04 December, 2024 04:53 PM IST | Mumbai | Swami Satchidananda
મહાદેવ તસવીર સૌજન્ય : એ. આઈ
તમે શાસ્ત્રો જોશો તો તમને એમાં દેખાશે કે મોટા ભાગના અસુરો તપ કરે છે, જ્યારે એની સામે તમને દેવો ભોગ ભોગવતા દેખાશે. ભસ્માસુર અસુર હતો, આ અસુરના ઘોર તપથી મહાદેવ પ્રસન્ન થયા. મહાદેવ પ્રગટ થયા અને તેમણે જે ઇચ્છા થાય, જે મનમાં આવે એ વરદાન માગવાનું ભસ્માસુરને કહ્યું. આપણા બધા ભગવાનોમાં મહાદેવ સૌથી ભોળા છે અને એટલે જ તેમને ભોળાનાથ પણ કહે છે. ભોળાનાથ નામ કેવી રીતે પડ્યું એની એક સરસ વાર્તા છે, કોઈને આજુબાજુમાં પૂછીને એ વાર્તા જાણજો. આ ભોળેનાથની બીજી ખાસિયત એ છે કે તેઓ રોકડિયા દેવ છે. જે આપવું હોય તે તરત જ આપી દે. વાયદાબાજી કરે નહીં.
મહાદેવે વરદાન માગવા કહ્યું એટલે અસુરે વરદાન માગ્યું ‘જેના માથા પર હાથ મૂકું તે બળીને ભસ્મ થઈ જાય.’ મહાદેવે તો કહી દીધું - ‘તથાસ્તુ.’ જેવું વરદાન મળી ગયું કે તરત જ અસુરે પોતાને મળેલી આ સિદ્ધિની બોણી મહાદેવ પર જ કરી અને હાથ લાંબો કર્યો. હવે મહાદેવને પોતાની ઉતાવળની ભૂલ સમજાઈ ગઈ. પીઢ રાજનેતા ક્યારેય વરદાન આપવાની ઉતાવળ ન કરે અને સમયબદ્ધ વચન પણ ન આપે. મહાદેવ તો ભોળા છે. જે ભોળા હોય તે પીઢ રાજનેતા ન થઈ શકે. તેમને ક્યારેય કોઈ અગત્યનો વહીવટ સોંપવો નહીં. તમે જુઓ, આ જ તો કારણ છે કે મહાદેવ ગામ બહાર સ્મશાનમાં નિવૃત્ત જીવન જીવે છે. ભોળા લોકોએ નિવૃત્ત જીવન જીવવું જોઈએ અને રાજખટપટોથી દૂર રહેવું જોઈએ. એટલું જ નહીં, ભોળા લોકોએ પોતાની સાથે રહેલા શાણા લોકોની સલાહ લેતા રહેવી જોઈએ, જેથી પોતે પોતાનું જ અહિત ન કરી બેસે.
વરદાન મળી ગયું એટલે ભસ્માસુરે હાથ લંબાવ્યો. હવે ભાગવાનું મહાદેવે હતું. મહાદેવ બચવા માટે ભાગ્યા પણ ખરા. હું કહીશ કે ભોળા લોકો પોતે જ પોતાને માટે ઉપાધિ ઊભી કરી દેતા હોય છે. ઉપાધિ ઊભી કરી દે અને ઉપાધિ ઊભી થઈ જાય એટલે જીવનથી દૂર ભાગે. રાજકીય જીવનમાં ખંધાઈ પણ જરૂરી છે. આ ખંધાઈ શીખવવાથી ન મળે, એ સ્વયંભૂ જ હોય. આગળ મહાદેવ અને પાછળ ભસ્માસુર દોડી રહ્યો છે. પોતાના ઉપકારકને જ મારે તેને અસુર કહેવાય. વિષ્ણુને ખબર પડી એટલે મહાદેવને બચાવવા તેમણે મોહિની રૂપ ધારણ કર્યું, સુદર્શનચક્રનો ઉપયોગ નહોતો કર્યો. ભસ્માસુરોને હણવા તલવાર ન વાપરવાની હોય, તેને તો મોહથી મરાય. તમે પણ જીવનમાં આ જ વાતનો અમલ કરજો અને જરૂર ન હોય તો સુદર્શનનો ઉપયોગ કરતા નહીં.