Bhakti The Art of Krishna: કૃષ્ણ અસ્તિત્વને અનુભવવાનો આધ્યાત્મિક અને કલાત્મક અનુભવ

26 July, 2024 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભક્તિઃ ધી આર્ટ ઑફ કૃષ્ણ જેમાં કલા અને આધ્યાત્મનો અનોખો સંગમ છે. અહીં 107 એવી રચનાઓ છે જે એક સાથે જોવા મળે એવું તો સ્વપ્ને પણ ન વિચારી શકાય.

રાજા રવિ વર્માનું આ ચિત્ર 25 વર્ષ પછી વડોદરાના પેલેસ મ્યુઝિયમની બહાર પ્રદર્શિત થઇ રહ્યું છે - બર્થ ઑફ કૃષ્ણા - સૌજન્ય રોયલ ગાયકવાડ કલેક્શન, ફતેહસિંહ ગાયકવાડ મ્યુઝિયમ - વડોદરા

ભક્તિ ધી આર્ટ ઑફ કૃષ્ણા એટલે એક એવું પ્રદર્શન જેમાં કલા રસ, ભક્તિ રસનું એવું મિશ્રણ છે કે તમને એમ લાગશે કે જાણે તમે એક જુદાં જ વિશ્વનો હિસ્સો છો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ભગવાન કૃષ્ણના જીવન અને તેમના અસ્તિત્વના વારસા થકી પ્રેમ અને ભક્તિની એક કલાત્મક શોધ આદરતું એક્ઝિબિશન રજૂ થઇ રહ્યું છે. ભક્તિઃ ધી આર્ટ ઑફ કૃષ્ણ જેમાં કલા અને આધ્યાત્મનો અનોખો સંગમ છે. અહીં 107 એવી રચનાઓ છે જે એક સાથે જોવા મળે એવું તો સ્વપ્ને પણ ન વિચારી શકાય. એક જ દિવાલ પર રાજા રવિ વર્માનું ચિત્ર હોય તો બાજુમાં એમ. એફ. હુસેનનું ચિત્ર હોય એવું ત્યારે જ બને જ્યારે કૃષ્ણ પોતે હાજરાહજુર હોય. ચાર માળના આ પ્રદર્શનને અશ્વિન ઇ રાજગોપાલને ક્યુરેટ કર્યું છે. 18મી જુલાઇથી 18 ઑગસ્ટ દરમિયાન તમે આ એક્ઝિબિશન NMACCમાં જોઇ શકશો. 

આ બંન્ને પેઇન્ટિંગ્ઝ મનજીત બાવાનાં છે - ડાબે સૌજન્ય - પિરામલ મ્યુઝિયમ ઑફ આર્ટ અને જમણે સૌજન્ય અંબાણી કલેક્શન 

NMACCમાં ચાર માળમાં વહેંચાયેલું આ પ્રદર્શન એક અનુભવ છે. અહીં માત્ર ચિત્રો કે શિલ્પ નથી પણ કૃષ્ણ જન્મથી માંડીને ભગવદ્ ગીતા સુધીની તેમની યાત્રામાં તમે જાણે જોડાઇ જાવ છો. અહીં જા રવિ વર્મા, એમ. એફ. હુસૈન, મનજીત બાવા, અમિત અંબાલાલ, રકીબ શૉ અને ઠુકરાલ જેવા પંદર મુખ્ય ભારતીય કલાકારોની કૃતિઓ ડિસપ્લે કરાઇ છે. બાળ કૃષ્ણથી લઇને રાસ લીલા કરતાં કાનુડાથી માંડીને ભગવદ્ ગીતા કહેતા કૃષ્ણનો આભાસ તમને આ સર્જનની પ્રસ્તુતીમાં થશે. 

આ શ્રીનાથજીની પિછવાઇ પિરામલ મ્યુઝિયમ ઑફ આર્ટના સૌજન્યથી અહીં રજુ કરાઇ છે

આ પ્રદર્શન અંગે ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે આ એવું પ્રદર્શન છે જેને આર્ટ હાઉસમાં જોવા આવનારા દરેકને જાણે હું અંગત રીતે આવકારતી હોઉં એમ લાગે ચે. ભાવના અને ભક્તિથી ભરપૂર આર્ટવર્કની એનર્જી અહીં ચારેય માળમાં જાણે પ્રસરી છે. અહીં તત્વ ચિંતન પણ છે તો આત્મ શોધની ક્ષણ પણ તમને આ એક્ઝિબિશનમાં મળે છે. સંસ્કૃતિ, ધર્મ, સાહિત્ય અને આપણી પવિત્ર ધરતીનાં તત્વોને આ કલા સ્વરૂપો જોડે છે. એક્ઝિબિશન જોવું એટલે જાણે કૃષ્ણની સાથે પગલાં મેળવીને ચાલવું, જાતને ખોજવી અને આત્મનિરીક્ષણનો અનુભવ કરવો. ગીતાના ઉપદેશો જે તમને ખબર હોવા છતાં ય અહીં એ રીતે દર્શાવાયા છે કે તમને ફરી એકવાર તેને વાગોળવાનું, જીવવાનું અને સમજવાનું મન થશે. 

 વૉક ઑફ  લાઇફ બાય ઠુકરાલ અને ટાગરા - કર્ટસી પિરામલ મ્યુઝિયમ ઑફ આર્ટ

પેઇન્ટિંગ અને ઑબ્જેક્ટ હાઇલાઇટ્સમાં રાજા રવિ વર્માની 1890માં બનેલી કૃતિ, ધ બર્થ ઑફ કૃષ્ણનો સમાવેશ થાય છે, જેને 25 વર્ષ બાદ પહેલીવાર વડોદરા પેલેસના ફતેહ સિંહ મ્યુઝિયમની બહાર દર્શાવવામાં આવી રહ્યું છે. કોન્ટેમ્પરરી કલાકાર મનજીત બાવા દ્વારા કૃષ્ણ અને રાધા વચ્ચેના પ્રેમને દર્શાવતા બે લાઇફસાઇઝ પેઇન્ટિંગ્ઝ અહીં છે તો કાશ્મીરી કલાકાર રકીબ શોનું પેઇન્ટિંગ પણ અદ્ભૂત કારીગરી દર્શાવે છે. ; અને ચાર પીસ પી. ઓર એન્ડ સન્સ સ્વામી પેટર્નના સિસ્વર ટી સેટ પણ અહીં જોઇ શકાશે જે મૂળે તો 19મી સદીના ભારતમાં બનાવાયો હતો અને તે અગાઉ  રોમમાં સોટીરિયો બલ્ગારીના સંગ્રહમાં હતો, આ ટી સેટમાંમાં પુરીમાં રથ ઉત્સવનું નિરૂપણ કરાયું છે. 

અજાણ્યા કલાકરનું સર્જન - સૌજન્ય શંકરન અને નટેસન કર્ણાટક આર્ટ હાઉસ

અહીં કૃષ્ણને તમે મલ્ટી મીડિયામાં અનુભવો છો જેને માટે છાયા પ્રકાશનો ખાસ ઓરડો ડિઝાઇન કરાયો છેલ તો ટાઇપોગ્રાફી રૂમમાં ગીતા તમારા સુધી પહોંચે છે. વળી કૃષ્ણને દેશના જુદા જુદા રાજ્યોમાં કયા સ્વરૂપમાં પૂજવામાં આવે છે એ જોવું હોય તો આ પ્રદર્શન તમારે ચોક્કસ જોવું જોઇએ. પંઢરપુરથી સહિત નવ મંદિરો રાજગોપાલસ્વામી, ગુરુવાયુરપ્પન, ઉડુપી કૃષ્ણ, હમ્પી બાલકૃષ્ણ, દ્વારકાધીશ, શ્રીનાથજી, પુરી જગનાથ, મથુરા નાથ અને શ્રીરંગમ સહિતના મંદિરોમાં કૃષ્ણના કયા રૂપની પૂજા થાય છે એ દર્શાવતી ખાસ મુર્તિઓ અહીં બનાવડાવીને મૂકવામાં આવી છે. આ પ્રદર્શન ભારતીય વારસાની ઉજવણી છે, ભક્તિની ઉજવણી છે. આ પ્રદર્શનની ટિકિટ 299 રૂપિયામાં NMACC અને બૂક માય શો પરથી મેળવી શકાશે. 

(તમામ તસવીરોનું સૌજન્ય NMACC)

culture news nmacc nita ambani bandra kurla complex life and style Isha Ambani mukesh ambani