15 September, 2023 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
જેમ ન ઇચ્છવા છતાં શરીરમાં રોગ આવીને ઊભા રહી જ જાય છે એમ જીવનમાં ન ઇચ્છવા છતાં જે કેટલાક પ્રકારના પ્રસંગો આવીને ઊભા રહી જ જાય છે એમાંના કેટલાક પ્રસંગો છે.
૧. ત્રાસી જવાના
દીકરાની ઉદ્ધતાઈથી અને મિત્રોની દગાખોરીથી તમે ત્રાસી જાઓ. પત્નીના બરછટ સ્વભાવથી અને બૉસની દાદાગીરીથી તમે ત્રાસી જાઓ. ટ્રાફિકની હાડમારીથી અને જાલિમ કોલાહલથી તમે ત્રાસી જાઓ.
૨. નાસીપાસ થવાના
ઉઘરાણી ડૂબી જવાથી વેપારી અને પરીક્ષામાં નાપાસ થવાથી વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય. કૅન્સરનું નિદાન થવાથી સ્ત્રી કે પછી પતિને લગ્નબાહ્ય સંબંધ છે એની જાણકારી મળી જવાથી પત્ની નાસીપાસ થઈ જાય.
૩. હથિયાર હેઠાં મૂકી દેવાનાં
મૅચ હવે હારી જ જવાના છીએ એની ખાતરી કૅપ્ટનને થઈ જાય, મોતને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે એવો ખ્યાલ દરદીને આવી જાય કે પાર્ટી ફડચામાં જ ગઈ હોવાથી ઉઘરાણી પાછી નથી જ આવવાની એનો ખ્યાલ વેપારીને આવી જાય.
૪. છેતરાઈ જવાના
ગમે તેટલી સાવધાની છતાં કો’ક માલમાં છેતરી જાય તો કો’ક ભાવમાં છેતરી જાય. કો’ક વાતચીતમાં છેતરી જાય તો કો’ક વ્યવહારમાં છેતરી જાય. કો’ક ખાનપાનમાં રમત રમી જાય તો કો’ક માનપાનમાં રમત રમી જાય. કો’ક સોદામાં નવડાવી નાખે તો કો’ક બાંધકામમાં ભાંગફોડ કરી નાખે.
ઉપર કહ્યા એ તમામ પ્રકારના પ્રસંગો વચ્ચે કેટલાક મર્દના બચ્ચા એવા હોય છે કે જેમના ચહેરા પરની ચમક ઓછી તો નથી થતી પણ ચહેરા પરની ચમક વધુ નિખરે છે.
‘મહારાજ સાહેબ, આઠ-દસ દિવસ પહેલાં જ મનની સ્વસ્થતાની કસોટી કરી નાખે એવો એક પ્રસંગ બની ગયો.’ એક યુવકે વાત કરવાનું શરૂ કર્યું, ‘ઇન્દોરથી રાજકોટ જવા નીકળ્યો તો ખરો, પણ સ્ટેશન પર પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે સ્ટેશન પરના જે પ્લૅટફૉર્મ-નંબર પર ગાડી આવવાની હતી એના કરતાં અલગ નંબરના પ્લૅટફૉર્મ પર હું પહોંચી ગયો હતો. ટ્રેનનો સમય થઈ ચૂક્યો હતો. બૅગ મારા હાથમાં હતી અને એ જ સમયે હું જ્યાં હતો ત્યાં એક ભિખારીએ બૂમ લગાવી.’ ‘શેઠ, કંઈક આપતા જાઓ...’ યુવકે વાતને આગળ ધપાવી.
‘વરસોથી ભિખારીને કંઈક ને કંઈક તો આપવાની મને ટેવ છે જ. એ હિસાબે મેં ખિસ્સામાં હાથ નાખ્યો અને ખિસ્સામાં રહેલી નોટ બહાર કાઢી, નોટ નીકળી ૨૦૦૦ની અને મારા ખિસ્સામાં બીજી કોઈ નોટ હતી નહીં. બૅગ ખોલીને બીજી નોટ કાઢવાનો સમય પણ હતો નહીં, મારે તાત્કાલિક બીજા પ્લૅટફૉર્મ પર પહોંચવાનું હતું તો ભિખારીને કશુંક આપવાનું એ નિયમ પણ મારે છોડવો નહોતો.’ એ યુવકની વાત રસપ્રદ રીતે આગળ વધતી હતી.
‘મારું મન કહે કે કંઈ ૨૦૦૦ની નોટ થોડી ભિખારીને અપાતી હશે? એવું કામ તો ગાંડો માણસ કરે અને સામા પક્ષે અંતઃકરણ કહે, ખિસ્સામાંથી બહાર નીકળેલી નોટને પાછી ખિસ્સામાં થોડી મુકાતી હશે?’ ‘પછી થયું શું?’ મેં પૂછ્યું કે તરત તે યુવકે જવાબ આપ્યો.
‘અંતઃકરણ જીત્યું ગુરુદેવ...’ એ યુવકના ચહેરા પર ખુશી હતી, ‘ભિખારીના હાથમાં ૨૦૦૦ની નોટ પકડાવી દીધી અને હું તરત પ્લૅટફૉર્મ બદલાવવા માટે આગળ ચાલ્યો, પણ તરત જ એ ભિખારીએ મને બૂમ પાડી.’ ‘શેઠ, ભૂલથી તમે મને ૨૦૦૦ની નોટ આપી દીધી છે...’
‘મેં તેની સામે જોયું અને જવાબ આપ્યો, ભૂલથી નથી આપી, સમજીને જ તને આપી છે...’ યુવકના ચહેરા પરના હર્ષમાં ચમક પણ આવી ગઈ હતી, ‘મન અને અંતઃકરણ વચ્ચેના તર્કવિતર્કમાં મેં અંતઃકરણને જિતાડ્યું એનો મારા હૈયે અપાર આનંદ થઈ ગયો અને લાગ્યું કે મારામાં હજીયે પરમાત્માનો વાસ અકબંધ છે.’