`વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ` પાછળની કથા અને વ્યથા

07 October, 2024 07:11 AM IST  |  Mumbai | Mukesh Pandya

નવીનવેલી વહુ સાસરિયાંમાં પડતી તકલીફોની વાત પિયરિયાંને કરી દેતી હશે એવી શંકામાંથી આ ગીત રચાયું છે. અંતમાં વહુને ઝેર પાઈને મારી દેવામાં આવે છે ત્યારે પણ એ વહુએ જાતે જ વખ ઘોળ્યું હોય એવું માની લેવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં... રે લોલ

ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ,

 

માએ તે દીકરી વળાવી રે લોલ

કરો દીકરી સુખ દુઃખની વાત જો

 

કવળાં સાસરિયામાં જીવવું રે લોલ.

પછવાડે ઊભી નણંદી સાંભળે રે લોલ,

 

વહુ કરે છે આપણા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

નણંદીએ સાસુને સંભળાવ્યું રે લોલ

 વહુ કરે છે મોટા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

સાસુએ જઈ સસરાને સાંભળાવ્યું રે લોલ

વહુ કરે છે આપણા ઘરની વાત રે

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જેઠને સાંભળાવ્યું રે લોલ

વહુ કરે છે મોટા ઘરની વાત જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

જેઠે જઇ પરણ્યાને સાંભળાવ્યું રે લોલ

તારી વહુ કરે છે આપણા ઘરની વાત રે

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

પરણ્યાએ તેજી ઘોડો છોડીયો રે લોલ

ગયો પોતે ગાંધીદાને હાટ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

અધશેર અફીણિયા તોળાવ્યાં રે લોલ

પાશેર તોળાવ્યો સોમલખાર જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

સોનલા વાટકડે અમલ ઘોળ્યાં રે લોલ

પીવો ગોરી નહીંતર હું પી જાવ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ

તાણી છે કાંઈ ઘરચોળાની સોડ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ,

બીજો વિસામો ઝાંપા બહાર જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગામને ગોંદરે રે લોલ

ચોથો વિસામો સમશાન જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

સોનલા સરીખી વહુની ચેહ બળે રે લોલ

રૂપલા સરીખી ઊડે રાખ જો

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

 

બાળી ઝાળીને ઘેર આવ્યાં રે લોલ

હવે માડી થઈ તને નિરાંત જો

ભવનો ઓશિયાળો હવે હું રહ્યો રે લોલ

 આ ગીત પાછળની લોકકથા કંઈક આવી  છે. જૂના સમયમાં કન્યાને દૂર-દૂર પરણાવી હોય તો  કન્યા પોતાનાં દુખડાં પણ માબાપ આગળ રોઈ શકતી નહીં, પરંતુ એક કન્યાનું પિયર અને સાસરું એક જ ગામમાં હોવા છતાં વહુને તકલીફ થઈ એ આ લોકગીતમાં જોવા મળે છે.

આ વહુ પોતાના  પિયરમાં વાતો કરતી હશે એની ચાડી નણંદે સાસરિયે કરી. સાસરીવાળાને એમ લાગ્યું કે વહુ અમને ગામમાં વગોવે છે. સાસુએ પોતાના માવડિયા પુત્રને આદેશ આપ્યો, વહુને ઝેર પાઈ દે. વહુ પણ પોતાની નિર્દોષતા સાબિત કરવા પતિએ આપેલા ઝેરનો વાટકો પી જાય છે. પોતાનું બલિદાન આપે છે.

ખરે જ પુરુષપ્રધાન સમાજમાં ભોગવવાનું તો સ્ત્રીને ફાળે જ આવતું હતું એ તો હકીકત હતી જ પણ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની જતી હતી એ એક દુઃખદ આશ્ચર્ય હતું. આજે પણ બે પ્રકારની સાસુ જોવા મળે છે. એક એમ માને છે કે અમે જે ભોગવ્યું એ અમારી વહુએ ન ભોગવવું પડે. તેઓ પોતાની વહુને દીકરીની જેમ રાખે છે. બીજી બાજુ અમુક સાસુ એવું માનતી હોય છે કે જેવું અમે ભોગવ્યું છે એવું અમારી વહુ પણ ભોગવે. આવા વિચારોથી ઘરમાં કંકાસ જ વધે છે. એનાં પરિણામ સારાં આવતાં નથી.

એવો પણ એક સમય હતો જ્યારે ગામડાંઓમાં એવા કિસ્સા પણ બનતા હતા કે પોતાના કુટુંબને આગળ ધપાવનારો કુળદીપક કે વંશ મળી ગયા પછી જો સાસુને વહુ સાથે બનતું ન હોય તો તેને મારી નાખવામાં આવતી. તેનું કાસળ કાઢી નાખવામાં આવતું. એ વખતે નાનકડાં ગામોમાં નહોતી પોલીસ-કોર્ટકચેરીની એટલી સગવડ કે નહોતી કોઈ પોસ્ટ મૉર્ટમની વ્યવસ્થા, કોઈનું પણ કાસળ કાઢીને એને અકસ્માતમાં ખપાવી દેવાતું હતું અથવા તો વહુઆરુઓને એટલો ત્રાસ આપવામાં આવતો કે તેઓ કૂવામાં કૂદીને આત્મહત્યા કરવા કે વિષ પીવા મજબૂર બની જતી. ઉપરોક્ત લોકગીતમાં યોજનાબધ્ધ રીતે વહુને મારી નખાય છે, પણ લાગે એવું કે વહુએ જ જાતે વખ ઘોળ્યા હશે. પિયરમાં પણ એવી જ સલાહ અપાતી કે ‘ગમે તેટલાં દુઃખ હોય, પાછી ન આવતી. એના છાંટા નાની બહેનો પર પડશે. તેમનો હાથ કોઈ નહીં ઝાલે. હવે તો સાસરિયેથી જ તારી અર્થી ઉઠશે.’’

આજે નવરાત્રિ નિમિત્તે આપણે શક્તિની પૂજા કરીએ છીએ. શક્તિરૂપી મહિલાની પૂજા કરીએ છીએ પણ એક સમય એવો હતો કે આપણે નારીને અબળા બનાવી દીધી હતી. ઢસરડા કરવાના, અપમાન સહન કરવાનું, કવેણ સાંભળવાનાં, ગમે તેટલાં દુઃખ મળે પણ પિયરમાં વાત નહીં કરવાની, વખત આવ્યે બલિએ ચડી જવાનું, આ બધાં કામ વહુએ કરવાનાં અને છતાંય એ વખતના ગીતોના શીર્ષકમાં તો એમ જ હોય કે – ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં...’

આ કૉલમમાં પૂરાં ગીતો મૂકવામાં આવે છે જેથી વાચકોને સત્યતાની જાણ થાય. બાકી આજના પ્રોફેશનલ ફ્યુઝન ગરબાના ટ્રેન્ડમાં તો એક મુખડું ગવાય પછી બીજા ગીતનું, પછી  ત્રીજા ગીતનું મુખડું એમ ચાર-ચાર લાઇનો જ ગવાય છે જેના પર આજનું યુવાધન હિલોળા લે છે. પરંતુ આખું ગીત જાણવાથી જ ખબર પડે કે ભૂતકાળમાં કેટલીયે મહિલા શક્તિ ( કે અબળાઓ?) હીબકે ચડી હશે.

life and style culture news navratri Garba columnists