22 January, 2025 12:47 PM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદ
ઘણા લોકોને વાતવાતમાં પ્રાચીનકાળની પ્રશંસા અને વર્તમાનની નિંદા કરવાની ટેવ હોય છે. તેઓ એમ જ સમજી બેઠા હોય છે કે પહેલાં બધું સારું હતું અને અત્યારે બધું ખરાબ આવી ગયું છે. તમે ઘરમાં બેઠા હો ત્યારે પણ આવી જ વાતો એ કરે. અમારા સમયમાં તો આમ ને અમારા સમયમાં તો તેમ. પણ એકંદરે તટસ્થતાથી વિચાર કરતાં આપણે આજે જે સ્થિતિમાં છીએ એ પૂર્વના કરતાં ઘણી સારી છે. જોકે કેટલાંક ક્ષેત્રોમાં આપણે પીછેહઠ પણ કરી હશે, પણ તેથી જે પ્રગતિ છે એ મટી જતી નથી. સંતુલિત રીતે અધ્યયન કરીને પ્રજા સતત પ્રગતિ કરતી રહે એ જ ઉત્તમ વિચારસરણી છે.
પહેલાં અમુક ભાગમાં બહારવટિયા, ડાકુઓ, ચોરો વગેરેનો ભારે ફફડાટ હતો. એક ગામથી બીજા ગામ જતાં ડર લાગતો. લોકો લૂંટાઈ જતા. પણ હવે આ ભય ઘણો ઓછો થઈ ગયો છે કારણ કે સૌને રોજી મળવા લાગી. ચોરો પણ રોજી મળવાથી કામે લાગી ગયા. માણસ સારો જ હોય છે, પણ જો પરિસ્થિતિની ભીંસમાં તે ભીંસાય તો તે ખોટો થઈ જતો હોય છે. જોકે આજે પણ અસામાજિક તત્ત્વો, ગુંડાઓ વધી રહ્યા છે. પણ એ રાજકારણની દૂષિત પરિસ્થિતિનું પરિણામ છે, બેરોજગારીનું નહીં. જો રાજકારણ અને સમાજકારણ વ્યવસ્થિત તથા સમર્થ બનાવી શકાય તો ઘણા દોષો દૂર કરી શકાય. રાજકારણની વાત કરીએ તો એમાંથી જ્ઞાતિ કે જાતિવાદ બંધ થવો જોઈએ. ફલાણો બ્રહ્મ છે એટલે તેને સાથ આપવાનો અને ઢીંકણો પાટીદાર છે એટલે તેને સાથ આપવાનો. આવું જો કોઈ કહે તો માનવાનું કે તે નામપૂરતો સારાં કપડાં પહેરતો થયો છે, બાકી વિચારોમાં તેની માનસિકતા હજી પણ આદિવાસી યુગની જ છે. વ્યક્તિ સારી જ્ઞાતિમાંથી આવતી હોય એટલે સારી જ હોય એવું સહેજ પણ નથી. હા, એવી સંભાવના રહે અને એવું જ બીજી કે નાની જ્ઞાતિઓમાં લાગુ પડે. પછાત હોવાનો અર્થ એવો બિલકુલ નથી કે તે સારો નથી. પછાત જ્ઞાતિના અમુક લોકોનો તો મને એવો અનુભવ થયો છે જાણે કે હું સ્વર્ગમાં હોઉં. આ હું તેમને સારું લગાડવા નથી કહેતો, કારણ કે હું જેમના માટે આ વાત લખું છું એ તો અભણ છે, કાળા અક્ષર કુહાડે મારે એવું છે પણ મારા અનુભવના આધારે કહું છું. આવો અનુભવ તમને પણ થયો હશે, એટલે જો વિકાસની દિશામાં તટસ્થ રીતે આગળ વધવું હોય તો ક્યારેય જ્ઞાતિવાદને મહત્ત્વ આપતા નહીં અને એને મહત્ત્વ આપતા હોય એવા લોકોને રાજકારણમાં ઊંચી જગ્યાએ લઈ જતા નહીં. નહીં તો તે ધનોતપનોત કાઢશે, જેના જવાબદાર માત્ર ને માત્ર તમે હશો.