13 September, 2024 12:10 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
એકતા એટલે સરવાળો. સરવાળાથી શક્તિ વધે અને બાદબાકીથી શક્તિ ઘટે. આ સીધો હિસાબ છે અને એમ છતાં આપણે બાદબાકીથી જીવીએ છીએ. જે પ્રજા પાસે એકતાનાં મજબૂત કારણો ન હોય અને વિભાજનનાં કારણો અઢળક હોય એ વિભાજિત થઈને આપોઆપ દુર્બળ બની જાય. દુઃખ સાથે કહેવું પડશે કે આપણી પાસે વિભાજનનાં કારણો અનેક છે. વર્ણવ્યવસ્થા, જાતિવાદ, જ્ઞાતિવાદ, પ્રાન્તવાદ, સંપ્રદાયવાદ, પંથ અને પરિવારવાદ, ગુરુવાદ વગેરે અનેક વિભાજક તત્ત્વો છે જે આપણને એક થવા નથી દેતાં અને સતત આપણી વચ્ચે વિભાજનનું કારણ બની રહ્યાં છે. વર્ણવાદથી બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે એકતા નથી થતી. જાતિવાદને લીધે હજારો જાતિઓ જન્મી, જેમની વચ્ચે એકતા નથી. ચાલો, માન્યું કે જાતિ કુદરતી છે, પણ આપણે તો જ્ઞાતિવાદ પણ ઊભો કરી દીધો જેને લીધે પણ વિભાજન થાય છે. જેમ કે સુથાર, લુહાર, મોચી વગેરે ધંધા આધારિત જ્ઞાતિઓ વિભાજિત કરે છે. આ જ રીતે પ્રાંતવાદ પણ જુદા પાડવાનું કામ કરે છે : બંગાળી, મરાઠી, ગુજરાતી, પંજાબી, બિહારી વગેરે. અમેરિકામાં કૅલિફૉર્નિયામાં રહેનારો કે ટેક્સસ અથવા ન્યુ જર્સીમાં રહેનારો જુદા નામથી નથી ઓળખાતો. ત્યાં આ પ્રાંતીય ભેદ નથી. ત્યાં બધા જ અમેરિકન છે અને એ જ તેમની ઓળખ છે.
આપણે હજારો સંપ્રદાયો કરીને બેઠા છીએ. પ્રત્યેક સંપ્રદાય પંથ, પરિવાર વિભાજન કરે છે; સ્થાપક કે સંચાલકને ભગવાન માનીને પૂજે છે. તેથી પ્રત્યેક સક્ષમ વ્યક્તિ પોતાનો વાડો બાંધે છે; કારણ કે તે પૂજાય છે, મહાન બને છે. તેમના વારસદારો યોગ્યતા વિના પણ મહાન બનીને પૂજાય છે. આવો જ વિભાજક ગુરુવાદ પણ છે.
પ્રત્યેક વિભાજક કારણથી મુક્ત થયેલી પ્રજા જ એકતાનું સુખ અને શક્તિ મેળવતી હોય છે. ગાય-ગાય, ગાય-ભેંસ, ગાય-બકરી વગેરેમાં એકતા થઈ શકે છે. સૌ પોતપોતાની જાતિઓને સાચવીને એક થઈને રહે છે. જોકે ગાય અને સિંહમાં કે ગાય અથવા વરુ કે વાઘમાં એકતા ન થઈ શકે અને કદાચ થાય તો ગાયોનું નિકંદન નીકળી જાય. એવી જ રીતે શાહુકાર અને ચોર, ધર્માત્મા અને દુષ્ટાત્મા, રાષ્ટ્રભક્ત અને ગદ્દારની એકતા ન થઈ શકે અને કદાચ કરો તો સજ્જનોનો નાશ થઈ જાય.
એકતા જરૂરી જ છે, પરંતુ કોની સાથે એનો વિવેક સમજવો પણ જરૂરી છે. વિવેક વિનાની આંધળી એકતા સર્વનાશ કરાવી શકે છે. સૌથી પહેલાં વિભાજક પરિબળોથી છૂટો તો એકતા આપોઆપ થવાની શરૂ થઈ જશે. વિભાજકોને પૂજવાનું બંધ કરો. એટલું થશે તો પણ આપોઆપ ઘણું સુધરવાનું શરૂ થઈ જશે.