હીમોગ્લો​બિનનું પ્રમાણ લૅબોરેટરી દેખાડે, લોહીમાં ખાનદાની તો ધર્મ દેખાડે

03 July, 2024 08:10 AM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

માણસ એકમેક પ્રત્યે વિશ્વાસ મૂકતાં ડરે છે એવી વાસ્તવિકતા વચ્ચે આવા પુણ્યાત્માઓ જોવા મળે એ પણ ઈશ્વરની કૃપા જ

પ્રતીકાત્મક તસવીર

‘મહારાજસાહેબ! પંદર મિનિટનો સમય જોઈએ છે.’ થાણેમાં એક યુવક મળવા આવ્યો. તેણે વાત શરૂ કરી અને કહ્યું, ‘શૅરબજારમાં કામ કરું છું. સખત મંદી ચાલે છે. પુરુષાર્થ જોરદાર છે, પણ પુણ્ય જ્યાં પરવાર્યું હોય ત્યાં પરિણામમાં હતાશા સિવાય બીજું શું આવે? મૂડી ઓછી કરી છે, પણ હવે તો દેવું વધાર્યું છે.’

‘મોટા ભાગના લોકોની અત્યારે આ જ સ્થતિ છે.’

‘બરાબર આપની વાત, પણ આપની પાસે જે મૂંઝવણ રજૂ કરવા આવ્યો છું એ અલગ પ્રકારની જ છે.’ તેણે વાત ચાલુ કરી, ‘હું જેની ઑફિસમાં બેસીને કામ કરું છું તેની પાસેથી મેં અત્યાર સુધીમાં આઠેક લાખ રૂ​પિયા લીધા છે અને એ સિવાય બીજા ચારેક લાખનું દેવું છે...’

‘મૂંઝવણ શી છે?’

‘મૂંઝવણ એ છે કે જેને આઠ લાખ રૂ​પિયા આપવાના છે તેની ઉંમર મારા જેટલી છે. તે મારી પાસે ક્યારેય ઉઘરાણી

કરતો નથી.’

ચોખવટ કરતાં મેં પૂછ્યું, ‘ઉઘરાણી કરતો નથી કે વારંવાર કરે છે?’

‘ના, ઉઘરાણી કરતો જ નથી.’

‘તો એમાં તને મૂંઝવણ શી છે?’

‘મૂંઝવણ એ કે તે ઉઘરાણી કરતો જ નથી એટલે મારું મન સતત ઉદ્વિગ્ન રહ્યા કરે છે. કમસે કમ તે મને પૈસા યાદ કરાવતો રહે કે કડક શબ્દોમાં કહે તોય મારા મનને શાંતિ રહે, મારા મન પર બોજો ન રહે. હું ઘણી વાર તેને સામે ચડીને ફોન પણ કરું એવી ધારણાએ કે તે ઉઘરાણી કરે, પણ વ્યર્થ. તે કંઈ બોલતો નથી. ઊલટું પૂછે છે કે તકલીફ હોય તો કહેજે, હું બેઠો જ છું...’

‘મહારાજસાહેબ, મંદીના વાતાવરણમાં, અવિશ્વાસના યુગમાં એક ભાઈ બીજા ભાઈ પાસેથી સ્થિતિનો વિચાર કર્યા વિના રકમ માગી લે છે ત્યારે આ મિત્રની હદ બહારની ઉદારતા મને અકળાવી રહી છે. આપની પાસે આ વાત કરવા હું એટલા માટે આવ્યો છું કે આપ તેને સમજાવો કે આ જમાનામાં આટલા બધા સરળ અને ઉદાર બનવા જેવું નથી, કમસે કમ મારા પ્રત્યે તો નહીં જ. મને તેની મનોવૃત્તિ જોતાં બીક લાગે છે. જો ૨કમ ચૂકવ્યા વિના જ મારી આંખ મીંચાઈ ગઈ તો..’

આટલું બોલતાં-બોલતાં તે યુવક રડી પડ્યો.

કૉલેસ્ટરોલનું અને હીમોગ્લોબિનનું પ્રમાણ લોહીમાં કેટલું છે એનો રિપોર્ટ આપતી લૅબોરેટરીઓ ઠેર-ઠેર ઊભી કરવામાં ભલે વિજ્ઞાન સફળ બની ગયું, પણ લોહીમાં ખાનદાની કેટલી છે એનો રિપોર્ટ મેળવવા માટે તો ધર્મના શરણે ગયા વિના બીજો કોઈ વિકલ્પ જ નથી. માણસ એકમેક પ્રત્યે વિશ્વાસ મૂકતાં ડરે છે એવી વાસ્તવિકતા વચ્ચે આવા પુણ્યાત્માઓ જોવા મળે એ પણ ઈશ્વરની કૃપા જ.

jain community culture news life and style columnists