23 September, 2023 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરશુ તારા હાથમાં છે, જરૂર છે આંતરિક તાકાતની
બહુ ઓછા લોકોને ખબર હશે કે પરશુરામની પાસે જે પરશુ હતી એ તેમને ભગવાન શિવે આપી હતી. ભગવાન શિવજીએ જ તેમને પરશુ આપી છે એ વાત એ સમયે સૌકોઈ જાણતા હતા અને એટલે જ એવી કથા પણ સામે આવી છે કે પરશુરામ જ્યારે મહાદેવને મળવા ગયા ત્યારે મહાદેવ ધ્યાનમાં બેઠા હોવાથી ગણપતિએ પરશુરામને કૈલાશધામના દરવાજે જ અટકાવ્યા. મહાદેવના પરમ ભક્ત એવા પરશુરામ સાથે એ પ્રકારનો વ્યવહાર અગાઉ ક્યારેય થયો નહોતો. મહાદેવના ગણમાંથી કોઈએ તેમને ક્યારેય રોક્યા નહોતા એટલે પરશુરામને ગુસ્સો આવી ગયો. તેમણે ગણપતિને હટી જવા કહ્યું, પરંતુ ગણપતિ પણ અડગ રહ્યા અને બન્ને વચ્ચે લડાઈ થઈ. એ લડાઈમાં ગણપતિ અનેક વખત ચડિયાતા પુરવાર થયા એટલે નાછૂટકે પરશુરામે પોતાની પરશુનો ઉપયોગ કરવો પડ્યો. તેમણે પરશુ ગણપતિ તરફ ફેંકી.
મહાદેવે આપેલું હથિયાર નિષ્ફળ કેવી રીતે જાય?
અસંભવ.
આવું ધારીને ગણપતિજીમાં ક્ષમતા હોવા છતાં તેમણે પરશુને રોકી નહીં, જે તેમના ડાબા દંત સાથે અથડાઈ અને ગણપતિજીનો દંત અડધો તૂટી ગયો. આ લોકવાયકા વિશે અગાઉ આપણે પહેલા જ દિવસે વાત કરી તો એક લોકવાયકા જુદી પણ છે જેની વાત કરીએ.
કેવી રીતે આવી પરશુ? | બહુ જૂજ દેવતાઓના હાથમાં બે હથિયાર છે. ગણપતિ એ જૂજ દેવતાઓમાં આવે છે. તેમના એક હાથમાં અંકુશ છે તો બીજા હાથમાં તેમણે પરશુ પકડી છે. શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ગણપતિને એ પરશુ બીજા કોઈએ નહીં પણ ખુદ પરશુરામે જ આપી હતી અને એ તેમણે ગણપતિ સાથે થયેલી લડાઈના અંતે આપી હતી. ગણપતિ કોઈ રીતે હાર માનવા તૈયાર નહોતા. તે સતત લડતા જતા હતા. ઉંમરમાં નાના હોવા છતાં કુશાગ્ર યોદ્ધા જેવી ક્ષમતા ધરાવતા ગણપતિમાં રહેલું યુદ્ધકૌશલ્ય જોઈને પરશુરામે એ લડાઈના અંતે સામે ચાલીને એ પરશુ ગણપતિને આપી, પણ એ પરશુનો સ્વીકાર ગણપતિએ કર્યો નહીં અને એ તેમણે મહાદેવનાં ચરણોમાં પાછી મૂકી દીધી, કારણ કે એ પરશુ મહાદેવે જ પરશુરામને આપી હતી. એ સમયે મહાદેવે ગણપતિજીને એ જ ગુરુવિદ્યા આપી જે તેમણે પરશુરામને આપી હતી અને સાથોસાથ એ પણ કહ્યું જે પરશુ આપતી વખતે પરશુરામને નહોતું કહ્યું એ જ વાત તને કહે છું કે તું તારી પરશુથી માત્ર યુદ્ધ જ નહીં, પણ જે કોઈ યાચક તારી પાસે પોતાના વિઘ્ન માટે મદદ માગશે એ વિઘ્નને પણ તું સરળતાથી હરી શકશે અને તારા ભક્તનો તું વિઘ્નહર્તા બનશે.
એ દિવસથી ગજાનનના એક હાથમાં પરશુ આવી છે, જેનો ઉપયોગ તેઓ વિઘ્ન હરવામાં કરે છે.
હાથમાં પરશુ, એક સિમ્બૉલ
તમારી જેવી તાકાત હોય એવી તાકાત તમે પરશુમાં એટલે કે કુહાડીમાં ભરી શકો. જો તમે નબળા હો તો તમારો ઘા નબળો થાય અને જો તમે સબળા હો અને પૂરી તાકાતથી હાથમાં રહેલી કુહાડી ઝાડ પર વીંઝો તો તાડ જેવડું ઝાડ પણ એક ઘા સાથે જમીનદોસ્ત થઈ જાય. ગજાનનના હાથમાં રહેલી પરશુ કહે છે કે તાકાત તમારા હાથમાં છે; પૂરી ક્ષમતા સાથે દુશ્મનો પર વાર કરો, મુશ્કેલી પર ઘા કરો; તમે એ મુશ્કેલીથી પાર થઈ જશો.
પરશુ સૂચવે છે કે હથિયાર તમારા હાથમાં છે, ઉપાય તમારા હાથમાં છે; બસ, એને લાયક ક્ષમતા કેળવો. જો તમે એ કેળવી શકશો તો તમને અને તમારા વિકાસને કોઈ રોકી નહીં શકે; પણ જો તમે ડબલ માઇન્ડ હશો, જો તમે અવઢવમાં રહેશો તો છતા હથિયારે પણ તમે તમારા જંગમાં ધાર્યું પરિણામ લાવી નહીં શકો.