09 October, 2024 01:12 PM IST | Mumbai | Jigisha Jain
માતાજીનો ગરબો
નવરાત્રિ માની આરાધનાનું પર્વ છે. એ ૯ દિવસની તપસ્યા છે. માની નજીક જવાનો એક મોકો છે. પારંપરિક રીતે એની ઉજવણી આજની ઉજવણી કરતાં ઘણી જુદી હતી. ઘરે-ઘરે ગરબાનું સ્થાપન, માતાજીનાં અનુષ્ઠાન, આખા દિવસના ઉપવાસ અને રાત્રે આરતી અને ગરબા દ્વારા માની થતી આરાધના. આ રીતે ઊજવાતી નવરાત્રિ તમને લાગતી હોય કે ઝાંખી પડતી જાય છે તો મળીએ પરંપરાનો દીવડો હજી પણ ઝગમગાવતા લોકોને જેમના માટે નવરાત્રિ આજે પણ શ્રદ્ધા અને આસ્થા પ્રજ્વલિત કરીને માની નજીક જવાનો એક મોકો માત્ર છે. મળીએ એવા લોકોને જે કેટલાંય વર્ષોથી માની આરાધના ખૂબ મનથી કરે છે અને નવરાત્રિને પારંપરિક ઢબે ઊજવે છે.
ઉપવાસ, મંત્રજાપ, અખંડ દીવા જેવું ઘણુંબધું કરે છે; એ પણ ડાયાબિટીઝ હોવા છતાં અને ૬૮ વર્ષની ઉંમરે
વિલે પાર્લેમાં રહેતાં ૬૯ વર્ષનાં રશ્મિ જોશી છેલ્લાં ૨૦ વર્ષથી નવરાત્રિ દરમિયાન અખંડ દીવો રાખે છે, જે તેમના ઘરની પરંપરા નથી. તેમને શ્રદ્ધા બેઠી અને રાખવાનું મન થયું એટલે તેમણે શરૂ કર્યું. રશ્મિબહેન ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે છે. બે ટંક આરતી, ચંડીપાઠ અને એક બહુચરમાની સ્તુતિ છે જે તેમની અતિ પ્રિય છે. એ તેઓ ચોક્કસ ગાય છે. નવરાત્રિના ઉપવાસ પણ તેઓ કરે છે જેમાં રાજગરા સાથે સૂરણ કે મોરૈયા સાથે સૂરણ ખાય છે. ચૈત્ર અને આસો મહિનાની બન્ને નવરાત્રિમાં તેઓ આ ઉપવાસ કરે છે. ડાયાબિટીઝ શરૂ થયા પછી તબિયત સાચવતાં-સાચવતાં ઉપવાસ પણ સાચવતાં હોય છે. એ વિશે વાત કરતાં રશ્મિબહેન કહે છે, ‘એક ઉંમર પછી તમને ધર્મ કરવો હોય પણ સાથે તમે એ પણ ઇચ્છા રાખતા હો કે તમારે લીધે કોઈ હેરાન પણ ન થવું જોઈએ. એ માટે મેં રાજગરાના ખાખરા ઘરે બનાવ્યા છે. સાંજે જ્યારે એવું લાગે તો દૂધ-ખાખરો ખાઈ લઉં છું. હું એક ગ્રુપમાં અનુષ્ઠાન કરતી હતી. ત્યાં બીજા લોકોને જોઈને મને ભાવ થયો કે મારે પણ ઉપવાસ કરવા છે.’
હું જે પણ કરું છું એ બધું શ્રદ્ધાથી કરું છું એમ સ્પષ્ટતા કરતાં રશ્મિબહેન કહે છે, ‘કોઈ પણ નિયમ શ્રદ્ધાથી ઉપર નથી હોતો. હું મારાથી જેટલું થઈ શકે છે એ કરું છું, પણ પછી ન થાય તો દુખી નથી થતી. જેમ કે ઘરે માતાજી હોય તો આઠમનો હવન કરવો જોઈએ પણ હવન નથી કરી શકતી તો ગાયત્રીમંત્રના ૨૪૦૦ જાપ વધુ કરી લઉં છું. શુકન-અપશુકનમાં હું નથી માનતી. એ મા છે અને મા ક્યારેય કોઈનું ખરાબ કરી જ ન શકે. કંઈ ભૂલ થાય તો તે તેનાં બાળકોને મોટું મન રાખીને માફ કરી દે છે. મને તેમનો ખૂબ સહારો છે. એ સાથ હંમેશાં ટકી રહે એટલે નવરાત્રિની આ આરાધના મારા માટે મહત્ત્વની છે.’
છેલ્લાં ૫૪ વર્ષથી એકધારી નવરાત્રિમાં હવન-અનુષ્ઠાન જેવી અઢળક પરંપરાઓ નિભાવે છે આ પરિવાર
પ્રભાદેવીમાં રહેતાં ૪૪ વર્ષનાં હેમા મહેતાના ઘરમાં ગરબો આવતો નથી, પરંતુ ગરબાના સ્થાને અખંડ જ્યોત તેઓ રાખે છે જે તેમની કૌટુંબિક પરંપરા છે. આ અખંડ જ્યોતને જ તેઓ માતાજીનું પ્રતીક માને છે. પોતે આ અખંડ જ્યોતને કારણે ખાસ ઘરની બહાર ન નીકળતા હોવાને કારણે માતાજીનાં દર્શનનું સુખ ન ચુકાય એ માટે તેઓ ઘરે બેડા પર સાડી લપેટી એને શણગાર કરી માતાજીની પ્રતિકૃતિ બનાવે છે. એ વિશે વાત કરતાં હેમાબહેન કહે છે, ‘મને એ પ્રતિકૃતિ બનાવવી ખૂબ ગમે છે. અમારે ત્યાં દાતણ પર દિવેટ બનાવીને દીવો પ્રગટાવાય છે. રૂમાં નાડાછડીને ભેરવીને શક્રાદય એટલે કે ચંડીપાઠનો ચોથો અધ્યાય ગાતાં-ગાતાં પતિ-પત્ની મળીને આ રીતે દીવો બનાવે છે. છેલ્લાં ૫૪ વર્ષથી આ રીતે જ મારે ત્યાં નવરાત્રિ ઊજવાય છે. આ પરંપરા મારાં સાસુ-સસરા નિભાવતાં, જે હવે નથી તો તેમના બદલે અમે નિભાવીએ છીએ.’
હેમાબહેન પણ નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે, જે ઉપવાસમાં તેઓ એક ટંક ખાય છે. દરરોજ નિયમ મુજબ તેઓ સવાર-સાંજ માતાજીને કઢેલું દૂધ અને બરફીનો પ્રસાદ ધરે છે. બપોરે તેમને જમવાનું ધરે અને તેમનો જ પ્રસાદ સમજીને પોતે એ ખાય. એક જ ટંક જમવાનું, બીજા ટંકમાં જરૂર પડે તો જ દૂધ કે ફળ લેવા જેવા નિયમો તેઓ પાળે છે. બાકી ચંડીપાઠ, જેને સપ્તશતીનો પાઠ કહે છે એ ૧૩ અધ્યાયનો છે. એ કરતાં લગભગ પોણાત્રણ કલાક જેવો સમય લાગે. એ પાઠ હેમાબહેન દરરોજ કરે છે. આઠમના દિવસે હવન કરે છે. આ સિવાય જે અનુષ્ઠાન છે એના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ગાયત્રીમંત્રનું અનુષ્ઠાન કરું છું. ૯ દિવસમાં ૨૪,૦૦૦ જાપ પૂરા કરવા માટે એક દિવસની ૨૭ માળા કરું છું જે મારા માટે ઘણા મહત્ત્વના છે. મારે બે દીકરીઓ છે જે માતાજીના આશીર્વાદથી મને મળી છે. એ બન્ને સાંજે ઘરે આવે પછી અમે બધાં મળીને પાંચ ગરબા ગાઈએ.’
આટલાં વર્ષોથી થતી માતાજીની ભક્તિ વિશે વાત કરતાં હેમાબહેન કહે છે, ‘હું ક્યારેય તેમની પાસે કશું માગતી નથી. છતાં તે ખુલ્લા હૃદયે આપે છે, કારણકે એ મા છે. કોઈ પણ અટકતાં કામોમાં તેમની કૃપાથી જાતે રસ્તાઓ ખૂલતા જાય છે. આ ૯ દિવસની આરાધનાથી મને અનુભૂતિ છે કે આપણું ઓજ વધે છે. કર્મમાં હશે તો તકલીફો દૂર થવાની નથી, એ તકલીફોનો સામનો કરવાની શક્તિ આ નવ દિવસની આરાધનામાંથી હું ભેગી કરી લઉં છું.’
સવારે એક ફળ અને સાંજે બાફેલું સૂરણ: ૭૮ વર્ષે પણ આવા આત્મિક બળ આપતા ઉપવાસ કરે છે આ બા
વિલે પાર્લેમાં રહેતાં ૭૮ વર્ષનાં ઉન્નતિબહેન હાથી છેલ્લાં ૪૦ વર્ષથી માતાની આરાધના કરે છે. અત્યારે જે ચાલે છે એ આસો નવરાત્રિ સિવાયની બીજી ત્રણ એટલે કે ચૈત્રી, અષાઢ, મહા મહિનામાં આવતી નવરાત્રિ પણ તેઓ પૂરી શ્રદ્ધાથી નિભાવે છે. ઉન્નતિબહેનના ઘરમાં ગરબો બિરાજે છે. સવાર-સાંજ આરતી, માતાજીની સ્તુતિ, દેવી સૂક્તમ અને સાંજે ત્રણ ગરબા ગાવાની પ્રથા તેઓ નિભાવે છે. ખુદને હાલમાં ડાયાબિટીઝ હોવા છતાં વર્ષોથી જે ઉપવાસ કરે છે એ ઉપવાસ તેમણે છોડ્યા નથી. સવારે ફક્ત એક ફળ અને સાંજે બાફેલું સૂરણ ખાઈને તેઓ નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું મીઠું પણ નથી લેતી. ફક્ત ફળ અને સૂરણ પર આખા ૯ દિવસ કાઢવા મને ગમે છે. બાકી દરરોજ માતાજીને ધરવા માટે પ્રસાદ ઘરે બનાવું. શીંગપાક, પેંડા, ટોપરાપાક. એ પ્રસાદને પણ પ્રસાદની જેમ જ એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં લઉં. આખા વર્ષ દરમિયાન આવતી ચારેય નવરાત્રિમાં હું આ રીતે જ ઉપવાસ કરું છું. ડાયાબિટીઝ હમણાં થોડા સમયથી આવ્યો છે પણ એમાં વાંધો નથી આવતો, મૅનેજ થઈ જાય છે. ઉપવાસને આત્મિક બળ માટે કરવાના હોય છે, જે બળ શરીરને સાચવી લે છે.’
નવરાત્રિમાં પોતે બહાર પણ ગરબા રમવા જાય, નવરાત્રિના ઉપવાસ કઈ રીતે કરવા કે પછી દીવાનું મહત્ત્વ શું છે જેવા વિષયો પર તેઓ એક વક્તા તરીકે પણ ઘણા લોકોને માર્ગદર્શન આપે. આ વિશે વાત કરતાં ઉન્નતિબહેન કહે છે, ‘મારા ઘરમાં બધા આરતીમાં સહભાગી થાય. આઠમા દિવસે અમે નિવેદ કરીએ જેમાં નવ શાક બનાવવાનાં હોય. અમે કરીએ એવું કે રીંગણ, વાલોળ, મેથી જેવાં શાક મિક્સ કરીને એક શાક બનાવીએ અને ગુવાર, કોળું, ટીંડોળા, બટાટા ભેગા કરીને એક શાક બનાવીએ. નિવેદમાં જુદી-જુદી નવ વસ્તુ હોય. એ મેં મારાં સાસુ અને મમ્મી પાસેથી શીખ્યું છે. પહેલાં અમે માટીનો ગરબો લેતા હતા, હવે મારી પાસે એક સિલ્વર પ્લેટેડ ગરબો છે જેને છેલ્લા દિવસે ત્રણ વાર પાણીમાં પધરાવીને અમે સાફ કરી મૂકી દઈએ છીએ. દર વર્ષે એમાં જ માતાજીનું સ્થાપન કરીએ છીએ.’
ઑલ ઇન્ડિયા વિમેન કૉન્ફરન્સના વિલે પાર્લે શાખાનાં ટ્રસ્ટી અને મુખ્ય શાખાનાં પેટ્રન તરીકે કાર્યરત ઉન્નતિબહેન સમાજસેવા પણ ખૂબ કરે છે. જરૂરતમંદ છોકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે સૅનિટરી પૅડ્સની વહેંચણી હોય કે ગરીબ બાળકોને સ્કૂલની ફીસ પૂરી પાડવાની હોય, આવા કામમાં ઉન્નતિબહેન આગળ હોય. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘માતાની આરાધના ફક્ત પૂજાપાઠથી પતી નથી જતી, મા જેમ એના બાળકોનું ધ્યાન રાખે છે એમ આપણે પણ બાળકોનું ધ્યાન રાખવું એમ તે શીખવે છે. નવરાત્રિની આરાધનાનો મુખ્ય હેતુ જ એ છે કે આપણે આપણી અંદર એ દૈવી તત્ત્વનો જે અંશ છે એને જગાડવાનો છે. આ અંશ હંમેશાં જાગૃત રહે બસ, એ જ માને પ્રાર્થના છે.’