉપ કક્ષાના સ્કૉલર્સ આ જ્ઞાન ભંડારને પોતાના રિસર્ચમાં એક્નૉલેજ કરે ત્યારે આ કામને સતત કરતા રહીએ એની પ્રેરણા પણ મળે છે.’

વિવિધ ભાષાઓનું અલભ્ય સાહિત્ય
આ જૈન જ્ઞાનભંડાર છે એટલે એવું નથી કે અહીં માત્ર જૈનોના જ ગ્રંથો છે. બલકે વેદાંત-યોગ-આયુર્વેદ-બૌદ્ધના કેટલાક તો એવા ગ્રંથો છે જે હવે દુર્લભ કૅટેગરીમાં આવે છે અને તેમના નિષ્ણાતો પણ એને રિફર કરવા હોય તો કોબા જ્ઞાન ભંડારનો સંપર્ક કરે છે. સંસ્કૃત પ્રાકૃત ઉપરાંત પાલી, તામિલ, બંગાળી, મલયાલમ, ઓરિયા, તેલુગુ, કન્નડા, બર્મીસ, તિબેટિયન એમ ઘણી લિપિઓ તથા ભાષામાં અહીં ગ્રંથો અવેલેબલ છે. માત્ર જૈનના જ નહીં પણ આયુર્વેદ, યોગ, જ્યોતિષ, શિલ્પ, તત્ત્વજ્ઞાન, ધર્મ જેવા વિવિધ વિષયોનું કલેક્શન હોવાને કારણે દરેક વિષયના અને દરેક દેશના લોકો આ જ્ઞાન ભંડારમાં પોતાની શોધ-સંશોધનની અને જ્ઞાનની પ્યાસ બુઝાવવા અહીં આવે છે. આ જ્ઞાન ભંડારને કારણે આજ સુધી કોઈને ખબર ન હોય અને અનપબ્લિશ્ડ હોય એવું પણ ભરપૂર પ્રાચીન દુર્લભ સાહિત્ય બહાર આવ્યું. જે વારસો લુપ્ત થઈ જવાના આરે હતો. આચાર્યશ્રી કહે છે, ‘ચાલીસ વર્ષ સુધી ઘણાબધા વિદ્વાનો કામ કરે તો પણ અનપબ્લ્શિડ લિટરેચર પૂર્ણ ન થાય એટલા ગ્રંથો અને પુસ્તકો અનપબ્લ્શિડ અને રૅર છે આપણી પાસે.’

વિદ્વાનો અને રિસર્ચરોનું સ્વર્ગ
દુનિયાભરના વિદ્વાનો અને રિસર્ચરો કોબામાં આવે છે. એનાં બે કારણો છે, એક તો આગળ કહ્યું એમ અહીં સંવર્ધિત થયેલો જ્ઞાન વારસો તથા એની ડિજિટાઇઝ થયેલી દુનિયામાં બનેલી અનન્ય એવી સૂચિકરણ પદ્ધતિ અને બીજું મહત્ત્વનું કારણ છે તેમને એ જ્ઞાન વારસાનો સરળતાથી ઍક્સેસ મળી જાય છે. જે ગ્રંથો દુનિયામાં ક્યાંય અવેલેબલ જ નથી એવી ખાતરી થઈ ગયા પછી એ ગ્રંથ કોબામાં છે એવી ખબર પડે અને એટલું જ નહીં, એ ગ્રંથને સ્પર્શી શકે અને વિદ્વાન આનંદથી ઝૂમી ઊઠે. પૂજ્ય અજયસાગરસૂરિજી મહારાજ સાહેબ પાસે આવા તો ઘણાય દાખલાઓ છે. તેઓ કહે છે, ‘હસ્તપ્રતોની દુનિયા પણ ખૂબ રોચક હોય છે. સેંકડો વર્ષોથી આપણી સંસ્કૃતિમાં હસ્તલેખન પણ કયા સ્તર પર ડેવલપ હતું અને કમ્પ્યુટર કે મશીન વિના પણ હાથથી લખાતા શબ્દોમાં કેવી અદ્ભુત એકરૂપતા હતી, તેમના ચિત્રકામથી દ્વારા, સ્પેસિંગ, શાહીના રંગો બદલીને, વિવિધ કૅલિગ્રાફીના પ્રયોગો દ્વારા સુંદરતા સાથે પણ સંદેશ આપવાની જે રીત હતી એ જોઈને આપણું મગજ કામ ન કરે.’

યસ, આવા ગ્રંથો જોયા અને એની તસવીરી ઝલક આ લેખમાં પણ મૂકવામાં આવી છે. બહુ સુંદર અક્ષરોએ લખાયેલા ગ્રંથના પ્રત્યેક પાને એક બાજુના હાંસિયામાં સુંદર પ્રાણીઓનાં ચિત્રો દોરવામાં આવ્યાં હોય. દરેક પ્રતનો પોતાનો ઇતિહાસ અને પોતાની દુનિયા છે એ એને સાક્ષાત જોઈએ ત્યારે જ સમજાય. પૂજ્યશ્રી અજયસાગરસૂરિજી મહારાજ કહે છે, ‘કોરોના સમયમાં પૂજા વેદ નામનાં ખૂબ જ જાણકાર બહેન અહીં અભ્યાસ કરતાં હતાં જેમાં તેમને જૈન આયુર્વેદના એવા ગ્રંથો મળ્યા હતા જે ક્યાંય પ્રાપ્ત નહોતા. વાયુના પ્રકાર અને નાડીશાસ્ત્રના આ ગ્રંથોને જોઈને તેમની આંખમાં પાણી આવી ગયાં હતાં. બુદ્ધિસ્ટ લિટરેચર માટે જપાનથી ઘણા સ્કૉલર્સ અહીં આવી ચૂક્યા છે. ઇન ફૅક્ટ, આપણા પ્રાચીન તીર્થ પાલિતાણા, શંખેશ્વર, સમેતશિખરજી, રાણકપૂર વગેરેનો એટલો બધો ડેટા આ પ્રાચીન ગ્રંથોમાંથી મળી આવ્યો કે કોર્ટમાં જૈનોના અધિકારોને કાયદેસર રીતે પ્રસ્થાપિત કરવા માટે આ સંદર્ભોએ ખૂબ મદદ કરી હતી.

વિશેષ રીતે સંવર્ધન

આ હસ્તપ્રતો જ્યારે કોબા લાઇબ્રેરી સુધી પહોંચે ત્યારે ઘણી હસ્તપ્રતોની હાલત હૈયું કંપી જાય એવી વેરવિખેર એકદમ જીર્ણ હોય છે. કોબા જ્ઞાન ભંડારમાં હસ્તપ્રત વિભાગના ઇન્ચાર્જ ગજેન્દ્ર શાહ આખી પ્રોસેસ દેખાડી રહ્યા છે અને એક પછી એક સેક્શનમાં લઈ જતી વખતે તેમના અવાજના રણકારમાં સતત એક્સાઇટમેન્ટ વધી રહ્યું છે. વધે શું કામ નહીં, કામ જ એવું છે. તમે શબ્દોથી એ દુનિયાને વિઝ્યુઅલાઇઝ કરવાની કોશિશ કરો. સૌથી પહેલાં તો ફાટેલી, કાગળને અડો તો પણ પાઉડર બની જાય એવી ઊધઈ લાગેલી, ચોંટેલી અવસ્થામાં હસ્તપ્રતો જ્ઞાન ભંડારમાં આવે. એ પછી જ્ઞાન ભંડારની ટીમ એનું સૉર્ટિંગ કરે. એનું ફ્યુમિગેશન થાય જેમાં થાયમોલ નામનું કેમિકલ અને બલ્બ મૂકીને ફ્યુમિગેશન ચેમ્બરમાં મૂકવામાં આવે જેથી હસ્તપ્રતો પર ચોંટેલી ધૂળ-માટી-ફંગસ નીકળી જાય. ખાસ લૅબની અંદર વિશિષ્ટ પ્રોસેસથી હસ્તપ્રતોનાં ચોંટેલાં પાનાંને છૂટાં પાડવામાં આવે. એ પછી તેને જપાની ટિશ્યુ પેપરની મદદથી મેંદા પેસ્ટ દ્વારા લાંબા સમય સુધી ટકી રહે એ માટે લાઇનિંગ કરવામાં આવે. આના દ્વારા બટકણા પાનાં પણ એવાં થઈ જાય કે એને તમે વાળી દો તો પણ કશું થાય નહીં. આ આખી પ્રોસીજરમાં દુનિયાની લાઇબ્રેરીમાં સંવર્ધન માટે જે પ્રયોગો થાય છે એ અને આપણી દેશી પદ્ધતિઓ એમ બન્ને મેથડને બુદ્ધિપૂર્વક વાપરવામાં આવે છે. જેમ કે તૈયાર થયેલી હસ્તપ્રતોનું સ્ટોરેજ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. બર્માટિક લાકડાનાં સ્ટોરેજ બનાવવામાં આવ્યાં છે જે કોઈ પણ ઋતુમાં ફુલાય નહીં કે સંકોચાય નહીં. એની ઉપર પાછું સ્ટેનલેસ સ્ટીલનું મજબૂત આવરણ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થઈ શકતા આ કબાટનું સ્ટ્રક્ચર એવું છે કે અંદર ભેજ ન પહોંચે. પ્લસ જીવાત ન પડે એટલે આયુર્વેદિક પોટલી મૂકવામાં આવે. અહીં હસ્તપ્રતોની જાળવણી એ રીતે થઈ છે કે આવનારાં બીજાં બસો-ત્રણસો વર્ષ એને વાંધો નથી આવવાનો. હવા, આગ, પાણી અને જંતુમુક્ત સ્ટોરેજની અદ્ભુત વ્યવસ્થા કરાયેલી જોવા મળે છે.’

હસ્તપ્રતોની જેમ તમને પુસ્તકો પણ ઘણાં એવાં અહીં મળશે જે બીજે ક્યાંય ન મળે. પુસ્તક વિભાગના ડૉ. હેમંત કુમાર બોલતી ગીતાનું પુસ્તક દેખાડે છે અને સાથે શિલ્પકળાનાં રૅર કહી શકાય એવાં પુસ્તકો દેખાડે છે જે દંગ કરનારા છે. એવી જ રીતે કોબા જ્ઞાન ભંડાર સાથે અહીં એક ખૂબ જ સુંદર સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય છે જેમાં પ્રાચીન લિપિમાં કાળાંતરે આવેલા બદલાવો, લેખન પરંપરાનો ઉત્ક્રાંતિવાદ, બીજી અને ત્રીજી સદીઓની પ્રાચીન પ્રતિમાઓ, અકબરે પર્યુષણ દરમ્યાન કતલખાના પર મૂકેલા પ્રતિબંધનો ફરમાન પત્ર, દુનિયાનું સૌથી લાંબું ચાતુર્માસની વિનંતિનું ઇન્વિટેશન કાર્ડ જેવી અનેક યુનિક અને અલૌકિક બાબતો છે જેને જોવી એ પણ એક લહાવો છે. એના વિશે ફરી ક્યારેક વિગતવાર ચર્ચા કરીશું.  

culture news jain community life and style gujarati mid-day