ધર્મને બચાવવા કે ધર્મને સાચવવા માટે મહેનત નથી કરવી પડતી

02 September, 2024 11:25 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પાંત્રીસેક વર્ષનો યુવક બકરા ભરેલી ટ્રકને ખાલી કરી, બધા બકરાઓને પાંજરાપોળમાં મૂકી, જીવદયાનું કામ કરીને સીધો જ મળવા આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

‘જીવદયાનું કાર્ય હોય કે સાધર્મિક ભક્તિનું, વૈયાવચ્ચનું કાર્ય હોય કે પ્રભુભક્તિનું, મહારાજસાહેબ, આજ સુધીમાં એમાંના એક પણ કાર્યમાં મને પૈસાની ખેંચ નથી પડી...’

પાંત્રીસેક વર્ષનો યુવક બકરા ભરેલી ટ્રકને ખાલી કરી, બધા બકરાઓને પાંજરાપોળમાં મૂકી, જીવદયાનું કામ કરીને સીધો જ મળવા આવ્યો હતો. તેની આંખોમાં ખુશી હતી અને ચહેરા પર ચમક પણ. મેં પૂછ્યું, ‘છાશવારે આવાં કાર્યોમાં ક્યારેય પૈસાની ખેંચ પડતી નથી?’

‘ના, બિલકુલ નહીં. મારી પોતાની આર્થિક સ્થિતિ એવી નથી’ તેણે સહજ સ્વીકાર પણ કર્યો, ‘આ તો ભારત છે મહારાજસાહેબ, અહીં ખૂણેખાંચરે એવા નરબંકાઓ પડ્યા છે જેમની ઉદારતાની કોઈ કલ્પનાયે ન કરી શકે. આપ નહીં માનો, પણ હકીકત એ છે કે મારે આવાં કાર્યો માટે રોજના દસ હજાર રૂપિયા જોઈતા હોય તોયે મને ખૂબ સહજતાથી એટલી રકમ મળી રહે છે અને લાખ રૂપિયો જોઈતો હોય તો પણ આપનારા નરબંકાઓ છે...’

‘એ દાતાનો કોઈ વિશિષ્ટ અનુભવ...’

‘છેને, અનેક અનુભવ. મને જે યાદ આવે છે એ અનુભવ કહું તમને.’ યુવકની આંખમાં ચમક હતી, ‘ઘર પાસે એક યુવક રહે છે. ઠીકઠાક એવું હીરાનું તેનું કામકાજ છે. હું જે કાર્યો કરું એ કરવાની તેનેય હોંશ, પણ સમયના અભાવે તે કરી શકતો નથી, પણ આ કાર્યો માટે આપવાની તેની ઉદારતા ગજબની. એક દિવસ જીવદયાના કાર્ય માટે રકમની જરૂર પડતાં હું તેના ઘરે ગયો અને કહ્યું કે આ રકમની મને તાતી જરૂર છે.’

‘હશે, હું ના નથી પાડતો એ વાતની, પણ અત્યારે બજાર તૂટેલાં છે, મંદી સખત છે. ઉઘરાણી આવતી બંધ થઈ ગઈ છે. તું જે કાર્યો કરે છે એમાં મને રસ પણ છે છતાં અત્યારે તને હું ૨કમ આપવાની સ્થિતિમાં નથી.’

‘જેવી ઇચ્છા’ કહીને હું ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે રસ્તામાં મને તે મળી ગયો અને તેણે મને ઊભો રાખ્યો. હું કંઈ કહું એ પહેલાં જ તેણે મને મિચ્છા મિ દુક્કડં કહ્યું એટલે મેં કહ્યું કે વ્યવસ્થા ન હોય તો કોચવાટ કરવાની જરૂર નથી... પણ ગુરુદેવ, તેણે મારા હાથમાં લાખ રૂપિયા મૂકી દીધા અને કહ્યું કે કાલે ના પાડી દીધી એના પ્રાયશ્ચિત્તમાં ક્ષમતા છે એના કરતાં બમણા દઉં છું, પણ ભાઈ, ક્યારેક હું ના પાડું તો મને આજનો આ દિવસ યાદ દેવડાવજે અને કહેજે કે ધર્મને ક્યારેય જાકારો આપવાનો નહીં.’

હું પેલા યુવકને જોતો રહ્યો. ધર્મને બચાવવાની કે ધર્મને સાચવવા માટે મહેનત કરવી નથી પડતી, એને માટે જહેમત નથી ઉઠાવવી પડતી. એ આપમેળે પોતાનો માર્ગ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એવું જ પરોપકારનું છે. જ્યાં સુધી આ બન્ને યુવકો જેવા યુવાનો આ જગતમાં છે ત્યાં સુધી પ્રેમ અને કરુણા અકબંધ રહેવાનાં છે.

jain community life and style columnists