03 October, 2024 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હંમેશાં બીજાના ગુણ જોવા જોઈએ અને પોતાના દોષનો વિચાર કરવો જોઈએ અને તો જ આત્મવિકાસ થાય, પણ આપણું તો એવું જ કે જગતની પંચાત કરીને હમેશાં દૂબળા જ રહીએ છીએ. પોતાના જીવનને, પોતાની જાતને તપાસવાને બદલે આપણે બીજે ફાંફાં મારીશું તો અંતે હાથ ખાલીખમ જ રહેશે.
પારકાનાં પાપને પડકારતાં પહેલાં માણસે પોતાના પુણ્યની ખાતરી કરી લેવી જોઈએ. કોઈ કહેવાતા ગુનેગારને સજા કરતાં પહેલાં આપણી નિર્દોષતા તપાસી લેવી જોઈએ. ‘પાપી માણસને બીજા પર પથ્થર ફેંકવાનો અધિકાર નથી અને પુણ્યશાળી માણસને કોઈના પર પથ્થર ફેંકવામાં રસ હોતો નથી.’
નિંદા એ નવરા લોકોનો ખોરાક છે. દુર્જનો પોતાનાં પાપને ઢાંકવા માટે અન્યને પણ પાપી ઠરાવી દે છે. જેમ બધાના એક-એક અંગને વાંકું કહેનાર ઊંટને કવિ કહે છે, ‘અન્યનું તો એક વાંકું પણ આપનાં તો અઢાર છે’ એટલે સત્સંગ કરતા માણસે પરગુણોમાં પ્રીતિ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ‘પર’ એટલે પરમાત્મા પ્રભુના ગુણો પર માણસે પ્રેમ કરવો જોઈએ. ગુપ્ત રહીને પ્રભુ પ્રાણીમાત્રની દેખભાળ કરે છે તો માણસે પણ બાંધી મુઠ્ઠી કામ કરતાં શીખવું જોઈએ. આજે તો લોકોને કાંઈ પણ કર્યા વગર જ યશ અને કીર્તિ મેળવવાનો જબરો ચસકો છે. કામ થોડું કરવું છે પણ નામ ઝાઝું મેળવવું છે.
‘પર’ એટલે શ્રેષ્ઠજનો મહાપુરુષોના મહાન ગુણોને આપણે જીવનમાં સાકારિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રીકૃષ્ણનો પ્રેમ, શ્રીરામની મર્યાદા, શ્રીયમુનાજીની ઉદારતા, ગંગામૈયાની પવિત્રતા, ગોપીઓનો નિષ્કામભાવ, શ્રીમહાપ્રભુજીની કરુણા, શ્રીગુંસાઈજીની સેવા, અષ્ટસખાઓનાં કીર્તન, મીરાની પ્રભુ આસક્તિ, નરસિંહ મહેતાનો વિશ્વાસ, પરીક્ષિત રાજાનું શ્રવણ, શુકનું જ્ઞાન, લક્ષ્મણનો બંધુપ્રેમ, હનુમાનજીનો દાસભાવ, સુગ્રીવની મિત્રતા, જનકની અનાશક્તિ, શ્રવણની મા-બાપની સેવા, ભીષ્મની પ્રતિજ્ઞા, દધીચિનો ત્યાગ, કર્ણની દાનવીરતા, ધ્રુવનો નિશ્ચય, વ્યાસની વિદ્વત્તા, બલિરાજાનું સમર્પણ, લવકુશની તેજસ્વિતા, ભગીરથનો પુરુષાર્થ, સીતાનું પાવિત્ર્ય, દ્રૌપદીની ખુમારી, રાધાજીની નિષ્ઠા, ભીમનું સાહસ, અર્જુનનું શૌર્ય, અભિમન્યુનું બલિદાન, નારદની ભક્તિ, દામોદરદાસ હરસાનીની ગુરુસેવા, હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠા, વિદુરની નીતિ, ચાણક્યની ચતુરાઈ, ઇત્યાદિ ગુણ સમુચ્ચય પર પ્રેમ કરીને એ ગુણોને આત્મસાત્ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
આપણે જે જીવીએ છીએ એ જીવન માણસનું જ છે કે નહીં એનો સતત ખ્યાલ આપણે રાખવો પડે છે. એ દૃષ્ટિએ આત્મનિરીક્ષણ એ જીવનવિકાસનું મહત્ત્વનું સોપાન ગણી શકાય. જે માણસ આત્મનિરીક્ષણ કરતો નથી તેનો વિકાસ કોઈ કાળે સંભવિત નથી. જીવનયાત્રામાં વ્યક્તિએ ક્ષણે-ક્ષણે સાવધાની રાખવી પડે છે.