‘લેટ ગો’ ન કરી શકો તો ‘લેટ ગૉડ’ કરતાં શીખી જાઓ

17 September, 2023 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આત્માની ઓળખ અને પ્રતીતિ માટે તપધર્મની આરાધના જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

મંત્રમાં નવકારમંત્ર મોટો છે. દાનમાં અભયદાન મોટું છે. રત્નમાં ચિંતામણિ રત્ન મોટું છે. જ્ઞાનમાં કેવલ-જ્ઞાન મોટું છે. સરોવરમાં માનસરોવર મહાન છે. પર્વતમાં મેરુ પર્વત મોટો છે. નદીમાં ગંગા મહાન છે એમ સર્વ પર્વોમાં ‘પર્વાધિરાજ પર્યુષણ’ પર્વ મહાન છે.

પર્યુષણ પર્વનો પૈગામ એ છે કે (૧) સ્વાદ છોડો તો શરીરને ફાયદો (૨) વિવાદ છોડો તો સંબંધોને ફાયદો અને (૩) ચિંતા છોડો તો આત્માને ફાયદો છે.

આત્માની ઓળખ અને પ્રતીતિ માટે તપધર્મની આરાધના જરૂરી છે. ભોજનમાં સ્વાદને છોડવાનો પ્રયોગ કરવાનો છે. જીભ પાસેથી બે કામ લેવાનાં છે. ભાવે એાટલું ખાવું નહીં. આવડે એટલું બોલવું નહીં. આત્માની પ્રસન્નતા માટે બીજો પૈગામ છે કે વિવાદને છોડતાં શીખો. વિવાદોથી શક્તિનો વ્યય થાય છે. શત્રુઓ વધતા જાય છે. સંબંધો બગડે છે માટે બોલતાં પહેલાં હજાર વાર વિચારો, જેથી સંબંધો બગડે નહીં.

આત્માની આરાધના માટે ચિંતા છોડવાનો ત્રીજો પૈગામ છે. આજનો માનવી ચિંતાતુર છે. સમજના અભાવે દુખી છે. અનુભવીઓ કહે છે કે ચિંતા નહીં, ચિંતન કરતાં શીખો, જેથી આત્માને ફાયદો થાય.

‘જબ તક સ્વભાવ નહીં સુધરતા તબ તક ધર્મ કા દિવ્ય આનંદ નહીં આતા’

જૈન ધર્મ એ તો આત્માનો ધર્મ છે. આત્માની શાંતિ અને પવિત્રતા પર જૈન ધર્મમાં ખૂબ ભાર અપાયો છે. માટે પર્યુષણ પર્વ એ કોઈ લૌકિક નહીં, પરંતુ મહાન આધ્યાત્મિક પર્વ છે. લૌકિક તહેવારોની ઉજવણીમાં લોકો દેહના શણગાર સજે છે. હરવા-ફરવા અને મોજશોખમાં દિવસો પસાર કરે છે. જ્યારે આધ્યાત્મિક તહેવારના દિવસોમાં દેહને નહીં, પણ આત્માને સુંદર બનાવવાનો હોય છે. તપ-જપ-ભક્તિ અને સમતા ભાવથી ​ઇન્દ્રિયો અને મનને શાંત બનાવવાની, પવિત્ર બનાવવાની સાધના કરવાની હોય છે. પર્યુષણ પર્વ આવું આધ્યાત્મિક પર્વ છે. જૈન ધર્મનાં દરેક પર્વો પાછળ આવી આધ્યાત્મિક ચેતના છુપાયેલી છે.

‘છોડો વેરની ગાંઠ, એ છે પર્યુષણનો પાઠ, તોડો રાગને દ્વેષ એ છે પર્યુષણનો ઉપદેશ’

પર્વના દિવસોમાં સાધનાનાં ત્રણ સૂત્રને આત્મસાત્ કરવા પુરુષાર્થ જગાડવો જરૂરી છે. એ સૂત્રો વિશે હવે પછી જોઈશું.

 

- પૂજ્ય શ્રી ધીરગુરુદેવજી મ.સા.

jain community life and style columnists culture news